Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છી સમાજે અમને જે માન-સન્માન આપ્યું છે એ જીવનભર ભૂલી શકાય એમ નથી

કચ્છી સમાજે અમને જે માન-સન્માન આપ્યું છે એ જીવનભર ભૂલી શકાય એમ નથી

04 August, 2019 01:40 PM IST | મુંબઈ
વો જબ યાદ આએ - રજની મહેતા

કચ્છી સમાજે અમને જે માન-સન્માન આપ્યું છે એ જીવનભર ભૂલી શકાય એમ નથી

કલ્યાણજી આણંદજી સ્પેશ્યલ

કલ્યાણજી આણંદજી સ્પેશ્યલ


ફિલ્મ સંગીતના ઇતિહાસમાં જોડીમાં આવેલા સંગીતકારોની જોડી જ્યારે ખંડિત થઈ છે (પછી એ ગમે એ કારણસર હોય, એકાદ જોડીદારનું અવસાન કે પછી બન્ને વચ્ચેનું મનદુઃખ) ત્યાર બાદ તેઓ એકલા રહીને પહેલાં જેવી સફળતા મેળવી શક્યા નથી. જોકે આવી ઘટના જીવનનાં બીજાં અનેક ક્ષેત્રોમાં જોવા મળે છે જ્યાં છૂટા પડ્યા બાદ બન્ને વ્યક્તિઓને વધુ સફળતા મળી હોય, એવા અનેક દાખલા આપણી નજર સામે છે. કોણ જાણે કેમ, સંગીતનું ક્ષેત્ર આમાં અપવાદ છે. હુસ્નલાલ–ભગતરામ, શંકર–જયકિશન, બિપિન–બાબુલ, લક્ષ્મીકાંત–પ્યારેલાલ, જતીન–લલિત, નદીમ-શ્રવણ, આ સંગીતકાર જોડીનાં નામ યાદ આવે છે. આ દરેક આપમેળે એટલી સફળતા ન મેળવી શક્યા જેટલી જોડીમાં મેળવી હતી. કલ્યાણજી–આણંદજીની જોડી આમાં અપવાદ હતી. સમયની માગ અને તકાજાને સમજીને આ ભાઈઓએ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી એ વાત આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. કામ કરતા હતા ત્યારે છેવટ સુધી બન્ને સાથે જ હતા. બે વ્યક્તિ વર્ષો સુધી એક જ ફીલ્ડમાં કામ કરતી હોય ત્યારે મતભેદ થવાના ચાન્સ આવે જ. વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં આ વિષય પર કલ્યાણજી–આણંદજી દિલ ખોલીને વાત કરે છે. આ ઇન્ટરવ્યુ યુટ્યુબ પર તમે પણ જોઈ શકશો.

‘સાથે કામ કરવાના ઘણા ફાયદા છે. જેમ સંયુક્ત કુટુંબમાં કામ વહેંચાઈ જાય એમ અહીં પણ એ જ હિસાબે કામની વહેંચણી થઈ જાય. સંગીત તો એક દરિયો છે. આમાં તો બે જણ પણ ઓછા પડે. બે વ્યક્તિની સોચ અલગ હોય, કામ કરવાની રીત અલગ હોય, આવડત અલગ હોય. જ્યાં સુધી બન્નેની સમજ એકસરખી હોય તો કામ બહેતર થાય. જેકોઈ મતભેદ હોય એ ક્રીએટિવ ડિફરન્સ હોય. એક કહે કે આ ચાલશે અને બીજો કહે કે આ નહીં ચાલે. આવી હાલતમાં અમે એકમેકને કન્વીન્સ કરવાનો પ્રયત્ન કરીએ. આમાં કોઈ દુરાગ્રહ ન હોય કે મારી જ વાત સાચી છે. દરેક ચીજને પ્રેસ્ટિજ ઇશ્યુ ન બનાવાય. ફિલ્મના હિતમાં જે યોગ્ય હોય એ જ વસ્તુ ફાઇનલ થાય. એ દિવસોમાં અમે લગભગ એક વર્ષમાં પાંચથી છ ફિલ્મોમાં સંગીત આપતા હતા, ત્યારે બૅકગ્રાઉન્ડ પણ સાથોસાથ રેકૉર્ડ કરવું પડતું. કામનો બોજ ઘણો હોય. એ સમયે ડિવિઝન ઑફ વર્ક કરવું જ પડે.’



‘સાથે કામ કરતા હોઈએ એટલે એકમેકના વિચારો થોડેઘણે અંશે જુદા પડે અને પડવા જ જોઈએ, કારણ કે તો જ કામમાં વિવિધતા આવે. આ  સમયે તમારે ઓપન માઇન્ડ રાખીને એકમેકની વાતને સમજવી જોઈએ, કારણ કે છેવટે તો બન્ને ફિલ્મની બેટરમેન્ટ માટે જ કામ કરતા હોય છે. કલ્યાણજીભાઈ ક્લાસિક્લ ટચમાં માહેર હતા. મારો ઝુકાવ વેસ્ટર્ન ધૂનો તરફ હતો. અહીં જોડી હોય તો કામ વધુ સારું થાય. મનોજકુમાર જેવાને ટિપિકલ ઇન્ડિયન મ્યુઝિક જોઈએ, જ્યારે ફિરોઝ ખાન જેવા પ્રોડ્યુસરને વેસ્ટર્ન ટચનાં ગીતો વધુ પસંદ આવે. એટલે કામ વહેંચાઈ જાય અને સમયસર પૂરું પણ થાય. જોકે આમ છતાં અમે એકમેકના કામમાં સલાહ-સૂચન જરૂર આપીએ. અમારી વચ્ચે મતભેદ થાય; મનભેદ ન થાય. ઘેર આવીને અલગ ભાણે જમવા બેસીએ, આવું કશું થાય નહીં.’


આણંદજીભાઈની વાત ‘મન કી બાત’ જેવી સહજ અને સરળ હતી. જીવનમાં જો કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે મારે જોડીદાર સાથે કદી મતભેદ થયો નથી તો તેની વાત પર બહુ ભરોસો ન કરાય.  એટલે જ તો એમ કહેવાય છે કે ‘જો આપણે દરેક વસ્તુમાં સંમત થઈશું, તો પછી આપણા બેમાંથી એકની જરૂર નથી.’

 


આણંદજીભાઈની વાતોમાં કલ્યાણજીભાઈ પ્રત્યેનો આદર અને અહોભાવ છલકાતા હતા. બાપુજીની શિખામણ અને મા-બાપની ઉમદા માવજતને કારણે શાહ-પરિવાર આજ સુધી ફિલ્મી દુનિયાની ચમકદમકથી દૂર રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મોટા ભાઈ માવજીભાઈનો અમેરિકામાં ૯૩ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયો. તેમનો ઋણસ્વીકાર કરતાં આણંદજીભાઈ કહે છે,

‘અમારી સફળતામાં મોટા ભાઈનો બહુ મોટો ફાળો છે. તેઓ પોતે સંગીતના જીવ હતા. સારું ગાતા હતા. અમને કહે, તમે બન્ને સંગીતમાં ઊંડો રસ લો છો. જો દરેક એ લાઇનમાં જશે તો દુકાનનું શું થશે. એટલે તમે આગળ વધો. કામ-ધંધા અને દુકાનમાં હું ધ્યાન આપીશ. આમ તેમણે અમારા માટે ઘણો ભોગ આપ્યો. થોડાં વર્ષ પછી તેમણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનનું કામ શરૂ કર્યું હતું. તેમનો મારા પર અપાર પ્રેમ હતો. મારી સાથે મસ્તી-મજાક કરતા. તેમની ખૂબ યાદ આવે છે.’

માવજીભાઈની વાત કરતાં આણંદજીભાઈ ભાવુક બની જાય છે. એ મનોદશામાં તેઓ એક એવી વાત કરે છે જેને માટે આપણને માન થાય. કચ્છી સમાજ પ્રત્યેનો ઋણસ્વીકાર કરતાં તેઓ કહે છે,

‘આ વાત ખાસ લખજો. અમારા સમાજે અમને ખૂબ માન–સન્માન આપ્યું છે. એ દિવસોમાં ફિલ્મી દુનિયામાં કામ કરતા લોકો માટે સોસાયટીમાં ખાસ માન નહોતું. આ એક સર્વસામાન્ય માન્યતા હતી. એને માટે કોણ જવાબદાર છે એ વાતમાં આપણે નહીં પડીએ, પરંતુ હકીકત એ છે કે મોટા ભાગે દુનિયામાં આવું થતું આવ્યું છે. બહારની દુનિયાના લોકો એમ જ માને કે આ લોકો દુનિયાદારીથી અલગ છે. અમારા સમાજે અમને કદી અલગ નથી સમજ્યા. અમને સતત સ્નેહ અને હૂંફ આપ્યાં છે. મોટા ભાગે અમારા સમાજના લોકો કામ-ધંધામાં જાતમહેનતથી આગળ આવ્યા છે. સંગીતની સફરે, ફિલ્મલાઇનમાં અમને જે સફળતા મળી એ બદલ સમાજે અમને જે રીતે બિરદાવ્યા છે એ કેમ ભુલાય? એક મજાની વાત કરું? અમારાં દીકરા–દીકરીનાં લગ્ન માટે જ્યારે વાત ચાલતી ત્યારે સ્વાભાવિક છે કે કોઈના મનમાં થાય કે અમારા ઘરમાં કેવું વાતાવરણ હશે? ફિલ્મલાઇન સાથે જોડાયેલા હોઈએ એટલે આવી વાત મનમાં આવે એમાં કંઈ નવું નથી. અમે પેડર રોડ પર રહીએ એટલે ખૂબ મૉડર્ન રીતે રહેતા હોઈશું એવો વિચાર આવે, પરંતુ જ્યારે ઘરે આવે ત્યારે જુએ કે અહીં તો અમે તેમના કરતાં પણ વધારે કન્ઝર્વેટિવ રીતે જીવીએ છીએ, ત્યારે નવાઈ પામે.’

‘અમને પદ્‍મશ્રીનું સન્માન મળ્યું ત્યારે પૂરા કચ્છી સમાજે અમારું જે સ્વાગત કર્યું હતું એ પ્રસંગ જીવનભર ભુલાય એમ નથી. મુંબઈના રેસકોર્સ ખાતે અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, મોરારિબાપુ અને સમગ્ર કચ્છી સમાજના આગેવાનોની હાજરીમાં આ પ્રસંગ ઊજવાયો હતો. ત્યાર બાદ ભુજમાં અમારું સન્માન થયું. અમારા પરિવારના અને અંગત મિત્રો મળીને અમે લગભગ ૭૦ જણ ભુજ ગયા હતા, જ્યાં અમારું બાદશાહી રીતે સ્વાગત થયું હતું. ઘોડા અને ઊંટ સાથે લગભગ બે માઇલ લાંબી શોભાયાત્રા નીકળી હતી. એ દિવસે ભુજ આખું બંધ હતું અને આ ઉજવણીમાં ભાગ લેવા આજુબાજુનાં ગામડાંઓમાંથી હજારો લોકો આવ્યા હતા.’

મુંબઈથી અમારી સાથે બાબલા ઍન્ડ ઑર્કેસ્ટ્રા, પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, મહેન્દ્ર કપૂર, અઝીઝ નાઝા, આગા, કમલ બારોટ, મનુભાઈ ગઢવી અને બીજા કલાકારો આવ્યા હતા. સમગ્ર ભુજના ઇતિહાસમાં આવો જલસો આજ સુધી થયો નથી. આ પ્રેમ અને સન્માનથી અમે ગદ્ગદ થઈ ગયા હતા.

અમારી સફળતા કેવળ અમારી સફળતા નથી, જ્યારે-જ્યારે અમને અવૉર્ડ મળ્યા છે, કામની સરાહના થઈ છે ત્યારે અમે હંમેશાં એમ જ માન્યું છે કે આ એક ટીમવર્ક છે. પદ્‍મશ્રી વખતે જે સન્માન મળ્યું ત્યારે કલ્યાણજીભાઈએ એક સરસ વાત કરી હતી કે આટલું માનપાન આપો છો એ લઈ તો લઈએ છીએ, પરંતુ આખી સફળતામાં, વેપારી તરીકે જો વિચાર કરીએ તો, એક રૂપિયામાં અમારો ૧૦ પૈસા જેટલો જ ભાગ ગણાય. જે સફળતા મળી છે એની ક્રેડિટ કેવળ ૧૦ ટકા જ અમે લઈ શકીએ. એક ફિલ્મ અને એના સંગીતની સફળતામાં ગીતકાર, ગાયક, અભિનેતા અને બીજા અનેક લોકોની મહેનત હોય છે. આપણે એકલા કેમ ક્રેડિટ લઈ શકીએ. આ સફળતામાં સમાજ પણ એટલો જ ભાગીદાર છે. સમાજ માટે જેટલું કરીએ એટલું ઓછું છે.

આ જ કારણે જ્યારે-જ્યારે અમને મોકો મળ્યો ત્યારે અમે આ ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો છે. મને યાદ છે કે ૧૯૭૫માં ગુજરાત સરકાર માટે અમે એક કાર્યક્રમ કર્યો હતો. એ દરમ્યાન સ્મૉલ સેવિંગ્સ સ્કીમમાં એક કરોડ અને બત્રીસ હજાર રૂપિયા ભેગા થયા હતા. આ એક રેકૉર્ડ કલેક્શન હતું. તમે એક એવી પોઝિશન પર પહોંચો જ્યાં લોકો તમારી વાત ધ્યાનથી સાંભળતા હોય તો તમારે એનો લાભ સમાજને મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. વર્ષો પહેલાં એક ફંક્શનમાં ગુજરાત સરકારના અધિકારીઓ સાથે વાત થતી હતી. એ લોકો કહેતા કે કચ્છમાં છે શું? એટલે અમે પ્રશ્ન કર્યો કે કચ્છમાં શું નથી? આમ વાત આગળ વધારી. સલાહ-સૂચન આપ્યાં અને પછી કચ્છડો બારેમાસ ફેસ્ટિવલની શરૂઆત થઈ. કચ્છના આર્ટિસ્ટોને સન્માન આપવાનું શરૂ થયું.’

આ પણ વાંચો: કલ્યાણજી-આણંદજીની વાતો હસવા જેવી હોય છે, પણ હસી કાઢવા જેવી નથી હોતી

 ‘મારો નાનપણનો મિત્ર રાઘવજી, જેને લોકો ડૉક્ટર રશ્મિ મયૂરના નામે ઓળખે છે. વિખ્યાત પર્યાવરણવાદી (એન્વાયર્નમેન્ટાલિસ્ટ) તરીકે તેને દુનિયાભરમાં ઘણું સન્માન મળ્યું છે. મુંબઈ આવે ત્યારે અહીંના પ્રૉબ્લેમની ચર્ચા થાય. મને કહે, ‘અહીં રસ્તા ગંદા છે, બહાર ગયા હોઈએ તો રસ્તામાં સારા બાથરૂમની સગવડ નથી, ટ્રેનમાં લોકોને પારાવાર મુશ્કેલી પડે છે, હૅન્ડિકૅપ માટે કોઈ સાધન નથી.’ તેની સાથે હું આપણી સિસ્ટમની મર્યાદાની ચર્ચા કરું, સલાહ-સૂચન આપું અને તે પોતાની રીતે આ આખી વ્યવસ્થામાં કઈ રીતે મદદરૂપ બને એની ચર્ચા કરીએ. હું માનું છું કે  કેવળ ફરિયાદ કરવાથી કામ નહીં ચાલે. સમાજ અને દેશને પોતે કઈ રીતે ઉપયોગી બની શકે એવો વિચાર દરેક વ્યક્તિએ કરવો જોઈએ.’

આણંદજીભાઈની વાતો સાંભળીને મરીઝની ચાર પંક્તિઓ યાદ આવી ગઈ:

‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે

સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ

ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.’

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2019 01:40 PM IST | મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK