Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહિ, જીવતાં મારી જગતને ખોટ વરતાયા કરે

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહિ, જીવતાં મારી જગતને ખોટ વરતાયા કરે

23 June, 2019 10:10 AM IST | મુંબઈ
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહિ, જીવતાં મારી જગતને ખોટ વરતાયા કરે

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહિ, જીવતાં મારી જગતને ખોટ વરતાયા કરે


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જાણીતા ગઝલકાર ગની દહીવાલાની આ ગઝલ મારી મનગમતી છે. એની શરૂઆત કંઈક આ શબ્દોમાં છે, ‘જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે...’ ગઝલની એકે-એક પંક્તિ આંખોમાં અને તમારા આખા અસ્તિત્વમાં ચમત્કૃતિ સર્જી શકે એટલી સક્ષમ છે. તમારા આંતરજગતમાં આવતાં અનેક વાવાઝોડાંને શાંત પાડી દે એવી આ ગઝલ છે. આ જ ગઝલની બીજી એક પંક્તિ છે : માફ કર નિષ્ક્રિયતા મારાથી એ બનશે નહીં, જીવતાં મારી જગતને ખોટ વરતાયા કરે...



આ વાત જો દરેક મગજમાં કોતરી નાખે તો સમાજમાંથી પોણા ભાગના માનસિક રોગીઓ સમાપ્ત થઈ જાય. મગજ ત્યારે જ ખોટા વિચારે ચડે છે જ્યારે મગજ પાસે સાચા વિચારો કરવાનાં કારણો પૂરાં થઈ જાય છે. એ કારણો આપણી નિષ્ક્રિયતાથી સમાપ્ત થાય છે. નવરા નખ્ખોદ વાળે. નવરું મગજ માત્ર બીજાનું જ બગાડે એવું નથી, નવરું મગજ પોતાનું જીવન અને પોતાની આસપાસના લોકોના જીવનમાં પણ ઝંઝાવાત સર્જતું હોય છે.


નિષ્ક્રિયતા...

ભગવાને બધાં અંગ બરાબર આપ્યાં હોય, મગજ પણ સારું ચાલતું હોય અને છતાં તમે કંઈ જ કર્યા વિના દિવસો ને દિવસો પસાર કર્યા કરતા હો તો તમે જોખમમાં છો. અહીં દુનિયામાં અકારણ કંઈ જ નથી. દરેક પાછળ કંઈક ને કંઈક ધ્યેય છે. તમારું અસ્તિત્વ પણ અમસ્તું નથી. તમે પણ એ જ બ્રહ્માંડના અંશ છો જેવા સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, શ્રીકૃષ્ણ કે ભગવાન મહાવીર હતા. તમે તમારી મહત્તા જરાય ઓછી નહીં આંકો. જો તમને તમારું મહત્વ સમજાતું હોય તો તમે નિષ્ક્રિય ન રહી શકો. કંઈ પણ કર્યા વિના નકામા બેસી ન શકો. કંઈક ને કંઈક સકારાત્મક કરતા રહો. નાનકડું કાર્ય કેમ ન હોય? મારા એકલાના કરવાથી શો ફેર પડશે એવા તકલાદી વિચાર છોડી દો. તમારા હોવાથી આ બ્રહ્માંડને ફરક પડતો હતો એટલે જ કરોડો સ્પર્મમાં તમારો નંબર લાગ્યો અને એટલે જ આજે તમે શ્વસી રહ્યા છો અને આટલા મોટા ઢાંઢા થયા છો. તમારા હોવાથી આ પૃથ્વીને ફરક પડે છે, તમારા અસ્તિત્વથી આ બ્રહ્માંડને ફરક પડતો હતો અને એટલે જ તમારી નિષ્ક્રિયતા નહીં ચાલે.


આ પણ વાંચો : ઘરમાં એવી કૅશ સાચવીને રાખો જેની ઘરના તમામ સભ્યોને ખબર હોય

હું તો ત્યાં સુધી કહીશ કે બીજા માટે કંઈ નહીં તો તમે તમારા ગ્રોથ માટેય કંઈક કરો, કંઈક નવું શીખો, વાંચન કરો, કોઈ ક્રીએટિવ દિશામાં આવડત હોય તો એમાં કંઈક કરો, એ ન ફાવે તો સમાજ માટે કંઈક કરો, પ્રકૃતિ માટે કંઈક કરો, પરિવાર માટે કંઈક કરો. એક જ વાત છે કે કંઈક કરતા રહો. તમારા જીવતેજીવ જગતને તમારી ખોટ ન લાગે એના માટે કંઈક કરતા રહો. જગતની એકેય વ્યક્તિ તમને કહેવા નથી આવવાની કે તમારી ખોટ સાલે છે, પરંતુ તમારી પોતાની નૈતિક ફરજ સમજીને પણ કંઈક કરતા રહો. જ્યાં છો, જે છે એનાથી સતત બહેતર થવાની તમારી યાત્રા અટકવી ન જોઈએ. એવું થશે તો જ આ શેર તમને સમજાશે...

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે...

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 10:10 AM IST | મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK