ખેડૂતે પાક બગાડતા વાંદરાઓને દૂર રાખવા માટે પાળેલા શ્વાનને જ વાઘની જેમ રંગી દીધો

Published: Dec 04, 2019, 09:40 IST | Mumbai

વાઘની સરખામણીએ તેનો શ્વાન ઘણો દુબળો હોવા છતાં એની મૂવમેન્ટ જોઈને વાંદરાઓ પર એની સારી અસર થઈ હતી. વાંદરાને ભગાવીને પાકને બચાવવા માટે આ કામ કર્યું હતું.

આ તો શ્વાન છે કે વાઘ?
આ તો શ્વાન છે કે વાઘ?

કર્ણાટકમાં એક ખેતરમાં વાંદરાઓની એક આખી ગૅન્ગે અડ્ડો જમાવી દીધો હતો. શિવામોન્ગા પ્રાંતમાં રહેતા શ્રીકાન્ત ગૌડા નામના ખેડૂતભાઈના ફાર્મમાં ડઝનબંધ વાંદરાઓ અવારનવાર ત્રાટકતા અને પાકને નુકસાન પહોંચાડતા હતા. વધુ માત્રામાં વાંદરા આવીને બેસતા હોવાથી એકલ-દોકલ વ્યક્તિના હાંકવાથી કોઈ ફરક પણ નહોતો પડતો. જોકે ચારેક વર્ષ પહેલાં તેમના જ વિસ્તારના એક ખેડૂતે વાંદરાઓને ભગાડવા માટે વાઘના પૂતળાં મૂક્યા હતા. થોડાક દિવસ તો આ પૂતળાંથી કામ ચાલી ગયું, પરંતુ વાંદરાઓને એ પછી સમજાઈ ગયું એટલે એ નુસખો થોડા જ દિવસમાં બુઠ્ઠો થઈ ગયો. તેણે ખેતરમાં વાઘના પોસ્ટરો પણ લગાવ્યાં જે પણ થોડા જ દિવસ માટે વાંદરાઓને ભગાડી શક્યાં. આ ઘટના યાદ કરીને શ્રીકાન્ત ગૌડાએ જરાક વધુ અસરકારક રસ્તા તરીકે પોતાના પાળેલા શ્વાનની રુંવાટી ડાઈથી રંગીને વાઘ જેવા ચટાપટા બનાવી દીધા. વાઘની સરખામણીએ તેનો શ્વાન ઘણો દુબળો હોવા છતાં એની મૂવમેન્ટ જોઈને વાંદરાઓ પર એની સારી અસર થઈ હતી. શ્રીકાન્તને તો વાઘ પાળવાની ઇચ્છા હતી જે ભારતમાં સંભવ હતું નહીં. એને કારણે તેણે પોતાના શોખને પૂરો કરવા અને વાંદરાને ભગાવીને પાકને બચાવવા માટે આ કામ કર્યું હતું. ટેમ્પરરી ધોરણે આ નુસખો કામિયાબ નીવડ્યો હોવાથી બીજા ખેડૂતોએ પણ એમાંથી પ્રેરણા લીધી છે. જોકે આ સમાચાર સોશ્યલ મીડિયામાં પ્રસારિત થતાં રુંવાટી રંગવા માટે વપરાતી ડાઈથી પ્રાણીઓને થતા નુકસાન માટે પ્રાણીપ્રેમીઓએ હોબાળો મચાવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK