વૅક્સિન, ઇન્ડિયા અને પાડોશી: મોટા ભાઈ બનવાની ભારતની આ નીતિનો લાભ શું થશે?

Published: 26th January, 2021 11:14 IST | Manoj Joshi | Mumbai

ચાણક્યએ નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે દુશ્મન સંકટમાં હોય ત્યારે એ સંકટનો ગેરલાભ લેવાને બદલે એ સંકટમાંથી લાભ શોધવાનું કામ કરે એ સાચો રાજનેતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન વૅક્સિન માગે તો એને કોવિડ-19ની વૅક્સિન આપવા માટે ભારત સૈદ્ધાંતિક રીતે તૈયાર છે અને જરૂર પડશે તો ભારત પાકિસ્તાનને સહાયના ભાગરૂપે એટલે કે કોઈ પણ જાતના ચાર્જ વગર નિઃશુલ્ક વૅક્સિન સપ્લાય કરશે. મોટા ભાઈ બનીને પાકિસ્તાનના પડખે ઊભા રહેવાની આ જે નીતિ ભારતે દાખવી છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય રાજનીતિની મુત્સદ્દીગીરી છે અને એ હોવી જ જોઈએ. ચાણક્યએ નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે દુશ્મન સંકટમાં હોય ત્યારે એ સંકટનો ગેરલાભ લેવાને બદલે એ સંકટમાંથી લાભ શોધવાનું કામ કરે એ સાચો રાજનેતા.

ભારતે ઑલરેડી આડોશી-પાડોશી દેશોને વૅક્સિન સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. આ જે નીતિ છે એ નીતિમાં પણ ભારતની રાજનૈતિક ક્ષમતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. તમારે જો ભવિષ્યમાં કોઈનો સાથ લેવો હોય, જો તમે ભવિષ્યમાં કોઈના વોટને પ્રાધાન્ય આપવા માગતા હો તો તમારે એનું પ્લાનિંગ ઍડ્વાન્સમાં જ કરવું પડે. જરા યાદ કરો ૨૦૧૪ની લોકસભાનું ઇલેક્શન. કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી કે બીજેપીએ બે વર્ષ પહેલાંથી જ યુપીમાં પોતાના પગ પ્રસરાવવાના શરૂ કરી દીધા હતા અને કૂટનીતિ વાપરીને ઉત્તર પ્રદેશની નસ-નસમાં ઊતરવાનું શરૂ કરી દીધું હતું. મંદિરોનું રાજ્ય ગણાય એવા ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર ન બનતી હોય એ જ પુરવાર કરે છે કે ક્યાંક ને ક્યાંક તમારાથી કચાશ રહી જાય છે અને એનો સીધો લાભ અન્ય પક્ષો લઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હવે એ જ થવાનું છે અને એ કેન્દ્ર સરકાર હવે કૂટનીતિનું રાજકારણ રમવાનું છે. પાડોશી દેશો જો તમારી સાથે ન હોય તો તમે ક્યારેય તમારી કોઈ રણનીતિમાં એને સામેલ ન કરી શકો. એવું અગાઉ પણ થયું જ છે અને પાડોશી દેશોએ અગાઉ સાથ છોડ્યાનું પણ બન્યું છે. અગાઉ ઘણી વખત આપણી સરકારે કપરા સંજોગોમાં ન્યુટ્રલ રહીને વ્યવહાર રાખ્યો છે. ન્યુટ્રલ ત્યારે જ રહેવું યોગ્ય કહેવાય જ્યારે તમારા વોટની વૅલ્યુ ઝીરો સમાન હોય. તમારા વોટનું મહત્ત્વ હોય એવા સમયે તમારે કોઈ જાતની ચિંતા કર્યા વિના, કોઈ જાતની પરવા કર્યા વિના તમારો મત રજૂ કરવાનો હોય.

નહેરુ સરકારથી ન્યુટ્રલ રહેવાની પરંપરા ભારતીય રાજનીતિમાં પ્રસરી ગઈ હતી અને એ પરંપરાએ જ ભારતને નધણિયાતું બનાવી દીધું હતું. સારા કે નરસા, સાચા કે ખોટા પણ પક્ષ લેવાની તૈયારી દાખવનારાઓના પડખે સમય આવ્યે સામેના પક્ષે ઊભું રહે એવું હોવું જોઈએ અને એવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે તમારો પક્ષ મજબૂત કરતા હો અને એ બનાવવા માટે તત્પર હો. ભારતની કમનસીબી એ જ છે કે પાડોશી ગણાય એવા બે મોટા દેશ સાથે સીધી દુશ્મની છે અને જેની સાથે દોસ્તી થઈ રહી છે એ દેશો ટીંચૂકડા છે, પણ ટીંચૂકડા ક્ષેત્રફળની દૃષ્ટિએ છે અને ચાણક્યએ કહ્યું છે એમ, કીડીની પણ દોસ્તી લાભદાયી પુરવાર થઈ શકે છે. એક નાનકડું મચ્છર હાથીને ગાંડો કરવાને સમર્થ છે, પણ જો એ મચ્છર સાથે તમે હાથ મિલાવ્યા હોય તો અને તો જ. ભારત વૅક્સિન આપીને ટીંચૂકડાઓને પોતાના કરે છે અને હવે એણે હાથી બનવાના સપનામાં રાચતા લોકોના પડખે પણ ઊભા રહેવાની તૈયારી કરી છે.

ખોટું નથી એમાં કાંઈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK