Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈમરાન ખાને નવા પાક.ની રચના પહેલા નિષ્ફળતાના કારણ શોધવા જોઈએ

ઈમરાન ખાને નવા પાક.ની રચના પહેલા નિષ્ફળતાના કારણ શોધવા જોઈએ

28 December, 2018 09:02 AM IST |
રમેશ ઓઝા

ઈમરાન ખાને નવા પાક.ની રચના પહેલા નિષ્ફળતાના કારણ શોધવા જોઈએ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન


કારણ-તારણ 

આજકાલ જગત આખામાં જે નેતૃત્વ સામે આવી રહ્યું છે એની સવર્‍સાધારણ બીમારી એવી છે કે તેમનામાં સમજ ઓછી છે અને બોલે છે વધુ. બોલે એટલે આત્મવિશ્વાસ સાથે બોલે અને તથ્યો તપાસાવ્યા વિના બોલે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવું બીજી વાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં યુનોની સામાન્ય સભાની સાઇડલાઇનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશપ્રધાન મળવાના હતા એ બેઠક ભારતે ક્ષુલ્લક કારણસર રદ કરી નાખી હતી. એ વિશે પ્રતિક્રિયા આપતાં ઇમરાન ખાને ભારતના વડા પ્રધાનને મોટા પદ પર બેસી ગયેલા નાના માણસ તરીકે ઓળખાવ્યા હતા. તેમને એટલું ભાન નહોતું કે કોઈ દેશના વડાએ બીજા દેશના વડા વિશે કેવી ભાષામાં બોલવાનું હોય. ભાષા પરથી શાસકના સંસ્કાર ઓળખાઈ આવતા હોય છે. જોકે અત્યારે શાસકોમાં સંસ્કાર અને સભ્યતાનું સંકટ સાર્વત્રિક છે.



હવે ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં લઘુમતી કોમ સાથે દુવ્ર્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ દુય્યમ નાગરિકો જેવી છે. ઇમરાન ખાન અહીંથી અટક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી કોમો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. ઇમરાન ખાને આગળ વધીને પાકિસ્તાનની ઓળખ પણ આપી છે. નવા પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો લીલાલહેર કરે છે, જ્યારે ૨૦૧૪ પછીના નવા ભારતમાં લઘુમતી કોમના લોકો ભયભીત છે.


આ વિવાદ ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ વિશે અને ઝડપભેર થઈ રહેલા કોમી ધ્રુવીકરણ વિશે જાણીતા ફિલ્મ-અભિનેતા નસીરુદ્દીન શાહે જે વક્તવ્ય આપ્યું એના કારણે પેદા થયો છે. નસીરુદ્દીનની વહારે મોટી સંખ્યામાં સેક્યુલર લિબરલ હિન્દુઓ બહાર આવ્યા હતા. નસીરે કહ્યું છે એ સો ટકા

સાચું છે. દુખની વાત એ છે કે મુકેશ અંબાણીના ઘરે કઢી પીરસનારા મહાન અભિનેતાઓમાંથી કોઈ નસીરની મદદે બહાર આવ્યું નથી. એવી તેમની પાસે કોઈ અપેક્ષા પણ નથી. મીડિયાવાળાઓ પણ મૂલ્યોની ચર્ચા કરવાની જગ્યાએ બે રાજકારણીઓને કે એક હિન્દુત્વવાદીને તથા એક કટ્ટરપંથી મુસલમાનને સામસામે ભિડાવીને મરઘા-લડાઈ લડાવે છે. તેઓ પોતાની જાતને તો નહીં પણ દેશની જનતાને છેતરે છે કે તેઓ મુક્ત દેશમાં ખુલ્લી ચર્ચા કરી રહ્યા છે. હકીકતમાં આ પડદા પાછળની સોદાબાજીનું પરિણામ છે. આ પહેલાં આમિર ખાનને પણ આવો જ અનુભવ થયો હતો. નરેન્દ્ર મોદીની ટીકા કરનારા પ્રકાશ રાજ નામના દક્ષિણના અભિનેતાને બૉલીવુડમાં કામ આપવામાં આવતું નથી.


પણ આમ હિન્દુ અત્યારે જે પ્રમાણમાં અને જેટલી આક્રમકતા સાથે અઘોષિત ઇમર્જન્સી અને ફાસીવાદી રાજકારણના વિરોધમાં બહાર આવ્યો છે એ જોઈને જગત આખું મોઢામાં આંગળાં નાખી ગયું છે. આ ભારત છે અને ભારતમાં જેનો કોઈ સ્વાર્થ નથી હોતો એવા સામાન્ય લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. સ્થાપિત હિતો ધરાવનારાઓ વેચાઈ જાય, પણ સામાન્ય માણસને ખરીદી શકાતો નથી. તેનો વિવેક સાબૂત રહે છે અને મોકો મYયે ઘા મારે છે. ૧૯૭૫માં પણ આવું જ બન્યું હતું. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી લાદી ત્યારે ચરમબંધીઓ ડરી ગયા હતા અને કેટલાક તો ભાટાઈ કરવા લાગ્યા હતા, પરંતુ અદના ભારતીયે લોકતંત્રને બચાવી લીધું હતું. ભારતની રક્ષા સામાન્ય નાગરિક કરે છે, બાકી મોટેરાંઓ માટી પગાં હોય છે એ આ વખતે ભારતમાં બીજી વખત સાબિત થઈ રહ્યું છે.

ઇમરાન ખાને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈતો હતો કે આવું પાકિસ્તાનમાં કેમ ન બન્યું?

શા માટે પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદઅલી જિન્નાહનો પાકિસ્તાનના સ્વરૂપ વિશેનો ઠરાવ (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર ન થઈ શક્યો? શા માટે ખુદાના સાવર્‍ભૌમત્વનો સ્વીકાર કરીને ઇસ્લામિક રાજ્યની દિશા પકડવામાં આવી હતી? જિન્નાહ સેક્યુલર પાકિસ્તાનની રચના કરવા માગતા હતા. શા માટે મોહમ્મદઅલી જિન્નાહને પાકિસ્તાનની સ્થાપના પછીની પહેલી અને છેલ્લી ઢાકા-મુલાકાત વખતે બંગાળી ભાષાનો આગ્રહ રાખનારા બંગાળી વિદ્યાર્થીઓના દેખાવોનો સામનો કરવો પડ્યો હતો? શા માટે પૂવર્‍ પાકિસ્તાન અલગ થઈ ગયું? શા માટે પાકિસ્તાનમાંથી હિન્દુ લઘુમતી કોમે ઉચાળા ભરવા પડ્યા? ટકાવારીમાં ભારતમાં આજે જેટલા મુસલમાનો છે એના પાંચમા ભાગના હિન્દુઓ પણ પાકિસ્તાનમાં નથી. અને સૌથી મહત્વનો સવાલ : શા માટે પાકિસ્તાનનો નાગરિક સમાજ દેશના થઈ રહેલા ઇસ્લામીકરણના વિરોધમાં રસ્તા પર ઊતરી ન આવ્યો જે રીતે અદના હિન્દુઓ ભારતના થઈ રહેલા હિન્દુકરણનો વિરોધ કરી રહ્યો છે.

આનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે હિન્દુ ધર્મ ઉદારમતવાદી છે અને અદનો હિન્દુ એક હદે કોમવાદી થયા પછી પોતે જ શરમ અનુભવવા લાગે છે. બીજું કારણ એ છે કે ગાંધીજીના નેતૃત્વમાં અને એ પહેલાં પણ સ્વતંત્ર ભારતના સ્વરૂપ વિશે સાંગોપાંગ ચર્ચા થઈ હતી અને એમાંથી સવર્‍સંમતિ બની હતી. એક સદી લાંબી ચર્ચાના પરિપાકરૂપે આધુનિક ભારતની રચના થઈ હતી. ભારતીય બંધારણ અને અત્યારે જે ભારતીય રાજ્ય છે એ ઉપરથી લાદવામાં નહોતાં આવ્યાં. ઇમરાન ખાને અવિભાજિત ભારતના, અવિભાજિત પાકિસ્તાનના અને એ પછીના વિભાજિત પાકિસ્તાનના ઇતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે.

છેલ્લે ઇમરાન ખાનની પોતાની વાત. તેઓ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડતા હતા ત્યારે ચૂંટણીપ્રચાર દરમ્યાન પાકિસ્તાનના કુખ્યાત ઈશ્વરનિંદા (બ્લેસફમી)ના કાયદાને રદ કરવામાં આવે કે એને હળવો કરવામાં આવે એનો વિરોધ કર્યો હતો. એને ઇસ્લામવિરોધી પ્રવૃત્તિ ગણાવી હતી. આ કાયદો લઘુમતી કોમવિરોધી છે અને એનો લઘુમતી કોમની જમીન-જાયદાદ પડાવી લેવા દુરુપયોગ કરવામાં આવે છે. ઑક્ટોબર મહિનામાં ૫૪ વરસની ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને સર્વોચ્ચ અદાલતે ઇસ્લામના પયગંબરની નિંદા કરવાના કાયદામાં નિર્દોષ છોડી મૂકી ત્યારે પાકિસ્તાનમાં તોફાનો થયાં હતાં. ઇમરાન ખાને તોફાનોની નિંદા કરીને આસિયા બીબીને રાહત આપી હતી, પરંતુ એ સાથે જ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન કરવામાં આવશે એમ પણ કહ્યું હતું. વિદેશમાં આશરો મેળવવા ઇચ્છતી આસિયા બીબીને વિદેશ જવા દેવામાં નહીં આવે એમ પણ કહ્યું હતું. બ્લેસફમીના ચુકાદામાં રિવ્યુ પિટિશન શા માટે? એનો અર્થ એ થયો કે સરકારને લઘુમતી કોમને ન્યાય આપનારો ચુકાદો સ્વીકાર્ય નથી,

જે રીતે ભારત સરકારને સ્ત્રીઓને ન્યાય આપનારો સબરીમાલાનો ચુકાદો સ્વીકાર્ય નથી.

આવું હશે ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન?

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2018 09:02 AM IST | | રમેશ ઓઝા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK