Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારી નિષ્ફળતાનું લિસ્ટ બનાવ્યું છે તમે?

તમારી નિષ્ફળતાનું લિસ્ટ બનાવ્યું છે તમે?

15 November, 2019 02:34 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમારી નિષ્ફળતાનું લિસ્ટ બનાવ્યું છે તમે?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


બાપદાદાના ધંધાને સંભાળવા કે પોતાનો વ્યવસાય શરૂ કરવા કરતાં આજના ગુજરાતી યુવાવર્ગને પ્રોફેશનલ તરીકે સક્રિય રહેવું વધુ પસંદ છે ત્યારે કોઈ પણ કંપનીમાં મનગમતી પોઝિશન મેળવવાની એન્ટ્રીમાં સૌથી મોટો રોલ હોય છે બાયોડેટાનો. એક જમાનામાં બાયોડેટા એટલે તમારું નામ, ગામ, ઉંમર, અભ્યાસ અને ટૂંકમાં આટલી વિગતો આપી દો એટલે પત્યું. જોકે હવે સમય બદલાયો છે. બાયોડેટા ક્રીએટિવ બન્યા છે. કેટલાક કહે છે કે બાયોડેટામાં સફળતાની સાથે નિષ્ફળતાનો ઉલ્લેખ પણ હોવા જોઈએ. શું આ યોગ્ય ગણાય? કેટલાક નિષ્ણાતો સાથે આ વિશે વાત કરીએ

સ્વામીનારાયણ સંપ્રદાયના સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં એક કિસ્સો કહેલો. એક બહુ જ મોટી મલ્ટિનૅશનલ કંપનીમાં ટોપ પોઝિશન પર કામ કરનારી વ્યક્તિને તેમણે પૂછ્યું કે તમારા જેવી મોટી પોઝિશન માટે જ્યારે કોઈને પસંદ કરવામાં આવે ત્યારે તેમને ઇન્ટરવ્યુમાં કયો પ્રશ્ન પૂછવામાં આવે. એવી વ્યક્તિ જેનું વર્ષનું પૅકેજ સો કરોડ રૂપિયાની આસપાસનું હોય. જેના હાથ નીચે પંદર-વીસ હજાર લોકો કામ કરતા હોય. ભાઈએ જવાબ આપ્યો કે કંપનીની બાગડોર જેને સોંપવાની હોય તે વ્યક્તિ પહેલેથી જ પાંચ-દસ હજાર કરોડની કંપનીને હૅન્ડલ કરી ચૂક્યો હોય એટલે સેલ્સ, પ્રોડક્શન, માર્કેટિંગ જેવા એકેય પ્રશ્નો તેની સામે ન આવે. મોટા ભાગે કંપનીના માલિક અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા તેમને એક જ સવાલ પુછાતો હોય, ‘તમારી પાસે અડધો કલાકનો સમય છે. તમારા જીવનના સૌથી મોટી ફેલ્યરની અને એમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા એની વાત કરો. તમારા જીવનની મોટામાં મોટી નિષ્ફળતાની વાત કરો અને એ નિષ્ફળતામાંથી કઈ રીતે તમે પાર ઊતર્યા એ જ બાબત જ તમારું ખરું કૅલિબર નક્કી કરે.’



આપણે ત્યાં સક્સેસ સ્ટોરીને એટલી ઓવરપાવર કરવામાં આવી છે કે ફેલ્યર સ્ટોરીની મહત્તાને મળવું જોઈતું હતું એટલું મહત્વ મળ્યું જ નહીં. વાસ્તવિકતા તો એ છે કે સફળતાના પાઠ નિષ્ફળતાની સ્ટોરીમાંથી શીખવા મળતા હોય છે. નિષ્ફળતા વિનાની કોઈ સફળતા નથી અને છતાંય વાત માત્ર સફળતાની જ થઈ. આજે જેના અવાજ પર દુનિયા દીવાની છે એ અમિતાભ બચ્ચનને પહેલા જ રેડિયો ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે ઍક્ટર બનવાનું સપનું જોનારા મનોજ બાજપેયીને નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. આવા તો અઢળક કિસ્સાઓ છે અને દરેક કિસ્સામાં સામેલ વ્યક્તિઓએ પછીથી એ સ્વીકાર્યું છે તેમના જીવનના આ સૌથી આકરા તબક્કાઓએ જ તેમને ઘડવાનું, તેમને બનાવવાનું, તેમની અંદરની શક્તિઓને ઉજાગર કરવાનું કામ કર્યું છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ઑફ એડિનબર્ગની રિસર્ચરે દરેકે ‘CV ઑફ ફેલ્યર’ બનાવવું જોઈએ એ વાત પર ભાર મૂક્યો છે. તમારી નિષ્ફળતાઓની નોંધ તમે રાખી હોય અને એની સાથે તમે શું કામ નિષ્ફળ ગયા, નિષ્ફળતા કેવી રીતે ટાળી શકાઈ હોત અને નિષ્ફળતાએ તમને શું શીખવ્યું એનું જો ડૉક્યુમેન્ટેશન હોય તો ફરી એ જ કારણોથી નિષ્ફળતાના ચાન્સ નિશ્ચિતપણે ઘટી જશે. નિષ્ણાતોના મતે સીવી ઑફ ફેલ્યર એક શ્રેષ્ઠ સેલ્ફ-એસેસમેન્ટ એટલે કે નિષ્ફળતાના મૂળને તપાસવાનું, જાતને એમાં સમજવાનું માધ્યમ બની શકે છે. કૉર્પોરેટ વિશ્વમાં જ્યારે એન્ટ્રી મારતા હો ત્યારે સુષ્ઠુ-સુષ્ઠુ વાતોને વધુ પ્રાધાન્ય અપાતું હતું. વ્યક્તિ જ્યારે પણ કોઈ જૉબ ઇન્ટરવ્યુમાં જતી ત્યારે તેનું ઓળખપત્ર એટલે કે બાયોડેટા, સીવી અથવા રેઝ્યુમેમાં તેની બેઝિક વિગતો ઉપરાંત તેની સફળતાઓની વાતોની ભરમાર રહેતી. પરંતુ હવે સિનારિયો બદલાયો છે કે? કેટલાક નિષ્ણાતો સાથે આ દિશામાં ચર્ચા કરીએ.


ન લખાય

રેઝ્યુમે કે તમારા બાયોડેટામાં તમારી ફેલ્યર સ્ટોરી ક્યારે લખી શકાય એની સ્પષ્ટતા કરતાં સર્ટિફાઇડ પ્રોફેશનલ રેઝ્યુમે રાઇટર નીના મોદી કહે છે, ‘જ્યારે તમે તમારું કોઈ સ્ટાર્ટઅપ કર્યું હોય અને એમાં ધારો કે તમને નિષ્ફળતા મળી અને પછી તમે ફરી કૉર્પોરેટ જૉબ કરવા તૈયાર થયા હો ત્યારે એ નિષ્ફળતાને હળવા શબ્દોમાં સીવીમાં લખો તો ચાલે. એ સિવાય એની ચર્ચા અનાવશ્યક છે. એમ્પ્લૉઈ તરીકે તમે અન્ય કોઈ કંપનીમાં હાથ ધરેલા પ્રોજેક્ટમાં મળેલી નિષ્ફળતાઓ વિશેની ચર્ચા તમારી ક્ષમતા પર સામેવાળા શંકા જન્માવે. નોકરી આપવા માટે બેસેલા રિક્રૂટરને તમારા સ્ટાર્ટઅપમાં મળેલી નિષ્ફળતામાં તમારી જોખમ ખેડવાની એબિલિટી દેખાય છે, પરંતુ એ સિવાય તમે મેળવેલી નિષ્ફળતાઓ નકારાત્મક પ્રભાવ પાડે છે. એટલે પ્રૅક્ટિકલી એનો ઉલ્લેખ ક્યારેય સીવીમાં ન કરાય. તમારો બાયોડેટા તમારો માર્કેટિંગ ડૉક્યુમેન્ટ છે. આજે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટ વેચવા માટે માર્કેટિંગ કરે ત્યારે એ પ્રોડક્ટનાં ગુણગાન જ ગાય, એની ખામીઓ અને મર્યાદાઓ શું છે એની ચર્ચા ન કરે. ધારો કે કોઈ સાબુ બનાવતી કંપની પોતાનો સાબુ વેચવા કાઢે તો એ સાબુની સુગંધ કેવી છે કે એ ત્વચાને કેવી સ્મૂધ કરે છે એની વાત કરશે, પરંતુ સાબુનાં કેમિકલ તમને કાળા કરી શકે છે એવું કહેશે ક્યારેય? નહીંને? બસ, આ જ નિયમ અહીં લાગુ પડે છે. તમારો બાયોડેટા તમારું માર્કેટિંગ કરવાનું માધ્યમ છે.’


બીજા એક મહત્વના મુદ્દા પર ધ્યાન દોરતાં રિક્રૂટમેન્ટ એજન્સી અને એચઆર તરીકે સર્વિસ આપતી ૧૧ વર્ષ જૂની કંપનીની નિશા વોરા કહે છે, ‘રેઝ્યુમે અથવા સીવીમાં તમારી પાસે લિમિટેડ સ્પેસ છે. ધારો કે તમારી પ્રોફેશનલ કરીઅરમાં કોઈક ફેલ્યરે તમને કંઈક શીખવ્યું છે તો એને પણ બાયોડેટામાં લખો તોય એને પૂરેપૂરું એક્સપ્લેઇન તો ન જ કરી શકાય. એટલે આવી બાબતો બાયોડેટામાં લખવાને બદલે એને ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ દરમ્યાન પૂછવામાં આવે તો કહી શકાય. અફકોર્સ, તમારા પર્સનલ રેકૉર્ડ માટે એને લખો અને એનું ઍનૅલિસિસ કરો તો એના પર્સનલ ગ્રોથ માટે ઘણા ફાયદા છે, પરંતુ એને પબ્લિકલી લખીને મોકલવું ઇઝ નૉટ અ ગુડ આઇડિયા.’

બદલાયેલો પ્રવાહ

અત્યારે ઇકૉનૉમી જે ઢબથી જઈ રહી છે એને કારણે રિક્રૂટરનો મિજાજ પણ બદલાયો છે. નીના કહે છે, ‘આજે ઘણી કંપનીઓએ ઊંચા પગારદાર લોકોને છૂટા કર્યા છે. બધી જગ્યાએ કૉસ્ટ કટિંગ ઇન થિંગ છે. ત્યારે એ જ ચાલશે જે મિનિમમ કૉસ્ટમાં મૅક્સિમમ આઉટપુટ આપશે. અત્યારે એમ્પ્લૉયર પાસે ઘણા પર્યાયો છે એટલે જૉબ મેળવનારી વ્યક્તિએ બીજા કરતાં વધુ સ્માર્ટ થવું જ રહ્યું. અત્યારની સ્થિતિમાં કંપનીઓ નવા અને ઓછા અનુભવી લોકોને રિક્રૂટ કરવાને બદલે કંપનીમાં હોય એવા જ લોકોને પ્રમોટ કરવાનું, તેમને વધુ જવાબદારીઓ સોંપવાનું વલણ અપનાવ્યું છે.’

આજના સ્ટુડન્ટને ઍડ્વાઇસ આપતાં નિશા વોરા કહે છે, ‘તમારા કૉલેજ સમયથી જ તમે વધુમાં વધુ ઇન્ટર્નશિપ કરીને અનુભવો લેવાનું શરૂ કરી દો. કૉલેજ સમયથી જ તમારો સીવી બિલ્ડઅપ કરો એ અત્યારે જરૂરી છે. આજની કંપનીઓ એમ્પ્લૉઈના માર્ક્સની સાથે તેને ક્રૉસ ફંક્શનિંગ એટલે કે જુદા-જુદા પ્રકારનાં કાર્યોનો અનુભવ કેવો છે એ બાબતને મહત્વ આપે છે. તમે એક જ કામમાં માહેર હો એ હવે પૂરતું નથી. માર્કેટિંગની સાથે તમને પ્રોડક્શનનું, કમ્યુનિકેશનનું અને જરૂર પડે ત્યારે મૅનેજમેન્ટનું જ્ઞાન પણ કામ લાગશે. એના માટે વધુમાં વધુ જગ્યાએ ઇન્ટર્નશિપ કરો, એનો સમય ન મળે તો કમ્યુનિટી સર્વિસ કરો. કોઈ કૅમ્પેન લીડ કરો, કોઈ સોશ્યલ વર્કમાં તમારી લીડરશિપ ક્વૉલિટીને બહાર કાઢો. આ બાબતો તમારા પર્સનલ ગ્રોથમાં કામ લાગશે અને તમારા સીવીને વધુ રિચ બનાવશે.’

આનું ધ્યાન અચૂક રાખજો

- બહુ જ હાસ્યાસ્પદ લાગશે, પરંતુ ઘણા લોકો પોતાના રેઝ્યુમેમાં ફોન-નંબર અને ઈ-મેઇલ આઇડી અપડેટ નથી કરતા. જૂનું ઈ-મેઇલ આઇડી જે તેઓ ક્યારેય ખોલીને જોતા પણ ન હોય અથવા તો જે નંબર બંધ પડી ગયો હોય એવો નંબર લખી મોકલી દેતા હોય છે. ખૂબ સામાન્ય કહેવાય એવી આ ભૂલ દર દસમાંથી એક બાયોડેટામાં જોવા મળે છે.

- કંપની સાથેનું તમારું પહેલું કમ્યુનિકેશન ગણાય એવા બાયોડેટામાં ગ્રામરની, સ્પેલિંગની ભયંકર ભૂલો લોકો કરતા હોય છે.

- પ્રેમપત્રો કરતાં પણ લાંબા-લાંબા બાયોડેટામાં બિનજરૂરી વિગતો લોકો લખીને મોકલતા હોય છે. કોઈ પણ કંપની પાસે તમારો આટલો લાંબો બાયોડેટા વાંચવાનો સમય ન જ હોય એટલી સામાન્ય સમજ પણ તેમનામાં હોતી નથી. જરૂરી હોય એટલી જ વિગતો, ખાસ તો બાયોડેટામાં તમારી કંપનીને ઉપયોગી થઈ શકે એવી અચીવમેન્ટનું લિસ્ટ હોવું જોઈએ. તમે શું જવાબદારીઓ નિભાવી છે એની લાંબી ચર્ચા કરવાને બદલે તમારી વિવિધ જવાબદારીઓ વખતે શું અચીવ કરી દેખાડ્યું છે એ વાતમાં રિક્રૂટરને વધુ રસ હોય છે.

- પર્સનલ વિગતોની ભરમાર પણ બાયોડેટામાં જોવા મળતી સૌથી મોટી ખામી છે. તમે લગ્ન કર્યાં છે કે નહીં, તમે જૉઇન્ટ ફૅમિલીમાં રહો છો કે નહીં, તમારે બાળકો છે કે નહીં જેવી માહિતીથી કંપનીના માલિકને કોઈ લેવાદેવા નથી. તેમને એમાં જરાય રસ પણ નથી. આમ કરીને તમારો કે રિક્રૂટરનો સમય વેડફવાનું રહેવા દો.

ધારો કે કોઈ સાબુ બનાવતી કંપની પોતાનો સાબુ વેચવા કાઢે તો એ સાબુની સુગંધ કેવી છે કે એ ત્વચાને કેવી સ્મૂધ કરે છે એની વાત કરશે, પરંતુ સાબુનાં કેમિકલ તમને કાળા કરી શકે છે એવું કહેશે ક્યારેય? નહીંને? બસ, આ જ નિયમ અહીં લાગુ પડે છે

- નીના મોદી, સર્ટિફાઇડ પ્રોફેશનલ રેઝ્યુમે રાઇટર

તમારા કૉલેજ સમયથી જ તમે વધુમાં વધુ ઇન્ટર્નશિપ કરીને અનુભવો લેવાનું શરૂ કરી દો. કૉલેજ સમયથી જ તમારો સીવી બિલ્ડઅપ કરો એ અત્યારે જરૂરી છે. આજની કંપનીઓ એમ્પ્લૉઈના માર્ક્સની સાથે તેને ક્રૉસ ફંક્શનિંગ એટલે કે જુદા-જુદા પ્રકારનાં કાર્યોનો અનુભવ કેવો છે એ બાબતને મહત્વ આપે છે

- નિશા વોરા, રિક્રૂટમેન્ટ નિષ્ણાત

નિષ્ફળતા જરૂરી છે. અમે અમારી કંપનીમાં નિષ્ફળતાને પચાવનારા કૅન્ડિડેટને સ્થાન આપ્યું છે. અમે પોતે પણ ક્યારેક ભૂલો કરી છે અને એ કરવાથી જ કેટલીક શીખ મળી જેણે અમને બેટર કર્યા.

- હરેન્દ્ર શાહ, ગિરનાર ચાના માલિક

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 02:34 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK