મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને ફોન કરી ગાળો ભાંડનાર અને મારી નાખવાની ધમકી આપનાર 20 વર્ષના યુવાનને આઝાદ મેદાન પોલીસે જામનગરથી ઝડપી લીધો છે અને તેને મુંબઈ લાવી છે.
મુંબઈનાં મેયર અને શિવસેનાનાં નેતા કિશોરી પેડણેકરને 21 ડિસેમ્બરની સાંજે તેમની ઑફિસમાં હતાં ત્યારે ફોન આવ્યો હતો. સામે છેડેથી બોલતી વ્યક્તિ હિન્દીમાં બોલતી હતી. તેણે મુંબઈ મેયર, મહાપૌરજી એમ કહીને પહેલાં બહુ જ ગાળો ભાંડી હતી અને એમ પણ કહ્યું હતું કે હું જામનગરથી બોલું છું. જો પોલીસને ફોન બાબત જણાવ્યું તો હું તમને મારી નાખીશ અને ફોન કાપી નાખ્યો હતો.
કિશોરી પેડણેકરે થોડી વાર રહીને એ ફોન-નંબર પર બે વાર ફોન કર્યો હતો તો તેણે ફોન ઉપાડ્યો નહોતો. કિશોરી પેડણેકરે ત્યાર બાદ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘મને શંકા છે કે કાં તો કોઈ મારી પરિચિત વ્યક્તિએ કોઈના થ્રૂ આ ફોન કરાવ્યો હોઈ શકે અથવા મારી બદલ કોઈનો બહુ જ ખરાબ રાજકીય મત હોય તેણે આવું કર્યું હોઈ શકે. જે હશે એ હવે મુંબઈ પોલીસ શોધી કાઢશે, આપણી પોલીસ સક્ષમ છે.’
મુંબઈનાં મેયરને ધમકીભર્યો ફોન મળવાની આ બાબતને ગંભીરતાથી લઈ આઝાદ મેદાન પોલીસે તરત જ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. ફોન જામનગરથી કરું છું એમ ફોન કરનારે કહ્યું હતું. એથી એ દિશામાં તપાસ કરાઈ હતી. ફોન-નંબર ટ્રેસ કરી એ ફોન જામનગરથી જ આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. એથી આઝાદ મેદાન પોલીસની એક ટીમ મંગળવારે જામનગર પહોંચી ગઈ હતી.
આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ વિદ્યાસાગર કાલકુન્દ્રેએ કહ્યું હતું કે ‘અમારી ટીમે ત્યાં જઈ એ યુવાનને શોધી કાઢ્યો છે. એ 20 વર્ષનો યુવાન છે. તેમની કરિયાણાની નાની દુકાન છે. જે સિમ-કાર્ડ વાપરી તેણે ફોન કર્યો હતો એ સિમ-કાર્ડ પણ તેના પિતાના નામનું છે. તેણે શા માટે આવો ફોન કર્યો એ વિશે હાલ ખાસ માહિતી મળી નથી. તે અહીં આવી જાય ત્યાર બાદ ફોન કરવા પાછળ તેનો શું ઉદ્દેશ હતો એ જાણવાનો અમે પ્રયાસ કરીશું.’
જામનગરની મેઘપર પોલીસની મદદથી આરોપી ઝડપાયો
આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ અને ત્રણ કૉન્સ્ટેબલની ટીમ મંગળવારે રાતે જ જામનગર પહોંચી ગઈ હતી. સ્થાનિક મેઘપર પોલીસ સ્ટેશનની મદદ લઈ તેમણે ટ્રેસ કરેલા નંબર પરથી સાતુલસ ગામમાંથી 20 વર્ષના મીર ઉર્ફે મનોજ દિનેશ દેઢીની ધરપકડ કરી હતી. એ પરિવાર લેબર પરિવાર છે. નાની કરિયાણાની દુકાન છે. મનોજ પાસે મુંબઈનાં મેયરનો નંબર ક્યાંથી આવ્યો અને શા માટે તેણે એ ફોન કર્યો એ વિશે તપાસ ચાલી રહી છે. સિમ-કાર્ડ તેના પિતાના નામનું હોવાથી પૂછપરછ માટે તેમને પણ મુંબઈ લાવી રહ્યા છે.
શૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર
26th January, 2021 11:12 ISTમુંબઈમાં નવાં પાંચ સાઇબર પોલીસ-સ્ટેશન: ઉદ્ધવ ઠાકરે આજે ઉદ્ઘાટન કરશે
26th January, 2021 10:57 ISTઆખરે ડ્રગ માફિયા આરિફ ભૂજવાલાની રાયગઢમાંથી ધરપકડ
26th January, 2021 10:55 ISTચાલો, બીએમસીના મુખ્યાલયની લટાર મારવા
26th January, 2021 10:34 IST