Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે ગુડ મધર છો કે સક્સેસફુલ મધર?

તમે ગુડ મધર છો કે સક્સેસફુલ મધર?

05 March, 2019 01:15 PM IST |
વર્ષા ચિતલિયા

તમે ગુડ મધર છો કે સક્સેસફુલ મધર?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લેડીઝ સ્પેશ્યલ

આજના યુગમાં સારા બનવું અને સફળ બનવું એ બન્નેમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. આ બાબત આધુનિક મમ્મીઓ માટે અક્ષરશ: સાચી પડી રહી છે. હાલના કૉમ્પિટિટિવ માહોલમાં લગભગ બધી જ મમ્મીઓને બેસ્ટ મધર તરીકે ઊભરી આવવું છે. જે પોતાના સંતાનને લાડકોડથી ઉછેરી તેમની તમામ સુખ-સુવિધાનું ધ્યાન રાખતી હોય એવી મમ્મીને તમે આ કૅટેગરીમાં મૂકી શકો, પરંતુ શું તેમને સફળ માતા કહી શકાય? નિષ્ણાતોનું માનવું છે કે એક સફળ માતા સો સારી માતા કરતાં શ્રેષ્ઠ કહેવાય. તેમના મતે સક્સેસફુલ મધર એને કહેવાય જે પોતાના સંતાન માટે સમય રહેતાં સાચા નિર્ણયો લઈ શકે. આજે આપણે આ સંદર્ભે કેટલીક ચર્ચા કરીએ.



સૌથી પહેલાં તો આખા વિશ્વમાં કોઈ પણ સ્ત્રી માતા તરીકે નિષ્ફળ ગઈ છે એવું ન કહી શકાય એવો અભિપ્રાય આપતાં સાઇકોલૉજિસ્ટ ઍન્ડ પેરન્ટિંગ એક્સપર્ટ નીરુ છેડા કહે છે, ‘આજના યુગમાં બાળકને જન્મ આપવો સહેલો છે, પણ માતા તરીકેની જવાબદારી નિભાવવી પડકાર છે. સારી માતા અને સફળ માતાની વ્યાખ્યા વ્યક્તિગત નજરિયા પર આધાર રાખે છે. કોઈ મહિલા એવું વિચારતી હોય કે મારું સંતાન ક્લાસમાં ૯૦ ટકા માર્ક્સ લાવ્યું, લોકોએ મને અભિનંદન પાઠવ્યાં એટલે હું સફળ મમ્મી છું તો એને એમ ન કહી શકાય, કારણ કે સફળતાને જોવાનો એનો અપ્રોચ એ જ છે.


એ જ રીતે કોઈ મહિલા એના સંતાનની ઝીણી-ઝીણી જરૂરિયાતોનું ધ્યાન રાખતી હોય અથવા એની તમામ સુખ-સગવડનો ખયાલ રાખતી હોય તો તે સારી મમ્મી છે, પણ સફળ નથી, કારણ કે તે સંતાનને બગાડી રહી છે એવું પણ ન કહી શકાય. દરેક મહિલાની સફળતાને જોવાની દૃષ્ટિ અલગ હોઈ શકે છે.’

આ સંદર્ભે મારો અંગત મત થોડો જુદો છે એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘તમારું બાળક ગાડરિયા પ્રવાહમાં ન તણાય, તે એક સારો નાગરિક બને, જીવનના દરેક તબક્કે સંઘર્ષનો સામનો કરી શકવા સક્ષમ હોય તો તમે પેરન્ટ તરીકે સક્સેસ થયા કહેવાવ. એકૅડેમિક પર્ફોર્મન્સ, ગ્રૂમિંગ અને મોંઘો મોબાઇલ આપવાથી તમે સંતાનની નજરમાં સફળ બનો છો, પણ ખરેખર સફળ છો? આ પ્રશ્ન મમ્મીએ પોતાની જાતને પૂછવો જોઈએ. કદાચ તમારું સંતાન સંઘર્ષ સામે ઝઝૂમવા સક્ષમ હોય, પણ એ સારો પાડોશી ન હોય તો? મારું માનવું છે કે મમ્મીએ સંતાનને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી બંને શીખવવાં જોઈએ. ટેક્નોલૉજીના યુગમાં મોબાઇલની માગણી તમારો અધિકાર છે તો એનો સદ્ઉપયોગ કરવો એ તમારી જવાબદારી છે. આ વાતનું ભાન કરાવી શકે એ માતાને તમે સક્સેસફુલ મધર કહી શકો. યાદ રાખો, તમે એક સંતાનને નથી ઉછેરી રહ્યાં, તમે એક સિટિઝનને ઉછેરી રહ્યાં છો. મારી પાસે આવતી ૮૦ ટકા મધર મારી દૃષ્ટિએ માત્ર સારી મમ્મી હોય છે.’


વાસ્તવમાં મમ્મીનો કોઈ દોષ નથી હોતો, બહારનું આક્રમક વાતાવારણ તેમને આમ કરવા પ્રેરે છે એમ કહેતાં નીરુબહેન કહે છે, ‘બાળકનો જન્મ થાય એટલે સ્ત્રી એને લઈને પોતાની આંખોમાં અનેક સપનાંને ઉછેરે છે. મારા સંતાનને દુનિયાની દરેક ખુશી મળવી જોઈએ. એ સપનાંને સાકાર કરવામાં તે પોતાનું લોહી રેડી દે છે. દીકરી રાતે મોડી ઘરે આવે તો મમ્મીને ઊંઘ નથી આવતી. મમ્મી જ્યારે ફ્રેન્ડસના નંબર માગે છે ત્યારે દીકરીને લાગે છે કે મમ્મી ઊલટતપાસ કરી રહી છે. તેને મમ્મી જુનવાણી અને અળખામણી લાગે છે. તો શું આ મમ્મી સારી નથી? જે તમને રાતે મોડે સુધી રખડવાની છૂટ આપે એ જ સારી કહેવાય? પેરન્ટિંગને લઈને અનેક પ્રશ્નો છે. મેં એવી મમ્મીઓ જોઈ છે જે દસ-બાર વર્ષના સંતાનને પોતાના હાથે જમાડે છે. રસ્તામાં આંગળી પકડીને ચાલે છે. શામાટે? તમે આંગળી પકડશો તો એ ખાડા-ટેકરા નહીં જોઈ શકે. તમે જ્યારે સંતાનને મટીરિયાલિસ્ટિક બનાવી દો છો ત્યારે પેરન્ટ તરીકે નિષ્ફળ જાઓ છો. માતાનું હૃદય બહુ કોમળ હોય છે. લાડકોડથી ઉછેરીને મોટું કરેલું સંતાન જ્યારે એની વાત નથી સાંભળતું ત્યારે એને લાગે છે કે હું સારી મમ્મી નથી. હું જીવનમાં નાપાસ થઈ છું. બીજી સ્ત્રીઓ તેને મધર તરીકે સફળ દેખાય છે. આ બાબત તેને ડિપ્રેશનમાં ધકેલી દે છે. મારું માનવું છે કે માત્ર મમ્મીએ જ નહીં, બંને પેરન્ટ્સે પોતાના સંતાનને નાનપણથી જ અમુક બાબતોમાં ના સાંભળવાની ટેવ પાડવી જોઈએ. અત્યારના માહોલમાં એટલું જ કહી શકાય કે નો પેરન્ટ્સ ઇઝ ફેલ્યર ઍન્ડ નો પેરન્ટ્સ ઇઝ સક્સેસફુલ.’

દીકરાને મૉરલ વૅલ્યુ શિખવાડવાની જવાબદારી સો ટકા નિભાવી છે

પંદર વર્ષના જયનાં મમ્મી મેઘના મોદીનું કહેવું છે કે, ‘દીકરો દસ વર્ષનો થયો ત્યાં સુધી તેને મારો પૂરો સમય આપ્યો છે એટલે મને લાગે છે કે હું એક સારી માતા છું. જયને મોરલ વૅલ્યુ શીખવવા મેં વાર્તાઓ કરી છે. મને યાદ નથી કે મેં ક્યારેય તેને ટીવી જોતાં જોતાં જમાડ્યો હોય. હું તેને જમાડતી વખતે સ્ટોરી બુક્સ લઈને બેસતી. અભ્યાસમાં આગળ વધે એ માટે મેં બનતા પ્રયત્નો કર્યા છે. આઠમા ધોરણ સુધી તો હું જ તેને ભણાવતી હતી. એ વખતે માતા તરીકેની મારી ભૂમિકા સો ટકા સફળ કહેવાય. ત્યારે હું માત્ર હાઉસવાઇફ હતી અને હવે સેલ્ફ એમ્પ્લૉઇડ છું એટલે સમય ઓછો આપી શકું છું. આજે ક્યારેક તેને ન ભાવતી રસોઈ જમવી પડે છે તો ક્યારેક શૉપિંગ માટે મહિના સુધી રાહ પણ જોવી પડે છે. સમયના અભાવે અત્યારે કદાચ હું ૮૦ ટકા સફળ કહેવાઉં. આ વાતનો મને ક્યારેક અફસોસ થાય છે, પણ પાયો પાકો છે એટલે વધુ ચિંતા થતી નથી. મેં તેને જે પણ શીખવ્યું છે એનો મને આત્મસંતોષ છે.’ - મેઘના મોદી, વિલે પાર્લે

આ પણ વાંચો : ઍન્ટિડિપ્રેસન્ટ્સ અને સ્લીપિંગ પિલ્સ ક્યારે લેવાય?

સંતાનના બાળપણને માણી ન શકવાનો વસવસો

મારા એકના એક સંતાનના બાળપણની છબિ મને ખાસ યાદ જ નથી એ વાતનો અફસોસ ક્યારેક થાય છે એમ જણાવતાં અઢાર વર્ષના કૉલેજિયન રાહિલ વોરાનાં મમ્મી હેમાલી કહે છે, ‘હું શરૂઆતથી જ વર્કિંગ છું. પ્રાઇવેટ ટ્યુટોરિયલમાં કેમિસ્ટ્રીની પ્રોફેસર હોવાના કારણે મારું શેડ્યુલ બહુ ટાઇટ હોય છે. ક્યારેક તો ઘરે આવતાં રાતના બાર વાગી જાય. મારા માટે શિક્ષણ પ્રાયોરિટી રહી છે તેથી રાહિલને ભણાવવા મેં વિવેચક તેમ જ નેગેટિવ સહિતના તમામ રોલ ભજવ્યા છે. રાહિલનું ધ્યાન રાખવામાં મારા હસબન્ડનો ફાળો વધુ રહ્યો છે એ રીતે જોવા જઈએ તો મધર તરીકે હું ક્યાંક નબળી પુરવાર થઈ છું. મેં દીકરાને સમય નથી આપ્યો તો પણ એની દુનિયા અમારા ત્રણ સુધી જ સીમિત રહી ગઈ છે એનું આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે મમ્મી ધ્યાન ન આપે તો સંતાનો બહારની દુનિયામાં ખોવાઈ જતાં હોય છે, પરંતુ મારા કેસમાં એવું થયું નથી. તમે માનશો નહીં, પણ કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં યંગ બૉય પાસે આજની તારીખમાં સ્માર્ટ ફોન નથી. સમય ન આપી શકવા છતાં એના ઉછેરમાં મારા સંસ્કારોનો પ્રભાવ પડ્યો છે એ સારી વાત કહેવાય.’ - હેમાલી વોરા, કાંદિવલી

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 01:15 PM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK