Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભગવાનના જવાબ - (લાઇફ કા ફન્ડા)

ભગવાનના જવાબ - (લાઇફ કા ફન્ડા)

30 January, 2020 02:30 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

ભગવાનના જવાબ - (લાઇફ કા ફન્ડા)

ભગવાનના જવાબ - (લાઇફ કા ફન્ડા)


એક દિવસ ફરતાં-ફરતાં નારદજી દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે ગયા. ભગવાન કૃષ્ણ મહારાણી રુક્મિણી અને અન્ય રાણીઓ સાથે ઝૂલા પર ઝૂલતાં-ઝૂલતાં અલક-મલકની વાતો કરી રહ્યા હતા. રાણી રુક્મિણીએ દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું અને ભગવાને તેમને પધારવાનું પ્રયોજન પૂછ્યું. નારદજી નમન કરી બોલ્યા, ‘પ્રભુ, નારાયણ... નારાયણ... મારી મૂંઝવણ લઈને તમારી પાસે આવ્યો છું. મારા મનમાં ઘણા સમયથી થોડા પ્રશ્નો છે અને મને એનો કોઈ સચોટ જવાબ જડતો નથી એથી એ પ્રશ્નો આજે મારે તમને પૂછવા છે. આજ્ઞા હોય તો પૂછું?’

કૃષ્ણએ પોતાનું ચિરપરિચિત સ્મિત આપ્યું અને કહ્યું, ‘પૂછો દેવર્ષિ, કયાં પ્રશ્નો છે મનમાં. આપને થોડી ના



પાડી શકાશે. પૂછો, મને આવડશે એવા જવાબ આપીશ.’


નારદજી હસ્યા. પ્રભુની પાસે ગયા અને વંદન કરી પૂછ્યું, ‘પ્રભુ, મારો પહેલો પ્રશ્ન છે કે આ સંસારમાં જળથી પાતળું શું છે?’

ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, ‘જળ જીવન છે અને જળથી પાતળું જ્ઞાન છે જે જીવનનો આધાર છે. જેટલું જ્ઞાન મેળવો એટલું ઓછું છે. જેટલું ઇચ્છો એટલું જ્ઞાન તમે તમારા મગજમાં સમાવી શકો છો.’


નારદજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘પ્રભુ, ભૂમિથી ભારે કોણ છે?’

ભગવાન કૃષ્ણએ કહ્યું, ‘ભૂમિ સૌથી ભારે છે. એ સમગ્ર સૃષ્ટિનો, દરેક જીવનો ભાર ઉપાડે છે; પરંતુ એથી પણ ભારે છે પાપ. પાપનો બોજ ઉપાડી શકાતો નથી. પાપના બોજા હેઠળ જીવવું દુષ્કર બની જાય છે.’

નારદજીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો,

‘ભગવન, અગ્નિ પ્રખર અને તેજ છે જે બધું બાળીને ભસ્મ કરે છે અને સંયમિત અવસ્થામાં પ્રકાશ આપે છે અને ઉપયોગી છે તો મને કહો કે અગ્નિથી વધુ તેજ અને પ્રખર કોણ છે?’

ભગવાન કૃષ્ણએ કહ્યું, ‘અગ્નિ પોતાના તેજ અને ગરમીથી અન્યને બાળે છે, જ્યારે અગ્નિથી પ્રખર ક્રોધ છે, કારણ કે ક્રોધ પોતાની જાતને બાળે છે. અન્ય કરતાં ક્રોધ કરનારને વધુ નુકસાન થાય છે. તેના મન અને મગજની શાંતિ હણાઈ જાય છે.’

નારદજીએ આગળ પૂછ્યું, ‘પ્રભુ, કાજળથી પણ વધુ કાળું કોણ છે?’

ભગવાન કૃષ્ણ ઝૂલા પરથી ઊભા થયા અને હસતાં-હસતાં બોલ્યા, ‘કાળો તો હું પણ છું અને કાળું કાજળ પણ છે, પરંતુ કાજળથી પણ વધુ કાળું કલંક છે. કાજળની કાળાશ તો રોજ ધોઈ શકાય છે, પણ એક વાર બદનામીની કાળાશ લાગી જાય તો એ ક્યારેય ધોઈને દૂર કરી શકાતી નથી.’

જવાબો સાંભળી નારદજીએ કહ્યું, ‘પ્રભુ, તમે મારા મનનું સમાધાન થાય એવા ઉત્તર આપ્યા માટે આભાર. નારાયણ... નારાયણ... હવે હું વિદાઈ લઉં છું.’

- હેતા ભૂષણ

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 02:30 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK