Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉત્સવ એક, ઉજવણીની સ્ટાઇલ અનેક

ઉત્સવ એક, ઉજવણીની સ્ટાઇલ અનેક

23 October, 2020 08:37 AM IST | Mumbai
Varsha Chitalia

ઉત્સવ એક, ઉજવણીની સ્ટાઇલ અનેક

ઇરા અને અરહમ

ઇરા અને અરહમ


કોરોના સંક્રમણના કારણે આ વર્ષે નવરાત્રિનું આયોજન રદ થતાં રાસ-ગરબાના શોખીનોમાં નિરાશા વ્યાપી છે તો બીજી તરફ અનેક લોકો ઑનલાઇન ગરબામાં ભાગ લઈ ઉત્સવનો આનંદ ઉઠાવી રહ્યા છે. નવરાત્રિની ઉજવણીમાં કચાશ ન રહે એવો પ્રયાસ સૌકોઈ કરે છે જેમાં નાનાં બાળકો પણ બાકાત નથી. જોકે મુંબઈનાં કેટલાંક બાળકોએ રાસ-ગરબા રમવા ઉપરાંત ઘણુંબધું ઇનોવેટિવ કર્યું છે. તહેવારની મજા માણવાની તેમની રીત અનોખી અને આકર્ષક છે. નવરાત્રિ સેલિબ્રેશનમાં ક્રીએટિવિટી ઉમેરી પેરન્ટ્સ, વડીલો અને પાડોશીઓને આશ્ચર્યમાં મૂકી દેનારાં આ ટાબરિયાંઓએ એવું તે શું હટકે કર્યું છે એ જાણીએ

સિનિયર સિટિઝન માટે ગરબા ડેકોરેટ કર્યા : રિયા ઠક્કર



garba


તાકીદ કરી હોવાથી કાંદિવલીના મહાવીરનગરમાં રહેતાં ચંદ્રિકા ચંદારાણાને આ વખતે માતાજીનો ગરબો લેવા બહાર કઈ રીતે જઈશ એની ચિંતા સતાવતી હતી. જોકે નજીકમાં જ રહેતી પંદર વર્ષની તેમની દોહિત્રી રિયા ઠક્કરે નાનીમા અને બીજા સિનિયર સિટિઝન માટે ગરબો લાવવાની જવાબદારી ઉપાડી લીધી. રિયા કહે છે, ‘આ વખતે ગરબાનું આયોજન ન હોવાથી મન બહુ ઉદાસ હતું. કોઈ પણ રીતે નવરાત્રિ સાથે જોડાયેલા રહેવાનો આઇડિયા શોધતી હતી. નોરતાંના દસેક દિવસ પહેલાં કુંભાર પાસે માટીનો કાણાંવાળો સાદો ગરબો જોયો હતો. એમાં ડેકોરેશનનું કામ બાકી હતું. ક્રીએટિવ ઍક્ટિવિટીમાં મજા પડે એટલે મને થયું કે ગરબાને જાતે ડેકોરેટ કરીને આપું તો નાનીમા ખુશ થઈ જશે. સાદો ગરબો ખરીદીને એમાં લાલ કલરનો પેઇન્ટ કર્યો. ‘જય અંબે’ શબ્દોને હાઇલાઇટ કરવા થ્રીડી કલરનો ઉપયોગ કર્યો. બે દિવસ સુકાતા લાગ્યા. ત્યાર બાદ એના પર મિરર, લેસ અને મોતીનો ઉપયોગ કરી ડેકોરેશન કર્યું. મમ્મીને બહુ ગમ્યું એટલે ઘરનો ગરબો ડેકોરેટ કરી આપ્યો. આ વાતની મમ્મીના ફ્રેન્ડને ખબર પડી તો તેમણે પણ તેમનાં મધર માટે બનાવી આપવા કહ્યું. મનગમતું કામ મળ્યું એટલે મજા પડી ગઈ. આખો દિવસ ઘરમાં કલર્સ, બ્રશ, લેસ, મોતી, મિરર, ફૅવિકોલ અને અન્ય સામગ્રી લઈને બેસી જાઉં. અઠવાડિયામાં જુદી-જુદી ડિઝાઇનવાળા છ ગરબા ડેકોરેટ કરીને વડીલોને આપ્યા. જે રીતે દર વર્ષે ગરબા રમવા જતાં પહેલાં કયાં ચણિયાચોળી સાથે કઈ જ્વેલરી મૅચ થશે એની તૈયારી કરું છું એવી જ ફીલિંગ આવી. મારા હાથે સજાવેલા ગરબાની આસપાસ રોજ ઘરમાં રાસ રમી અમે ધમાલ કરીએ છીએ તેથી નવરાત્રિ મિસ થઈ રહી હોય એવું ઓછું લાગે છે. હવે દિવાળીમાં માટીનાં સાદાં કોડિયાં લાવી ડેકોરેટ કરવાનો પ્લાન છે.’

ઢીંગલી માટે ચણિયાચોળી જાતે સ્ટિચ કર્યાં : પ્રિયાંશી અને ધ્રુવ સુમ્બડ


garba

દહિસરમાં રહેતી ૧૨ વર્ષની પ્રિયાંશી અને તેના નાના ભાઈ ધ્રુવને બનીઠનીને રહેવું ખૂબ ગમે. કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ, જોરદાર તૈયારી કરે. એમાંય નવરાત્રિ આવે ત્યારે બન્નેનો ઉત્સાહ બેવડાઈ જાય. આ વર્ષે પણ તેમના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. નવરાત્રિનું આયોજન નથી તો શું કરીશું? રોજ મમ્મીને આ પ્રશ્ન પૂછતાં હતાં. તેમનાં મમ્મી સમજાવતાં કે કંઈ વાંધો નહીં, આપણે ઘરમાં ગરબા રમીશું. જોકે આટલાથી સંતોષ માનીને બેસી રહેવા કરતાં બન્નેએ હટકે આઇડિયા શોધી લીધો. પ્રિયાંશી કહે છે, ‘ક્રાફ્ટમાં અમારી માસ્ટરી હોવાથી લૉકડાઉનમાં ઘણી ક્રીએટિવ ઍક્ટિવિટી કરી હતી. આ ટૅલન્ટનો ઉપયોગ કરી નવરાત્રિને જુદી રીતે ઊજવવાનો પ્લાન બનાવ્યો. નાનપણથી સજીધજીને રહેવાનો શોખ. ડિઝાઇન અને મૅચિંગની ખબર પડે. ડે ટુ ડે લાઇફમાં મારી વહાલી ઢીંગલીને ખૂબ સજાવતી હોઉં છું. ડૉલ માટે ભૂતકાળમાં નાઇટ ડ્રેસ સ્ટિચ કરવાનો અનુભવ નવરાત્રિમાં કામ આવ્યો. ઘરમાં સિલ્કનો દુપટ્ટો પડ્યો હતો એમાં કાપકૂપ કરી મોટી ડૉલ માટે મસ્ત મજાનાં ચણિયાચોળી સીવ્યાં. અટ્રૅક્શન માટે કિનારી પર મોતી પરોવ્યાં. ચહેરા પર મેકઅપ કર્યો. જ્વેલરી પહેરીને ગરબા રમવા જતી હોય એ રીતે રોજ એને તૈયાર કરું. નાની સાઇઝની ડૉલને માતાજીની જેમ આબેહૂબ શણગારવા ગયા વર્ષની વપરાયેલી માતાજીની ચૂંદડીનો ઉપયોગ કર્યો છે. ધ્રુવે દાંડિયા ડેકોરેટ કર્યા. રોજ સાંજે આભલાં, કંકુ અને ફ્રેશ ફ્લાવર વડે પૂજાની થાળી ડેકોરેટ કરવાની જવાબદારી પણ ધ્રુવની. અંબે માની આખી આરતી અને સ્તુતિ અમને મોઢે છે. ગુજરાતી ગરબા ગાતાં શીખી લીધા. આરતી થઈ જાય પછી પાંચ ગરબા ગાઈએ. ત્યાર બાદ અમારા ફ્લોર પર પૅસેજમાં મ્યુઝિક વગાડી પાંચ-છ ફ્રેન્ડ્સ ગરબા અને દાંડિયા-રાસ રમીએ છીએ. જોકે ફ્રેન્ડ્સને ઢીંગલીઓને અડવા ન દઉં. જુદી-જુદી ડૉલ્સ માટે પઝેસિવ છું એટલે ડર લાગે ક્યાંક એ લોકો શણગાર બગાડી ન દે.’

માતાજી સમક્ષ રંગોળી દોરવાની ને દીવા કરવાના : ઈરા અને અર્હમ મહેતા
રોજ જુદી રંગોળી, રોજ નવું પેઇન્ટિંગ ને રોજ નવો ડ્રેસઅપ. સાત વર્ષની ઈરા આરતી ગાતી હોય ત્યારે ચાર વર્ષનો અર્હમ ડ્રમ વગાડે. આ છે ભાઈ-બહેનની નવરાત્રિ સેલિબ્રેશનની અનોખી સ્ટાઇલ. ગરબા રમવાનો ગાંડો શોખ ધરાવતાં બન્ને બાળકોને ઓપન પ્લેસમાં નવરાત્રિ ન થવાનો જરાય અફસોસ નથી. મમ્મીની હેલ્પથી તેમણે ઘરમાં જબરદસ્ત આયોજન કર્યું છે. બોલકણી ઈરા ઉત્સાહમાં આવીને કહે છે, ‘બૉય અને ગર્લ દાંડિયા રમતાં હોય એવું પેઇન્ટિંગ બનાવ્યું એ સૌથી બેસ્ટ છે. નવરાત્રિ રિલેટેડ રોજ એક પેઇન્ટિંગ બનાવવાનું જ. અમારા ઘરમાં માતાજીનું મંદિર છે એની સામે બેસીને હું અને અર્હમ રંગોળી કરીએ. કલર કૉમ્બિનેશન માટે મમ્મી ગાઇડ કરે. તેમણે લાવી આપેલાં સાદાં કોડિયાં પર બ્રશ વડે ઍક્રેલિક કલર કરી રાખી મૂક્યાં હતાં. નવરાત્રિના બે દિવસ પહેલાં કલરફુલ લેસ, ડાયમન્ડ અને મિરર ચીપકાવીને દીવાને મસ્ત ડેકોરેટ કરી દીધા. રંગોળી બની જાય એટલે દીવા પ્રગટાવીને ગોઠવી દઈએ. રાસ-ગરબા કૃષ્ણ ભગવાન સાથે રિલેટેડ હોવાથી ભાઈએ વાંસળી પણ ડેકોરેટ કરી છે. નવરાત્રિ વિથ દિવાળીના મિક્સઅપ સેલિબ્રેશનનો આઇડિયા મારો જ હતો. ડાન્સિંગ ઉપરાંત સિન્ગિંગનો પણ બહુ શોખ છે. આરતી અને ગરબા ગાતાં આવડે છે. પૂજા-પાઠ થઈ જાય પછી મમ્મી-પપ્પા, દાદા-દાદી અને હું ગરબા રમીએ અને ભાઈ ડ્રમ વગાડે છે. ગરબાનાં બધાં સ્ટેપ્સ લોકોને રમતાં જોઈને શીખી છું. ઘરમાં રમતી વખતે પણ સ્ટેપ્સ ઇનોવેટિવ જોઈએ. અમે બધાં ડ્રમના તાલે જ ગરબા રમીએ, બીજા મ્યુઝિકની જરૂર પડતી નથી.’

 

ક્રાફ્ટ પેપરથી તોરણ અને પૂજાની થાળી બનાવી : ઓમ અને પ્રજ્વલ પ્રજાપતિ

garba
ગરબા હોય કે અન્ય ફોક ડાન્સ, ક્રાફ્ટ હોય કે ડ્રૉઇંગ, દસ અને તેર વર્ષની ઉંમરના પ્રજાપતિ ભાઈઓને કોઈ ચૅલેન્જ ન કરી શકે. આ એજમાં સોસાયટીની ગરબા ટીમના તેઓ લીડર છે. દર વર્ષે ઇનામો જીતવાનાં જ. રાસ-ગરબા પ્રત્યેના શોખને લીધે તેમણે એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ વખતે ઓપન પ્લેસમાં કાર્યક્રમોનું આયોજન ન હોવાથી બન્નેએ બીજી ટૅલન્ટને કામે લગાવી. નવું શું કર્યું એ વિશે વાત કરતાં ઓમ અને પ્રજ્વલ કહે છે, ‘કોરોનાના કારણે ગરબાનો પ્રોગ્રામ રદ થવાનો છે એની પહેલેથી ખબર હતી. અમારો ફેવરિટ ફેસ્ટિવલ નથી થવાનો જાણી નિરાશ થઈ ગયા. મમ્મીએ કહ્યું, માતાજીએ આ વખતે તમને બીજી ટૅલન્ટ ખીલવવાનો ગોલ્ડન ચાન્સ આપ્યો છે. ડ્રૉઇંગમાં બહુ રસ પડે છે અને લૉકડાઉનમાં ઘણાં બધાં પેઇન્ટિંગ કર્યાં હોવાથી નવરાત્રિ સેલિબ્રેશનમાં આર્ટ વર્ક પર ફોકસ રાખ્યું. સૌથી પહેલાં માતાજીનાં જુદા-જુદા ચિત્રો બનાવ્યાં. પેઇન્ટિંગ કર્યા પછી એને વ્યવસ્થિત ગોઠવી તોરણ બનાવ્યું. આ ઉપરાંત માતાજીની આરતીની થાળી, પૂજાની થાળી, દીવા, ચૂંદડી અને દાંડિયા પર જુદી-જુદી ડિઝાઇનનું ડેકોરેશન કર્યું છે. જોકે ગરબા રમવાના મિસ થાય એ તો ન જ ચાલે. અમને કલર પ્રમાણે ડ્રેસઅપ જોઈએ. તૈયાર થવામાં કલાક લાગે. રોજ સાંજે જે કલર હોય એ રંગનું ઘરની અંદર ડેકોરેશન કરીએ. સેમ કલરનો ડ્રેસ પહેરી ગરબા રમવાના. સોસાયટીમાં આગળ પડતાં હોઈએ એટલે બધાને પોતાના ઘરે ગરબા રમી વૉટ્સઍપ પર વિડિયો મોકલવાની ઇન્સ્ટ્રક્શન આપી છે. જોકે ખુલ્લી જગ્યા જેવી રમવાની મજા નથી આવતી, પણ ન્યુ ક્રીએશન સાથે સેલિબ્રેટ કરવાનું મન મનાવી લીધું છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2020 08:37 AM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK