Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જૅક મા ગાયબ હોવાનું કારણ જાણવાની તસ્દી એક વખત લેવાની જરૂર છે

જૅક મા ગાયબ હોવાનું કારણ જાણવાની તસ્દી એક વખત લેવાની જરૂર છે

06 January, 2021 11:09 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

જૅક મા ગાયબ હોવાનું કારણ જાણવાની તસ્દી એક વખત લેવાની જરૂર છે

જૅક મા

જૅક મા


જૅક માનું નામ સાંભળ્યું છેને?

અલીબાબા ડૉટકૉમનો આ જનક છેલ્લા બે મહિનાથી ગાયબ છે અને સાચા અર્થમાં ગાયબ છે. અલીબાબા ડૉટકૉમ જેવું બિઝનેસ-પૉર્ટલ ડેવલપ કરીને દુનિયાઆખીને એક નવી જ દિશા દેખાડનારા જૅક મા ગાયબ હોવા પાછળનું કારણ રાજકીય ગણવામાં આવે છે અને એ જ કારણસર આપણે અત્યારે આ વિષય પર વાત કરવાની છે.



થોડા સમયથી જૅક માએ ચીનની રાજકીય પરિસ્થિતિઓ વિશે ટીકાટિપ્પણી કરવાનું શરૂ કર્યું હતું. જાહેરમાં પણ તેઓ નિવેદન કરતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જૅક મા ચીનની ટીકા કરવાનું ચૂકતા નહીં. જૅક મા સામે ચીન સરકાર દ્વારા પગલાં લેવાની શરૂઆત પણ કરવામાં આવી હતી અને જૅક માને ત્યાં જાતજાતનાં ચેકિંગ પણ મોકલવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જો તમને ખબર ન હોય તો તમારી જાણ ખાતર કહેવાનું કે ચીનના અમુક બિઝનેસમાં સરકાર પોતે ભાગીદાર હોય છે. ભાજી-તરકારી જેવા બિઝનેસમાં એ પાર્ટનરશિપ નથી કરતી, જે સ્વાભાવિક છે, પણ અમુક પ્રકારના પ્રાઇવેટ બિઝનેસ સાથે સરકારી ભાગીદારી છે અને એ ઑફિશ્યલ છે. આ ઉપરાંત ચીન સરકાર દ્વારા જ્યારે પણ કોઈ પણ ક્લાયન્ટની વિગત માગવામાં આવે ત્યારે એ વિગત પણ સરકારને સબમિટ કરવી એવો પણ ઑફિશ્યલ આદેશ છે. આ જ કારણસર ચીન દ્વારા શરૂ કરવામાં આવેલાં કેટલાંક ન્યુઝ-પૉર્ટલ અને સીસીટીવી કૅમેરાની હાર્ડ ડિસ્કથી લઈને લેન્સ અને મોબાઇલ નેટવર્કિંગમાં સપોર્ટ કરતાં હાર્ડવેર અને સૉફ્ટવેર લેવાનું અમેરિકાએ ચીનની કંપની પાસેથી બંધ કર્યું. ચીનને ત્યાંથી જાકારો મળ્યા પછી જ ભારતે પણ એ દિશામાં કડક પગલાં લેવાનું શરૂ કર્યું અને એ પછી જ ચીનની મોબાઇલ ઍપ્લિકેશન અને વેબસાઇટ પર પ્રતિબંધ મુકાયો. કહેવાનો ભાવાર્થ એ કે ચીનની સરકારનું વજન એ સ્તરે સ્થાનિક લોકો પર છે કે તેમણે એ બધા જ નિયમોનું પાલન કરવું પડે છે. એમાં સ્વાભાવિક રીતે જૅક મા પણ આવી ગયો. જૅક મા બધા નિયમો પાળતો હશે, એની ના નહીં; પણ જૅક માએ ચીની પ્રશાસન પરત્વે રહેલો પોતાનો અણગમો વ્યક્ત કરવાનું ચાલુ કર્યું, જે લગભગ ચારેક મહિના ચાલ્યું. આ ચાર મહિના દરમ્યાન ચીનની સરકારે જૅક માને અટકાવવાનો, રોકવાનો પ્રયાસ કર્યો, પણ એવું બન્યું નહીં અને જૅક મા હવે ગાયબ છે. એવી આશંકાઓ સેવવામાં આવે છે કે ચીનની સરકાર દ્વારા જ તેને ગાયબ કરવામાં આવ્યો છે.


તમારી લોકશાહીમાં તમે ગમે એવો બફાટ કરો છો, તમે ગમે એ સ્તરે જઈને ટીકાટિપ્પણી કરો છો અને એ પછી પણ તમે આઝાદી ભોગવો છો, વાણીસ્વાતંત્ર્યનો પૂરતો લાભ લો છો. આવા તબક્કે જાણવું જરૂરી છે કે તમને કેવા શાસનની કિંમત હોવી જોઈએ? જે દેશમાં સરકાર વિશે એક શબ્દ બોલવો પણ મોત લાવી શકે એવા ચીન જેવા રાજકીય શાસન વચ્ચે જીવવું છે કે પછી જે દેશ માટે તમે કોઈ જાતના ખચકાટ વિના બેફામ બોલી શકો છો, જે વડા પ્રધાનથી લઈને દરેકેદરેક પ્રધાન માટે તમે મનમાં આવે એવો બફાટ કરી શકો છો અને એ પછી પણ પૂરતો આઝાદીનો લાભ ભોગવો છો એ દેશ વાજબી લાગે છે તમને? મુદ્દો અહીં વાણીસ્વાતંત્ર્યનો છે, મુદ્દો અહીં લોકશાહીનો છે અને જ્યારે મુદ્દો લોકશાહીનો હોય ત્યારે ચોક્કસપણે મળેલી આ લોકશાહીની જવાબદારીઓને પણ તમારે સ્વીકારી જ જોઈએ અને એનો આદર પણ તમારે કરવો જ જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2021 11:09 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK