Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમને તો શ્વાસ લેવાનો ટાઇમ પણ નથી

અમને તો શ્વાસ લેવાનો ટાઇમ પણ નથી

31 March, 2020 08:33 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

અમને તો શ્વાસ લેવાનો ટાઇમ પણ નથી

ભાવિકા શ્રીમાંકર

ભાવિકા શ્રીમાંકર


હસબન્ડ અને બાળકોની સતત ઘરમાં હાજરી, એકવીસ દિવસ સુધી કામવાળી બાઈ, ઘરઘાટી અને રસોઇયા વગર ચલાવવાનું ને ઉપરથી ઑફિસના ટાર્ગેટ પણ પૂરા કરવાના. કટોકટીની આ પરિસ્થિતિમાં વર્ક ફ્રૉમ હોમ કરતી મહિલાઓની જવાબદારી ખૂબ વધી ગઈ છે ત્યારે તેમને પૂછીએ કે પરિવાર, બાળકો અને કામને તેઓ એકસાથે કઈ રીતે મૅનેજ કરે છે. લૉકડાઉનમાં ડબલ ડ્યુટી નિભાવતી વર્કિંગ વિમેન વર્કપ્લેસ કલ્ચરને મિસ કરી રહી છે?

ઓવરટાઇમ કરતાં હોઈએ એવું લાગે છે



મુંબઈમાં જ્યારે પહેલો કોરોનાને કેસ સામે આવ્યો ત્યારથી જ વર્ક ફ્રૉમ હોમ શરૂ કરી દીધું હતું. ઇન્ટરનૅશનલ આંકડા જોતાં અમને અંદાજ આવી ગયો હતો કે આવનારા સમયમાં ઘરેથી કામ કરવું પડશે. જનતા કરફ્યુ અને લૉકડાઉન પછી થયા. હું ફાઇનૅન્સ કંપની સાથે જોડાયેલી છું. અમારા ડેટા જરાય લીક ન થાય એ માટે આખી ટીમ કામ કરે છે. ઑફિસ ઘરની અંદર આવી જતાં ઓવરટાઇમ કરતાં હોઈએ એવું લાગે છે. ગમે એટલા પ્રયત્ન કરો, ફિક્સ અવર્સમાં જે ટાર્ગેટ અચીવ કરી શકતા હતા એ અત્યારે વધારે કલાક કામ કરીને પણ નથી આપી શકતા. વારંવાર સર્વર ડાઉન થઈ જાય ને વચ્ચે-વચ્ચે ઘરનાં કામ કરો એમાં સ્પીડ ઘટી જાય. જોકે મૅનેજમેન્ટે સમજીને ટાર્ગેટ ઘટાડી દીધો છે તેમ જ ફ્લેક્સિબલ ટાઇમિંગમાં કામ કરવાની છૂટ આપી છે. મારી ત્રણ વર્ષની દીકરી તાપસી તો લૅપટૉપને પિયાનો સમજે છે. સામાન્ય રીતે ઘરમાં દાદા-દાદીને જ જોતી હોય, પરંતુ હવે મમ્મીને જુએ છે તો વળગ-વળગ કરે છે. શરૂઆતમાં તેને સમજાવવી પડતી હતી કે મમ્મી-પપ્પાના ફોન ચાલુ હોય ત્યારે શાંતિથી બેસી જવાનું. હવે માની ગઈ છે. મને અને મારાં સાસુને ઘરનાં કામ કરવાની ટેવ નથી તેમ છતાં આ સમયને પૉઝિટિવ દૃષ્ટિથી જોઈએ છીએ. કટોકટીના સમયમાં પરિવાર સાથે છે એ મહત્ત્વનું છે. આ એવો અનુભવ છે જે અગિયાર વર્ષની મારી જૉબમાં આવ્યો નથી અને કદાચ ક્યારેય પાછો આવશે નહીં.


- આકાશી મોદી, કાંદિવલી

ઑફિસના કામને જ પ્રાયોરિટી આપવી પડે


શૅરબજારમાં ક્લાયન્ટ્સના અકાઉન્ટ્સ હૅન્ડલ કરું છું તેથી કોઈ પણ પરિસ્થિતિમાં સવારે ૮.૪૫ થાય એટલે લૉગ ઇન કરવું જ પડે. ક્લાયન્ટ્સના સોદા સમયસર ન પડે એ ચાલે નહીં. ઘરે બેસીને પણ ઑફિસના કામને જ પ્રાયોરિટી આપવી પડે છે. વર્ક ફ્રૉમ હોમથી રૂટીનમાં કોઈ બદલાવ આવ્યો નથી, કારણ કે મારી જૉબમાં ટાઇમિંગ ફિક્સ છે. હાલમાં શૅરબજારથી લોકો ચેતીને રહે છે અને સોદા ઓછા પડે છે તેથી વચ્ચે-વચ્ચે ઊઠીને બીજાં કામ કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ જો ફોન આવે તો વાસણ પડતાં મૂકીને ક્લાયન્ટને અટેન્ડ કરવા પડે. તેમનો આપણી પર ભરોસો હોય છે. સાડાત્રણ વાગ્યે માર્કેટ બંધ થાય ત્યાર બાદ એક કલાક પછી ફ્રી થઈએ. પહેલાં સવારે વહેલાં ઊઠીને રસોડાનું કામ કરતી હતી અને અત્યારે સાડાઆઠ પહેલાં ચા-નાસ્તો કરી લેવો પડે છે. આઇટી કંપનીમાં કામ કરતી મારી દીકરી વિધિને પણ સવારે સાડાનવ થાય એટલે લૉગ ઇન કરવું પડે. તે તો સાંજે સાત વાગ્યા સુધી બિઝી રહે. કામવાળાની ગેરહાજરીમાં સાસુ એકલાં પહોંચી ન શકે તેથી સવારે અમે સાદી રસોઈથી ચલાવી લઈએ છીએ. ઘરનાં કામ બધાં પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કરે છે. એકવીસ દિવસના લૉકડાઉનમાં લોકો ફૅમિલી ટાઇમ સ્પેન્ડ કરવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. કોરોનાના લીધે હસબન્ડનો બિઝનેસ ઠપ થઈ ગયો છે એવામાં જો ફિક્સ ઇન્કમને ફોકસ ન કરીએ તો ઘરના ખર્ચા ક્યાંથી નીકળશે? અત્યારના માહોલમાં કામને સર્વાધિક પ્રાધાન્ય આપવા સિવાય છૂટકો નથી.

- દીપાલી મોદી, વસઈ

સ્ટ્રેસફુલ છે પણ મૅનેજ કરીએ છીએ

માર્ચ એન્ડિંગ એટલે ચાટર્ડ અકાઉન્ટન્ટ માટે ક્લોઝિંગ ટાઇમ છે. સરકારે ભલે તારીખ આગળ કરી હોય, પરંતુ અમારે ડેડલાઇનમાં કામ પૂરું કરવાનું છે. અમારી કંપની ઇન્ટરનૅશનલ ક્લાયન્ટ્સ સાથે કામ કરે છે તેથી ઇન્ટરનલ ક્લોઝિંગ કરવા પર ભાર આપી રહી છે. એના પર જ અપ્રેઝલ (બઢતી) ડિપેન્ડ કરે છે. ઑફિસમાં જતાં હોઈએ તો સામાન્ય રીતે ઑફિસ અવર્સ પછી આવતી ઈ-મેઇલ બીજા દિવસે જોતાં હોઈએ. હમણાં રાતના મોડે સુધી ઈ-મેઇલ ચેક કરવી પડે છે કારણ કે ટાઇમિંગ સાચવી શકાતો નથી. ઘડીકમાં ઘરનાં કામ કરીએ ને ઘડીકમાં લૅપટૉપ લઈને બેસી જઈએ. આમ તો અમને લૉકડાઉન પહેલાં જ વર્ક ફ્રૉમ હોમનો ઑપ્શન આપી દેવામાં આવ્યો હતો પણ એ સમયે કામવાળા હતા એટલે પ્રેશર લાગતું નહોતું. જેમ-જેમ દિવસો જાય છે કામનો બોજો વધતો જાય છે. ઘરમાંથી સો ટકા કામ આપવું અઘરું છે. હસબન્ડને પણ વર્ક ફ્રૉમ હોમ છે. થોડા સમય પહેલાં મારા પેરન્ટ્સ આવ્યા હતા તેઓ રોકાઈ ગયા છે તેથી સવારનું કામ એ લોકો સંભાળી લે છે. મારી સાત વર્ષની દીકરી સૌથી વધુ કંટાળતી હતી. બાળકોને બિઝી રાખવાં એ મોટું કામ છે. હવે સ્કૂલ ટીચર્સ દ્વારા ઑનલાઇન સ્ટડી શરૂ કરી દેવામાં આવતાં સૌથી મોટી રાહત થઈ ગઈ છે. ચાર કલાક તો તેના સ્ટડીમાં જ ચાલ્યા જાય છે એટલે મૅનેજ થાય છે.

- મિતાલી તલાટી પાક્લે, પરેલ

વર્ક પ્લેસ વગર હવે રડવું આવે છે

અમારી કંપનીના બે બિઝનેસ છે, ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રાવેલિંગ. અત્યારે બન્ને બિઝનેસ ટોટલી ઠપ થઈ ગયા છે અને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ચીફ અકાઉન્ટન્ટ હોવાના કારણે મારે કામ કરવું પડે છે, પણ એટલું નહીં કે આખો દિવસ બિઝી રહો. ઇન્ટરનૅશનલ ટ્રાવેલના તમામ પ્લાન કૅન્સલ થઈ જતાં રીફન્ડ માટેની પ્રોસીજર કરવી પડી રહી છે. સામાન્ય રીતે ટ્રાવેલ કંપની દ્વારા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે તેથી નેટ બૅન્કિંગ જોવું પડે. આ કામ એવું છે જેમાં સતત કામ કરવાની આવશ્યકતા નથી. બે કલાકે એક વાર ખાતામાં પૈસા આવ્યા કે નહીં એ જોઈ લઉં અને ક્લાયન્ટ્સને એ જ પ્રમાણે રીફન્ડ આપવામાં આવી રહ્યું છે. હા, ક્લાયન્ટ્સના ડૉક્યુમેન્ટ્સ અને ઑફિસની ફાઇલો ઘરે કૅરી કરીને લાવવી પડી છે એનો પથારો છે. ઘરમાં અમે બે જણ છીએ એટલે કામનો ભાર નથી. હસબન્ડનો બિઝનેસ તો બંધ જ છે તેથી તેઓ પણ આખો દિવસ ફ્રી રહે છે. લોકોનું માનવું છે કે અમે નસીબદાર છીએ અને સારોએવો ટાઇમ સ્પેન્ડ કરવાની તક મળી છે, પરંતુ સાચું કહું તો ત્રણ-ચાર દિવસમાં જ કંટાળો આવી ગયો. ત્રીસ વર્ષથી જૉબ કરું છું તેથી ઘેરબેઠાં કામ કરવામાં રડવું આવી જાય છે. ઑફિસ કલ્ચરમાં કામ કરવાની મજા જુદી હોય. અત્યારે તો સમય પસાર કરવા કુકિંગની હૉબી પર ફોકસ કરી રહી છું, પણ થાય છે કે જલદી બધું થાળે પડે તો સારું.

- , મલાડ

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 08:33 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK