કસબ દયાની અરજી કરે તો ફાંસીની સજા લંબાશે

Published: 31st August, 2012 03:07 IST

મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે રાત્રે આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબની ફાંસીની સજાને હવે સુપ્રીમ કોર્ટે પણ કાયમ રાખી છે ત્યારે તેને ક્યારે ફાંસી આપવામાં આવે છે એના પર દેશવાસીઓની નજર છે, પણ જો કસબ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી (મર્સી પિટિશન) કરશે તો તેની ફાંસીની સજાની અમલબજાવણી લંબાઈ જશે.

આ જુલાઈ સુધીમાં ૧૧ જણે આવી અરજી કરી છે અને તેઓ રાષ્ટ્રપતિ શું ચુકાદો આપે છે એના ભણી રાહ જોઈ રહ્યા છે. જોકે આ ૧૧માં મહારાષ્ટ્રનો એક પણ ગુનેગાર નથી.

 

દયાની આવી અરજી કરનારાઓમાં મોટા ભાગના ગુનેગારો ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ જેવાં રાજ્યો અને ચંડીગઢ જેવા કેન્દ્રશાસિત પ્રદેશના છે. કેટલીક દયાની અરજીઓ તો ૨૦૦૩થી પેન્ડિંગ છે. ૨૦૧૦ સુધી આવી ૩૨ અરજી પેન્ડિંગ હતી, પણ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ઘણી અરજીઓનો નિકાલ લાવી દીધો હતો એટલે માત્ર આટલી જ અરજી પેન્ડિંગ છે. ૨૦૦૧માં સંસદભવન પર હુમલાનો મુખ્ય સૂત્રધાર એવા ગુનેગાર અફઝલ ગુરુને પણ કોર્ટે ફાંસીની સજા કરી છે, પણ તેની પત્નીએ ૨૦૦૫માં દયાની અરજી કરતાં એ હજી પેન્ડિંગ છે એટલે એમ જણાય છે કે કસબની દયાની અરજી આવે તો તેની ફાંસીની સજા ઘણા સમય સુધી લંબાઈ જશે.

કસબ : વેઇટિંગ નંબર બાવન

ફાંસીની સજા ફટકારવામાં આવી હોય એવો અજમલ કસબ દેશનો ૩૦૯મો ગુનેગાર છે. જો તેને જલદી ફાંસીની સજા કરવામાં આવે તો સ્વતંત્રતા પછી ફાંસીના માંચડે લટકનારો એ બાવનમો કેદી બનશે. આપણા દેશમાં ફાંસીની સજા થઈ હોય એવા ગુનેગારોમાંથી ૮૦ બિહારના જ્યારે ૭૨ ઉત્તર પ્રદેશના છે. મહારાષ્ટ્રના કુલ ૩૯ ગુનેગારને ફાંસીની સજા થઈ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK