Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાંચવાની આદત નથી તેમણે આ લેખ બે વાર વાંચવાનો છે

વાંચવાની આદત નથી તેમણે આ લેખ બે વાર વાંચવાનો છે

01 August, 2020 02:11 PM IST | Mumbai
Sanjay Raval

વાંચવાની આદત નથી તેમણે આ લેખ બે વાર વાંચવાનો છે

વાંચવાની આદત નથી તેમણે આ લેખ બે વાર વાંચવાનો છે


વાંચન વિશે ઘણા લોકો ઘણું બોલ્યા છે અને એના વિશે ઘણી વાતો પણ કરી છે, પરંતુ મારે કહેવું છે કે વાંચન એટલે કે રીડિંગ એ જીવનમાં ઈંધણનું કામ કરે છે. તમારી પાસે ૫૦ લાખ રૂપિયાની એક સરસમજાની ઇમ્પોર્ટેડ કાર છે, પણ એમાં ઈંધણ ન હોય તો એ ચાલે નહીં, તમને ક્યાંય લઈ ન જાય અને એ ચાલુ ન થાય એટલે એ તમને ઠંડક આપવાનું કામ પણ કરે નહીં, પરંતુ એક વાર તમે એ ગાડીની ટાંકી ફુલ કરાવો તો પછી એ ૫૦૦-૧૦૦૦ કિલોમીટર આસાનીથી ચાલે અને એ પછી એ ફરીથી ખાલી થઈ જાય, એસીની ટાઢક પણ આપે. ફરી થોડું ઈંધણ પુરાવવું જ પડે. દોસ્તો, જીવનની ગાડી માટે પણ ઈંધણ જોઈએ જ અને એ ઈંધણ આ વાંચન છે. ઘણા એવું કહે છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ઈંધણ છે, પણ મારુ માનવું છે કે ખોરાક એ એન્જિનને ટકાવી રાખવાનું કામ કરતું ઑઇલ છે, જીવનનું સાચું ઈંધણ તો વાંચન જ છે.

મિત્રો, અહીંથી તમને જુદો લાગે એવો ટોપિક છેડવાનો છે. કહો જોઈએ, પર્સનાલિટી એટલે શું? એ કેવી રીતે ઓળખાય કે પછી કેવી રીતે એની ખબર પડે? પર્સનાલિટીનો જો સરળ અને આપણે બધા સમજી શકીએ એવી ભાષામાં અર્થ સમજાવવો હોય તો કહી શકાય કે સામેની વ્યક્તિ પર તમારો જોરદાર છાકો પડે, તમારું પ્રભુત્વ ઊપસી આવે એનું નામ પર્સનાલિટી. આ પર્સનાલિટીની બાબતમાં દરેક જગ્યાએ તમે બધાથી અલગ છો એવું સાબિત કરવા માટેનો જો કોઈ એક જ રસ્તો હોય તો એ વાંચન છે. તમારે ખૂબ વાંચવું પડે. જો તમે વાંચો તો જ તમારી પાસે નૉલેજ વધે અને તમે વધુમાં વધુ વિષય પર ચર્ચાવિચારણા કરી શકો, પણ જો તમે વાંચ્યું ન હોય તો તમારા ભાગે બાઘાની જેમ બેસવાનો વારો આવી જાય અને જો બાઘાની જેમ બેસો તો તમારી પર્સનાલિટી ઊપસે નહીં. જો એવી રીતે બાઘા જેવી છાપ ન પાડવી હોય કે પછી બોઘા ન દેખાવું હોય તો તમારે માત્ર અને માત્ર પર્સનાલિટી ડેવલપ કરવી પડે અને એ ડેવલપ કરવા માટે તમારે વાંચવું જ પડે. પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્લાસમાં હું માનતો નથી, પણ જો ત્યાં આ પ્રકારની ટિપ્સ આપવામાં આવતી હોય તો હજી પણ સમજાય, બાકી જીવનમાં માત્ર ચાર દિવસ ક્લાસમાં જવાથી પર્સનાલિટી ઊપસે નહીં, એને માટે તમારે માત્ર અને માત્ર વાંચન પર જ ધ્યાન આપવું પડે.



લૉકડાઉન શરૂ થયું એ પહેલાંની વાત છે. માર્ચ મહિનાની શરૂઆત હતી અને અમદાવાદમાં જ મારો એક કાર્યક્રમમાં હતો. એ કાર્યક્રમમાં પણ આ જ વિષય પર વાત નીકળી અને મેં ઑડિયન્સને પૂછ્યું કે વાંચવામાં કંટાળો કેટલાને આવે?


૭૦ ટકાથી વધારે લોકોએ હાથ ઊંચો કર્યો.

મને ખરેખર એ દિવસે શરમ આવી હતી. આપણી ગુજરાતી કમ્યુનિટી જો આ સ્તરે બિઝનેસ-માઇન્ડેડ બની જશે તો પછી કેવી રીતે આપણે આપણી પર્સનાલિટીને ડેવલપ કરીશું, જીવનમાં લેવાતી અઢળક અને અગણિત પરીક્ષાઓનો સામનો કરીશું અને એ પરીક્ષામાં બેસ્ટ સ્કોર સાથે પાસ થઈશું. તમે જુઓ તો ખરા કે સ્કૂલમાં પરીક્ષા લેવાય પછી આપણે એની તૈયારી કરવા માટે બુક્સ લઈને બેસીએ છીએ, પણ જીવનમાં અણધારી રીતે આવી જતી પરીક્ષા માટે આપણી કોઈ તૈયારી જ નથી હોતી અને આપણે એને માટે કોઈ પ્રકારના વાંચનની તૈયારી પણ નથી કરતા. હું માનું છું કે જિંદગીની આ બધી પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થવા માટે તમે જો સ્કૂલની જેમ તૈયારી ન કરો, ઇતર વાંચન ન કરો તો તમારા ભાગે નાપાસ થવાનું જ આવે.


હું તો કહીશ કે આપણી સ્કૂલ અને કૉલેજના સિલેબલ્સ ચેન્જ કરીને આપણે ગાંધીજી, સરદાર પટેલ, અબ્રાહમ લિંકન, ચાર્લી ચૅપ્લિન, હેલન કેલર, કબીર, નરસિંહ મહેતા, કાલિદાસ, ઓશો, હિટલર અને ચાણક્યથી માંડીને તાતા, બિરલા અને ધીરુભાઈ અંબાણી જેવા મહાનુભાવોની બાયોગ્રાફી વાંચવી જોઈએ. આ બધાં જીવનચરિત્રો વાંચી, તમારે જીવનનું ઘડતર કરવાનું છે અને જીવનનું આ ઘડતર કરશો તો જ ભણ્યું લેખે લાગવાનું છે. સ્કૂલમાં ભણેલી કવિતા જો કામ લાગવાની ન હોય તો એ ભણવાને બદલે આવાં જીવનચરિત્રોને જીવનમાં ઉતારવાનું કામ કરવું જોઈએ. મને લાગે છે કે આપણે ત્યાંની સિસ્ટમ જ ખોટી દિશામાં આગળ વધતી થઈ ગઈ છે. આજે પેરેન્ટ્સ પોતાનાં બાળકોને તેને મનગમતી ફિલ્મ જોવા લઈ જાય છે અને પરાણે હોમવર્ક કરાવવા બેસાડે છે, પણ કેટલાં માબાપ એવાં છે જેઓ પોતાનાં બાળકોના હાથમાં બુક પકડાવીને એને વાંચતો કરે છે. ફિલ્મ અને ટીવીથી કાંઈ વળવાનું નથી. જીવનમાં જો કાંઈ ઉકાળવું હોય, જીવનમાં જો કોઈ દિશામાં નક્કર કામ કરવું હોય અને જો નામના કમાવી હોય તો વાંચન વિના નહીં ચાલે. તમારે જેને જોવા હોય તેને જોઈ લો અને સફળતા મેળવી હોય એવી જે વ્યક્તિને મળવું હોય તેને મળી લો અને ખાતરી કરી લો કે વાંચને તેના જીવનમાં કેવો ભાગ ભજવ્યો છે. મારું ઘડતર વાંચનથી થયું છે અને શાહરુખ ખાન પણ સ્વીકારે છે કે તેનું ઘડતર પણ વાંચનને લીધે જ થયું છે. જાવેદ અખ્તર તો શાયર છે, લેખક છે એટલે માને, પણ જાવેદ અખ્તરના દીકરા ફરહાન અખ્તરે પણ કહ્યું છે કે વાંચનને લીધે તેનો દુનિયાને જોવાનો, જીવનને જોવાનો અને સંઘર્ષને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે.

વાંચનમાં અદભુત શક્તિ છે. તમારી જાત સિવાય આ દુનિયામાં જો તમને કોઈ મદદ કરી શકે એમ હોય તો એ વાંચન અને માત્ર વાંચન જ છે. હું તો કહું છું કે જગતમાં એકમાત્ર કીડો એવો છે જે શરીરમાં જન્મે તો રાજી થવું અને બધાને પાર્ટી આપવી. આ કીડો એટલે વાંચવાનો કીડો. આ કીડો તમને ક્યારેય નુકસાન નથી કરવાનો અને આ કીડો તમને ક્યારેય પીડા નથી આપવાનો. ઊલટું, હું તો કહીશ કે આ કીડો તમને પીડામાંથી બહાર કાઢવાનું કામ પણ કરશે અને તમારા થઈ રહેલા નુકસાનને પણ ફાયદામાં અને સફળતામાં ફેરવવાનું કામ કરશે. આઇન્સ્ટાઇને કહેલી એક વાત યાદ આવે છે અત્યારે. વાંચન સાપેક્ષમાં ગતિ કરે છે. સ્વાભાવિક રીતે જો વાંચન સાપેક્ષમાં ગતિ કરતું હોય તો પછી વાંચન કરનારાની ગતિ પણ એ જ દિશાની રહે. વાંચનથી ડિપ્રેશન ભાગે અને વાંચનથી એકલતા પણ દૂર થાય. વાંચન તમને વાસ્તવિકતાથી દૂર લઈ જવાનું કામ કરે છે તો આ જ વાંચન તમને વાસ્તવિકતાને સમજાવવાની ક્ષમતા પણ આપે અને કટોકટીવાળા સંજોગોમાં તમારી વિચારશક્તિ ખીલવીને એનો ઉપયોગ કરાવે. વાંચનથી દૂર રહેનાર વ્યક્તિ હકીકતમાં તો પોતાનાથી દૂર ભાગનારો હોય છે. મને ઘણા મિત્રો એવું કહે કે વાંચતાં-વાંચતાં મને ઊંઘ આવી જાય છે. હું તો કહીશ કે જે ગમે એ વાંચો, જેવું ગમે એ વાંચો, પણ વાંચો અને વાંચવાની આદત એક વાર કેળવો. જો વ્યક્તિ કેળવાશે તો તેને પછી કઈ દિશામાં લઈ જવો એ નક્કી કરી શકાશે. ડ્રાઇવિંગ આવડવું જરૂરી છે, ગાડી કયા રસ્તે લઈ જવી એ પછી નક્કી કરીશું. જે ગમે એ વાંચો, અશોભનીય વાંચન ગમે તો એ પણ વાંચો, મને વાંધો નથી અને બીજા લોકોએ પણ એ વાંધો લેવાનો નથી, પણ યાદ રાખજો કે એ વિષયમાં નથી ઊતરવાનું કે પછી એ જુગુપ્સા મનમાં લઈ નથી આવવાની. માત્ર વાંચનભૂખ જગાડવાની છે અને જો એ ભૂખ જાગશે તો ચોક્કસપણે તમને કેવું ફૂડ મગજને આપવું એની પણ સમજણ આવી જશે. વાંચન વિશે વધુ વાત કરીશું આવતા વીકમાં પણ એ પહેલાં બે કામ કરવાનાં છે તમારે. એક આ લેખ આખો વાંચવાનો છે અને જે ન વાંચતા હોય તેને પણ આ એક લેખ વંચાવવાનો છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2020 02:11 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK