Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે ન્યુ યરને લગતી વિચિત્ર માન્યતાઓની વાતું કરીએ

આજે ન્યુ યરને લગતી વિચિત્ર માન્યતાઓની વાતું કરીએ

30 December, 2018 02:07 PM IST |
રુચિતા શાહ

આજે ન્યુ યરને લગતી વિચિત્ર માન્યતાઓની વાતું કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવા વર્ષની તડાતૂમ તૈયારીઓ વિશ્વના દેશોએ કરી લીધી છે. અત્યારે પાર્ટી-શાર્ટીનો માહોલ જામેલો છે ત્યારે નવા વર્ષનું સ્વાગત માત્ર દારૂ, ડિસ્કો ડાન્સ, લાઉડ મ્યુઝિક અને કેક્સ પૂરતું મર્યાદિત નથી. નવા વર્ષના સ્વાગતને લઈને બીજી પણ ઘણી બાબતો છે જેનું દુનિયાના દેશોમાં મહત્વ છે. કેટલીક માન્યતાઓ, કેટલીક અંધશ્રદ્ધાઓનું લિસ્ટ આજે આપની સમક્ષ પ્રસ્તુત છે.

બાર દ્રાક્ષ ખાઓ એટલે બેડો પાર



સ્પેનમાં મધ્યરાત્રિએ ઘડિયાળના ટકોરાએ બાર દ્રાક્ષ ખાવાની પરંપરા પ્રચલિત છે. મોટા ભાગે આપણે સૌ ન્યુ યર સેલિબ્રેશન માટે ભેગા થઈએ ત્યારે રાતના બાર વાગ્યાના બાર ટકોરા પડે એટલે ઊછળીને ડાન્સ કરીએ અને હૅપી ન્યુ યરની વધામણીઓ આપીએ. જોકે સ્પેનમાં બારના બાર ટકોરામાં બાર દ્વાક્ષ ખાઈ શકો તો તમારું આવનારું વરસ ગુડ લકને લઈને આવશે. પરંતુ જો તમે એમાં સહેજ પણ પાછા પડ્યા તો નસીબનું તો આવી બન્યું સમજવું. સ્પેનના લોકો આ બાબતને લઈને એટલા ગંભીર છે કે ક્રિસમસ પહેલાંથી જ એની રીતસરની પ્રૅક્ટિસ કરે છે.


સુખ-સમૃદ્ધિને આ બાર દ્વાક્ષ સાથે શું લેવાદેવા છે એનો તો કોઈ લૉજિકલ જવાબ તેમની પાસે નથી, પરંતુ બાર મહિનાની બાર દ્વાક્ષ ખાવાથી જો સમય સુધરતો હોય તો એવા લૉજિકલ જવાબની તેમને પડી પણ નથી.

કાચનાં વાસણોનો ભૂકો કરો અને કૂદકા મારો


કાચનું તૂટવું તો આપણે ત્યાં પણ શુકન મનાય છે. જોકે કોઈના ઘરની બહાર જઈને કાચની અને સિરૅમિકની પ્લેટ ફોડી આવવી એ પણ ગુડલકની નિશાની હોય વળી. ડેન્માર્કમાં છે. આ દેશના લોકો આખું વર્ષ કાચનાં વાસણો સાચવીને રાખે છે નવા વર્ષની આગલી સાંજ માટે. પોતાના સંબંધીઓ, આડોશી-પાડોશીઓને ત્યાં જઈને તેમના દરવાજાની વચ્ચોવચ્ચ જઈને આ કાચ ફોડે. માન્યતા એવી છે કે બીજા દિવસે સવારે જ્યારે તમે દરવાજો ઉઘાડો ત્યારે જેના ઘરની બહાર ફૂટેલા કાચનો વધુ ઢગલો હોય એ વ્યક્તિ વધુ પૉપ્યુલર. ડેન્માર્કમાં ખુરશી પરથી કૂદકા મારીને નવા વર્ષમાં અને ગુડલકમાં જમ્પ મારવાની પરંપરા પણ પ્રચલિત છે.

દરિયાનાં મોજાંઓ પર કૂદો, ગ્રે પાઉડર છાંટો

દરિયાનાં મોજાં પણ ગુડલકનું કારણ હોઈ શકે એવું બ્રાઝિલિયન લોકો માને છે. નવા વર્ષની મધ્યરાત્રિએ દરિયાનાં સાત મોજાંઓમાં જો તમે કૂદકા મારી શકો તો તકદીર તમારી સાથે સમજજો. એમાં જો કૂદકા મારતી વખતે તમે સફેદ ડ્રેસ પહેયોર્ હશે તો સોનામાં સુગંધ ભળી સમજજો. ધ્યાન રહે, આ મોજાંઓ સાથે દરિયાને ફૂલોનો એક ગુલદસ્તો ગિફ્ટ આપવો પણ અનિવાર્ય છે. એનાથી દરિયાના દેવ પ્રસન્ન થશે અને તેમના પર કૃપાનો વરસાદ કરશે. બીજી બાજુ થાઇલૅન્ડમાં નવા વર્ષના દિવસે એકબીજા પર પાણી છાંટવાની અને ગ્રે રંગનો પાઉડર લગાડવાની પરંપરા પ્રચલિત છે. થાઇ લોકો ખરા અર્થમાં આપણી ધુળેટીને નવા અંદાજમાં સેલિબ્રેટ કરતા હોય છે.

ગોળ-ગોળ વસ્તુઓ વાપરો અને આઇસક્રીમ ઢોળો

ફિલિપીન્સના લોકોની માન્યતા છે કે ન્યુ યરના દિવસે બધી જ બાબતો ગોળાકાર હોય તો ગોળ-ગોળ સિક્કાઓ તમને મળે. પ્રોસ્પેરિટી વધારવા માટે અને વધુ ને વધુ ધનને આવનારા વર્ષમાં આકર્ષવા માટે ફિલિપીન્સના લોકો ખાવાની વસ્તુ હોય, કપડાં (પોલકા ડૉટ્સવાળા ડ્રેસ) હોય કે પછી પહેરવાની અન્ય કોઈ જ્વેલરી હોય; ન્યુ યર ઈવના દિવસે ગોળ હોય એ બધું જ સ્વીકાર્ય અને આવકાર્ય. એવી રીતે રોમાનિયામાં નદીમાં સિક્કો નાખીને ગુડલકની કામના કરવામાં આવે. એવી જ રીતે સ્વિટ્ઝરલૅન્ડમાં નવા વર્ષને સારી રીતે પસાર કરવા માટે જમીન પર આઇસક્રીમ ઢોળવાની પરંપરા પ્રચલિત છે. તો પેરુ નામના દેશમાં ન્યુ યરના દિવસે ગામના બધા લોકો ભેગા થાય અને જે પણ મતભેદ હોય એને દૂર કરીને નવી શરૂઆત કરવાના શપથ લે.

પ્રિયજનની કબર પાસે રહેવું, બ્રેડના ટુકડા દીવાલ પર મારવાના

ચિલીમાં પોતાના મૃત્યુ પામેલા પોતાના પ્રિયજનોની કબર સાથે ન્યુ યરની રાત ગુજારવાની પરંપરા કેટલાક ઠેકાણે પ્રચલિત છે. એટલે સુધી કે ત્યાંના મેયરને ન્યુ યર માટે ખાસ કબરનો વિસ્તાર ઓપન રાખવાની ફરજ પડી છે. લોકો મીણબત્તી પ્રગટાવીને લાઇટ મ્યુઝિક વચ્ચે મૃત પ્રિયજનની કબર પાસે સમય પસાર કરતા હોય છે. તો આયરલૅન્ડમાં બ્રેડના ટુકડાનો દીવાલ પર ઘા કરવાની અને નેગેટિવ એનર્જીને દૂર ધકેલવાની પરંપરા પ્રચલિત છે.

ખાઓ, પીઓ ને ગુડલક મેળવો

ઉત્તર યુરોપના નાનકડા દેશ ઇસ્ટોનિયામાં ફૂડલવર્સને જલસો પડે એવી એક માન્યતા પ્રચલિત છે. જેટલી વધુ વરાઇટી ખોરાકની તમે ખાઈ શકો એટલી ગુડલકની તમારી માત્રા વધે. વધુ વાનગીઓ પ્લેટમાં લીધી એટલે તમારું નસીબ વધુ ચમક્યું. સાત, નવ, બાર વગેરે આંકડાની વાનગી ખાધી એટલે તમે નસીબને તમારી ફેવરમાં કરી લીધું સમજવું. તમારામાં અનેક પુરુષોનો પાવર આવી જશે. એમાં પાછી મજાની વાત એ છે કે તમે જે પણ વાનગી પ્લેટમાં લીધી એ પૂરી કરવી જરૂરી નથી. થોડુંક ખાવાનું પ્લેટમાં રહેવા દેવાનું, જેથી તમારા પૂર્વજો પણ ખુશ થાય. હકીકતમાં આ પરંપરામાં ખાનાર વ્યક્તિનું નસીબ ચમકે કે ન ચમકે, પણ ખાવાનું પીરસતી રેસ્ટોરાંને જલસા પડી જાય એમાં શંકાને સ્થાન નથી.

અન્ડરવેઅરનો રંગ નક્કી કરશે આવનારું વર્ષ

અમેરિકાના કેટલાક હિસ્સાઓમાં તમે ન્યુ યરના દિવસે કયા કલરનું અન્ડરવેઅર પહેરો છો એના પરથી તમારા આવનારા વર્ષમાં શેની પ્રાપ્તિ થશે એનો આધાર રહેલો છે. ધારો કે લાલ રંગ છે તો આવનારું વર્ષ પ્રેમનો મહાસાગર લઈને આવશે. ગોલ્ડન કલર હશે તો જીવનમાં સંપત્તિનો પ્રભાવ વધશે. સફેદ રંગ જીવનમાં શાંતિ લાવશે.

ફર્નિચરનો ઢગલો અને થીજેલા સરોવરમાં કૂદકો

સાઉથ આફ્રિકાના અમુક હિસ્સામાં ન્યુ યરનું ખરેખર વિચિત્ર સેલિબ્રેશન થતું હોય છે. રિવાજ પ્રમાણે આ દિવસે લોકો પોતાના ઘરમાં ભેગું થયેલું જૂનુંપુરાણું અને ફેંકી દેવાનું હોય એવા ફર્નિચરનો બારીમાંથી ઘા કરતા હોય છે. સાઇબિરિયામાં બરફથી થીજેલા તળાવમાંથી ઝાડનું ઠૂંઠું શોધી આપે એ વ્યક્તિનું નસીબ ચમકી જાય એવી પરંપરા પ્રચલિત છે. ફિનલૅન્ડમાં એનાથી અલગ પાણીમાં સિક્કો ઉછાળીને નાખવાનો અને પછી જે આકાર પાણીમાં થાય એના શેપ મુજબ તમારી તકદીરનું ભવિષ્ય નક્કી થાય.

૧૦૮ વાર ઘંટ વગાડો

જપાનમાં બૌદ્ધ મંદિરમાં ૧૦૮ વાર ઘંટ વગાડીને નકારાત્મકતાને દૂર ભગાડવાની પરંપરા પ્રચલિત છે. જૅપનીઝ લોકો માને છે કે દરેક માનવમાં ૧૦૮ પ્રકારની ઇચ્છાઓ હોય છે અને ૧૦૮ વાર ઘંટારવ કરવાથી આ તમામ ઇચ્છાઓ પૂરી થવાની સંભાવના વધી જાય છે. એવી જ રીતે રોમાનિયામાં પૂર્વજન્મ અને પુનર્જન્મને સ્વીકારનારા લોકો જુદા-જુદા પશુ અને પંખીની વેશભૂષા અને માસ્ક પહેરીને નૃત્ય કરતા હોય છે.

બાલદી ભરીને રેડો પાણી, બૅગ લઈને મારો આંટો

પ્યુએર્ટો રિકો નામના દેશમાં લોકો પોતાની બારીમાંથી બાલદી ભરીને પાણી બહાર રેડી દેવાની માન્યતા ધરાવે છે જેથી તેમના ઘરમાં રહેલી કોઈ પણ જાતની નકારાત્મક અને ભૂતપિશાચવાળી એનર્જીનો નાશ થાય. કોલમ્બિયામાં તો એનાથી પણ વિચિત્ર પરંપરા છે જેમાં લોકો ન્યુ યરની આગલી સાંજે પોતાની સૂટકેસ લઈને આજુબાજુમાં એક ચક્કર મારીને આવે, તેમનું આવનારું વર્ષ પ્રવાસોથી હર્યુંભર્યું રહેશે એવી કામના સાથે. રોમાનિયા અને બેલ્જિયમના લોકો પોતાનાં પશુઓ અને પંખીઓ સાથે વાત કરવાના અને એ તેમના કાનમાં કંઈક કહે એવા પ્રયત્નો કરતા હોય છે. જો કાનમાં કોઈ પશુ કે પંખી બોલી ગયું તો સમજવું કે આવનારું વર્ષ અફલાતૂન જવાનું.

નસીબ સફરજનના હાથમાં

મધ્ય યુરોપના કેટલાક દેશોમાં નવા વર્ષની સવારે સફરજન કાપવાનો રિવાજ છે. હવે મુદ્દાની વાત એ છે કે આ સફરજન કાપવામાં વચ્ચેના ગરવાળા અને બીવાળા ભાગનો આકાર જો સ્ટાર સિવાયનો કોઈ આવ્યો તો નસીબમાં લોચો છે અને કોઈ તકલીફો તમારી તરફ આવી રહી છે એમ સમજવું.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 02:07 PM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK