કચ્છની વિવિધ જ્ઞાતિનો ઇતિહાસ કચ્છી લોહાણા જ્ઞાતિ

Published: Jun 25, 2019, 12:38 IST | વાત કચ્છી જ્ઞાતિઓની - ભાવિની લોડાયા | મુંબઈ

ગુજરાતી ‘મિડ-ડે’ના ‘કચ્છી કૉર્નર’ને મળેલા ઉત્કૃષ્ટ આવકારને જાળવી રાખવા વિવિધ-વિવિધ રસપ્રદ જાણકારી આપ સમક્ષ રજૂ કરવા અમે સતત પ્રયત્ન કરતા રહીશું.

લોહાણા સમાજ
લોહાણા સમાજ

ગુજરાતી ‘મિડ-ડે’ના ‘કચ્છી કૉર્નર’ને મળેલા ઉત્કૃષ્ટ આવકારને જાળવી રાખવા વિવિધ-વિવિધ રસપ્રદ જાણકારી આપ સમક્ષ રજૂ કરવા અમે સતત પ્રયત્ન કરતા રહીશું.

કચ્છની વિવિધ જ્ઞાતિઓની શરૂ કરેલી સફરમાંથી આજે આપણે સફર કરીશું કચ્છી લોહાણા જ્ઞાતિની.

હિંમતભાઈ સોમૈયાની કચ્છી લોહાણાની સુંદર રચનાથી શરૂ કરીએ ગાથા...    

જ્યાં બેસે ત્યાં કરે મુકામ,

ખોડે જઈને ચીપિઓ જ્યાં

ધખી જાય ધૂણીએ અંગાર ત્યાં.

ઊભો રહે ન કતારમાં ક્યાંય,

જ્યાં રહે ઊભો ત્યાંથી કતારો થાય.

ચાલે ન કદી જગ જૂની ચાલ,

લોહાણાની ચાલથી જગ મેળવે તાલ.

લોહાણાને કદી ન પદથી પ્રીત,

ગાયે ના કદી એ કોઈનાં ગીત.

કરે ના કદી કોઈની કદમપોશી,

ન થાય ખોટી ખુશામતથી ખુશી.

હિંમત એવી તો હજાર ખૂબીઓ કહું,

ઓ! દુનિયાવાલો સાંભળજો સહુ.

આજથી ૨૫૦ વર્ષ પહેલાં સન ૧૭૮૫-’૮૬માં મુંબઈના કાંઠે પગ મૂકનાર પહેલો લોહાણો કચ્છ માંડવી તાલુકાના મસ્કા ગામનો ૧૪ વર્ષનો રણબંકો રણમલ લાખો...

સન ૧૭૭૫માં કચ્છ મસ્કા ગામે પ્લેગનો આતંક ફેલાયો, જેમાં સેંકડો ગ્રામજનો અને ઢોર-ઢાંખર ટપોટપ મરવા પડ્યાં એમાં લોહાણો મજૂર લાખો અને તેની પત્ની કંકુબાઈ પણ સિધાવી ગયાં અને દોઢ વર્ષનું એક બચ્ચું અનાથ મૂકી ગયાં, જેને માંડવીના એક નિ:સંતાન મારવાડીએ દત્તક લઈ નામ આપ્યું ‘રણમલ’... (આ અણકથી કથા બહુ લાંબી છે. અહીં માત્ર મુદ્દાની જ વાત માંડવી છે) રણમલ ૧૪ વર્ષનો થયો એટલે અજાણી ભૂમિ ખેડવા અને કંઈક કરી બતાવવાની તમન્ના સાથે અનેક ઝંઝાવાતોનો સામનો કરી સન ૧૭૮૫-’૮૬માં મુંબઈના બારામાં પહેલો પગ મૂકી વહાણવટી પાસે પેટિયા મજૂરી કામે રહ્યો અને કાબેલિયત, કોઠાસૂઝ અને કર્તવ્યનિષ્ઠાથી આગળ અને આગળ વધતો જ રહ્યો અને ૧૨૦ વહાણોના કાફલાનો માલિક બન્યો. દેશ-દેશાવરો સાથે એ જમાનામાં કરોડોની અસ્કયામતોનો માલિક બન્યો અને કરોડોની સખાવતો કરી જે આજે પણ અસ્તિત્વમાં છે. ભાયખલા રેલવે સ્ટેશન પાસે લવ લેનથી નાગપાડા સુધીની જમીન જાગીર છે એ તેણે બ્રિટિશ હકૂમતને બ્રિજ બાંધવા વાર્ષિક એક રૂપિયાના ભાડાપટ્ટે આપી. એક કાળા પથ્થરમાં કોતરકામવાળું ભવ્ય શિવાલય નિર્માણ કર્યું જે આજે ૨૫૦ વર્ષ પછી પણ અડીખમ છે અને ‘હંસરાજ કરમશી રણમલ લાખા ટ્રસ્ટ’ની આલબેલ વગાડે છે. ઉપરાંત પનવેલમાં એક એકરના ક્ષેત્રફળમાં ધર્મશાળા, ગુજરાતીઓ માટે સૌપ્રથમ પ્રાથમિક શાળા જે આજે પણ કાર્યરત છે. એવી તો ડઝનબંધ જાગીરોમાં થાણેમાં ‘યેઉર’નાં આખેઆખાં જંગલો તેની જાગીર હતી. વડગાદી મસ્જિદ બંદરમાં મહેલાતો આજે પણ ઠાઠમાઠથી ઊભી છે. તળમુંબઈમાં ૮૦ જેટલી ચાલીઓ અને તાજ ડ્રામા ઑપેરા પ્લેહાઉસ જેનું નિર્માણ ‘રણમલે’ કર્યું જે આજે રેડલાઇટ એરિયા તરીકે કુખ્યાત પીલા હાઉસમાં ફેરવાઈ ગયું છે.

‘મેરા ભારત મહાન’ના પહેલા પાઇલટ ઘાટકોપરના પરસોતમ મેઘજીભાઈ કબાલી જેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝને ગુપ્ત રીતે વિમાનમાં જપાન લઈ જવામાં સફળ રહ્યા હતા.

સખાવતો ક્ષેત્રે શેઠ શ્રી વીરજી પેરાજ મસ્કાઈ પરિવારની ડઝનબંધ છાત્રાલયો, ડઝનબંધ ધર્મશાળાઓ અને અન્નક્ષેત્રોની શૃંખલા આજે પણ અસ્તિત્વમાં છે.

શેઠ શ્રી કાનજીભાઈ જાદવજી, રાવબહાદુર કલ્યાણજી કરમશી દામજી, શેઠ પરસોત્તમ ખેરાજ, કૉટનકિંગ હંસરાજ જીવણદાસ મીરાણી અને એવા તો અનેક ભામાશાઓએ કચ્છી લોહાણાની આન, બાન અને શાન વધારી છે.

શિક્ષણક્ષેત્રે પદ્મશ્રી કરમશી જેઠાભાઈ સોમૈયા વિદ્યાવિહાર અને ઘાટકોપર ખાતે તેમ જ મહારાષ્ટ્ર અને કર્ણાટક ખાતે શૈક્ષણિક સંકુલોમાં વિવિધ ફૅકલ્ટીઓની ૨૯ કૉલેજોમાં પ્રતિ વર્ષ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જ્વળ ભવિષ્યને ઓપ આપે છે જે એક સ્વાયત્ત યુનિવર્સિટીનો દરજ્જો ભોગવે છે. ઉપરાંત વિલે પાર્લે સ્થાનકે શેઠ ચત્રભુજ નરસી મોનજી કૉલેજનું દેશની અગ્રણી હરોળમાં સ્થાન છે. ગોરધનદાસ જાદવજી રૂપારેલ કૉલેજ એક પ્રતિષ્ઠિત વિદ્યાધામ ગણાય છે. માતુશ્રી કાનબાઈ લાલબાઈ મોતીબાઈ લોહાણા કન્યા છાત્રાલય જે કાંદાવાડી-મુંબઈમાં સન ૧૯૦૬માં મા કાનબાઈએ પોતાના રહેણાકના મકાનમાં માત્ર ૬ બાલિકાઓથી શરૂ કરેલું છાત્રાલય આજે જુહુ સ્કીમમાં એકરોના પ્લૉટ પર વટવૃક્ષ વડલો બનીને ૬૦૦ બાલિકાઓ માટે અદ્યતન હૉસ્ટેલ સાથે ૩૦૦૦ બાલિકાઓને પ્રાથમિક કક્ષાથી પોસ્ટ ગ્રૅજ્યુએશન સુધીનું  એમ.કે.વી. વિદ્યાધામ મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્યતાપ્રાપ્ત પ્રથમ મહિલા કૉલેજ તરીકે દરજ્જો ભોગવે  છે. એવાં તો અન્ય ડઝન જેટલાં વિદ્યાધામો, છાત્રાલયો અને શાળા સંકુલો કચ્છી લોહાણા સમાજની શિક્ષણપ્રેમની ભાષા પ્રગટ કરે છે.

વેપારવણજમાં એકહથ્થુ શાસન ભોગવતા કચ્છી લોહાણાઓનો મુંબઈના દાણાબંદર, મૂડીબજાર અને મેવા-મસાલા, અનાજ, કઠોળ, કરિયાણાના વેપારક્ષેત્રે દાયકાઓ સુધી અગ્રીમતાભર્યું સ્થાન હતું અને આજે પણ ત્રીજી પેઢીએ એ સ્થાન જાળવી રાખ્યું છે.

મહાજનવાડીઓ, સમાજભવનો, વૃદ્ધો માટે આશ્રયસ્થાનો, સૅનેટોરિયમ્સ, વિશ્રામધામો શતાબ્દી ઊજવી ચૂક્યાં હોય એવા સ્વયંસેવક મંડળ અને સંત જલારામ સેવા મંડળોના માધ્યમ દ્વારા ઉચ્ચ અભ્યાસ લેવા ઇચ્છુકો માટે સ્કૉલરશિપ યોજનાઓ, બુક બૅન્ક યોજનાઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય યુનિફૉમ્સ-નોટબુક વિતરણ યોજનાઓ, જરૂરિયાતમંદોને આર્થિક મદદ અને ચિકિત્સા માટે કરોડોના ભંડોળોનાં સખાવતી ટ્રસ્ટોની ગાથા ખૂબ લાંબી છે.

મુંબઈના વડગાદીનો મહોલ્લો હોય કે મુલુંડની બજાર કે મીરાણીનગર, વડાલા હોય કે કૉટનગ્રીનના મહોલ્લાઓમાં નવરાત્રિના દિવસોમાં રાતભર બહેન-દીકરિયું ગરબારાસ રમતી, એકલદોકલ અવરજવર કરતી ત્યારે કોઈ અભાગિયાની તાકાત નહોતી કે ઊંચી આંખે જોઈ પણ શકે એવી કૅપ્ટન કેશવજી જયરામ, શહીદ વીર વિઠ્ઠલ ચંદન જેવા અનેક જવાંમર્દોની ધાક વાગતી હતી. એનો એક સવાયો દાખલો આપવાનું ઉચિત સમજું છું કે કચ્છ અંજારના વતની દીવાન બહાદુર મેઘજી શેઠને માંડવીની પ્રજાએ ફરિયાદ કરી કે કચ્છના મહારાવ રા’ રાયધણજી પ્રજા પર જોરજુલમ કરી કાળો કેર વર્તાવે છે. પ્રજા વત્સલપ્રેમી દીવાન બહાદુર મેઘજી શેઠે મનોમન નિય કરી વિવિધ જ્ઞાતિના કમાન્ડો જેવા ચુનંદાઓ સાથે એક અર્ધ-લશ્કરી દળ તૈયાર કરીને રાજમર્યાદાનું ઉલ્લંઘન કરનાર રાજવીને રાજધર્મ સમજાવવા માટે રા’ રાયધણજીને ઘેરો ઘાલી પરાજિત કરી નજરકેદ કરી જેલમાં ધકેલી દીધા અને માંડવીનું શાસન પંચાયતરાજ સ્થાપિત કરી એ બાર ભાઈઓને સુપરત કરી માંડવીમાં બારભાયા રાજની લોકશાહી રસમ સ્થાપિત કરી.

‘સાહિત્ય ક્ષેત્રે પણ કચ્છી લોહાણાઓ માનભર્યા સ્થાનકે બિરાજતા’ જેમાં કવિ રાઘવ (રાઘવજી ઠકકર), કચ્છના ઇતિહાસની ખેડ કરી પડ ઉખેડી સંશોધન કરનારા મૂળરાજ રૂપારેલ, વર્તમાનમાં કવિ અને લેખક તરીકે નામના મેળવનાર હિંમત સોમૈયા અને આનંદ ચંદે, રમેશ ખિલમત, પ્રદેવ, મેઘબિન્દુ મોખરાની હરોળનાં નામો છે. ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે અનિલ ઠક્કર, રાજેન ચંદે, રમેશ ચંદે ‘રૂપમ’, મહેશ માણેક, આશિષ ભીંડે ઘર-ઘરમાં ગુંજતાં નામ છે.

છે ગૌરવ ઘણો અમને, લોહાણા છીએ, કચ્છના છીએ,

‘ઘડાઈ ઘડાઈ ઘરેડમાં ઢળ્યા છીએ.

ન ચાહ, ન ચિંતા, ના રાવ કદી કોઈને કરીએ છીએ,

મનથી રાખીએ સદાય મોજ, ખૂબ ખુશખુશાલ રહીએ છીએ.

 

કુરબાનીના સરવાળાનું ગણિત કદીય નવ ગણીએ છીએ,

આદર અનાદરને શાનમાં સમજી જઈએ છીએ.

આ પણ વાંચો : એકલી નારી સદા સુખી ખરેખર, તમને શું લાગે છે?

હિંમત રાખણહારો રાખે રામ એમ રહીએ છીએ,

વીત્યા વખતના વિવરણમાં, સમય પણ ના

વેડફીએ છીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK