ચાલુ ટ્રેનમાં યુવક-યુવતી વચ્ચે લવ થયો અને ટ્રેનમાં જ લગ્ન

Published: 13th December, 2012 03:05 IST

દિલ્હીથી કલકત્તા જતી પૂર્વા એક્સપ્રેસની ઘટના

નવી જનરેશનને સુપરફાસ્ટ માનવામાં આવે છે, પણ આ જનરેશન ચાલુ ટ્રેનમાં જ લવ અને મૅરેજ પણ કરી લેશે એવી કોઈને કલ્પના પણ નહીં હોય. મંગળવારે દિલ્હીથી કલકત્તા જતી પૂર્વા એક્સપ્રેસ ટ્રેનમાં એક યુવક અને યુવતી વચ્ચે લવ થઈ ગયો હતો. વાત અહીં અટકતી નથી. આ લવબર્ડ્સે ટ્રેનમાં જ એકમેકને જીવનભર સાથ આપવાનું પ્રૉમિસ આપી દીધું અને ટ્રેન જ્યારે અલીગઢ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે અન્ય પૅસેન્જરની મદદથી ચાલુ ટ્રેનમાં જ મૅરેજ પણ કરી લીધાં હતાં. બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધા બાદ યુવકે યુવતીના સેંથામાં સિંદૂર ભરી દીધું હતું અને અન્ય પૅસેન્જર આ લગ્નના સાક્ષી બન્યા હતા. એ પછી એક પૅસેન્જરે આ વાતની જાણ મિડિયાને કરી દેતાં ટુંડલા નામના સ્ટેશને ન્યુઝ-ચૅનલ્સના પત્રકારો આ નવદંપતીને મળવા માટે દોડી આવ્યા હતા. એ પછી ગભરાઈ ગયેલાં બન્ને યુવક-યુવતીને મિડિયાથી બચવા છુપાઈ જવું પડ્યું હતું. બાદમાં પોલીસે યુવક-યુવતીની સઘન પૂછપરછ કરી હતી. યુવતીએ પોતે મરજીથી યુવક સાથે લગ્ન કર્યા હોવાનું પોલીસને કહ્યું હતું. યુવકે પણ પરિવારજનોને મનાવી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફિલ્મી સ્ટોરી જેવી આ ઘટના પૂર્વા એક્સપ્રેસના એસ-થ્રી કોચમાં બની હતી. અન્ય પૅસેન્જરોના જણાવ્યા પ્રમાણે ટ્રેન દિલ્હીથી ઊપડી ત્યારે યુવક અને યુવતી વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સતત એકબીજા સાથે વાત કર્યા કરતાં હતાં. સૌથી પહેલાં લગ્નનો પ્રસ્તાવ કોણે મૂક્યો એ તો ખબર ન પડી, પણ બન્નેએ ટ્રેનમાં જ મૅરેજ કરવાનું નક્કી કર્યું હતું. આ લવસ્ટોરીનો હીરો એવો યુવક લખનઉનો રહેવાસી છે, જ્યારે છોકરી ક્યાંની છે એની કોઈને જાણ ન હતી. કેટલાક પૅસેન્જરોએ કહ્યું હતું કે છોકરી દિલ્હીમાં એક મૅરેજ-ફંક્શનમાં ભાગ લઈને પરત ફરી રહી હતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK