Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૯૩ વર્ષથી સૌથી વધુ છપાઈ અને વંચાઈ રહી છે ગાંધીજીની આત્મકથા

૯૩ વર્ષથી સૌથી વધુ છપાઈ અને વંચાઈ રહી છે ગાંધીજીની આત્મકથા

02 October, 2020 08:11 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

૯૩ વર્ષથી સૌથી વધુ છપાઈ અને વંચાઈ રહી છે ગાંધીજીની આત્મકથા

૯૩ વર્ષથી સૌથી વધુ છપાઈ અને વંચાઈ રહી છે ગાંધીજીની આત્મકથા


ખોટો આડંબર નહીં કે ખોટી મોટાઈ રાખ્યા વગર આ ઓલિયા સંત જેવા માણસે તેમની આત્મકથામાં જ્યાં સુધી લખ્યું એ દરમ્યાન તેમના જીવનમાં જેકાંઈ થયું એનો કોઈ પણ જાતનો દંભ કે છોછ રાખ્યા વગર વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું છે અને એટલે જ આ વિરાટ વ્યક્તિત્વનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ આજે દેશ અને દુનિયામાં અમર બન્યું છે. પહેલી વાર ૧૯૨૭માં બાપુની આત્મકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ત્યાર બાદ આજે ૯૩ વર્ષ પછી પણ મહાત્મા ગાંધીની આત્મકથાનું પુસ્તક પબ્લિશ થઈ રહ્યું છે, વંચાય છે અને વેચાય પણ છે. બાપુએ તેમની આત્મકથાના સંદર્ભમાં લખ્યું હતું કે ‘મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે. હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી.’

અનેક આવકારદાયક, ઉદાહરણીય, પ્રેરણાદાયક અને સમાજ માટે આંખ ઉઘાડનારી વાસ્તવિકતાઓના બયાન સાથેનું આ બેજોડ પુસ્તક બની ગયું છે ત્યારે આજે ગાંધી જ્યંતીના અવસરે મોહનદાસ કરમચંદ ગાંધીએ જાતે લખેલા ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પુસ્તક વિશે આપણે જાણવા જેવી વાતોને વાગોળીએ.



૧૬ પ્રાદેશિક અને ૩૦ વિદેશી ભાષામાં


અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલા નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી કપિલ રાવલ બાપુની આત્મકથા વિશેની માહિતી આપતાં કહે છે, ‘દુનિયામાં ગાંધીબાપુ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમની આત્મકથા અંગ્રેજી સહિત ભારતની જુદી-જુદી ૧૬ પ્રાદેશિક ભાષાઓમાં અને ૩૦ વિદેશની ભાષાઓમાં પબ્લિશ થઈ છે. એ ઉપરાંત હાલમાં ભારતની કાશ્મીરી અને બોડો ભાષામાં પણ બાપુની આત્મકથાનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ બે ભાષામાં બાપુની આત્મકથાનું પુસ્તક પ્રિન્ટ થશે. દુનિયામાં ગાંધીબાપુની આત્મકથા સૌથી વધુ વેચાતી અને વંચાતી આત્મકથા છે. નવજીવનમાંથી અત્યાર સુધીમાં અંગ્રેજી સહિત જુદી-જુદી ૧૬ પ્રાદેશિક ભાષાઓમાં બાપુની આત્મકથાનાં બધું મળીને ૫૮,૩૬,૦૦૦ પુસ્તકો વેચાયાં છે. આટલાં તો માત્ર નવજીવન ટ્રસ્ટમાંથી બાપુની આત્મકથાનાં પુસ્તકોનું વેચાણ થયું છે, બાકી વિદેશની ૩૦ ભાષાઓમાં બાપુની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે એ પુસ્તકોના વેચાણની સંખ્યા તો અલગ જ છે.’

ગુજરાત કરતાં સાઉથમાં બાપુની આત્મકથા વધુ વેચાઈ


ભલે આપણે ગાંધીના ગુજરાતની વાત કરતા હોઈએ, પરંતુ એક હકીકત એ પણ છે કે નવજીવન ટ્રસ્ટમાંથી ભારતની પ્રાદેશિક ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાના પુસ્તકનું વેચાણ થયું છે એના આંકડા પરથી એવું કહી શકાય કે બાપુની આત્મકથા ગુજરાત કરતાં દક્ષિણ ભારતમાં વધુ વેચાઈ છે.

નવજીવન ટ્રસ્ટે સૌપહેલાં ૧૯૨૭માં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીની આત્મકથાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. જોકે ગાંધીબાપુની આત્મકથાનું પુસ્કત પહેલી વાર બે ભાગમાં પ્રસિદ્ધ થયું હતું, જેમાંથી પહેલો ભાગ ૧૯૨૭માં અને બીજો ભાગ ૧૯૨૯માં પ્રસિદ્ધ થયો હતો. જોકે ત્યાર બાદ એકસાથે જ આત્મકથાનું પુસ્તક પ્રસિદ્ધ થતું રહ્યું છે. અત્યાર સુધીમાં ગાંધીબાપુની આત્મકથાનાં ગુજરાતી ભાષામાં ૬,૮૧,૦૦૦ પુસ્તકોનું વેચાણ થયું છે, પરંતુ પ્રાદેશિક ભાષાઓમાં સૌથી વધુ બાપુની આત્મકથાનાં ૮,૩૪,૦૦૦ પુસ્તકોનું વેચાણ મલયાલમ ભાષામાં થયું છે અને ત્યાર બાદ બીજા નંબરે તામિલ ભાષામાં ૭,૪૫,૫૦૦ પુસ્તકોનું વેચાણ થયું છે. આ ઉપરાંત કન્નડ ભાષામાં ૨,૨૫,૦૦૦ પુસ્તકો અને તેલુગુ ભાષામાં ૧,૭૦,૦૦૦ પુસ્તકોનું વેચાણ થયું છે. ગાંધીનું ગુજરાત કહેનારા ગુજરાતીઓમાં બાપુની આત્મકથા જેટલી નથી વંચાઈ એટલી સામ્યવાદી ગણાતા કેરળના મલયાલીભાષીઓએ વાંચી છે.

ગાંધીબાપુની આત્મકથાનાં ૨૧,૦૮,૫૦૦ પુસ્તકો ઇંગ્લિશ ભાષામાં નવજીવન ટ્રસ્ટમાંથી વેચાયાં છે, જ્યારે હિન્દી ભાષામાં ૬,૭૩,૦૦૦ પુસ્તકો વેચાયાં છે. આ ઉપરાંત મરાઠી, ઉર્દૂ, બંગાળી, અેસામી, ઓરિયા, મણિપુરી, સંસ્કૃત, કોકણી તેમ જ પંજાબી ભાષામાં આત્મકથાનાં પુસ્તક પ્રસિદ્ધ થયાં છે; જ્યારે વિદેશની ભાષાઓમાં અરેબિક, સ્પૅનિશ, બ્રાઝિલિયન – પોર્ટુગીઝ, પૉલિઝ, નેપાલી, તિબેટન, સ્વાહિલ, હીબ્રૂ, ફ્રેન્ચ, ઇંગ્લિશ, જર્મન, ગ્રીક, હંગેરિયન, જૅપનીઝ, ભાષા – મલેશિયા, કોરિયન, સર્બો ક્રૉટ (યુગોસ્લાવિયા), સિંહાલા, સ્વીડિશ, ટર્કીશ, રશિયન, સ્લોવાક, ફિનિસ, ઇટાલિયન, ઇન્ડોનેશિયન, હંગેરિયન, ડચ, સ્લોવેનિયન, ચાઇનીઝ અને લેટ્વિયન જેવી ૩૦ વિદેશી ભાષાઓમાં ગાંધીબાપુની આત્મકથાનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે.

 પોતાની નબળાઈઓ અને ઊણપ બતાવી છે આત્મકથામાં

ગાંધીબાપુની આત્મકથાને લઈને કોઈને પણ સ્વાભાવિક પ્રશ્ન ઊઠે કે આત્મકથાના પુસ્તકમાં એવું તે શું છે કે એને વાંચવા નાગરિકો ઉત્સુક હોય છે એની પાછળનાં કારણો જણાવતાં અમદાવાદમાં આવેલા વિશ્વવિખ્યાત સાબરમતી આશ્રમમાં આવેલી સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અમૃતભાઈ મોદી કહે છે, ‘ગાંધીબાપુએ આત્મકથા નિખાલસ રીતે, ખુલ્લા દિલે લખી હતી. સામાન્ય રીતે માણસ તેમની આત્મકથામાં વિશેષતા બતાવે, પણ બાપુએ પોતાની ઊણપ બતાવી છે, પોતાની નબળાઈઓ બતાવી છે. પોતે ક્યાં ખોટું કર્યું એ પણ દર્શાવ્યું છે. સામાન્ય રીતે આવું કોઈ લખે નહીં, પણ બાપુએ લખ્યું છે. પોતાની ભૂલો વિશે માણસ ઓછું લખે, પણ બાપુએ ખૂબ ખુલ્લાપણાથી લખ્યું છે. આત્મકથાની વિશેષતા એ છે કે બહુ નિખાલસતાથી એ આત્મકથા લખી છે માટે એનું મહત્ત્વ છે અને માટે તેમણે એનું નામ ‘સત્યના પ્રયોગો’ આપ્યું છે. તેઓએ કહ્યું છે કે ‘મારા જીવનમાં જે સત્યના પ્રયોગો થયા છે એ મારે લોકોને જણાવવા છે.’ આત્મકથા ગાંધીબાપુએ લખી ત્યાં સુધી લખી, પછી આગળ ન લખી શક્યા. દેશની આઝાદીને લઈને આંદોલનો અને સત્યાગ્રહો એ બધું ચાલ્યું એટલે લખી ન શક્યા હોય અને આત્મકથા તો પોતે લખવાની હોયને? તેઓ પોતે સમયના અભાવે લખી ન શક્યા, પણ આવી આત્મકથા બહુ ઓછી લખાઈ છે જેમાં માણસ સારી વસ્તુ લખે, પોતાના જીવનના સારા બનાવો, સારા પ્રસંગો લખે, પણ આવું લખનારા બહુ ઓછા હોય છે એટલે ગાંધીબાપુની આત્મકથાનું મહત્ત્વ છે.’

નવજીવન માટે આત્મકથા લખવાનું શરૂ કરેલું

બાપુએ જ્યારે આત્મકથા લખવાનો નિર્ણય કર્યો ત્યારે તેમને એક સાથીએ કહ્યું હતું કે ‘તમે આત્મકથા શું કામ લખવાના છો? એ તો પશ્ચિમની પ્રથા છે.’ આત્મકથા લખવા માટેના સંદર્ભમાં બાપુએ પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે અને મેં સાઉથ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે એથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી એ પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો ‘નવજીવન’ને માટે જ લખી શકાય. મારે ‘નવજીવન’ માટે કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.’

ગાંધીજીએ આત્મકથા પુસ્તકની પૂર્ણાહુતિમાં લખ્યું છે કે ‘હવેનું મારું જીવન એટલું બધું જાહેર છે કે કશું પ્રજા નથી જાણતી એવું ભાગ્યે જ હોય. વળી ૧૯૨૧ની સાલથી હું મહાસભાના આગેવાનોની સાથે એટલો બધો ઓતપ્રોત થઈને રહ્યો છું કે એક પણ કિસ્સાનું વર્ણન નેતાઓના સંબંધને એમાં લાવ્યા વિના હું યથાર્થ રહીને જ કરી શકું. છેવટમાં હાલ ચાલતા પ્રયોગો વિશે મારા નિર્ણયો નિશ્ચયાત્મક ન ગણી શકાય એટલે આ પ્રકરણોને હાલમાં તો બંધ જ કરવાં એવું મારું કર્તવ્ય જણાય છે. મારી કલમ જ આગળ ચાલવાની ના કહે છે એમ કહું તો ચાલે.’

ગાંધીવિચારની પરીક્ષા આપી રહ્યા છે સ્ટુડન્ટ્સ અને કેદીઓ

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આવેલી સ્કૂલ અને કૉલેજોના સ્ટુડન્ટ્સ તેમ જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આવેલી લગભગ ૧૩ જેટલી જેલોમાં કેદીઓ હિન્દીમાં લખાયેલા બાપુના પુસ્તક સંક્ષિપ્ત આત્મકથા તેમ જ ‘મેરી જીવનકથા’નાં પુસ્તક વાંચીને ગાંધીવિચારની પરીક્ષા આપી રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ પરીક્ષા ગ્રાન્ટ રોડ પર આવેલી બૉમ્બે સર્વોદય મંડળ દ્વારા લેવામાં આવી રહી છે.

મુંબઈ સર્વોદય મંડળના નામે પણ ઓળખાતી આ સંસ્થાના મૅનેજિંગ ટ્રસ્ટી તુલસીદાસ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ગાંધીવિચારનો પ્રચાર-પ્રસાર થાય તએ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. સ્કૂલ–કૉલેજો તેમ જ જેલોના અનુકૂળ સમયે અમે આ પરીક્ષા યોજીએ છીએ. આ ઉપરાંત મુંબઈ–મહારાષ્ટ્રની ૧૩ જેટલી જેલોમાં પણ કેદીઓએ ગાંધીવિચારની પરીક્ષા આપી છે અને પરીક્ષા દરમ્યાન ગાંધીબાપુનું પુસ્તક વાંચ્યા પછી કેદીઓ સુધર્યા હોવાના કિસ્સા પણ બન્યા છે. દર વર્ષે અંદાજે ૩થી ૪ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને અંદાજે ૧ હજાર જેટલા કેદીઓ ગાંધીવિચારની પરીક્ષા આપે છે.’

આ સંસ્થાના મૅનેજર પ્રેમશંકર તિવારી ‘મિડ-ડે’ને કહે છે, ‘ધોરણ ૮થી ૧૦ના વિદ્યાર્થીઓને ગાંધીજીનું પુસ્તક ‘મેરી જીવનકથા’ તેમ જ ધોરણ ૧૧થી પોસ્ટ ગ્રૅજ્યુએટ સુધીના સ્ટુડન્ટ્સને ગાંધીજીનુ સંક્ષિપ્ત આત્મકથા પુસ્તક આપીને પરીક્ષા લેવામાં આવે છે. ઑબ્જેક્ટિવ રીતે પરીક્ષા લઈએ છીએ જેમાં ૪ ઑપ્શન હોય છે. આ પરીક્ષાનો સમય ૧ કલાકનો હોય છે અને ૮૦ પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્નનો એક માર્ક હોય છે. પરીક્ષા બાદ સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ આપીએ છીએ, જ્યારે કેદીઓને સર્ટિફિકેટ અને ખાદીનાં કપડાં આપીએ છીએ. મુંબઈમાં ભાયખલા જેલ, આર્થર રોડ જેલ, થાણે જેલ ઉપરાંત મહારાષ્ટ્રમાં નાશિક, પુણે, જાલના, ધુળે સહિતનાં શહેરોમાં આવેલી જેલોમાં આ પરીક્ષા લીધી છે અને કેદીઓને વાંચવા માટે પુસ્તક ફ્રી અપાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2020 08:11 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK