પહેલું પગલું - (લાઇફ કા ફન્ડા)

Published: Dec 30, 2019, 15:11 IST | Heta Bhushan | Mumbai

એક ગામમાં એકદમ કમજોર, નબળો એક યુવાન રહેતો હતો

એક ગામમાં એકદમ કમજોર, નબળો એક યુવાન રહેતો હતો. બધા તેની મજાક ઉડાવતા અને તે બધા પર ગુસ્સે થતો. એક દિવસ ગામમાં માર્શલ આર્ટ શીખવનાર ગુરુ આવ્યા. નબળો અને કમજોર યુવાન માર્શલ આર્ટના ગુરુ પાસે ગયો અને તેમને વિનંતી કરવા લાગ્યો, ‘મને માર્શલ આર્ટ શીખવી મજબૂત અને શક્તિશાળી બનાવી દો’.

ગુરુજીએ તેને કહ્યું, ‘જો તું એક કામ એક મહિના સુધી રોજ કરીશ તો હું તને મારો શિષ્ય બનાવીશ.’

નબળા યુવાને ઉત્સુકતાથી પૂછ્યું,

‘કયું કામ ગુરુજી? મને કહો, હું ચોક્કસ પૂરું કરીશ.’

ગુરુજીએ કહ્યું, ‘એક મહિના સુધી રોજ તું તને જે મળે તેને, ગામની દરેકેદરેક નાની-મોટી વ્યક્તિને કહેજે કે તું કમજોર છે, તું નબળો છે અને એક મહિનામાં આખા ગામની બધી વ્યક્તિઓને આ વાત જણાવી દઈશ તો હું તને શિષ્ય બનાવીશ.’

પહેલાં તો યુવાને ઘસીને ના પાડી દીધી. કહ્યું, ‘બધા આમ પણ મારી મજાક કરે છે, હું સામેથી કહીશ કે હું નબળો છું તો મારી વધુ મજાક ઉડાવશે.’

ગુરુજીએ કહ્યું, ‘નહીં ઉડાડે; છતાં જેવી તારી મરજી, પણ તો પછી હું તને શિષ્ય નહીં બનાવું.’

પેલા યુવાને આખી રાત વિચાર કર્યો કે એક મહિનાની જ વાત છે પછી તો ગુરુજી પાસે માર્શલ આર્ટ શીખીને મજબૂત બની જઈશ પછી કોઈ મારી મજાક નહીં કરે અને કમજોર છું, નબળો છું એ જ કહેવાનું છે બસ. સાચું બોલવા માટે અને પોતાની ખામી સ્વીકારવા હિંમત ભેગી કરવી પડશે.’ આમ વિચારી યુવાન સૂઈ ગયો. સવારે ઊઠીને તે સામે જે મળે તેને હું કમજોર છું, હું નબળો છું એમ કહેવા લાગ્યો. જેટલો તે પોતાની ખામીનો સ્વીકાર કરતો એટલી અંદરથી અજબ તાકાત અનુભવતો. એક મહિનામાં તેને આખા ગામને કહી દીધું કે પોતે નબળો અને કમજોર છે. તેનામાં એક હિંમત આવી ગઈ.

મહિના પછી તે ગુરુજી પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો, ‘ગુરુજી, તમારા કહ્યા પ્રમાણે મેં આખા ગામને કહી દીધું કે હું નબળો છું, કમજોર છું અને આ વાત સ્વીકારીને જાતે બધાને કહ્યા બાદ મારામાં અજબ તાકાત આવી ગઈ છે. હજી તો મેં માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું નથી તો પણ.’

ગુરુજી બોલ્યા, ‘બરાબર છે, એ તારા આત્મવિશ્વાસની તાકાત છે. તું નબળો અને કમજોર હતો પણ એ જાહેરમાં સ્વીકારતો ન હતો. બધા મજાક ઉડાડતા એટલે તારામાં આત્મવિશ્વાસની કમી હતી. પોતાની ખામીનો સ્વીકાર એ આત્મવિશ્વાસ તરફ પહેલું પગલું છે. તે પહેલું પગલું માંડ્યું છે, હવે હું તને શિષ્ય બનાવી આગળ લઈ જઈશ.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK