Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમને વિચારતાં આવડે છે?

તમને વિચારતાં આવડે છે?

07 February, 2021 07:52 AM IST | Mumbai
Kana Bantwa

તમને વિચારતાં આવડે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમને વિચારતાં આવડે છે? તમે તરત જ કહેશો કે કેવો સવાલ કરો છો, વિચારતાં તો આવડતું જ હોયને? આનાથી વધુ બેઝિક સવાલ પૂછું કે તમને દિવસમાં કેટલા વિચાર આવે છે? તમે કહેશો કે અગણિત વિચાર આવતા જ રહે છે. આવો સવાલ હોય? આના કરતાં પણ વધુ બેઝિક પ્રશ્ન કરું કે તમે વિચાર કરો છો? તો તમે કદાચ છંછેડાઈ જશો કે વાહિયાત પ્રશ્ન છે, વિચાર કરીએ જને? પણ, તમે ક્યારેય વિચાર વિશે વિચાર્યું છે ખરું? વિચાર વિશે વિચારણા કરશો તો તમને સમજાશે કે મોટા ભાગના લોકોને વિચારતાં આવડતું નથી. મોટા ભાગના લોકોને બહુ મર્યાદિત સંખ્યામાં વિચાર આવતા હોય છે. જેને તે વિચાર કહે છે, દિવસ અને રાત મન જેનાથી ઘેરાયેલું રહે છે એ વાસ્તવમાં વિચારો નથી, પણ મનના પ્રવાહો માત્ર છે જેમાં એકના એક વિચારનાં વમળ સર્જાયા કરે છે અને, ત્રીજા પ્રશ્નનો ઉત્તર, મોટા ભાગના લોકો વિચાર કરતા નથી હોતા, તેમને વિચાર અનિયંત્રિત રીતે આવતા રહેતા હોય છે, એ મનોવ્યાપારો પર એનો કાબૂ હોતો નથી. હવે વિચારને વિચારીને સમજવાના પ્રયત્ન કરીએ.

  વિચાર વિશેની આપણી મોટા ભાગની માન્યતાઓ ખોટી છે. માણસને લાગે છે કે તે સતત વિચારતો રહે છે, તેનું મન વિચારોથી મુક્ત રહેતું જ નથી. આ માન્યતા એટલા માટે છે કે માણસનું મન સતત ચાલતું જ રહે છે, એ ક્યારેય અટકતું જ નથી. તેના પ્રવાહો થંભતા જ નથી. વિવિધ વિષયો વિશે તે કંઈક ને કંઈક કરતું જ રહે છે. આ મનનું કામ છે અને મન પોતાનું કામ સુપેરે કર્યા કરે છે. તે નવરું પડતું નથી, કારણ કે નવરું પડવાનો તેનો સ્વભાવ નથી. મન નામના સૉફટવેરમાં નવરું પડવાની વ્યવસ્થા જ નથી. એનું કારણ એ છે કે દૃશ્ય, શ્રવણ, ગંધ, સ્પર્શ વગેરે ઇન્દ્રિયો દ્વારા મનને એકધારા સેંકડો ઇન્પુટ મળતાં રહે છે અને મન એ ઇન્પુટનું ઍનૅલિસિસ કરતું રહે છે. ક્યારેય વિચાર્યું છે કે તમે રસ્તા પર જતા હો ત્યારે એક સેકન્ડમાં મનને કેટલાં ઇન્પુટ મળતાં હશે?  અગણિત. તમારી આંખ એકસાથે કેટલાય માણસો, વાહનો, મિત્રો વગેરેને જોશે. આ તમામ ઑબ્જેક્ટની માહિતી મન સુધી આંખ પહોંચાડે છે અને એનું રિયલ ટાઇમ વિશ્લેષણ પણ થતું રહે છે. એટલે જ સાવ અણધાર્યો જ કોઈ પરિચિત ચહેરો ભીડમાં દેખાઈ જાય તો તમે તેને ઓળખી જાઓ છો, એટલું જ નહીં, ક્ષણાર્ધમાં જ તે વ્યક્તિ વિશે તમે જેટલું જાણતા હો એ તમામ માહિતી તમારી સ્મૃતિમાં તાજી થઈ જાય છે. રસ્તા પર તમે કશુંક અસામાન્ય જુઓ કે તરત જ મન તમારું ધ્યાન એની તરફ દોરે છે. આ બધું થઈ રહ્યું હોય ત્યારે કાન વિવિધ અવાજો મન સુધી પહોંચાડતા હોય છે એનું પૃથક્કરણ ચાલુ હોય છે, ગંધ અને સ્પર્શની ઇન્ફર્મેશન પહોંચતી હોય એને વલોવીને એમાં તારણ નીકળતું હોય, સાથે જ તમે જે વાહન ચલાવતા હો એની સાથે તમારા હાથ-પગની મૂવમેન્ટ ચાલુ જ હોય છે, વાહનનું એન્જિન દબાય કે કોઈ ઝટકો લાગે એને મન ધ્યાનમાં લેતું હોય અને એ સમયે જે કામ માટે જતા હો એ વિશેના વિચારો પણ હોય. સાથે જે રસ્તા પર જઈ રહ્યા હો એનો નકશો મનમાં હોય એટલે તમે સાચા રસ્તે જ આગળ વધો. આ બધું એક જ સેકન્ડમાં, દરેક સેકન્ડે એકસાથે બનતું રહે છે. આના સિવાયનું પણ કેટલુંય કામ મન ત્યારે કરતું રહેતું હોય છે. આ મનની એક સેકન્ડની સ્થિતિનું ચિત્ર છે. આ મનનું સામાન્ય કામ છે અને મન એને સ્વયંસંચાલિત રીતે કરતું રહે છે. એમાં કોઈ કૌશલની, કોઈ આયાસની, કોઈ યત્નની જરૂર પડતી નથી. માણસનું મન આ બધું કરવા માટે તાલીમ પામેલું હોય છે. અહીં જ કૅચ છે ડિયર રીડર. તાલીમ. આ તાલીમ જ સરળતા કરી આપે છે અને એ જ સમસ્યા પેદા કરે છે.



  માણસનું મન એક જ ઘરેડમાં ચાલવા માટે કન્ડિશન્ડ થઈ ગયું હોય છે, તાલીમને લીધે. જ્યારથી માણસનો જન્મ થાય છે ત્યારથી મનને અમુક જ રીતે કામ કરવાની તાલીમ મળે છે. આ તાલીમ સમાજ, આસપાસનું વાતાવરણ, માતા-પિતા વગેરેનું વર્તન, તેમની ભાષા, તેમના વિચારો, તેમની બૌદ્ધિક ક્ષમતા, ભણતર વગેરે પર આધારિત હોય છે. જગતના તમામ માણસો લગભગ એકસરખું જ વિચારે છે. મોટા ભાગના લોકોનાં મન એકસમાન જ કન્ડિશન્ડ થઈ ગયેલાં હોય છે. માનવજાતના હજારો વર્ષના ઇતિહાસને લીધે આ એકધારાપણું આવ્યું છે. દરેક મનુષ્યબાળ જન્મે એ પછી તેનું મન લગભગ એકસમાન જ બને છે. એ જ ઘરેડમાં વિચારવાનું, એ જ ઘરેડમાં ઍનૅલિસિસ કરવાનું, એક જ પ્રકારના માપદંડ મુજબ પૃથક્કરણ કરવાનું. હજારો વર્ષના સમાજે માપદંડ પણ નક્કી કરી આપ્યા છે, નિયમો બનાવી આપ્યા છે, માન્યતાઓ બનાવી આપી છે, વિચારવાનું આખું માળખું જ બનાવી આપ્યું છે. તૈયાર સૉફટવેર જ છે, બધામાં સરખો જ ચાલશે. આ જ માનવજાત સામેનો સૌથી મોટો પડકાર છે. આ જગત માનવજાતના વિચાર પ્રમાણે નિર્માણ પામ્યું છે, એટલે વિચારને બદલ્યા વગર એને બદલવું અસંભવ છે એવું આઇન્સ્ટાઇને કહ્યું છે. વાત ૧૦૦ ટકા સાચી છે. માનવજાત એકસરખું જ વિચારે છે એટલે, આ જગતને બદલી નહીં શકાય. જેની વિચારવાની પૅટર્ન જ અલગ હશે તે જ જગતને બદલી શકશે અને એ માટે આ પૃથ્વીથી અલગ, જ્યાં પૃથ્વી પરની માનવજાતની સંસ્કૃતિનો અંશ પણ પહોંચે નહીં, જ્યાં માનવીના હયાત વિચારનો સૂક્ષ્મ ટુકડો પણ પહોંચે નહીં ત્યાં જન્મવું પડે અને એ અસંભવ છે. બાળકોને સાવ અલગ જ વાતાવરણ આપીને, હયાત વિચારોથી અલિપ્ત વાતાવરણમાં ઉછેરીને એને અલગ રીતે વિચારતાં શીખવવાનો પ્રયોગ કરવા જેવો છે.


  બહુધા માણસને વિચારતાં આવડતું નથી એ આપણો મુદ્દો હતો. મોટા ભાગે માણસો પોતે વિચારતા નથી, મન પોતાની રીતે વિચારતું જ રહે છે અને એટલે જ વિચારો પર એ માણસનું નિયંત્રણ હોતું નથી. કોઈ એક બાબત વિશે દરેક પાસાને આવરી લઈને એના પરિણામ અને પરિણામની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની અસરો તથા એ અસરો પછીની સ્થિતિ અને એ સ્થિતિ વિશેના ઉપાયો અને માર્ગો વિશે મનન કરી લેવું એ વિચારવું છે. મન આ બધું કરે છે ખરું, પણ પોતાની રીતે જેટલું આવડે એટલું, જેટલું ફાવે એટલું. એ થોડું જ કરે છે, બહ દૂર સુધી જવાની તસ્દી લેતું નથી. જો માણસ પ્રયત્ન કરે તો મનને કેળવી શકે અને દરેક પાસાં બાબતે પૂરેપૂરું ચિંતન કરી શકે. આ માટે માણસે મન પર પોતાનું નિયંત્રણ સ્થાપવું પડે અને દરેક સ્થિતિમાં દરેક પાસાં વિચારવા મનને મજબૂર કરવું પડે. જેમ ચેસનો ખેલાડી આગામી ચાલ અને એ પછીની ત્રણ-ચાર ચાલ વિચારી લે (આગામી ચાર ચાલ વિચારતી વખતે હજારો સંભાવના અને ચાલ બને છે, શતરંજમાં) છે એ રીતે વિચારવાનું શીખવું પડે. પણ એ માટે વિચારને મનના અનિયંત્રિત પ્રવાહોને અલગ પાડવાનું સમજવું પડે.

  માણસને લાગે છે કે તેને રોજ લાખો વિચાર આવે છે, પણ હકીકતમાં બહુ થોડા વિચાર આવતા હોય છે. બાકીના તો એક જ વિચારના પુનરાવર્તન અને એ વિશેના મનના તરંગો-પ્રવાહો-વમળો જ હોય છે. એકની એક બાબતને સતત દોહરાવ્યા કરવાની મનને ટેવ હોય છે. આ ટેવનાં બે કારણ છે. પહેલું એ કે મહત્ત્વની બાબત યાદ રહી જાય, એનું મહત્ત્વ યાદ રહી જાય એટલા માટે મન તેને રિપીટ કરતું રહે છે. બીજું, કારણ થોડું સૂક્ષ્મ છે. મન પોતે નવું વિચારવાની મહેનતમાંથી બચવા માટે એકના એક વિચારની કૅસેટ ફેરવ્યા કરે છે. હકીકતમાં મન બહુ જ આળસુ ચીજ છે. એ પોતાના કમ્ફર્ટની જ ચિંતા કરે છે, તમારી નહીં. તમારી નહીં જ. તમે તમારા વિચારોને ઑબ્ઝર્વ કરી જોજો. મોટા ભાગના મનોવ્યાપારો, તરંગો, ઘડાતા ઘોડાઓ, કલ્પનાઓ હશે. જેને શુદ્ધ વિચાર કહેવાય એવા વિચારો તો જૂજ હશે અને એને મન દોહરાવતું રહેતું હશે. વિચારતાં શીખવું હોય તો રસ્તો સાવ સરળ છે, મનને જોતાં શીખો. વિચારોને જોતાં શીખો. પ્રયત્ન કરો મનથી અલગ થઈને એને જોવાનો. તમને સમજાશે કે અત્યાર સુધી તમે મનને જ તમારી જાત સમજતા હતા, હવે દેખાશે કે મન અને તમે અલગ છો. પછી વિચારોને જોજો. તમે અલગ જ માણસ બની જશો.


(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 07:52 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK