આત્મકથા લખવી કે કહેવી એ અઘરું છે કે સહેલું?

Published: Sep 06, 2020, 19:10 IST | Dr Dinkar Joshi | Mumbai

આત્મકથા લખવાથી મોટાઈ વધે છે એવો એક ભ્રમ સમાજના અગ્રણીઓમાં વખતોવખત દેખાય છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

૫૦, ૬૦ કે ૭૦ વર્ષ પહેલાં જેઓ શાળામાં ભણતા તેમને ગુજરાતીના વિષયમાં નિબંધ લખવાનું કહેવામાં આવતું. મોટા ભાગે આ નિબંધના પ્રશ્નમાં કોઈક આત્મકથા વિશે લખવાનું રહેતું. દા.ત. તૂટેલા એન્જિનની આત્મકથા, એક ફાઉન્ટન પેનની આત્મકથા, ફાટી ગયેલા ખમીસની આત્મકથા વગેરે. અમારા શાળાજીવન દરમ્યાન જે નિબંધ પુછાયો હતો એને આજે યાદ કરવો છે. આ નિબંધ હતો ‘એક તૂટેલી ફાઉન્ટન પેનની આત્મકથા’. ત્યારે ફાઉન્ટન પેન દરેક વિદ્યાર્થીનું સાધન નહોતું. ફાઉન્ટન પેન દરેકને ગમતી અને વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. જે વિદ્યાર્થી પાસે ફાઉન્ટન પેન હોય તેના મિત્રો વધી જતા. એટલું જ નહીં, તેની પાસેથી એ પેન ઘડીક હાથમાં લઈને કાગળ પર બે અક્ષર પાડવા માટે બધા લલચાતા. મેં પહેલી વાર પિતાએ અપાવેલી પેનથી કાગળ પર અક્ષર પાડ્યા ત્યારે એ અક્ષર સામે કેટલી વાર સુધી જોયા કર્યું હતું. આ વાત લગભગ ૧૯૪૫ આસપાસની હશે એવું લાગે છે.

મૂળ વાત શાળામાં પુછાયેલા નિબંધની છે. નિબંધ વિશે વિગતવાર ઘણુંબધું સમજાવ્યા પછી શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહ્યું. એક હોશિયાર વિદ્યાર્થીએ સરસ નિબંધ લખ્યો. જન્મ, બજારમાં વેચાણ, ઉપયોગ, તૂટી જવું, ફેંકાઈ જવું અને અંતે મૃત્યુ પામવું આ બધું તેણે લખ્યું. અમને બધાને આ નિબંધ બહુ સરસ લાગ્યો હતો, પણ શિક્ષકે આ વિદ્યાર્થીનો કાન પકડ્યો, ‘ગાંડાભાઈ, તારા આ નિબંધનો કહેનારો અંતે મૃત્યુ પામ્યો હોય તો આ આત્મકથા કહે કોણ?’

ત્યારે પહેલી જ વાર ખબર પડેલી કે આત્મકથા કહેનાર પદાર્થ કે વ્યક્તિ ક્યારેય પોતાના મૃત્યુ વિશે વાત કરી શકે નહીં. જો તેનું મૃત્યુ જ થયું હોય તો વાત કરે કોણ? આમ હોવાથી આત્મકથા કહેનાર કે લખનાર પોતાના વિશેની વાત પોતાના વીતેલા સમય સુધીની જ કરી શકે. 

સાહિત્યના જુદા-જુદા પ્રકારોમાં દેખીતી રીતે આત્મકથા લખવી એ સૌથી સહેલો પ્રકાર છે. સહેલો એ અર્થમાં કે આત્મકથા લખવામાં કોઈ કથાનકો, કોઈ ભાવ, કોઈ ઊર્મિ આ બધું ક્યાંય શોધવું નથી પડતું. જે જીવાઈ ચૂક્યું છે, જે ઘટનાઓ વચ્ચેથી તમે પસાર થઈ ચૂક્યા છો, એ જેવી છે એવી જ તમારે કહી દેવાની છે, પણ આ જેવી છે એવી જ ભારે અઘરા શબ્દો છે. આત્મકથામાં પોતાની બનાવટી નબળાઈઓ દર્શાવીને પોતાને આવી નબળાઈઓથી પર ગણાવતા લેખકો હોય છે. આમાં આત્માની બાદબાકી થાય છે અને કથાનો સરવાળો થાય છે. આત્મકથા લખનારે પોતાની બધી જ વાત કહી દેવી પણ જરૂરી નથી હોતી. પોતાની અમુક-તમુક ઘટના વિશે લોકોને કહેવાથી કોઈને કશુંક જાણવા મળશે અથવા આવી ઘટના વખતે પોતે શું અને કેવું વિચાર્યું હતું એ વિશેની જાણકારી બીજા કોઈને ઉપયોગી થશે એવા હેતુથી જે લખાયું હોય એ ઉપયોગી છે.

પોતાના જીવનમાં બનેલી કોઈ અણગમતી કે પછી નબળી વાત જેને હવે પછી સંભારવાનો કોઈ અર્થ નથી એવી વાતને પોતાની મોટાઈ તરીકે કોઈ લેખક લખે તો એ સચ્ચાઈ નથી. થોડાં વર્ષો પહેલાં એક જાણીતા લેખકે પોતાની આત્મકથામાં પોતાની મોટાઈની આવી બનાવટી ઘટના લખી હતી. સાચા સાહિત્ય મર્મજ્ઞ અને વિવેચક યશવંત દોશી એક વાર મુસાફરીમાં મારી સાથે થઈ ગયા. અમારી વચ્ચે જે વાતો થઈ એમાં આ આત્મકથાનો પણ ઉલ્લેખ આવ્યો. મેં યશવંતભાઈને કહ્યું કે ‘આ ઘટના આ લેખકે અહીં સાવ ખોટી આલેખી છે, કારણ કે આ જેકંઈ બન્યું ત્યારે હું ત્યાં હાજર હતો. લેખક સાવ ખોટા છે.’ જવાબમાં યશવંતભાઈએ હસીને કહ્યું, ‘લેખક ખોટા નથી, સાવ સાચા છે.’ આ જવાબથી મને આશ્ચર્ય થયું, કેમ કે આ ઘટના મેં નજરે જોઈ હતી. મારો ભાવ કળી જઈને યશવંતભાઈએ તરત જ ખુલાસો કર્યો, ‘વાસ્તવમાં આ લેખક વ્યાવહારિક રીતે પણ ખોટાબોલા છે. સચ્ચાઈ કે ખોટાઈ જુદી વાત છે. તેમને તો પોતાનાે હું પ્રસ્થાપિત કરવાનો હોય છે. વ્યવહારમાં જેટલા ખોટા હોવું એટલા જ આત્મકથામાં પણ હોવું એ ખરેખર તો સચ્ચાઈ જ કહેવાય.’

આત્મકથા લખવામાં કે પછી કહેવામાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે પોતાના વિશે નબળી વાત કરવી ગમે નહીં અને પ્રશંસાત્મક વાત કરીએ તો અભિમાની કહેવાઈએ. આમ હોવાથી આત્મકથા લખવી એ ભારે અઘરો પ્રકાર પણ છે. વીતેલાં વર્ષોમાં કેટલાક માણસો સાથે આપણને વિધાયક કે નકારાત્મક પરિચયો થયા હોય, અનુભવો થયા હોય, આપણે પણ વળતા વર્તનમાં આવું જ કંઈક ખોટું કર્યું હોય, પણ આવું ખોટું મનોમન સ્વીકારવા પણ આપણો અહંકાર તૈયાર ન હોય. આ બધા વચ્ચે સચ્ચાઈભરી આત્મકથા લખવી ભારે મુશ્કેલ છે. કેટલીક વાર કોઈક માણસે આપણી સાથે સાચેસાચ અઘટિત અને ઘૃણાસ્પદ વ્યવહાર કર્યો હોય કે એ માણસ આ આત્મકથા લખવાની પળે સમાજના ઊંચા સ્તરે ગોઠવાયેલો હોય. આવા સમયે તેના પેલા ઘૃણાસ્પદ વ્યવહારની વાત સાચી હોય તો પણ લખવી ભારે મુશ્કેલ છે. ઘણી વાર પારિવારિક ઘટનાઓએ જીવનમાં ભારે અગત્યનું સ્થાન લીધું હોય અને આમ છતાં આ સ્થાન વિશે ચર્ચા કરવાથી પારિવારિક જીવન ડહોળાઈ જતું હોય ત્યારે લેખકે આવાં કથાનકોથી દૂર રહેવું પડે છે.

આત્મકથા લખવાથી મોટાઈ વધે છે એવો એક ભ્રમ સમાજના અગ્રણીઓમાં વખતોવખત દેખાય છે. પોતાના હાથ નીચેના કર્મચારી દ્વારા પોતાની જીવનકથા લખાવીને પોતાના જ ખર્ચે પ્રગટ કરનારા મહાનુભાવો કંઈ ઓછા નથી. એક ઊંચા દરજ્જાના રાજકારણીએ પોતાની આત્મકથા લખવા માટે મને આગ્રહ કર્યો હતો. આ આત્મકથા મારે હું પોતે જ એ રાજકારણી હોઉં એ રીતે લખવી અને એ કામ માટે મને તેમણે કોરો ચેક પણ આપ્યો હતો. આ કામ મારાથી થઈ શકે એમ નથી એવું નમ્રતાપૂર્વક મેં તેમને જણાવ્યું હતું. થોડા વખત પછી આ સજ્જને બીજા કોઈની સહાયથી આ આત્મકથા ધામધૂમથી પ્રગટ કરાવી અને આ પુસ્તકને થોડા સમય પછી સરકારી પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. 

મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના નામે દુનિયાભરની ભાષાઓમાં પ્રકાશિત થયેલી છે. ૧૯૨૫માં પંચાવન વર્ષની ઉંમરે ગાંધીજીએ સ્વામી આનંદના  કહેવાથી ‘નવજીવન’ માટે હપ્તાવાર લખેલી. આત્મકથાના આમુખમાં જ તેમણે કહ્યું છે, ‘કહેવાયોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની મારી તલમાત્ર ઇચ્છા નથી.’ આમાં કહેવાયોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી એ વાત પર સમજદારીપૂર્વક ભાર દેવાની જરૂર છે. બધી જ વાત કહેવાયોગ્ય હોતી નથી અને જે કહેવાયોગ્ય ન હોય એ કહેવાની જરૂર પણ નથી. આનો અર્થ કોઈ એવો ન જ કરે કે લેખકે પોતાના વિશે રૂપાળી-રૂપાળી વાત કરવી એ જ કહેવાયોગ્ય કહેવાય.

જેમણે આત્મકથા નથી લખી એવા મહાપુરુષોમાં સરદાર પટેલનું નામ જરૂર આવે. ગાંધીજી પછી જવાહરલાલ, રાજેન્દ્રબાબુ, આચાર્ય કૃપલાણી વગેરે નેતાઓએ પોતાની આત્મકથા લખી છે, પણ સરદારે આત્મકથાના નામે એક અક્ષર લખ્યો નથી. સરદારના સાથીદાર નરહરિ પરીખે એક વાર તેમનું જીવનચરિત્ર પોતે લખે એવી ઇચ્છા સરદાર સમક્ષ વ્યક્ત કરી હતી. સરદારે આ પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં નરહરિભાઈને કહેલું, ‘નરહરિ, આજે તમે મારાં કાર્યોથી અભિભૂત થયેલા છો અને જો આજે મારું જીવનચરિત્ર તમે લખો તો એમાં મારી ઊજળી બાજુઓનું જ તમે આલેખન કરો. બનવાજોગ છે, મારી જે બાજુઓને આજે ઊજળી ગણવામાં આવે છે એને પાંચ વર્ષ પછી સંજોગો બદલાતાં એવી ઊજળી ન પણ માનવામાં આવે. આવેા વખતે તમે જે આજે લખો એ બધું બદલાઈ જાય.’

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK