કમાલ શબ્દોની (લાઇફ કા ફન્ડા)

Published: Jul 09, 2019, 11:46 IST | મુંબઈ ડેસ્ક

દીકરાને રડતો જોઈ રમા પણ રડવા લાગી. સોનલે બંનેને શાંત કર્યાં.

લાઇફ કા ફન્ડા

એક દિવસ શાળામાં કાઉન્સેલર તરીકે કામ કરતી સોનલના ઘરે ઘરકામ કરતી રમા રડવા લાગી અને કહેવા લાગી, ‘મૅડમ મારો દીકરો, રાજુ દસમા ધોરણમાં છે અને પરીક્ષા બે મહિના પછી છે... અને હવે તે કહે છે કે મારે ભણવું નથી, પરીક્ષા આપવી નથી, કંઈ ભણતો નથી, ટયુશનમાં જતો નથી.’ સોનલે કહ્યું, ‘કાલે તેને અહીં લઈ આવજે.’

બીજે દિવસે રમા પોતાના દીકરા રાજુને લઈને આવી, સોનલે તેની સાથે બેસી વાત કરી તેને ભણવાના ફાયદા સમજાવ્યા અને પૂછ્યું કે ‘માત્ર બે જ મહિના માટે તારે ભણવાનું શું કામ છોડવું છે, બે મહિના ભણી લે, પરીક્ષા આપ. આગળ કૉલેજમાં જા. જેટલું ભણીશ એટલી સારી નોકરી મળશે.’ રાજુ પર તેના શબ્દોની જાદુઈ અસર થઈ. તે રડવા લાગ્યો. દીકરાને રડતો જોઈ રમા પણ રડવા લાગી. સોનલે બંનેને શાંત કર્યાં.

શાંત થઈ રાજુ બોલ્યો, ‘મૅડમ, આપે કહ્યું તે મને ખબર છે, પણ મારા શિક્ષક મને કહે છે કે તને અંગ્રેજી નથી આવડતું, તું નાપાસ થઈશ. પિતાજી કહે છે તું નાપાસ થઈશ તો તને ઘરમાંથી કાઢી મૂકીશ, મને બહુ ડર લાગે છે એટલે ભણવામાં મન લાગતું નથી એટલે મેં નક્કી કર્યું છે કે મારે ભણવું જ નથી. હું મજૂરી કરીને પૈસા કમાઇશ.’ સોનલ બોલી, ‘રાજુ, આમ ભાગવાનો રસ્તો પસંદ ન કરાય. શિક્ષકે કહ્યું તું નાપાસ થઈશ, કારણકે તું બરાબર ભણતો નથી. હું કહું છું તું રોજ બે કલાક અંગ્રેજી ભણ. ન આવડે તો શિક્ષકને પૂછજે, મારી પાસે આવજે. તું ચોક્કસ પાસ થઈ જઈશ. અને પાસ થઈશ તો પિતાજી રાજી જ થશે.’

સોનલના શબ્દોથી રાજુના મનને સારું લાગ્યું. તેનો સાવ ગાયબ થઈ ગયેલો વિશ્વાસ થોડો પાછો આવ્યો. તે અંગ્રેજીનો ડર છોડી ભણવા લાગ્યો. ધીમે ધીમે સમજ પડવા લાગી અને પાસ પણ થઈ ગયો.

આ પણ વાંચો : ઝઘડો કેમ નથી થતો - (લાઇફ કા ફન્ડા)

વાત સાવ સામાન્ય લાગે તેવી છે, પણ સમજવી પડે તેવી છે. ક્યારેક શિક્ષકો કે વાલીઓ દ્વારા બોલાયેલા શબ્દો કે વાક્યો જે તેઓ કદાચ ગુસ્સામાં બોલી દે છે પણ તે બાળકના મન પર ઘેરી ચોટ કરે છે અને તેની અસર અવળી થાય છે. અહીં કમાલ સારી રીતે બોલાયેલા શબ્દોની છે. તે શબ્દો હિંમત આપે છે, વિશ્વાસ બંધાવે છે. માટે હંમેશાં શબ્દો બોલતા પહેલાં ધ્યાન આપો અને હકારાત્મક શબ્દો જ બોલો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK