#metoo: હવે કેમ બધું શાંત છે, હવે કેમ કોઈ કશું બોલતું નથી?

મનોજ નવનીત જોષી | Apr 12, 2019, 10:22 IST

કોઈની રાહ નહીં જુઓ અને યાદ રાખો કે મૂવમેન્ટનો હિસ્સો નથી બનવાનું, મૂવમેન્ટ બનવાનું છે. આરંભ તમારે કરવાનો છે, નહીં કે અન્ય કોઈના આરંભનું પૂછડું.

#metoo: હવે કેમ બધું શાંત છે, હવે કેમ કોઈ કશું બોલતું નથી?
#metoo

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, આખી મૂવમેન્ટની અસર હવે રહી નથી. હવે બધું એકદમ શાંત છે અને કોઈ કશું બોલતું પણ નથી. આજની આ જે કોઈ શાંતિ છે એ જોતાં પૂછવાનું મન થાય કે ભાઈ, શું બન્યું, બધા સુધરી ગયા કે પછી રાતોરાત પુરુષો રાજા હરિશ્ચંદ્ર બની ગયા? એકાએક મર્યાદા પુરુષોત્તમની ભાવના પુરુષોના મનમાં આવી ગઈ કે પછી #metooની મૂવમેન્ટ ચલાવનારી મહિલાઓ દુર્ગા બની ગઈ, તેનામાં કાલીનો આત્મા આવી ગયો અને એટલે હવે પુરુષોને ડર લાગવો શરૂ થઈ ગયો? બન્યું શું? કેમ બધું અચાનક શાંત અને સાફસુથરું થઈ ગયું?

જ્યારે પણ રાતોરાત કોઈ મૂવમેન્ટ શરૂ થઈ છે ત્યારે હંમેશાં એની અસર થોડા સમયમાં ઓસરી ગઈ છે અને એ ઓસરેલી અસર ક્યાંક ને ક્યાંક સમાજને નુકસાન પહોંચાડતી જાય છે. જે પ્રકારે એ આખી મૂવમેન્ટ શરૂ થઈ હતી એ ખરેખર સારી વાત હતી, પણ જે રીતે એમાં લોકો જોડાવાનું શરૂ થઈ ગયું એ ખરેખર હિન્નતા આપે એવી ભાવના હતી. બીજાની હિંમત પર દોડી જનારાઓ હંમેશાં ક્યાંક ને ક્યાંક માર ખાઈ બેસતા હોય છે અને આ રીતે માર ખાનારાઓ હંમેશાં બીજાને વધારે બદનામી પણ આપી જતા હોય છે. જેને વાત ગમી નથી, જેને સ્પર્શ યોગ્ય લાગ્યો નથી એ શું કામ આટલાં વર્ષો સુધી એ ડંખને પોતાની અંદર ભરીને બેસી રહ્યું એ સવાલનો જવાબ પણ મળવો જોઈએ અને સાથોસાથ એ પણ જવાબ મળવો જોઈએ કે જો તમે કોઈને બદનામ કરી રહ્યા છો તો તેને આ રીતે અધૂરી બદનામી આપવાને બદલે બરાબર ખુલ્લો કરો અને ખુલ્લો કરીને સમાજ સામે તેને બર્થ સ્યુટમાં લઈ આવો. જરૂર છે આ કરવાની. આજે તમે #metooના નામે દોડશો, આવતી કાલે આવી જ બીજી કોઈ મૂવમેન્ટ શરૂ થશે અને એમાં પણ ભાગવાનું કામ શરૂ થઈ જશે, પણ ભૂલવાનું નથી કે આપણે દોડવા નથી નીકળ્યા, આપણો હેતુ સમાજને સુધારવાનો અને સમાજને વધુ સ્વસ્થ બનાવવાનો છે. સમાજ સ્વસ્થ બનશે તો જ આવી કોઈ મૂવમેન્ટની જરૂરિયાત નહીં રહે. જો સમાજ સ્વસ્થ બનશે તો જ માનસિક તંદુરસ્તી અકબંધ રહેશે અને જો સમાજ સ્વસ્થ હશે તો જ સમાજની એકેક નારીને તેનું માન-સન્માન મળતું રહેશે.

આ પણ વાંચો : જો આગળ વધવું હોય તો ગૂગલ અને ફેસબુકના રસ્તે ચાલવું પડશે, એની સ્ટાઇલ અપનાવવી પડશે

જે સમયે આ #metoo મૂવમેન્ટ શરૂ થઈ હતી એ સમયે અનેક લોકોએ એવી માગણી કરી હતી કે એના પર લખવામાં આવે, પણ એ સમયે લખવાનું ટાળ્યું હતું અને એનું એક કારણ પણ હતું. એ હવા હતી અને હવા ચાલતી હોય ત્યારે કહેવાયેલી સાચી વાત પણ ઓસરી જતી હોય છે, ઓગળી જતી હોય છે. ઓસરવું ન હોય, વહી ન જવું હોય તો શાંતચિત્તે અને સ્વસ્થ મનથી વાત કરવી પડે. આજે એ જ વાત કહેવી છે તમને. કહેવું છે કે જે સમયે તમને અયોગ્ય વર્તન લાગે એ જ સમયે તમે એનો જવાબ આપી દો. સમય લેશો કે રાહ જોશો તો સ્વાભાવિક રીતે તમારા હેતુ પર પણ શંકા જન્મી શકે છે. મજબૂરી જગતમાં બધાને છે. જૉબ ન જાય એવી મજબૂરીનું નામ આગળ ધરીને જો તમે ચાર મહિના કે વર્ષ પછી જાહેરમાં આવવાના હો તો તમારા હેતુ પર પણ શંકા જન્મી શકે છે અને જ્યારે શંકાના દાયરામાં હો ત્યારે બીજા પર કરવામાં આવેલો આક્ષેપ પણ પાયા વિનાનો બની જતો હોય છે. કોઈની રાહ નહીં જુઓ અને યાદ રાખો કે મૂવમેન્ટનો હિસ્સો નથી બનવાનું, મૂવમેન્ટ બનવાનું છે. આરંભ તમારે કરવાનો છે, નહીં કે અન્ય કોઈના આરંભનું પૂછડું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK