હજ હાઉસને ઉડાવી દેવાના નનામા ફોન પછી ચાંપતો પોલીસ-બંદોબસ્ત

Published: 2nd October, 2012 04:34 IST

બિલ્ડિંગમાં પ્રવેશતા લોકોની ચકાસણી કરવા માટે મેટલ ડિટેક્ટર પણ બેસાડવામાં આવ્યુંહજ હાઉસને ૧થી ૧૦ ઑક્ટોબર વચ્ચે ઉડાવી દેવાની એક નનામા ફોન દ્વારા ધમકી મળતાં એની ફરતે સુરક્ષા-બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે. વધુમાં બિલ્ડિંગમાં પ્રવેશતા લોકોની ચકાસણી કરવા માટે મેટલ ડિટેક્ટર પણ બેસાડવામાં આવ્યું છે. હજ હાઉસના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) દ્વારા કૉલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં હજ હાઉસને પોલીસનો સુરક્ષા-બંદોબસ્ત આપવામાં આવ્યો છે.

હજ હાઉસના ડેપ્યુટી સીઈઓ એમ. એ. પઠાણે વિવિધ પોલીસ-ઑથોરિટીમાં કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ૨૯ સપ્ટેમ્બરે સાંજે છથી સવાછ વાગ્યા દરમ્યાન એક નનામા ફોનમાં જણાવવામાં આવ્યું હતું કે હજ હાઉસમાં ૧થી ૧૦ ઑક્ટોબર દરમ્યાન ગમે તે થઈ શકે છે. ફોન કરનારને વધુ વિગતો આપવા હજ હાઉસના કર્મચારીએ કહ્યું ત્યારે કૉલરે કહ્યું કે તુમકો ક્યા લેના-દેના.

હજ હાઉસના પ્રોટોકૉલ-ઇન્ચાર્જ અસ્મત પાર્કરે કહ્યું હતું કે ‘અમારા લૅન્ડલાઇન ફોનમાં કૉલર આઇડી ન હોવાથી કોણે ફોન કર્યો હતો એ અમે જાણી શક્યા નહોતા. અમે પોલીસ-કમિશનર, ડેપ્યુટી પોલીસ-કમિશનર (ડીસીપી), અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર તથા એમઆરએ માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમે સુરક્ષાની માગણી કરતાં અમને તરત જ એ આપવામાં આવી છે. અગાઉ પણ પોલીસે સુરક્ષા આપવાની વાત કરી હતી, પરંતુ ત્યારે અમે ગંભીર નહોતા.’

ઝોન ૧ના ડીસીપી રવીન્દ્ર સિસવેએ કહ્યું હતું કે ‘હજ હાઉસ માટે કોઈ ખતરો નથી. જેવી રીતે ગણપતિ અથવા તો ગણેશવિસર્જન વખતે સુરક્ષા આપવામાં આવે છે એ જ રીતે અમે સુરક્ષા આપી છે. હજના ધસારાને પહોંચી વળવા માટે એમ કરવામાં આવ્યું છે.’

શું તમે જાણો છો?

સાઉથ મુંબઈમાં પોલીસ-કમિશનરની ઑફિસની બાજુમાં ૧૯ માળના આ બિલ્ડિંગમાં હજ માટે જતા મુસ્લિમોને રહેવાની સુવિધા આપવામાં આવે છે. છઠ્ઠી ઑક્ટોબરથી હજયાત્રાનો પ્રારંભ થશે અને એ પ્રક્રિયા ૨૧  ઑક્ટોબર સુધી ચાલતી રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK