Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બીજા વિશ્વ યુદ્ધમાં લડાઈ લડનાર વાગડના કચ્છી સૈનિકની કથા

બીજા વિશ્વ યુદ્ધમાં લડાઈ લડનાર વાગડના કચ્છી સૈનિકની કથા

25 June, 2019 12:46 PM IST |
વસંત મારુ

બીજા વિશ્વ યુદ્ધમાં લડાઈ લડનાર વાગડના કચ્છી સૈનિકની કથા

બીજા વિશ્વ યુદ્ધમાં લડાઈ લડનાર વાગડના કચ્છી સૈનિકની કથા


દહિસર વાગડ સોશ્યલ ગ્રુપના પચીસમાં વર્ષની ઉજવણી પ્રસંગે શાંતિભાઈ ગડા અને પ્રવીણભાઈ છેડા દ્વારા મને વાગડના ઇતિહાસની ઉપર ભવ્ય નાટક બનાવવા બોલાવવામાં આવેલો. નાટક અદ્ભુત બન્યું પણ સાથે બીજી એક અદ્ભુત ઘટના પણ બની. નાટકમાં ભાગ લેનાર યુવાન કલાકાર રાજન છાવડા અને તેનાં મમ્મી ભાવનાબહેન છાવડાએ મને એક પુસ્તક ભેટ આપ્યું. એ પુસ્તક વાચીને રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એ પુસ્તક લખ્યું હતું સ્વ આસધીર પુનસી ગડાએ. ભાવનાબહેનના પિતા આસધીરભાઈની આત્મકથાનું પુસ્તક હતું.

કચ્છ વાગડના સામખિયારી ગામમાં જન્મેલા આસધીરભાઈના પિતા પુનસીભાઈ ગામના પટેલનો દરજ્જો ભોગવતા હતા. કારમી ગરીબીમાં પણ પરગજુપણું દાખવવું એ પુનસી બાપાનો ગુણ હતો. પુનસી બાપા ખેડૂત હતા, પણ વારંવાર પડતા દુષ્કાળને કારણે ખેતીની ઉપજ ન જેવી હતી. ત્રણ દીકરા અને ત્રણ દીકરી સાથેના કુટુંબને નિભાવવા ખાણમાંથી પથ્થર કાઢવાની મજૂરી કરતા. આસધીરભાઈએ પિતાના જીવનનો સંઘર્ષ જોયો હતો એટલે ભણતરનું મહkવ સમજી ગયા હોવાથી માતા-પિતાની રજા લઈ દરિયા વાટે મુંબઈ આવ્યા અને માટુંગા બોર્ડિંગમાં દાખલ થયા.



આ માટુંગા બોર્ડિંગની શરૂઆત એ જમાનામાં મુંબઈ કૉન્ગ્રેસના ખજાનચી અને ગાંધીજીના અંતેવાસી વેલજી લખમસી નપુ (કચ્છી સમાજના પ્રથમ બૅરિસ્ટર)એ કરી હતી. એ સમયે કચ્છમાં ભણતર માટેની સગવડો ઓછી હતી. બાળકોનાં મા-બાપ ખેતીકામ કે મજૂરીમાં રચ્યાંપચ્યાં રહેતાં એટલે બાળકો ગામમાં આમતેમ ભટક્યાં કરતાં. વેલજીબાપા જાતે ગામડાંઓમાં જઈ આવાં બાળકોના વાલીઓને ભણતરનું મહkવ સમજાવી બાળકોને મુંબઈની માટુંગા બોર્ડિંગમાં દાખલા કરવા સમજાવતા અને જાતે દેખરેખ કરી બાળકોનું ઘડતર કરતા. આજે મોટી-મોટી હસ્તીઓ આ માટુંગા બોર્ડિંગ અને સોનગઢ બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરી જીવનમાં ઘણી પ્રગતિ કરી છે. આ બન્ને બોર્ડિંગમાં ભણેલા સજ્જનો આજે દેશ-વિદેશમાં ફેલાયેલા છે, પણ પોતાની માતૃસંસ્થાને હજી પણ ર્તીથભૂમિ તરીકે પૂજે છે. એવી માટુંગા બોર્ડિંગમાં આસધીરભાઈનું ઘડતર થયું અને સ્વપ્નોને નવી પાંખ મળી.


શાળાનું શિક્ષણ પૂÊરું થતાં આસધીરભાઈને વિલ્સન કૉલેજ જેવી પ્રખ્યાત કૉલેજમાં ઍડ્મિશન મYયું. ઇન્ટર સુધી ભણ્યા. સાહસ આસધીરભાઈના લોહીમાં વહેતું હતું એટલે અજાણ્યા અણઓળખીતા આફ્રિકામાં જઈ પોતાની સાહસવૃત્તિ સંતોષવાનું નક્કી કર્યું. એ સમયે ભારત અને આફ્રિકા પર બ્રિટિશરોનું રાજ હતું એટલે વીઝા આદી માટે ખાસ મુશ્કેલી પડી નહીં. કહેવાય છે કે એ સમયે કચ્છથી મુંબઈ આવવા સ્ટીમરમાં પ્રવાસ કરવો પડતો અને સ્ટીમરની ટિકિટ હતી પાંચ રૂપિયા.

vasant-maru-01


એ એવો સમય હતો કે પાંચ ધોરણ ભણેલો માણસ ભણેલોગણેલો મનાતો ત્યારે ઇન્ટર સુધી ભણેલા આસધીરભાઈ દરિયાઈ પ્રવાસ કરી દસ દિવસે ભારે મુશ્કેલીઓ વેઠી મૌબાસા પહોંચ્યા. એ ભીષણ મંદીનો સમય હતો. આફ્રિકા પણ મંદીનો શિકાર બન્યો હતો એટલે શરૂઆતમાં પાંચ-છ મહિના બેકાર રહ્યા પછી પહેલા એક ફોટો સ્ટુડિયોમાં નોકરી મળી, પછી એક ડૉક્ટરને ત્યાં કમ્પાઉડર તરીકે પછી એક વિદેશી કંપનીમાં નામુ લખવાનું કામ મળ્યું, પણ ક્યાંય જૉબ સેટિસફેક્શન મળતું ન હતું, કારણ કે સાહસ, રોમાંચ મળે એવાં કામોમાં તેમનો વધુ રસ હતો અને રોમાંચિત થઈ જવાય એવા કામનો અવસર આવી પહોંચ્યો. બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકYયું અને લશ્કરમાં ભરતી શરૂ થઈ. એવા એક ભરતી સેન્ટરમાં આસધીરભાઈ પહોંચી ગયા, પણ ઉંમર એક વર્ષ નાની હતી એટલે લશ્કરમાં ભરતી ન થઈ શક્યા. એક મહિના પછી બીજા એક સેન્ટરમાં ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આપી લશ્કરમાં દાખલ થઈ ગયા અને શરૂ થઈ લશ્કરની કડક તાલીમ. છ મહિનાની લશ્કરી ટ્રેઇનિંગ માત્ર ત્રણ મહિનામાં પૂરી કરી. આસધીરભાઈને એ સમયે ગુજરાતી, અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન ભાષા ઉપર ગજબનો કાબૂ હતો. પરિણામે શરૂઆતથી જ પાંચસો પગાર નક્કી થયો અને સોમાલિયા તરફથી બ્રિટિશ લશ્કર સાથે ઇટલી સામે લડવા રવાના થયા. શરૂઆતમાં લડાઈનાં શસ્ત્રો, દારૂગોળો, ખાધપુરવઠાની ફરજ સોંપવામાં આવી. ધીરે-ધીરે એક સારા નિશાનબાજ તરીકે લશ્કરમાં પ્રખ્યાત થઈ ગયા. એક વાર ટુકડીની સલામતી ખાતર એક જ ગોળીથી નર અને માદા દીપડાને વીંધી નાખી લશ્કરના કૅપ્ટન મિસ્ટર નૉર્થનો વિશ્વાસ જીતી લીધો. વિશ્વ યુદ્ધ વખતે આફ્રિકાના જંગલમાં કૅપ્ટન ટેઇલરની ટુકડી સાથે એમાં મહાવિકરાળ ડાકુઓની ટોળીને ઝબ્બે કરવા સહિતનાં અનેક પરાક્રમો કર્યાં. નાઇરોબીથી હજાર માઇલ દૂર ડાંટે નામના સ્થળે બ્રિટનના દુશ્મન ઇટાલિયન અને જર્મન કેદીઓ સાથે વાતચીત કરવા જર્મન અને ઇટાલિયન ભાષાના જાણકાર સૈનિકની જરૂર હતી ત્યાં આસધીરભાઈને વાતચીત કરવા માટે મોકલવામાં આવ્યા, કારણ કે તેમને એ ભાષાનું જબરું જ્ઞાન હતું. એક વાર તો પુરવઠો પહોંચાડવા નીકળ્યા, રાતના આઠ શાકાહારી સૈનિકો અલગ ભોજન લઈ આરામ કરી રહ્યા હતા. મૂળ કૅમ્પની જાણ દુશ્મનોને થઈ જતાં ત્યાં બૉમ્બમારો થયો. ૭૭ ગાડીઓ, ૧૫૪ ડ્રાઇવરો, ૨૨૫ બ્રિટિશ જવાનોનો ખુરદો બોલાઈ ગયો. ચારે બાજુ લોહીની નદી વહેવા લાગી, પણ શાકાહારને કારણે આઠ જવાનો દૂર સૂતા હોવાથી બચી ગયા એમાં આસધીરભાઈ પણ હતા.

૧૯૪૧માં ઇટલીનું પતન થતાં સોમાલિયા પર બ્રિટનનો કબજો આવી ગયો અને આસધીરભાઈની પોલીસ હેડમાં ઑફિસમાં હેડ ક્ર્લક તરીકે નિમણૂક થઈ. ૧૯૪૪માં સીઆઇડી; સિક્યૉરિટી, ઇમિગ્રેશન અને પાસર્પોટ તથા કસ્ટમ એમ ચાર ખાતાંના હેડ તરીકે નિમણૂક થઈ. અમેરિકા, બ્રિટન, ચીન અને રશિયા તરફથી તેમને માન્યતા મળી. આમ આસધીરભાઈ એકસાથે ચાર ડિપાર્ટમેન્ટના હેડ બન્યા. કુલ અઢાર વર્ષ આફિકામાં સરકાર અને લશ્કરની સેવામાં રહ્યા, પણ સોમાલિયામાં સત્તાપલટો થતાં કેનિયા પાછા આવી ગયા અને સરકારી નોકરીને બદલે પોતાની દુકાન શરૂ કરી.

એ સમયે ભારત, કેનિયા, સોમાલિયા પર અંગ્રેજોનું રાજ હતું. આપણો દેશ સ્વતંત્ર થાય એવી ભાવના તેમના દિલમાં ભરેલી હતી. પરિણામે માઉ-માઉ નામના સંગઠનમાં જોડાયા. માઉ-માઉ સંગઠન સશસ્ત્ર ક્રાન્તિકારીઓથી બનેલું હતું. આસધીરભાઈ પોતાની જૂની ઓળખાણો અને વડાથી ક્રાન્તિકારીઓને શસ્ત્રોનાં લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાનું કાર્ય કરતા. આ વાતની જાણ સરકારને થતાં રાતોરાત તેમને નૈરોબી છોડી ભારત પરત આવવું પડ્યું. બધી જ મિલકત નૈરોબીમાં મૂકી માત્ર ચારસો પચીસ સીલિંગ સાથે ભાગ્યા. પાછળથી પત્ની પુષ્પાબહેન ભારત પરત આવ્યાં.

આફ્રિકા ગયા પછી માત્ર એક વાર લગ્ન કરવા ભારત આવેલા અને સામખિયારીના જ પુષ્પાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. તરત જ તેમને આફ્રિકા લઈ ગયાં. પુષ્પાબહેન ભણ્યા નોતા એટલે આફ્રિકા લઈ જઈ ઇંગ્લિશ અને આફ્રિકન માધ્યમમાં ભણાવી આસધીરભાઈ વૈદુ પણ શીખ્યા. આફ્રિકાના એક ડૉક્ટરે પુષ્પાબહેનને સંતાન નહીં થાય એવું નિદાન કરેલું પણ આસધીરભાઈ આયુર્વેદનો અભ્યાસ કરી પુષ્પાબહેનની ટ્રીટમેન્ટ કરી, પરિણામે સંતાનોનો જન્મ થયો.

આફ્રિકાથી આવીને સામખિયારીમાં ખેતી શરૂ કરી. ક્યાં આફ્રિકામાં ઑફિસર અને ક્યાં કચ્છના ખેડૂત! ખેતીકામમાં સંતોષ ન થતાં આસધીરભાઈ મુંબઈ આવ્યા. શરૂઆતમાં છાપાંના વિતરણનું કાર્ય કર્યું પછી ઇન્શ્યૉરન્સ એજન્ટ બની સફળતા મેળવી, પણ મુંબઈનું વાતાવરણ શરીરને માફક ન આવતાં સામખિયારી પરત આવ્યા.

લશ્કરી સૈનિક, ગવર્નમેન્ટ ઑફિસર, ખેડૂત, ઇન્શ્યૉરન્સ એજન્ટ આ બધાં જ કામો નીરપેક્ષ ભાવે કર્યાં. ઘણીબધી ભાષાઓ પર તેમની પકડને કારણે તેમના લખાણથી પ્રભાવિત થઈ ભચાઉના ડેપ્યુટી કલેક્ટરે તેમને પિટિશન રાઇટર તરીકે લાઇસન્સ આપ્યું. ઍિગ્રમેન્ટ, પિટિશન, ખત ઇત્યાદી લખાણ દ્વારા આખા કચ્છ વાગડમાં ખ્યાતિ પ્રાપ્ત કરી અને આર્થિક સધ્ધરતા મેળવી.

આ પણ વાંચો : કચ્છની વિવિધ જ્ઞાતિનો ઇતિહાસ કચ્છી લોહાણા જ્ઞાતિ

લોકોએ આસધીરભાઈને તેમની ૬૮ વર્ષની ઉંમરે ક્રિકેટ રમતા જોયા છે. જરૂરિયાતમંદને ગુપ્તદાન કરતા જાણ્યા છે. જબરદસ્ત હિંમત અને સ્વપ્નદૃષ્ટા તરીકે જાણ્યા છે. કચ્છના ધરતીકંપ વખતે તેમના દીકરા વિપુલ સાથે સામખિયારીમાં રહેતા હતા. ધરતીકંપની ખાનાખારાબી જોઈ દીકરાને કહ્યું હતું કે દસ વર્ષની લશ્કરી નોકરીમાં કે બીજા વિશ્વ યુદ્ધથી વધુ ભીષણ નુકસાન આ ધરતીકંપે કર્યું છે. ૮૬ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમના દીકરા વિપુલભાઈ, ભરતભાઈ, પૌત્ર મિહિર અને દીકરી ભાવનાબહેન સાથે વાતચીત અને તેમના પુસ્તકમાંથી પ્રેરિત થઈ આ ઓછા પ્રસિદ્ધ કચ્છી મહામાનવનો ટૂંકો પરિચય આપવા ધનભાગ્ય બન્યો છું. એ બદલ ‘મિડ-ડે’ અને કચ્છ કૉર્નરનો આભાર માનું છું. ‘મિડ-ડે’માં મારાં લખાણો માટે ખૂબ અભિનંદન મળ્યાં એ બદલ વાચકરાજાનો આભાર માનું છું.

અસ્તુ. 

(લેખક અને કચ્છી નાટ્યકાર )

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2019 12:46 PM IST | | વસંત મારુ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK