ફિલ્મો સાઉથની, ફિલ્મો ગુજરાતની : સત્કારની ભાવના જો મનમાં હશે તો જ પ્રાદેશિક ભાષાનું મૂલ્ય રહેશે

Published: Jun 08, 2019, 09:28 IST | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ? | મુંબઈ

આવી મિક્સ-બ્રીડવાળી ગુજરાતી તમને સ્વીકાર્ય છે, તમે આ સંયોજન પચાવી શકશો ખરાં? ભૂલથી પણ ‘હા’ નહીં બોલતાં.

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સાઉથની ફિલ્મોની વાત આવે ત્યારે આપણે ભાષાની બાબતમાં એક થઈ જઈએ છીએ. મલયાલી ફિલ્મ હોય, કન્નડ હોય કે પછી હોય તેલુગુ કે તામિલ ફિલ્મ, પણ આપણી માટે એ બધી સાઉથની ફિલ્મો છે. આ ફિલ્મોના ખૂબ વખાણ થાય છે. કરોડો નહીં, હવે અબજોના ખર્ચે આ પ્રાદેશિક ફિલ્મો બને છે - પણ વાત જ્યારે ગુજરાતી ફિલ્મની આવે ત્યારે તરત જ બજેટ પર કાપ મૂકવાનું શરૂ થઈ જાય અને તરત જ કહેવામાં આવે કે રિકવરી નથી. વાત ખોટી પણ નથી, એ પણ એટલું જ સાચું છે કે રિકવરી નથી. આ રિકવરી નહીં હોવા પાછળનો જો કોઈ અગત્યનો પૉઈન્ટ હોય તો એ જ કે ગુજરાતી ફિલ્મ જોવા માટે ઑડિયન્સ જતું નથી. આ પૉઇન્ટ સાથે જ આજનો વિષય શરૂ થાય છે.

પ્રાદેશિક ભાષા માટે જો સત્કારની ભાવના નહીં પ્રગટે તો પ્રાદેશિક ભાષાનું મૂલ્ય રહેશે નહીં. એ ભાષા ખરેખર રસ્તા પર રઝળતી અને ભટકતી થઈ જશે. સાઉથમાં જઈને જુઓ કે પછી બંગાળી ભાષાનું વર્ચસ્વ છે એ એરિયામાં જઈને પણ જુઓ, બે સ્થાનિક મળશે ત્યારે એ પોતાની ભાષામાં, પોતાની બોલીમાં વાત કરશે. પંજાબમાં પણ એવું જ છે. બે પંજાબી મળશે ત્યારે સીધા પંજાબી વાર્તાલાપ શરૂ કરી દેશે. તમે બેઠા હશો તો પણ એમનું પંજાબી ચાલુ રહેશે. આવું થવાનું કારણ માત્ર એક જ છે, તેમને માતૃભાષા માટે ગર્વ છે અને આ જે ગર્વ છે એ ગર્વ જ તેમની ભાષાને જીવંત રાખે છે. આપણે ગુજરાતીઓ, ખાસ કરીને બે ભણેલા-ગણેલા ગુજરાતીઓ મળશે તો તરત જ અંગ્રેજીમાં ભચડ-ભચડ ચાલુ કરી દેશે. આપણું યુથ પણ એ જ કામ કરે છે. આપણને એ વાતનું ગર્વ છે કે આપણે અંગ્રેજી બોલીએ છીએ. આજે તો જગજાહેર છે કે સાઉથ અને બેંગોલી આપણી ગુજરાતી કમ્યુનિટી કરતાં ભણતરમાં ક્યાંય આગળ છે અને એ પછી પણ વાત જ્યારે માતૃભાષાની આવે છે ત્યારે તેમનામાં પ્રેમ જાગૃત થઈ જાય છે. કોઈ જાતની ટકોર વિના, કોઈ જાતની શિખામણ વિના.

આ પણ વાંચો : એક ઝુંબેશ ભેળસેળ વિરુદ્ધ: શુદ્ધ, સાત્વિક અને શ્રેષ્ઠ દરેક નાગરિકનો હક

આ જે પ્રેમ છે એ પ્રેમ જ માતૃભાષા અને માતૃભાષા સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિને અકબંધ રાખે છે. આજે એવી હાલત છે કે ગુજરાતી ફિલ્મો બનાવનારાઓ બહાર આવ્યા છે પણ રિકવરીનો પ્રશ્ન દિવસે-દિવસે મોટો થતો જાય છે. જો તમે જશો નહીં તો કોઈ બનાવશે શું કામ, જો તમે ગુજરાતી બોલશો નહીં, ગુજરાતી સાંભળશો નહીં, ગુજરાતી સ્વીકારશો નહીં તો કેવી રીતે ગુજરાતી ટકશે. હકીકત છે કે ભાષા ક્યારેય મરતી નથી. ગુજરાતી મરી જશે એવી ફરિયાદો છે કે નર્મદના સમયથી થતી આવી છે પણ એ ફરિયાદો વચ્ચે પણ આજે ગુજરાતી ભાષા અકબંધ છે. આવી અવસ્થામાં પણ ગુજરાતી, સાચી ગુજરાતીનું મરણ થઈ રહ્યું છે એ હકીકત તો સૌ કોઈએ સ્વીકારવી પડશે. ગુજરાતીમાં બોલાતાં એક વાક્યમાં ચાર અંગ્રેજી અને ત્રણ હિન્દી શબ્દો આવી જાય છે. આવી મિક્સ-બ્રીડવાળી ગુજરાતી તમને સ્વીકાર્ય છે, તમે આ સંયોજન પચાવી શકશો ખરાં? ભૂલથી પણ ‘હા’ નહીં બોલતાં. કારણ તમારો આ હકારાત્મક જવાબ પણ સાચી ગુજરાતી ભાષાને આત્મહત્યા કરવા તરફ તાણી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK