Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૧૦૮ ગ્રંથોના મહાન સર્જક જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ

૧૦૮ ગ્રંથોના મહાન સર્જક જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ

23 June, 2019 02:00 PM IST | મુંબઈ
ચીમનલાલ કલાધર - જૈન દર્શન

૧૦૮ ગ્રંથોના મહાન સર્જક જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ

૧૦૮ ગ્રંથોના મહાન સર્જક જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ


જૈન દર્શન

જૈન શાસનના મહાન સમર્થ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની ૯૪મી સ્વર્ગારોહણ તિથિ જેઠ વદ-૩ ને ગુરુવાર તા. ૨૦ જૂને જૈન સમાજમાં આનંદઉલ્લાસથી ઊજવવામાં આવી. આ અવસરે પૂજ્યશ્રીના જીવન અને કાર્યસિદ્ધિ વિશે થોડું ચિંતન અહીં પ્રસ્તુત છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુર ગામના એક પાટીદાર ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવદાસ અને માતાનું નામ અંબાબાઈ હતું. તેમનું સંસારી નામ બહેચર હતું.



એ સમયે તેમના ગામમાં જૈન મુનિ રવિસાગરજી મહારાજનું આગમન થયું હતું. બહેચરનો તેમની સાથે ભેટો થતાં જ તેઓ તેમના સત્સંગમાં રહેવા લાગ્યા. મુનિ રવિસાગરજીએ સત્ય, દયા, શ્રદ્ધા, પ્રેમ, તપ, બ્રહ્મચર્ય વગેરે વિશે બહેચર સાથે વાતો કરી હતી. મુનિ રવિસાગરે બતાવેલા આ બધા જ ગુણો પ્રભુને પામવાના છે એ વાત બહેચરના મનમાં ઠસી ગઈ હતી. એથી જ બહેચરને જૈન ધર્મના સિદ્ધાંતોમાં વિશ્વાસ પડવા લાગ્યો હતો.


અસાર એવા આ સંસારને સફળ બનાવવો હોય તો શું કરવું જોઈએ એની વિસ્તૃત ચર્ચા બહેચરે મુનિ રવિસાગરજી સાથે કરી હતી. મુક્તિ માર્ગે પ્રસ્થાન કરવા તમામ ખોટાં બંધનો ફગાવી દેવાં પડે. એ વાત બહેચરના મનમાં વધુ સુદૃઢ થતી જતી હતી. સ્વાશ્રયી અને નીડર જીવનનાં તો તેણે સ્વપ્ન સેવ્યાં હતાં. મા સરસ્વતીની ઉપાસના કરી વિદ્ધદ્ જગતમાં પોતાનું નામ કરવાના બહેચરે મનોરથ સેવ્યા હતા. રવિસાગરજીને તેમણે ગુરુ તરીકે સ્વીકાર્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ તેમણે જૈન શાસ્ત્રોનું અધ્યયન શરૂ કર્યું હતું. બહેચરે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, હિન્દી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓનું અધ્યયન શરૂ કર્યું હતું. યોગ અને ધ્યાનમાં તો તેમણે માસ્ટરી જ મેળવી લીધી હતી. એક જૈન સાધકને શોભે તેવું બ્રહ્મચર્ય વ્રત તેમણે ધારણ કરી લીધું હતું.

અંતે ૨૭ વર્ષની યુવાન વયે બહેચરે પાલનપુર મુકામે ગુરુ રવિસાગરજી મહારાજના શિષ્ય સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગિકાર કરી અને બહેચરમાંથી બુદ્ધિસાગરજી બન્યા હતા. દીક્ષા પછી તેઓશ્રીએ શાસ્ત્રાભ્યાસની સાથે સાહિત્ય સર્જનનો મહાયજ્ઞ શરૂ કર્યો હતો. તેઓ સતત અધ્યયન કરતા હતા, સતત લેખનકાર્યમાં પણ વ્યસ્ત રહેવા લાગ્યા હતા. તેમણે પેન્સિલ કે બરુની કલમ દ્વારા અસંખ્ય નોટબુકો પોતાના લેખનથી છલકાવી દીધી હતી. વિવિધ વિષયો પર તેમની કલમે યશસ્વી પ્રવાસ ખેડ્યો હતો. એ જમાનામાં વધુ શિષ્ય કરવાનો મોહ જતો કરીને તેઓ સમાજના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે ૧૦૮ ગ્રંથરૂપી શિષ્યોને તૈયાર કરવામાં સંકલ્પબદ્ધ હતા.


વિજાપુરમાં માત્ર છ ધોરણ સુધીનો અભ્યાસ કરનારા આ મહાયોગીએ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, ઉર્દૂ વગેરે ભાષામાં નિપુણતા મેળવી ૧૩૦ કરતાં અધિક ગ્રંથોનું સર્જન કર્યું હતું. માત્ર ૨૪ વર્ષના સાધુકાળમાં સાધુજીવનના વ્યવહારો અને ધ્યાનપ્રધાન આત્મસાધનાને અખંડિત રાખીને કોઈએ આટલું વિક્રમી સાહિત્ય સર્જન કર્યું નથી. મા સરસ્વતીની ખરેખર તેમના પર પરમ કૃપા વરસી હતી. આ મહાન મહાત્માએ યોગ, ન્યાય, ધ્યાન, વ્યાકરણ, તત્વજ્ઞાન, ઇતિહાસ, રાસા સાહિત્ય, કાવ્ય, ભજન વગેરેના અનેકાનેક ગ્રંથો સમાજના ચરણે ધર્યા છે. તેમણે શ્રીમદ્ દેવચંદ્રજી પર લખેલા વિસ્તૃત ગ્રંથો અને કર્મયોગ પર લખેલા વિશેષ ગ્રંથ તો જૈન સાહિત્યની એક વિરલ ઘટના છે.

જૈન ધર્મના આ સમર્થ યોગી મહાત્મા ગાંધીને પણ મળ્યા હતા અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળ વિશે વિશદ ચર્ચા પણ પણ તેમની સાથે કરી હતી. મહાકવિ નાનાલાલ પણ તેઓશ્રીને મળ્યા હતા. તેમણે આ મહાત્માની પ્રશસ્તિ કરતાં લખ્યું છે કે તેઓ જૈન સમાજના સમર્થ ક્રાન્તિકારી સંત છે. ઊંડા ચિંતક, અસાધારણ સાહિત્ય સર્જક અને અલખના લોકપ્રિય અવધૂત છે. મસ્તીના સ્વામી, શ્રેષ્ઠ કવિરત્ન અને બેમિસાલ ગદ્યકાર પણ છે. આ ઉપરાંત તેઓશ્રી લાલા લજપતરાય, અરવિંદ ઘોષ, મદનમોહન માલવિયા જેવા અનેક મહાનુભાવો અને રમણલાલ વસંતલાલ દેસાઈ જેવા અનેક સાક્ષરવર્યોને પણ વખતોવખત મળ્યા હતા. બનારસના વિદ્વાનોએ તેમને ‘શાસ્ત્ર વિશારદ’ની પદવીથી નવાજ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના ચોથા અધિવેશનમાં પણ તેમણે ભાગ લીધો હતો. એ સમયની બ્રિટિશ સરકારે તેમનાં પુસ્તકોને પાઠ્યપુસ્તક તરીકે પ્રગટ કર્યાં હતાં. વડોદરાના નરેશ સયાજીરાવ ગાયકવાડે તેઓશ્રીને પોતાના મહેલમાં આમંત્રીને તેમની અમૃતવાણી સાંભળી હતી. મહારાજા ગાયકવાડની આ મુલાકાતના પરિણામે વડોદરા રાજ્યમાં વિજયાદશમીના દિવસે કુલ પરંપરાગત થતા પાડાના વધને તેઓશ્રી કાયમી રીતે અટકાવી શક્યા હતા.

આ પણ વાંચો : શ્રીમદ્ દેવચંદ્રજી વિરચિત મહાવીર સ્વામી વિશેની પદ્યરચનાનો અનેરો આસ્વાદ

યોગ અને ધ્યાનના અજોડ સાધક, જૈન સાહિત્યના ઉત્તમ સર્જક, જૈન સાધુત્વના શિખરસમા આ જૈનાચાર્યે સમાજમાં પ્રર્વતતી અંધશ્રદ્ધાને નિર્મૂળ કરવા માટે મહુડી તીર્થમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરને સાક્ષાત પ્રત્યક્ષ કરી આ દેવની તીર્થમાં સ્થાપના કરાવી હતી. આ સમર્થ મહાત્માના કારણે મહુડી તીર્થ આજે લાખો જૈન-જૈનેતર લોકોનું એક અનોખું શ્રદ્ધાતીર્થ બની ગયું છે. અઢારે આલમમાં લોકપ્રિય બનેલા આ મહાત્માનો જીવનદીપ વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ-૩ના દિવસે તેમની જન્મભૂમિ વિજાપુરમાં બુઝાયો હતો. જૈન સમાજની તેમણે અજોડ અને અવિસ્મરણીય સેવા કરી હતી. આજે ૯૪મા સ્વર્ગારોહણ દિને આ મહાન વિભૂતિને અમારી અગણિત વંદના હો!

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 02:00 PM IST | મુંબઈ | ચીમનલાલ કલાધર - જૈન દર્શન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK