Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હવે કહ્યા વિના છૂટકો નથી...કેવડિયા નહીં દેખા તો કુછ નહીં દેખા

હવે કહ્યા વિના છૂટકો નથી...કેવડિયા નહીં દેખા તો કુછ નહીં દેખા

08 November, 2020 06:49 PM IST | Kevadia
Shailesh Nayak & Rashmin Shah

હવે કહ્યા વિના છૂટકો નથી...કેવડિયા નહીં દેખા તો કુછ નહીં દેખા

નવી નજરે સ્વાસ્થ્ય: આરોગ્ય વનમાં વિશાળ ઔષધ માનવની કૃતિ, તળાવો અને ગાર્ડન

નવી નજરે સ્વાસ્થ્ય: આરોગ્ય વનમાં વિશાળ ઔષધ માનવની કૃતિ, તળાવો અને ગાર્ડન


સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી જ્યાં એકતા અને અખંડતાની આહલેક જગાવે છે એ નર્મદા જિલ્લાનું કેવડિયા આ દિવાળીના સમયમાં જવા માગતા હો તો હવે તમારે એક કે બે દિવસ નહીં, ત્રણેક દિવસનો મિનિમમ પ્રોગ્રામ કરવો પડે એવાં અદ્ભુત, રોમાંચક અને ઉત્કંઠાને બેવડાવી દે એવાં આકર્ષણોનો ઉમેરો થયો છે. સાતપૂડા અને વિંધ્યાચલ પર્વતોની હારમાળા વચ્ચે ૧૮૨ મીટર ઊંચી આકાશને આંબતી સરદારની વિરાટ પ્રતિમા તો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતી જ, પણ હવે એની સાથોસાથ આરોગ્ય પ્રત્યે સભાનતા લાવતું ૬૦ પ્રકારની ઔષધિઓના છોડ સાથેનું આરોગ્ય વન અને ઔષધ માનવ, ટેક્નૉલૉજી અને એન્ટરટેઇનમેન્ટ સાથે ભોજનની માહિતીનો ખજાનો ખડકી દેતું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, નાનકડાં પ્રાણીઓ અને પક્ષીઓને બાળકો સ્પર્શી શકે અને સાથે રમવાનો આનંદ પણ ઉઠાવી શકે એવું જંગલ સફારી અને મસ્તમજાની રિવર રાઇડનો આનંદ આપે એવી એકતા ક્રૂઝ આ નવાં અટ્રૅક્શનોના શિરમોર છે. પહેલાં કહેવાતું ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ પણ હવે, હવે મહાનાયકે કહેવું પડશે, ‘કેવડિયા નહીં દેખા તો કુછ નહીં દેખા.’

યસ, છૂટકો જ નથી. ધેર ઇઝ નો ઍની અધર રીઝન. કેવડિયા નહીં દેખા તો કુછ નહીં દેખા.



પહેલાં કેવડિયા જવા માટે સરદાર પટેલનું ૧૮૨ મીટર ગગનચુંબી સ્ટૅચ્યુ બહાનું હતું અને આ એક એવું બહાનું હતું જે માત્ર ગુજરાત કે એની આસપાસનાં રાજ્યો માટે જ કે દેશ માટે જ નહીં, પણ વિશ્વભરના પ્રવાસીઓ માટે ગુજરાતના કેવડિયા આવવાનું અટ્રૅક્શન હતું, પણ આ અટ્રૅક્શનમાં હવે દોથો ભરીને બીજાં નવાં આકર્ષણ ઉમેરવામાં આવ્યાં છે. પહેલાં સવારથી સાંજ કે પછી વધીને એક દિવસનો પ્રોગ્રામ કરીને કેવડિયાથી પાછા આવી શકાતું, પણ હવે એવું નથી. હવે બે દિવસની કેવડિયાની ટ્રિપ પણ તમને ટૂંકી પડે એવું બનવાનું છે અને આ બનવા પાછળના કારણમાં ગયા અઠવાડિયે ઉમેરાયેલાં નવાં અટ્રૅક્શન બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. કેવડિયા હવે ગુજરાતી થાળી જેવું રોચક બની ગયું છે, એવું કહીએ તો પણ ખોટું નથી કે જરા પણ એમાં અતિશયોક્તિ નથી. કેવડિયા જઈને પહેલાં ક્યાં જવું અને કયા સ્પૉટનો વારો પછી રાખવો એ સૌકોઈ માટે અઘરું બની જાય એવા સંજોગો ઊભા થઈ ગયા છે. પહેલાં યુનિટી ઑફ સ્ટૅચ્યુ અને બે વર્ષ પછી એકસાથે અનેક નવાં અટ્રૅક્શન ઉમેરવાની યોજના ઓરિજિનલ પ્લાનમાં જ હતી અને હજી પણ આગળ એમાં નવા ઉમેરા થવાના છે. જોકે એની વાત કરતાં પહેલાં, હમણાં જે અટ્રૅક્શન ઉમેરાયાં એની ચર્ચા પહેલાં કરવી જોઈએ.


સાતપૂડા અને વિંધ્યાચલ પર્વતોની હારમાળાઓ વચ્ચે સરદાર સરોવર ડૅમ પાસે આકાશને આંબતી ૧૮૨ મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી પછી હવે અહીં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરતું અને એ સભાનતા કેટલી સહજ છે એ વાત સમજાવતું અંદાજે ૬૦ પ્રકારની ઔષધિઓના છોડ સાથેનું ઉત્કંઠા જગાવતા વિરાટ ઔષધ માનવ સાથેનું આરોગ્ય વન કેવડિયાના અટ્રૅક્શનમાં ઉમેરાયું છે તો બેબી ટ્રેનમાં બેસાડી જુદાં-જુદાં સ્ટેશનો પર લઈ જઈ ટેક્નૉલૉજી થકી બચ્ચાઓ અને અફકોર્સ તેના પેરન્ટ્સને પણ એન્ટરટેઇનમેન્ટ સાથે ભોજનનું અગત્ય અને ભોજનમાં શું-શું હોવું અનિવાર્ય હોવું જોઈએ એવી રોજબરોજની સ્વાસ્થ્યલક્ષી માહિતીનો ગંજાવર ખજાનો ધરાવતું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ કેવડિયામાં ઉમેરાઈ ગયું છે. હેલ્થ ઓરિયેન્ટેડ ઇન્ફર્મેશન ઉપરાંત બાળકો અને ફૅમિલી જ્યાં નાનાં પ્રાણી અને પક્ષીઓને સ્પર્શી શકે, એની સાથે રમી શકે એવી સુપર એક્સાઇટિંગ જર્ની કરાવતી જંગલ સફારી તો જગતની સૌથી લાંબી અને આખા ઇજ‌િપ્તમાંથી પસાર થતી નાઇલ ‌રિવરનો અનુભવ તાજો કરાવી દે અને જેણે એ અનુભવ લીધો ન હોય તેને નાઇલ રિવરના અનુભવનો સાક્ષાત્કાર કરાવી દે એવી એકતા ક્રૂઝ સહિતના બીજાં પણ અનેક અટ્રૅક્શન યુનિટી ઑફ સ્ટૅચ્યુની આસપાસ ઊભાં કરી દેવામાં આવ્યાં છે.

સ્ટૅચ્યુ ઑફ યુનિટીના ડેપ્યુટી સીઈઓ નીલેશ દુબે ‘મિડ-ડે’ને કહે છે, ‘છેલ્લાં બે વર્ષમાં ૪૪ લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી, પણ હવે જંગલ સફારી સહિતનાં નવાં જે આકર્ષણ ઉમેરાયાં છે એ બધું ફરવા માટે પ્રવાસીઓને મિનિમમ બે દિવસ જોઈશે. જો બે દિવસથી વધારેનો સમય હશે તો જ આ બધું કવર થઈ શકશે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી પરિસર સહિતની જગ્યાઓમાં ટ્રાવેલર્સને વર્લ્ડ ક્લાસ એક્સ્પીરિયન્સ આપવાનો પ્રયાસ થયો છે, આ હકીકતમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે આવતા સમયમાં હજી ઘણું નવું અહીં ઉમેરાશે.’


દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી તતે કેવી પરિકલ્પના સહેલાણીઓ માટે કરી અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કેવડિયામાં એવું તે શું બનાવ્યું કે સહેલાણીઓને જલસો પડી જાય એ વિગતવાર જોવા જેવું છે.

મહાકાય ઔષધ માનવ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી માત્ર હરવાફરવાનું સ્થળ નહીં, પણ સહેલાણીઓને ઉપયોગી થાય એવી માહિતી પણ તેને મળતી રહે અને તેનું જીવન વધારે ઉમદા બને, સ્વાસ્થ્યપ્રદ આયુષ્ય બને એવા ઉમદા હેતુથી આરોગ્ય વન તૈયાર કરવામાં આવ્યું છે. એક સીધા અને સરળ પ્રશ્નનો જવાબ આપો.

શું તમને ખબર છે કે હૃદયરોગની બીમારીમાં કયો છોડ કે વૃક્ષ ઉપયોગી થાય?

આ સવાલનો જવાબ અને એ જવાબની સાથોસાથ એ માહિતી પણ કે આરોગ્ય વનમાંથી મળી રહે છે. છોડ કે વૃક્ષમાંથી બનતી ઔષધિ જ માત્ર નહીં, પણ છોડ કે વૃક્ષ પણ માનવજીવન પર સકારાત્મક અસર કરે છે એની વાત આરોગ્ય વનમાં કરવામાં આવી છે. આયુર્વેદનિષ્ણાત એવા ડૉ. વિભાકર જાની કહે છે, ‘આરોગ્ય વનમાં ઓછામાં ઓછી ૧૫૦ બીમારીને લગતી માહિતી છે અને એ ઉપરાંત આડઅસર કરતા ૧૦૦ જેટલા પ્રૉબ્લેમનું પણ એમાં સૉલ્યુશન છે.’

આ માહિતી આપતા વિશાળ ઔષધ માનવની આકૃતિ આરોગ્ય વનમાં તૈયાર કરવામાં આવી છે. ૮૦ મીટર લંબાઈ અને ૪૦ મીટરની પહોળાઈ ધરાવતા વિશાળ ઔષધ માનવની આકૃતિ અને એ આકૃતિમાં સમાવવામાં આવેલી માહિતી અત્યારથી અટ્રૅક્શન પૉઇન્ટ બની ગઈ છે. આ વિશાળકાય ઔષધ માનવ તૈયાર કરવા પાછળ પણ ચોક્કસ કારણ છે અને એમાં વિશેષ જ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે ઔષધ માનવના હૃદયના સ્થાને તમે ઊભા રહો તો ત્યાંથી તમને ગૂગળ અને અર્જુન વૃક્ષના પ્લાન્ટ જોવા મળશે. આયુર્વેદ કહે છે કે અર્જુનની છાલ અને ગૂગળમાંથી બનાવાયેલી દવા હાર્ટ-બ્લૉકેજની સારવારમાં ઉમદા પરિણામ આપે છે. ઉદાહરણ બીજું, ઔષધ માનવના માથાના ભાગે તમે જોશો તો લાલ જાસુદ અને એલોવેરાના પ્લાન્ટ જોવા મળશે, જવાબ એ જ કે આ બન્ને ઔષધ મસ્તક માટે ઉપયોગી છે. મોઢાના ભાગેથી તમને ચણોઠીના પ્લાન્ટ જોવા મળશે. કહેવાનો ભાવાર્થ એ કે આરોગ્ય વન અને ઔષધ માનવ દેખાડે છે કે માનવશરીરના જે ભાગમાં મુશ્કેલી જન્મે એના ઉપચારમાં એ ઔષધ વાપરવી જે પ્લાન્ટ ઔષધ માનવના શરીરના ભાગ પર વાવવામાં આવ્યા છે. શરીર માટે ઉપયોગી હોય એવી ૬૦ પ્રકારની ઔષધિઓના પ્લાન્ટ ઉગાડવામાં આવ્યા છે. ઔષધ માનવ દ્વારા સહેલાણીઓને વિવિધ પ્લાનન્ટ્સ અને એની ઉપયોગિતાની સમજ મળી રહેશે. મજાની વાત એ છે કે માત્ર પ્લાન્ટ્સની જ વાત નથી કરવામાં આવી, પણ અહીં માણસની બૉડી સેન્સ આધારિત પણ કેટલાંક ગાર્ડન આરોગ્ય વનમાં તૈયાર કરવામાં આવ્યાં છે.

૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિનાં પાંચ લાખથી પણ વધારે વૃક્ષો વાવવામાં આવ્યાં છે તો એના સિવાય અહીં કમળ તળાવ, ગાર્ડન ઑફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટિના ગાર્ડન અને એરોમા ગાર્ડન જેવાં અનેક વિશિષ્ટતા ધરાવતાં ગાર્ડન પણ બનાવવામાં આવ્યાં છે. એક ખાસ વાત, યોગપ્રેમીઓ માટે આરોગ્ય વનમાં યોગ અને મેડિટેશન માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે, જ્યાં બેસીને યોગ અને પ્રાણાયામ કે પછી મેડિટેશન કરી શકાય. આરોગ્ય વનમાં વેલનેસ સેન્ટર પણ છે. આ વેલનેસ સેન્ટરમાં કેરળના સુપ્રસિદ્ધ આશ્રમોના નિષ્ણાતો દ્વારા શિરોધારા અને પંચકર્મ સહિતની નેચર થેરપીનો પણ લાભ લઈ શકાશે.

રાઇડ વિથ થાળ...

હા, ધોરી નસમાં વહેતા લોહીની ગતિ વધારી દે એવી રોમાંચક રાઇડ સાથે તમે ભોજનની વિવિધતાનો લાભ લઈ શકશો. એકતા ફાઇવ-ડી ફિલ્મ દ્વારા પશ્ચિમ ભારતના પૌષ્ટિક નાસ્તા અને દક્ષિણ ભારતના ઉમદા જમણ સહિત દેશભરની ભારતીય થાળીનો રસાસ્વાદ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં સહેલાણીઓને મળશે. બાળકોને તો મજા પડવાની જ છે, પણ તેમની સાથોસાથ મોટેરાઓ પણ રોમાંચક રાઇડની સફર કરતાં-કરતાં ભારતીય થાળીઓ અને અવનવાં વ્યંજનો વિશે જાણકારી મેળવી શકશે. ટૂંકમાં, મમ્મી અને મમ્મીના ઢબૂડાઓ રાજી એટલે પપ્પા પણ આપોઆપ ખુશ એવો સીધો હિસાબ કરવામાં આવ્યો છે. પાર્કમાં ટૉય ટ્રેનમાં બેસીને પાર્કમાં આવેલાં ૬ સ્ટેશનોએ પ્રવાસ કરવાનો છે અને આ પ્રવાસ દરમ્યાન ભારતીય ભોજનમાં સમાવવામાં આવતાં ઇન્ડ‌િયન બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સમજની તૃપ્તિનો ઓડકાર લેવાનો છે અને સમજવાનું છે કે તમે તમારા શરીરમાં જે ઓરો છો એ કેટલા અંશે વાજબી છે.

ટેક્નૉલૉજી અને મનોરંજનનો સુભગ સમન્વય ભોજન માટે થયો હોય એવું કદાચ દેશભરમાં પહેલી વાર બની રહ્યું છે તો સ્ટોરી-ટેલિંગ થકી બાળકોને મજા પડે અને ભોજન–નાસ્તાની બાબતો ઘીથી લબથબ શીરાની જેમ ગળે ઊતરી જાય એમ સમજાવવામાં આવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કહે છે, ‘એવું બનશે કે ન્યુટ્ર‌િશ્યન પાર્કમાંથી બહાર આવ્યા પછી બાળકો પોતે નક્કી કરતાં થઈ જશે કે આ ખાવાથી ગેરલાભ છે એટલે એ ન ખાવું જોઈએ.’

પાર્કની ટનલમાંથી ટ્રેન પસાર થયા પછી તમે અન્નપૂર્ણા સ્ટેશન પહોંચશો જ્યાં મ્યુઝિકલ જર્ની દ્વારા ઘરના ભોજનનું મહત્ત્વ સમજાવ્યું છે તો આર્ટ‌િફિશ્યલ કૂવા દ્વારા સ્વચ્છ પાણીનો મેસેજ પણ છે. આ ઉપરાંત તમે વલોણું વલોવવાની ગેમ રમતાં-રમતાં છાશ, માખણ અને ઘી કેવી રીતે બને એની સમજણ બાળકોને આપી શકો છો. ટેક્નૉલૉજીને કેન્દ્રમાં રાખીને પણ ભારતીય પરંપરાને સહેજ પણ ભૂલવામાં ન આવે એવી વિચારધારા સાથે તૈયાર થયેલો આ દેશનો પહેલો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. થીમ-બેઝ આ પાર્ક ૩૫,૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલો છે, જેમાં ટૉય ટ્રેન તમને ૬૦૦ મીટરનો પ્રવાસ કરાવે છે.

અકલ્પનીય, અવર્ણનીય, અદ્ભુત

સામાન્ય રીતે પશુ-પક્ષીઓને જોતાવેંત નાનું બચ્ચું એને અડકવા દોડે અને આ માનવસહજ સ્વભાવ છે, પણ એવું કરવા નથી દેવામાં આવતું એ પણ હકીકત છે. મમ્મી-પપ્પા બચ્ચાને રોકી જ લે, પણ આ કેવડિયાના ઝૂઓલૉજિકલ પાર્ક અને જંગલ સફારીમાં ઊલટું બનશે, ગૅરન્ટી. કેવડિયામાં બનાવવામાં આવેલા ૩૭૫ એકર સરદાર પટેલ ઝૂઓલૉજિકલ પાર્ક અને જંગલ સફારીને અલગ-અલગ લેયરમાં પાથરી દેવામાં આવ્યો છે, જેમાંથી પેટિંગ ઝોનમાં માત્ર બચ્ચાંઓ જ નહીં, પેરન્ટ્સ પણ પર્શ‌િયન કૅટથી માંડીને મકાઉ, કોકેટુ, સસલાં, ગિની પિગ, વછેરાં કહીએ એવો નાનો અશ્વ, નાનાં ઘેટાં અને બકરીઓ, ટર્કી અને ગીઝને સ્પર્શી શકશે, રમાડી શકશે કે પછી એને ફીડિંગ કરાવી શકશે. આ બધાને અહીં છુટ્ટાં રાખવામાં આવ્યાં છે. જંગલ સફારીનો આ કન્સેપ્ટ થાઇલૅન્ડના સફારી પાર્કમાંથી લેવામાં આવ્યો છે. જોકે એ સફારી પાર્કમાં તો હિંસક પશુ-પક્ષીઓને પણ રાખવામાં આવ્યાં છે, પણ અહીં એટલી છૂટ લેવામાં નથી આવી. નિર્દોષ કહેવાય એવા નાનકડા જીવોની નજીક જઈને બચ્ચાંઓ તેમના મનની જિજ્ઞાસા સંતોષી શકશે તો સાથોસાથ એને પોતાના ફ્રેન્ડ્સ બનાવીને એની સાથે રમી પણ શકશે.

જંગલ સફારીની વાત કરીએ તો અહીં ગ્લાસ વૉલ બનાવવામાં આવી છે, જેની બહારની સાઇડ ઊભા રહીને વાઘની સાથે ઊભા હો એ પ્રકારનો અનુભવ કરી શકો છો તો કાચની દીવાલને સ્પર્શીને વાઘ અને તમારી વચ્ચે માત્ર એક ઇંચ જાડી દીવાલનો થ્રિલિંગ અનુભવ પણ તમે કરી શકો છો. જંગલ સફારીમાં બેન્ગૉલ ટાઇગર, ગેંડો, ચિત્તો, જિરાફ, હરણાં, ઝિબ્રા સહિતનાં દેશ-વિદેશનાં ૧૦૦થી વધુ પ્રાણીઓ અને દુનિયાભરનાં ૧૧૦૦થી વધારે પક્ષીઓ રાખવામાં આવ્યાં છે. બે જિયોડેસિક ડોમ એવિયરીઝ પણ બનાવાયાં છે, જેમાં સહેલાણીઓને તેમની આસપાસ અવનવાં પક્ષી ઊડતાં જોવા મળે છે. જો તમારું મન કરે તો તમે પક્ષીને હાથ પર લઈ એને પંપાળી પણ શકો. યુરોપિયન પેરટ અને અરબી ઇગલ જેવાં જાયન્ટ પક્ષીઓને સ્પર્શતતાં કે પછી હાથ પર લેતાં કોઈ તમને ના નહીં પાડે. પક્ષીઓ નેચર સાથે જ તમારી આજુબાજુમાં કે પછી સાવ પાસેથી ઊડતાં હોય અને તમારા હાથ પર આવીને બેસી જતાં હોય એવો લહાવો સંભવ‌િતપણે ભારતમાં પહેલી વાર કેવડિયામાં થયો છે.

પશુપક્ષીઓથી ડર લાગતો હોય તો યાદ રહે કે સીસીટીવી કૅમેરાથી અહીં નજર રાખવામાં આવે છે એટલે જો જોખમ ઊભું થાય તો તરત જ રેસ્ક્યુ માટે મોકલી શકાય અને આ ઉપરાંત અમુક નિર્ધારિત જગ્યાઓએ ફોન પણ મૂકવામાં આવ્યા છે જેથી કન્ટ્રોલ-રૂમનો કૉન્ટૅક્ટ કરી મદદ માગી શકાય.

રિવર ચલે હમ...

જો તમે અમદાવાદથી સી-પ્લેનમાં કેવડિયા જાઓ તો એ એક નવું અટ્રૅક્શન ઉમેરાય છે, પણ ધારો કે તમે તમારી રીતે કેવડિયા પહોંચી ગયા તો તમારે માટે એકતા ક્રૂઝથી પણ નર્મદાને આલિંગન આપવાની તક છે. નર્મદા પર આવેલા ગરુડેશ્વરથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધીની લગભગ ૬ કિલોમીટની સફરનો લહાવો એકતા ક્રૂઝમાં બેસીને સહેલાણીઓ માણી શકે છે. અંદાજે ૪૦ મિનિટ સુધીની આ સફરમાં તમારી સાથે ૨૦૦ જેટલા પ્રવાસીઓ હોઈ શકે છે. એકતા ક્રૂઝ દ્વારા પણ તમે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની વિરાટ પ્રતિમાની નજીક જઈ શકો અને નદીમાંથી પણ તમે એકતાના પ્રતીક સમાન સરદારનનાં દર્શન કરી શકો. આવતા સમયમાં એકતા ક્રૂઝ પર કેવડ‌િયા કૉલોની સાથે જોડાયેલી ખાસ ચીજવસ્તુઓનો હરતો-ફરતો મૉલ પણ ચાલુ કરવાની ગણતરી છે, જેનાથી ૪૦ મિનિટની સફર સાવ સહજ બની રહેવાને બદલે એમાં વધારે ઇન્ટરેસ્ટ ઉમેરાય.

ગ્લો લાઇટની દુનિયા

શબ્દો કામ નહીં કરે, વર્ણન ટૂંકું પડશે અને વિવરણ માટે સિદ્ધહસ્ત કથાકારો પણ ઓશિયાળા બનશે. હા, એવો નજારો છે કેવડિયામાં રાતનો. આંખો ફાટી જાય એવા અચરજ સાથે ગ્લો લાઇટિંગની દુનિયા રાતના સમયે ખૂલે છે. દિવસઆખો બધું જોઈ લીધા પછી રાતે તમે કંટાળો નહીં એને માટે ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ૩.૬૧ એકરમાં પથરાયેલા આ ગ્લો ગાર્ડનમાં એલઈડી લાઇટથી ચકચકિત થતાં સસલાં, હરણ સહિતનાં પ્રાણીઓની પ્રતિકૃતિઓ, વૃક્ષો તેમ જ ફુવારાઓ અનેરું દૃશ્ય ઊભું કરે છે. કેવડિયાની આ રાતની દુનિયાનો આખો કન્સેપ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના પર આધારિત છે. સહેલાણીઓ રત્રિરોકાણ તો જ કરે જો તેમને રાત સુધી રોકી રાખવામાં આવે અને રોકી રાખવાની પ્રક્રિયા તો જ થઈ શકે જો તેમને એવું અટ્રૅક્શન આપવામાં આવે. બસ, આ જ વિચારમાંથી ગ્લો ગાર્ડનનો જન્મ થયો અને ગ્લો ગાર્ડને સૌકોઈનાં દિલ જીતી લીધાં. એક તો ગ્લો ગાર્ડન અને સોને પે સુહાગાની જેમ નર્મદા પર આવેલો સરદાર સરોવર ડૅમ પણ રાતના સમયે રંગબેરંગી લાઇટથી ઝળહળી ઊઠે. આટલું ઓછું હોય એમ નર્મદાનાં નીરથી બનાવવામાં આવેલાં ત્રણ તળાવોની પાળે બેસીને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનો આનંદ.

ખરા અર્થમાં અવિસ્મ‌રણીય અને અવર્ણનીય.

ખૂબસૂરતી કંટકની

કાંટાને પ્રેમ કરવાનું મન થઈ આવે એવું કૅક્ટસ ગાર્ડન પણ કેવડિયામાં છે. નર્મદા નદીના ડાબા કાંઠે ૨૫ એકરમાં આ ગાર્ડન પથરાયેલું છે. ૪૫૦થી વધારે પ્રકારનનાં કૅકટી અને સેક્યુલન્ટ્સ પ્રજાતિઓનું અહીં વાવેતર કરવામાં આવ્યું છે અને એની જાળવણી થાય છે. તમારી જાણ ખાતર, અહીં તમને જે કૅક્ટસ જોવા મળે છે એ વિશ્વના ૧૭ દેશોમાંથી એકત્રિત થયેલાં ૬ લાખ જેટલાં કૅક્ટસના છોડ છે.

આ સિવાય પણ ગાર્ડન ઑફ ફ્લાવર્સ અને બટરફ્લાય પાર્ક પણ તમારે માટે છે. બટરફ્લાય પાર્કમાં જોતાવેંત પ્રેમમાં પડવાનું મન થઈ આવે એવાં ૧૫૦ જેટલી જાતનાં કલરફુલ બટરફ્લાય સહેલાણીઓને રોમાંચિત કરે છે તો રિવર રાફ્ટિંગનો સાહસિક–થ્રિલિંગ અનુભવ યંગ જનરેશન અને સાહસિક સહેલાણીઓ માટે તાજગી લાવવાનું કામ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2020 06:49 PM IST | Kevadia | Shailesh Nayak & Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK