Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પોતાના ફ્લૅટને દીકરાઓના નામે કરવાની સામાન્ય પ્રક્રિયામાં ઠાગાઠૈયા

પોતાના ફ્લૅટને દીકરાઓના નામે કરવાની સામાન્ય પ્રક્રિયામાં ઠાગાઠૈયા

15 August, 2020 06:18 PM IST | Mumbai
Dhiraj Rambhiya

પોતાના ફ્લૅટને દીકરાઓના નામે કરવાની સામાન્ય પ્રક્રિયામાં ઠાગાઠૈયા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સાંતાક્રુઝ (વેસ્ટ)માં રહેતા પિતાશ્રી હસમુખરાય અને પુત્રો અજયભાઈ તથા વિજયભાઈ પારેખની ફ્લૅટના ટ્રાન્સફર જેવા સહજ અને સામાન્ય કાર્ય માટે ૧૨ મહિનાથી કરેલી સતામણી તથા લોકશાહી દિન પ્રક્રિયાના ઉપયોગથી થયેલા સુખદ અંતની આ અત્યંત ઉપયોગી કથા છે.

સાંતાક્રુઝના તિલક રોડસ્થિત બાલકિશન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હસમુખરાય પારેખ ૨૦૨ નંબરનો ફ્લૅટ ધરાવતા હતા. પોતાની હયાતીમાં ફ્લૅટ પુત્રોના નામે કરવાની મહેચ્છા હોવાથી ટ્રાન્સફર કરવાના દસ્તાવેજો બનાવી સ્ટૅમ્પ ડયુટી ભરી ૨૦૧૭ની ૮ સપ્ટેમ્બરના સોસાયટીને સુપરત કર્યા. કાયદા અનુસાર સોસાયટીએ ૯૦ દિવસમાં નામ ટ્રાન્સફરની કાર્યવાહી પૂર્ણ કરવી જોઈએ. ટ્રાન્સફર માટેના દસ્તાવેજોમાં કોઈ ખામી-ત્રુટિ હોય તો એ વિનંતીકર્તા સભ્યને જણાવી યથાયોગ્ય કરાવી લેવું જોઈએ.



સોસાયટીના પદાધિકારીઓએ ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો વિનંતીનો જવાબ આપવાની તસ્દી લીધી. આથી ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરના ડેપ્યુટી રજિસ્ટ્રારના કાર્યાલયમાં મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટી ઍક્ટ ૧૯૬૦ અન્વયે અપીલ ફાઇલ કરવામાં આવી અને એની કૉપી સોસાયટીને પણ આપવામાં આવી. ૨૦૧૮ની ૪ જાન્યુઆરીએ ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ સુનાવણીની તારીખના દિવસે સોસાયટીએ નીમેલા વકીલે તારીખ લીધી અને પછી તો તારીખ-પે- તારીખનો દોર તે ચલાવતા જ રહ્યા. અરજકર્તા સોસાયટીનું મેઇન્ટેનન્સ ભરતા નથી એટલે  સોસાયટી નામ ટ્રાન્સફર કરતી નથી એવું જૂઠાણું ચલાવ્યું. અજયભાઈએ એનો વાંધો લઈ જણાવ્યું કે મેઇન્ટેનન્સની રકમ તેઓ નિયમિત ભરે છે. સોસાયટીએ મેઇન્ટેનન્સની રકમ વધારી છે એ માટે સોસાયટીની ન તો જનરલ સભા બોલાવી છે કે ન તો યથાયોગ્ય કાર્યવાહી કરી છે એટલે તેમને એ સામે વાંધો હોવાથી માત્ર વધારેલા મેઇન્ટેનન્સની રકમ જ ભરતા નથી.


સોસાયટીના વકીલે બીજું જૂઠાણું ચલાવ્યું. ડેપ્યુટી રજિસ્ટ્રારના કાર્યાલયમાં કરેલી અપીલના ડૉક્યુમેન્ટ્સ ફરિયાદી પક્ષે અમને આપેલા નથી. સોસાયટીને આપેલા દસ્તાવેજો માટે કોઈ પહોંચ-પાવતી લીધેલી ન હોવાથી અજયભાઈએ ચૂપચાપ ડૉક્યુમેન્ટસ્નો બીજો સેટ આપી સહી લઈ લીધી. વકીલના જૂઠાણાથી સતર્ક થયેલા અજયભાઈએ સુનાવણીની ગતિવિધિની નોંધ લેવા માટે રોજનામા માટે ડેપ્યુટી રજિસ્ટ્રારને લેખિત અરજી કરી. રોજનામાની વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો.

અજયભાઈએ ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું કે સોસાયટીના પદાધિકારીઓ મનમાની કરી રહ્યા છે. મેઇન્ટેનન્સની રકમ વધારવાની કે એમાં ફેરફાર કરવાની સત્તા સોસાયટીની જનરલ સભાને હોવા છતાં મેઇન્ટેનન્સ વધારવાનો નિર્ણય સોસાયટીની મૅનેજિંગ સમિતિએ લીધો હોવાથી સભ્યોને એ નિર્ણય બંધનકર્તા નથી એટલે એ વધારેલા મેઇન્ટેનન્સની રકમ ભરતા નથી. જનરલ સભાએ નિશ્ચિત કરેલી રકમ તો તે ભરે છે. આથી તેમની ગણતરી ડિફૉલ્ટરમાં કાયદેસર રીતે થઈ શકે નહીં. પદાધિકારીઓ મેઇન્ટેનન્સ વધારવાનો ઠરાવ જનરલ સભામાં મંજૂર કરાવે એ બાદ તેઓ ભરવા સંમત છે.


૨૦૧૮ની ૨૨ માર્ચની સુનાવણીમાં અજયભાઈ તેમના મિત્ર જગદીશ જ્ઞાનચંદાનીને ઑથોરિટી આપીને લઈ ગયા. તેમણે રજૂઆત કરતાં જણાવ્યું કે સોસાયટી સભ્ય પાસેથી મેઇન્ટેનન્સ વસૂલ કરવા સેકશન-૧૦૧નો ઉપયોગ કરી કાયદેસર વસુલાત કરી શકે છે, પરંતુ મેમ્બરશિપ અટકાવી શકતી નથી, કારણ કે મેમ્બરશિપ અને મેઇન્ટેનન્સ બે તદ્દન ભિન્ન વસ્તુ છે. સોસાયટીના વકીલ પાસે આ દલીલના મુકાબલા માટે કોઈ રજૂઆત કે દલીલ ન હોવાથી મૌનવ્રત ધારણ કર્યું. આથી ડેપ્યુટી રજિસ્ટ્રારે ૩૦ દિવસમાં અજયભાઈ તથા વિજયભાઈનાં નામ સોસાટીના સભ્યપદ રજિસ્ટરમાં નોંધી સભ્ય બનાવવાનો ઑર્ડર ૨૦૧૮ની ૨૦ એપ્રિલે આપી ફાઇલ બંધ કરી, પરંતુ સોસાયટીના પદાધિકારીઓએ ડેપ્યુટી રજિસ્ટ્રારના ઑર્ડરની પરિપૂર્તિ અર્થે કોઈ પગલાં લીધાં નહીં. સેક્શન -૨૨/ટી, હેઠળ નૉન-કમ્પાયલન્સ ઑફ ઑર્ડર હેઠળ ડેપ્યુટી રજિસ્ટ્રારને અજયભાઈએ  ફરિયાદ કરી, પરંતુ મિલીભગત હોય કે બેકાળજી, ડેપ્યુટી રજિસ્ટ્રારે એક મહિનાનો સમય વ્યતીત થઈ ગયો પણ કોઈ પગલાં ભર્યાં નહીં.

વાતનો છેડો ન છોડવાની જીદ ધરાવતા અજયભાઈએ ૨૦૧૮ની ૬ જુલાઈએ લોકશાહી દિન અંતર્ગત ડિસ્ટ્રિકટ કલેક્ટરને ડેપ્યુટી રજિસ્ટ્રારે આપેલા ઑર્ડરનું પાલન ન કરનાર સોસાયટીના પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ન ભરવા માટે ફરિયાદ દાખલ કરી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે ડેપ્યુટી રજિસ્ટ્રારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો. ૨૦૧૮ની ૨૫ ઑગસ્ટના ડેપ્યુટી રજિસ્ટ્રારે સેક્શન-૭૯ (૨) (અ) અંતગર્ત સોસાયટીને ૩૦ દિવસની અંદર અજયભાઈ તથા વિજયભાઈને મેમ્બરશિપ આપવાનો હુકમ કર્યો, પરંતુ હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ ડેપ્યુટી રજિસ્ટ્રારના આદેશને ઘોળીને પી ગયા. અજયભાઈએ એની જાણ પત્ર દ્વારા ડિસ્ટ્રિક્ટ ક્લેકટરને કરતાં તેમણે ડેપ્યુટી રજિસ્ટ્રારને ખખડાવી નાખ્યા હોવા જોઈએ જેના કારણે રજિસ્ટ્રારે યુદ્ધના ધોરણે ૨૦૧૮ની ૧ ઑક્ટરોબરે સેક્શન ૭૯ (૨) (બ) હેઠળ ડેઝિગ્નેટેડ ઑફિસરની નિમણૂક કરી અને આપેલા ઑર્ડરની પરિપૂર્તિ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાં જણાવ્યું.

ડેઝિગ્નેટેડ ઑફિસરે ૨૦૧૮ની ૧૧ ઑક્ટોબર અને ૨૮ ઑક્ટોબરના કાર્યની પરિપૂર્તિ અર્થે સોસાયટીની મુલાકાત લીધી, પરંતુ સોસાયટીના પદાધિકારીઓએ સકારાત્મક પ્રતિક્રિયા ન આપતાં, ડેપ્યુટી રજિસ્ટ્રારને રિપોર્ટ સુપરત કર્યો, જેમણે એની કોઈ નોંધ ન લેતાં કે ન કોઈ પ્રતિક્રિયા દર્શાવતાં અજયભાઈએ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને ફરિયાદ કરી અને સાથોસાથ વિનંતી કરી કે ડેપ્યુટી રજિસ્ટ્રાર કે ડેઝિગ્નેટેડ ઑફિસરને આપ જ પોલીસ પ્રોટેક્શન હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ આપો. પોતાના હુકમની અવહેલના થઈ હોવાથી રોષે ભરાયેલા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે ડેઝિગ્નેટેડ ઑફિસરને પોલીસ પ્રોટેક્શન લઈ સેક્શન-૭૯ (૨) (બ) હેઠળની કાર્યવાહી ચીલઝડપે પૂરી કરવા જણાવ્યું. આ દરમ્યાન સોસાયટીના પદાધિકારીઓએ સેક્શન-૧૫૪ હેઠળ જૂના ઑર્ડર સામે રિવિઝન અરજી ફાઇલ કરી.

          રિવિઝન અરજીની સુનાવણી થાય એ પહેલાં જ ૨૦૧૯ની ૧૪ માર્ચે ડેઝિગ્નેટેડ ઑફિસરે પોલીસ પ્રોટેક્શન સાથે સોસાયટીમાં આવીને સોસાયટીની ઑફિસ ખોલાવી મેમ્બરશિપનાં નામ નોંધવા માટેના રજિસ્ટર I & J માં અજયભાઈ અને વિજયભાઈનાં નામોની એન્ટ્રી પાડી પોતાના સહીસિક્કા કરી નાખ્યા અને સોસાયટીના શૅર સર્ટિફિકેટમાં પાછળના ભાગમાં બન્ને ભાઈઓના શૅર હોલ્ડર્સના ખાનામાં નામો લખી સહીસિક્કા કરી આપ્યા. ૨૦૧૯ની ૪ એપ્રિલે જૉઇન્ટ રજિસ્ટ્રારને પત્ર લખી સોસાયટીએ કરેલી રિવિઝન ઍપ્લિકેશનને રદબાતલ કરવાનું જણાવવામાં આવ્યું.

આ સાથે હસમુખરાય હરગોવિંદરાય પારેખ પરિવારની ૧૨-૧૩ મહિનાની મનોવ્યથાનો સુખદ અંત લોકશાહી દિન યંત્રણાના ઉપયોગથી તથા તરુણ મિત્ર મંડળ-જનાધિકાર અભિયાન, સાંતાક્રુઝના અજયભાઈ પારેખના અહર્નિશ પ્રયત્નોથી આવ્યો. સાથોસાથ અનંદના સમાચાર એ રહ્યા કે...

ડેપ્યુટી રજિસ્ટ્રારે ૨૦૧૯ની બીજી ઑગસ્ટના આદેશ મુજબ સોસાયટીના ત્રણે પદાધિકારીઓ (ચૅરમૅન, સેક્રેટરી, ખજાનચી) ને મહારાષ્ટ્ર સહકારી સંસ્થા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૭૯ (૨) (અ) અન્વયે આદેશના પાલનમાં વિલંબ કરવા માટે ૨૦૧૮ની ૧૮ ઑગસ્ટથી ૨૦૧૯ની ૩૦ માર્ચની કાલાવધિ માટે રોજના ૧૦૦ રૂપિયા પ્રમાણે ૨૧૫ દિવસના કુલ ૨૧,૫૦૦/- રૂપિયાની રકમ સોસાયટીના ભંડોળમાં જમા કરવાનો હુકમ કર્યો.

સેવાકેન્દ્રની હેલ્પલાઇન:

કેન્દ્રનું સરનામું: C/o ગામી અસોસિએટ, ૬/૬૧૫, સી ચેમ્બર્સ, બસ ડેપોની પાછળ, સાંતાક્રુઝ (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૫૫.

કેન્દ્રના સેવાભાવીઓના સંપર્ક-નંબરો, જેનો ઉપયોગ માત્ર અપૉઇન્ટમેન્ટ મેળવવા જ કરવો.

કેન્દ્ર નિયામક તથા કથાનાયક:  CA નિમિશ ગામી - ૯૮૨૦૮ ૪૪૦૨૫

આજના કથાનાયક: અજય પારેખ - ૯૯૬૯૭૩૩૫૦૦

CA રૂપા ગામી - ૯૮૨૦૧ ૯૮૪૪૫

રામ પરસાણી - ૯૮૨૦૫ ૧૨૬૪૬

તારાચંદ દેઢિયા - ૯૮૬૯૪ ૩૪૧૨૩

મિતેશ શાહ  - ૯૧૬૭૦ ૧૭૨૬૭

ખુશ્બૂ વોરા - ૯૮૧૯૧ ૬૫૬૮૧

કેન્દ્ર પ્રત્યેક બુધવારે સાંજના ૫.૩૦થી રાતના ૭.૩૦ દરમ્યાન કાર્યરત હોય છે.

મુખવાસ :

પોતાની વાંસળી પોતે બજાવીએ

ને રેલાવી દઈએ સૂર

ઝીલનારું એેને ઝીલી લેશે

ભલે પાસે હોય કે દૂર

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 06:18 PM IST | Mumbai | Dhiraj Rambhiya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK