Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોશ્યલ મીડિયાથી હકીકતમાં સ્વતંત્રતા મળી છે?

સોશ્યલ મીડિયાથી હકીકતમાં સ્વતંત્રતા મળી છે?

25 November, 2019 02:18 PM IST | Mumbai Desk
parakh bhatt

સોશ્યલ મીડિયાથી હકીકતમાં સ્વતંત્રતા મળી છે?

સોશ્યલ મીડિયાથી હકીકતમાં સ્વતંત્રતા મળી છે?


મનગમતી પ્રોડક્ટ અથવા બ્રૅન્ડની જાહેરાત અચાનક તમારા મોબાઇલ-સ્ક્રીન પર આવે ત્યારે હરખઘેલા થઈ જવાને બદલે સૌપ્રથમ તો એ વિચાર આવવો જોઈએ કે મારી પસંદ-નાપસંદ વિશે એક સામાન્ય સોશ્યલ મીડિયા ઍપ્લિકેશનને આટલી ચોકસાઈપૂર્વક જાણકારી કેવી રીતે હોઈ શકે?

દુનિયાની સફળ કંપનીઓ કઈ? એવો સવાલ જ્યારે કોઈ આપણને પૂછે ત્યારે મગજમાં પહેલવહેલાં ગૂગલ (સર્વજ્ઞ મહારાજ), ફેસબુક (ચર્ચાનો ચબૂતરો), ટ્વિટર (પારકી પંચાત), એપલ (માન-મોભો) વગેરે નામો જ યાદ આવે. જરાક ધ્યાનથી વિચારીએ તો સમજાય કે, ટેક્નૉલૉજિકલ કંપનીઓ જ ૨૧મી સદીમાં ટોચ પર બિરાજી રહી છે. ગયા વર્ષે કમ્પ્યુટર ડેટાની કિંમત ક્રૂડ તેલના ભાવની સરખામણીમાં વધી ગયેલી જોવા મળી! ટેક-કંપનીઓ આજે અબજોપતિ છે, એની પાછળનું મુખ્ય કારણ જ આ છે! સોશ્યલ અને ડિજિટલ મીડિયા પર જે પ્રકારે યુઝર્સનું વિભાજન કરવામાં આવી રહ્યું છે, એ વાસ્તવમાં માનવ અધિકારોનું ખંડન કરતી બાબત છે. કમનસીબે, તદ્દન અદૃશ્ય લાગતો આ મુદ્દો પાછલા એક દશકાની અંદર જ વિશ્વવ્યાપી બની ગયો છે.



શરૂઆત આવી બિલકુલ નહોતી. દુનિયાને એકબીજા સાથે જોડવાના સદ્વિચાર સાથે સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. એકબીજાના સારા-માઠા અનુભવો, જીવનની કડવી-મીઠી યાદો અને પોતાનાં કાર્યોની સુવાસ ફેલાવવા માટે એનો જન્મ થયો હતો. એકલતા અનુભવતા લોકો માટે એ વરદાન હતું! હા, ‘હતું’ શબ્દ જ અહીં વધારે યોગ્ય લાગી રહ્યો છે. કાશ્મીરની વાત હોય કે અયોધ્યાની, પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોના ઇન્ટરનેટ વપરાશ પર ફરજિયાતપણે રોક લગાવવી પડે એમ છે. અફવાઓનું બજાર ગરમ કરવામાં સોશ્યલ મીડિયાનો સિંહફાળો રહે છે.


બહુ જ રસપ્રદ સર્વે (ફ્રીડમ ઓન ધ નેટ, ૨૦૧૯) થોડા સમય પહેલાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પુરવાર થયું કે ઇન્ટરનેટ પર વાણીસ્વાતંત્ર્ય અને ગુપ્તતાની જાળવણીમાં વૈશ્વિક ઘટાડો નોંધાયો છે. માણસના મૅચ-મેકર બનવાથી માંડીને વ્યક્તિગત એન્ટરટેઇનમેન્ટ, ફૅક્ટ-ચેકર અને મેમરી-સ્ટોર કરવા સુધીનાં તમામ કાર્યો સોશ્યલ મીડિયા પર થાય છે, કેટલાક કિસ્સામાં ઑનલાઇન થેરપી પણ ખરી! જેનો વાર્ષિક આંકડો એક ટ્રિલિયન ડૉલરનો છે. એમ સમજો ને કે ખરવો રૂપિયા! ફ્રી કનેક્ટિવિટી અને અનલિમિટેડ ડેટાના ચક્કરમાં આપણે વપરાશ માટેની શરતો તથા નિયમો તપાસવાનું તો ચૂકી જ ગયા!

તમે નોંધ્યુ હશે કે કેટલીક જાહેરાતો બહુ જ આસાનીથી મગજમાં ઘર કરી જાય છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા કેટલાક ફોટો, વીડિયો, મીમ્સ અને જીઆઈએફ (GIF) તરત ફોરવર્ડ કરવાનું મન થાય એવા હોય છે. એમાંની સામગ્રી કૉમેડી હોઈ શકે અથવા ક્રોધ અપાવે એવી કે પછી ધર્મ-જ્ઞાતિ પ્રત્યે ઘૃણા ઉપજાવે એવી! શા માટે તમારા જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર આવી જાહેરાતો અથવા પોસ્ટ જોવા મળી રહી છે? એ અંગે ક્યારેય મનોમંથન કર્યું છે?


હકીકત એ છે સાહેબ કે સોશ્યલ મીડિયા પર થઈ રહેલી બધી જ વાતચીત, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ, વેબ સર્ચ, લોકેશન્સ, લાઇક્સ-ડિસલાઇક્સ, કમેન્ટ્સ અને પોસ્ટ આપણી ઓળખ છતી કરવાનું કામ કરે છે. ટેક્નૉલૉજીના આ યુગમાં હવે ડિજિટલ ઓળખને આધારે માણસની પ્રકૃતિ કેવી છે, એ નક્કી કરવાનું કામ થઈ રહ્યું છે. દુનિયાની કેટલીય મોટી-મોટી કંપનીઓ પોતાની ઑફિસમાં આવા પ્રકારના ડેટા એકઠા કરીને સમય આવ્યે માણસની દુખતી રગ દબાવવાનું શીખી ગયા છે. એમને ખબર છે કે, મારી-તમારી વ્યક્તિગત પસંદ-નાપસંદ શી છે? આવા યુઝર્સનું ધ્યાન આકર્ષીને એમની પાસેથી પોતાનો સ્વાર્થ સાધવામાં હવે તેઓને ફાવટ આવી ગઈ છે.

ખૂબ જાણીતું ઉદાહરણ આપીને આ વાત સમજાવું. કૅમ્બ્રિજ ઍનાલિટિકા! ૨૦૧૩ની સાલમાં સ્થપાયેલી આ ડેટા ઍનલિસિસ ફર્મનું ફેસબુક સાથેનું કૌભાંડ બહાર આવ્યું હતું. ૨૦૧૬ની સાલમાં તેમના પર આરોપ લાગ્યો કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની જીત પાછળ એમનો હાથ છે! કંપનીને તો હાલ તાળાં લાગી ગયાં છે, પરંતુ એ કેસમાં જે વિગતો બહાર આવી, એ સમગ્ર દુનિયા માટે આઘાતજનક પુરવાર થઈ. સોશ્યલ મીડિયા પર ડોનલ્ડ ટ્રમ્પની બ્રાન્ડને વિશાળ બનાવવાનું કામ કૅમ્બ્રિજ ઍનલિટિકાને સોંપવામાં આવ્યું હતું. તેમના ડિજિટલ કૅમ્પેઇન માટે ‘પ્રોજેક્ટ એલેમો’ કાર્યરત હતો. ચૂંટણીના સમયે તેમણે ડોનલ્ડ ટ્રમ્પની ફેસબુક-જાહેરાતો પાછળ દસ લાખ ડૉલર પ્રતિ દિવસનો ખર્ચ કર્યો હતો! ટ્રમ્પ વિશે શું લખવું, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય એવા વીડિયો, ફોટો અને પોસ્ટ કેમ બનાવવી તથા વિરોધીઓની ધજિયાં ઊડી જાય એવી અપડેટ્સ કેવી રીતે આપવી, એ તમામ કાર્યોમાં જે પ્રમુખ ભેજું ઉપયોગમાં લેવાયું હતું એ કૅમ્બ્રિજ ઍનલિટિકાના કર્મચારીઓનું હતું!

નેતાઓ તો પ્રચાર કરે, એમાં ખોટું શું છે? એમાં ક્યાં અનૈતિકતા આવી? એક મિનિટ. ફેસબુક પર થતી પોસ્ટ જ્યારે યુઝરની પ્રાઇવેસી પૉલિસીનું ખંડન કરતી હોય ત્યારે બેશક એ ગુનો બને છે. કૅમ્બ્રિજ ઍનલિટિકાએ આવું જ કંઈક કર્યું. એમણે ફેસબુક પર એક ઑનલાઇન ટેસ્ટ વાઇરલ કર્યો, જેનું નામ હતું : ધિસ ઇઝ માય ડિજિટલ લાઇફ! જેમાં ફેસબુક યુઝરને એમના જીવન, સંબંધો, ટેવો-કુટેવો, માનસિકતા વિશેના સવાલો પૂછવામાં આવ્યા. સામાન્ય વ્યક્તિને તો એવું જ લાગે જાણે તે ઑનલાઇન ફીડબેક ફોર્મ ભરી રહ્યો છે! પરંતુ વાસ્તવિકતા અલગ હતી. ખરેખર તો આ ટેસ્ટ આપનાર યુઝર સહિત એના ફ્રેન્ડ-લિસ્ટમાંના તમામ મિત્રોનો અંગત ડેટા કૅમ્બ્રિજ ઍનલિટિકા સુધી પહોંચી રહ્યો હતો, જેની ફેસબુકના વપરાશકર્તાઓને જાણ સુધ્ધાં નહોતી!

આ રીતે એકઠા થયેલા પાંચ કરોડ યુઝર્સના ડેટાનું પૃથક્કરણ કરીને એમણે ચોક્કસ માનસિકતા ધરાવતા મતદાતાઓના અકાઉન્ટમાં ટ્રમ્પ પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય, એવા પ્રકારની જાહેરાતો કરવાનું શરૂ કર્યું. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ૨૦૧૬ની અમેરિકન ચૂંટણીમાં ફેસબુક પર વિરોધી પક્ષની દાવેદાર હિલેરી ક્લિન્ટનની ૬૬,૦૦૦ વિઝ્યુલ ઍડ્વર્ટાઇઝમેન્ટની સરખામણીમાં ડોનલ્ડ ટ્રમ્પની કુલ ૫૯ લાખ વીડિયો જાહેરાત ચલાવવામાં આવી હતી!

એ કંપનીના જ એક ભૂતપૂર્વ ડેટા વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર વિલીએ મીડિયા સમક્ષ આવીને તમામ કરતૂતો પરથી પડદો ઉઠાવ્યો હતો. કૅમ્બ્રિજ ઍનલિટિકાનાં પાટિયાં પડી ચૂક્યાં છે. ચિંતાની વાત એ છે કે ૨૦૧૬માં ટ્રમ્પનું ડિજિટલ કેમ્પેઇન સંભાળનાર ડિરેક્ટર, હાલ એમના ૨૦૨૦ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનના કેમ્પેઇન મૅનેજર તરીકેની કામગીરી સંભાળી રહ્યો છે. કૅમ્બ્રિજ ઍનલિટિકાએ ચોરેલા ડેટાનું શું થયું, એનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. કંપનીના ઘણા-ખરા કર્મચારીઓ આજે પણ ટ્રમ્પ માટે કામ કરી રહ્યા છે. એવામાં પરિણામો શું આવશે, એની કલ્પના કદાચ તમે કરી શકશો! અમેરિકાની એક અત્યંત જાણીતી આઇ.ટી. ફર્મ માટે કામ કરતા નીરવ ઠાકરે મારી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટનના વિજયની શક્યતા વધુ સેવાઈ રહી હતી પરંતુ ડોનલ્ડ ટ્રમ્પની અણધારી જીતને કારણે લગભગ અડધું અમેરિકા રોષે ભરાયું હતું. કૅમ્બ્રિજ ઍનલિટિકા જેવી કંપનીઓ લોકશાહી માટે ખતરારૂપ છે. યુઝરના અંગત ડેટા સાથે છેડછાડ કરીને એમના મનોમસ્તિષ્કમાં રાજકારણીની ખોટી છબિ ઊભી કરવી એ મતદાતાનું અપમાન છે.

ક્રિસ્ટોફર વિલીની જેમ જ કૅમ્બ્રિજ ઍનલિટિકાના પાયામાં રહેલી તેની બીજી કર્મચારી બ્રિટની કાઇઝરે પણ પોતાની કંપનીના બદઇરાદા પર પાણી ફેરવવાનું કામ કર્યું. તેણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, કૅમ્બ્રિજ ઍનલિટિકા અલગ અલગ વેબસાઇટ્સ, બ્લૉગ, લેખ, વીડિયો અને જાહેરાતોના માધ્યમથી મતદાતાઓના અભિપ્રાયો પર ઊંધો પ્રભાવ પાડવાનું કામ કરી રહી છે. જ્યાં સુધી મતદાતા એમના (કૅમ્બ્રિજ ઍનલિટિકા) દ્વારા નિશ્ચિત કરેલા નેતા માટે મત આપવાનું મન ન બનાવી લે, ત્યાં સુધી તેના સોશ્યલ મીડિયા પર નવી નવી પોસ્ટ દેખાડીને નેતાનું પ્રમોશન કરવામાં આવે છે. વૈચારિક ધોરણે માણસના મગજમાં રીતસરના હથોડા મારવામાં તેઓ અત્યંત પાવરધા પુરવાર થયા હતા!

બ્રિટની કાઇઝરના માનવા મુજબ, સાઇકોગ્રાફિક્સ (માણસના મન પર અસર પાડનાર) પોસ્ટને સરકારે શસ્ત્ર તરીકે જાહેર કરી દેવી જોઈએ. યુઝરની પરવાનગી લીધા વગર આવી કંપનીઓ આખા દેશની માનસિકતા સાથે છેડખાની ન કરી શકે! ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન પ્રજા ધિક્કારી રહી છે, જેનાં પ્રમુખ કારણોમાં કેમ્બ્રિજ એનાલિટિકા સાથેના તેમના સંબંધોનો પણ સમાવેશ થાય છે. કંપનીના સીઈઓ ઍલેક્સાન્ડર નિક્સનાં કરતૂતોનું જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, એનો વીડિયો જાહેર થતાંની સાથે જ અમેરિકા ખળભળી ઊઠ્યું હતું.

આવા તો કંઈ કેટલાય કિસ્સાઓ છે, જેમાં સોશ્યલ મીડિયાની દખલગીરીના પ્રતાપે માણસના વ્યક્તિગત નિર્ણયો અને તેની માનસિકતા પર પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરવામાં આવી હોય! ભારતની ચૂંટણીઓ પણ આમાંથી બાકાત નથી. ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં ભાજપે કુલ ૬૦૦૦ વોટ્સએપ ગ્રુપ દ્વારા મતદાતાઓને પોતાના તરફ ખેંચ્યા. ૨૦૧૮ની સાલમાં યોજાયેલી કર્ણાટકની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા ૫૦,૦૦૦ વોટ્સએપ ગ્રુપ દ્વારા મતદાતાઓના સીધા સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો!

ડિજિટલ મીડિયાની વાત કરીએ તો, નેટફ્લિક્સ પર પણ જાતપાતનો ભેદભાવ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મુંબઈ શિવસેના આઇ.ટી. સેલના સભ્ય રમેશ સોલંકીએ તો નેટફ્લિક્સ વિરુદ્ધ રીતસરની પોલીસ ફરિયાદ કરી હતી. તેમનું કહેવું છે કે સેક્રેડ ગેમ્સ, લૈલા, ઘૌલ જેવી સીરિઝ અને ફિલ્મો હિંદુ વિચારધારાને બદનામ કરવાનું કામ કરી રહી છે!

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

નિર્વિવાદ હકીકત એ છે કે સોશ્યલ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા મોટા પાયે સમાજની માનસિકતા પર અસરકર્તા પરિબળ તરીકે જોવા મળ્યાં છે. આમ છતાં નિર્ણાયક પરિબળ તરીકે અંતે તો વ્યક્તિની પોતાની સમજશક્તિ અને વિવેકબુદ્ધિ જ સર્વોપરી છે! પરિસ્થિતિના પ્રભાવમાં આવી જઈને નિર્ણયો લેવા એ નરી મૂર્ખામી છે, એ વાત ભારતે ખાસ યાદ રાખવા જેવી છે.
 
પીડોફાઇલ્સની સમસ્યા હાલમાં ધીરે-ધીરે વકરી રહી છે. સાવ નાનાં બાળકો સાથે પણ શારીરિક સુખ માણવાની ઇચ્છા થાય, ત્રણ મહિનાના શિશુને જોઈને પણ જેમને જાતીય આવેગ આવે એ વ્યક્તિ પીડોફાઇલ્સ નામના મનોરોગથી પીડાઈ રહી છે એમ કહી શકાય. આવા લોકો સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ બનાવીને નાનાં બાળકોના મગજ પર પ્રભાવ પાડવાનું કામ કરે છે. તેમને પોતાની જાળમાં ફસાવીને નગ્ન ફોટો મગાવવાથી માંડીને બાળક સાથે વિડિયો-કૉલ પર વાત કરવાનો પણ તેઓ આગ્રહ કરી શકે છે. એક વાત આપણે સૌએ ખાસ સમજવી પડશે કે સાઇબર ક્રાઇમ હવે ઑર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ બનવા લાગ્યું છે. સાઇબર ક્રિમિનલ્સ બહુ જ સમજી-વિચારીને પ્લાન કર્યા બાદ સામાન્ય યુઝરને હેરાન કરવા લાગ્યા છે. - રિતેશ ભાટિયા (સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર, મુંબઈ)
 
માનવમગજની એક નબળાઈ છે. જીવનમાં જ્યારે નિર્ણય લેવાનો વખત આવે ત્યારે આપણે સતત એને પાછળ ઠેલતા રહીએ છીએ. હવે ધારો કે આ કામ આપણા તરફથી કોઈ બીજું કરી આપે તો? સોશ્યલ મીડિયા અને ટેક્નૉ-કંપનીઓ આજકાલ માણસ પર પ્રભાવ પાડીને તેમની નિર્ણયક્ષમતા પર સીધો પ્રહાર કરી રહી છે. ફેસબુક પર દેખાતી જાહેરાતો અથવા વિડિયો આપણા વિચારો પર પ્રભુત્વ સ્થાપવાનું કામ કરે છે. આ સમગ્ર વિષચક્રમાંથી બહાર નીકળવા માટે પહેલાં પોતે લીધેલા નિર્ણયની સફળતા તેમ જ નિષ્ફળતાની માણસે જવાબદારી લેતાં શીખવું પડશે. - નિરાલી ભાટિયા (સાઇબર સાઇકોલૉજિસ્ટ, મુંબઈ)
 
જાહેરાતોનું વિશ્વ આજકાલ વિસ્તરી રહ્યું છે. સોશ્યલ મીડિયા માર્કેટિંગના આ જમાનામાં આપણને શું દેખાડવામાં આવી રહ્યું છે એના પર એક નજર કરો. ગાડીના ટાયરની જાહેરાતમાં સ્કર્ટ પહેરેલી છોકરીની શું જરૂર? બિસ્કિટની જાહેરાતમાં માતા પોતાના બાળકને પ્રેમથી આખું પૅકેટ આપે એવા પ્રકારના માર્કેટિંગની શું જરૂર? ગ્રાહકને વાસ્તવમાં પ્રોડક્ટની ગુણવત્તા જાણવામાં રસ હોવો જોઈએ. કંપનીઓ પોતાના ગ્રાહકોની લાગણીશીલતાનો દુરુપયોગ કરીને બજારમાં એનું વેચાણ વધારવાના પ્રયત્ન કરી રહી છે. યુઝરના વર્ચ્યુઅલ પ્રોફાઇલને આધારે કંપનીઓ એમની માનસિકતાને અનુરૂપ પોતાની પ્રોડક્ટનું ટાર્ગેટેડ ઍડ્વર્ટાઇઝિંગ કરી શકે છે. - પુનિત ભસીન દડિયા(સાઇબર ઍન્ડ લૉ એક્સપર્ટ, મુંબઈ)

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 02:18 PM IST | Mumbai Desk | parakh bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK