Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કમ મેં ઝ‍્યાદા કા મઝા

કમ મેં ઝ‍્યાદા કા મઝા

04 November, 2019 05:27 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

કમ મેં ઝ‍્યાદા કા મઝા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ વિદેશની જેમ ભારતભરમાં પણ મિનિમલિઝમની મૂવમેન્ટ ધીમે પગલે આગમન કરી રહી છે, જેના કારણે યુવા પેઢી ઓછામાં ઓછી વસ્તુઓ વસાવી પોતાના ઘર અને જીવનમાં સરળતા અને શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. ચાલો એક વાર આ પેઢીની વિચારધારાને સમજવાનો પ્રયાસ કરીએ.

તાજેતરમાં જ દિવાળી પૂરી થઈ. ભારતમાં દિવાળીના આગમન સાથે જ ઘરની વાર્ષિક સફાઈ અભિયાન લગભગ આખા દેશમાં શરૂ થઈ જાય છે. ભગવાન રામની અયોધ્યા વાપસીને ઊજવવા માટે આખો દેશ બે-ચાર અઠવાડિયાં પહેલાંથી આ સફાઈ ઝુંબેશમાં મચી પડે છે. દર વર્ષની જેમ મેં પણ આ સફાઈ ઝુંબેશમાં યાહોમ કરીને ભાગ લીધો અને દર વર્ષની જેમ જ દિવાળી પહેલાં જ મારી દિવાળી નીકળી ગઈ. ઘરની સફાઈ કરતાં-કરતાં એવી અનેક વસ્તુઓ હાથમાં આવી જે મેં કેટલાંય વર્ષોથી કે પછી ક્યારેય વાપરી નહોતી. તેમ છતાં સારી હોવાથી જતનપૂર્વક સાચવી રાખી હતી. તો સાથે ઘણી એવી વસ્તુઓ પણ નીકળી જે મારી જરૂરિયાત કરતાં વધુ માત્રામાં હતી. એ બધું ઠેકાણે પાડતાં-પાડતાં નાકે દમ આવી ગયો. ચંદ મિનિટો માટે તો રીતસરનો વૈરાગ્ય આવી ગયો અને થયું કે માત્ર બેઝિક વસ્તુઓ ઘરમાં રાખી બાકી બધાનો ત્યાગ કરી દઉં. પણ હુંય છું તો ટિપિકલ ગુજરાતી બૈરું જને, જેને ઘરમાં બધું સાફસૂથરુંની સાથે બધું મૅચિંગ પણ જોઈએ. સ્ટીલની થાળી સાથે સ્ટીલની જ વાટકી જોઈએ ને કાચની ડિશની સાથે કાચનો જ બોલ જોઈએ. તો પછી ક્યાંથી પત્તો ખાય? જેવું બધું નીકળ્યું હતું એવું જ બધું પાછું ગોઠવાઈ ગયું.



પરંતુ સાથે જ આજની નવી જનરેશન મિનિમલિઝમની મૂવમેન્ટમાં આટલો દૃઢ વિશ્વાસ કેમ ધરાવે છે એ પણ સમજમાં આવી ગયું. આપણા વાસ્તુશાસ્ત્રમાં લખેલું છે કે ઘરમાં ન વપરાયેલી વસ્તુઓ બહુ લાંબા સમય સુધી એમની એમ પડી રહે તો ઘરની ઊર્જા એમાં વ્યર્થ થાય છે. બલકે વાસ્તુમાં તો એ પણ લખેલું છે કે ઘરમાં નવી ઊર્જાનો સંચાર થતો રહે એ માટે સમયાંતરે  ફર્નિચર વગેરેની જગ્યા પણ બદલતા રહેવી જોઈએ. મિનિમલિઝમની મૂવમેન્ટ વાસ્તુના આ જ સિદ્ધાંતના નવા અવતાર જેવી છે. તેથી આમ જોવા જઈએ તો મિનિમલિઝમની આ મૂવમેન્ટ ભારતીયો માટે અજાણી નથી, પરંતુ યોગ કે ઇકો-ફ્રેન્ડ્લી મૂવમેન્ટની જેમ ઘણી વખત આપણને ભારતીયોને પોતાના જ પરંપરાગત સિદ્ધાંતો વિદેશી નામ સાથે પીરસવામાં આવે તો વધુ આસાનીથી પલ્લે પડી જતા હોય છે.


મિનિમલિઝમનું પણ કંઈક આવું જ છે. મિનિમલિઝમનો અર્થ થાય છે બને તેટલી ઓછી વસ્તુઓનો સંચય કરવો. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી કૅપિટલિઝમના વિરોધમાં આ મૂવમેન્ટે જોર પકડ્યું છે. કૅપિટલિઝમ લોકોને બને એટલી વધુ વસ્તુઓ ખરીદવા તથા વાપરવાની પ્રેરણા આપે છે. કન્ઝ્યુમરિઝમ એ કૅપિટલિઝમની જ ઊપજ છે, જેને પગલે એક વાર તમે આઇફોન લો પછી એની તમને એવી તે આદત પડી જાય કે એનાં નવાં-નવાં અપગ્રેડેડ વર્ઝન તમે લીધાં જ કરો. એક વાર તમે મર્સિડીઝ કે બીએમડબ્લ્યુ ગાડી ખરીદો ત્યાર બાદ દર પાંચ વર્ષે અપગ્રેડ થતાં એના નવાં મૉડલ્સ લેવાનો ચસકો ભલભલાને લાગી જતો હોય છે. મિનિમલિઝમ આનો વિરુદ્ધ છેડો છે, જે આજના ભવિષ્યની અનિશ્ચિતતામાં અટવાયેલા મિલેનિયલ્સને ખૂબ પસંદ પડી રહ્યો છે.

મિનિમલિઝમ વસ્તુઓ પર પૈસા ખર્ચ કરવા કરતાં અનુભવો પર ખર્ચ કરવાને પ્રાધાન્ય આપે છે. આજથી એક પેઢી અગાઉના લોકો માટે પોતાનું ઘર ખરીદવું, પોતાની ગાડી ખરીદવી,


નવી-નવી વસ્તુઓ ખરીદવી વગેરે બાબતો પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરવા સમાન હતી. પોતાના ઘરને અપ ટુ ડેટ રાખવું એ સારી નોકરી તથા કમાણીની નિશાની હતી, પરંતુ મિલેનિયલ્સ (એવી પેઢી જેનો જન્મ નેવુંના દાયકામાં થયો છે, જેનો સમાવેશ આજના યુવાન વર્કિંગ ક્લાસમાં થઈ રહ્યો છે) માટે જીવનની વ્યાખ્યા બદલાઈ રહી છે, જેને પગલે જરૂરિયાતો પણ. સ્ટેટસ સિમ્બૉલના સ્થાને આવશ્યકતા તથા સુવિધાને પ્રાધાન્ય મળી રહ્યું છે.

થોડા સમય પહેલાં ભારત આવેલા ઉબર કંપનીના સીઈઓ દારા ખોર્સોવસાહીએ ભારતીયોને કાર ખરીદવાની ચુંગલમાંથી બચવાની સલાહ આપી. આ સલાહ કંઈ તેઓ પોતાનો વ્યવસાય વધારવા આપી રહ્યા નહોતા બલકે નવી પેઢીને ગાડી ખરીદીને એના મેઇન્ટેનન્સ વગેરેની ઝંઝટમાંથી બચાવવા માટે આપી રહ્યા હતા. થોડા સમય પહેલાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના ચૅરમૅન આનંદ મહિન્દ્રાએ પણ બયાન આપ્યું હતું કે નવી પેઢીમાં અગાઉના લોકો જેવો ગાડી ખરીદવાનો ઉત્સાહ દેખાતો નથી, કારણ કે મિલેનિયલ જનરેશન સમજી ગઈ છે કે ગાડી ખરીદવી એ સફેદ હાથી પાળવા સમાન બાબત છે. નિયમિત ધોરણે એમાં પેટ્રોલ ભરાવો, હવા ભરાવો, એનું સર્વિસિંગ કરાવો, ઇન્શ્યૉરન્સ કઢાવો, પીયુસી રિન્યુ કરાવો વગેરેની સાથે મેટ્રો સિટીના ટ્રાફિકમાં એને ચલાવો જેવી બાબતો તેમને માથાકૂટ સમાન લાગે છે. એના સ્થાને જરૂર પડે ત્યારે ઓલા કે ઉબર બુક કરાવી દો એટલે ડ્રાઇવર સાથે ગાડી હાજર. આ આવનારા સમયનો વરતારો છે.

આજથી થોડાં વર્ષો અગાઉ જો તમારે પોતાનો વ્યવસાય ચાલુ કરવો હોય તો સૌપ્રથમ એ વિચારવું પડતું કે વ્યવસાય ક્યાંથી ચલાવવો? ઑફિસ, દુકાન વગેરેની જરૂરિયાતો પૂરી કરવી સૌથી મુશ્કેલ બાબત હતી. પરંતુ હવે વી-વર્ક તથા કો-વર્ક જેવી કંપનીઓ દિવસો તથા કલાકોના હિસાબે ઑફિસો અથવા વર્કિંગ સ્પેસ ભાડે આપતી થઈ ગઈ છે. પરિણામે હવે આખા મહિનાનું ભાડું ચૂકવવાની જરૂર નથી. આવશ્યકતા અનુસાર અડધી કૅબિન, ક્યુબિકલ કે પછી પૂરી ઑફિસનું ભાડું આપી દો એટલે ન ફક્ત તમને તેમની જગ્યા વાપરવા મળે, પણ સાથે વાઇ-ફાઇ તથા કૉફી શૉપ વગેરે જેવી સુવિધાઓ પણ મળી રહે.

ઑફિસ તો દૂરની વાત છે, ઘરની બાબતમાં પણ ઘણા મિલેનિયલ્સ પોતાનું ઘર ખરીદવા કરતાં ભાડેના ઘરમાં પોતાના કામ સ્થળેથી નજીક રહેવામાં વધુ માનવા લાગ્યા છે. આપણે આજકાલ દેશમાં આર્થિક મંદીની બહુ દુહાઈ આપી રહ્યા છીએ, પરંતુ હકીકત એ છે કે ભારતમાં ૬૫ ટકાથી વધુ વર્ગ ૩૫ વર્ષ કે એનાથી ઓછી ઉંમરનો છે. આમાંનો ઘણો મોટો હિસ્સો મિલેનિયલ છે. આ મિલેનિયલ જનરેશન યુઝ ઍન્ડ થ્રોના સિદ્ધાંતમાં માને છે, તેથી તેમને રોજેરોજ ડિસ્પોઝેબલ પ્લેટમાં ભોજન ખાવામાં કશો જ વાંધો નથી. એવી જ રીતે તેઓ અવસર અનુસાર કપડાં વસાવવામાં પણ માનતા નથી. તેઓ પોતાનાં બે જીન્સ પૅન્ટ, ચાર ટી-શર્ટ તથા એકાદ-બે શર્ટમાં જ ખુશ છે.

પરિણામે આપણને અહેસાસ થાય એ પહેલાં ધીમે પગલે મિનિમલિઝમ જેવી મૂવમેન્ટ આપણા ઘરઆંગણે આવીને ઊભી રહી ગઈ છે. તેથી આવનારાં વર્ષોમાં દિવાળીની સફાઈ કરતી વખતે તમને અને મને જો ઘરનો વધારાનો સામાન કાઢી નાખવાનો વિચાર આવે તો કદાચ આપણને એટલોબધો ખેદ પણ નહીં થાય. બલકે બની શકે કે ક્યાંક આપણે પણ એવું વિચારી રહ્યા હોઈએ કે આપણે મિનિમલિઝમ મૂવમેન્ટનો ભાગ બની ઘરને અવ્યવસ્થામાંથી મુક્તિ અપાવી જીવનમાં સરળતા લાવી રહ્યા છીએ. બોલો, મન થાય છે આ ઝુંબેશમાં ઝંપલાવવાનું? હું પણ વિચારી રહી છું. તમે પણ વિચારો...

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 05:27 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK