કરી રોડ બ્રિજ મોનોરેલના કામને લીધે બે મહિના બંધ

Published: 29th November, 2012 02:55 IST

ડિસેમ્બર મહિનાના અંતમાં બાંધકામ શરૂ થવાને લીધે ધસારાના સમયે ૯૦૦૦ વાહનો અન્ય માર્ગે વાળવાં પડશેમોનોરેલનું નિર્માણ કરી રહેલી એજન્સી એમએમઆરડીએ ડિસેમ્બરથી કરી રોડમાં આવેલા મહાદેવ પાલવ રોડ ઓવરબ્રિજને બે મહિના માટે બંધ કરી દેવાની છે અને એને કારણે લોઅર પરેલ, કરી રોડ, ચિંચપોકલી કે વરલી સહિત સેન્ટ્રલ મુંબઈમાં કોઈ પણ જગ્યાએ ઑફિસમાં કામ કરનારા કર્મચારીઓએ ભારે ટ્રાફિક જૅમનો સામનો કરવો પડશે અને તેઓ પોતાનાં વાહનોનો ઉપયોગ પણ નહીં કરી શકે. આ બ્રિજ બંધ થતાં એના પરથી એકેય વાહન જઈ શકશે નહીં. કેઈએમ, વાડિયા કે તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં જતી ઍમ્બ્યુલન્સે પણ ચિંચપોકલી કે એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડશે.

એમએમઆરડીએના ઍડિશનલ મેટ્રોપૉલિટન કમિશનર અશ્વિની ભીડેએ કહ્યું હતું કે ‘અમે ટ્રાફિક વિભાગ સાથે વાત કરી લીધી છે. ભારતમાતા જંક્શનથી એન. એમ. જોશી માર્ગ જંક્શન સુધીના મહાદેવ પાલવ માર્ગને સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.’

મહાદેવ પાલવ માર્ગ સેન્ટ્રલ મુંબઈમાં એક મહત્વનો રોડ છે, જે લાલબાગ અને પરેલ વિસ્તારને એન. એમ. જોશી માર્ગ સાથે જોડે છે. હાલમાં લોકો ભારતમાતાથી ફીનિક્સ મિલ કે લોઅર પરેલ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. આ રોડ બંધ થવાથી તેમને ભારે મુશ્કેલી પડશે.

ભોઈવાડાના સિનિયર

પોલીસ-ઇન્સ્પેક્ટર (ટ્રાફિક) આર. ગિડ્ડેએ કહ્યું હતું કે ‘આ એક મહત્વનો રોડ છે અને ધસારાના સમયે આ રોડ પરથી દર કલાકે ૨૫૦૦થી ૩૦૦૦ વાહનો પસાર થાય છે. આ રોડ બંધ થતાં અમારે સવારે ૮થી ૧૧ અને સાંજે ૬થી ૯ વાગ્યા દરમ્યાન આશરે ૯૦૦૦ વાહનોને અન્ય માર્ગે વાળવાં પડશે.’

આમેય હાલમાં ભારતમાતા જંક્શન પાસેથી એન. એમ. જોશી માર્ગ જવા માટે ૨૦ મિનિટ લાગે છે ત્યારે રોડ બંધ થયા પછી ચિંચપોકલી કે એલ્ફિન્સ્ટન રોડ બ્રિજ પરથી થનારા ડાઇવર્ઝનથી ત્યાં જતાં ૪૫ મિનિટ લાગશે.

મોનોરેલની ગોકળગાય ગતિ

જૅકબ સર્કલથી વડાલા સુધીની મોનોરેલનું ૬૦ ટકા સિવિલ વર્ક પૂરું થઈ ગયું છે. આ વિસ્તાર ભારે ભીડભર્યો હોવાથી કામ હાલમાં પણ ગોકળગાયની ગતિથી ચાલી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK