ઈશ્વર મારા હિતનું જ કરશે

Published: Sep 09, 2020, 21:29 IST | Sejal Ponda | Mumbai

જે મનુષ્ય ક્યારેય હાર નથી માનતો ઈશ્વર તેની પડખે ચોક્કસ ઊભો રહે છે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર એટલે આપણા માણસ હોવાનો અહેસાસ

 ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર એટલે આપણા માણસ હોવાનો અહેસાસ
ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર એટલે આપણા માણસ હોવાનો અહેસાસ

એક રાજા હતો. રાજા એક ગામમાં જાય છે અને ગામમાં પહોંચતાની સાથે તેના કુરતાનું બટન તૂટી જાય છે. રાજા ગામના દરજી પાસે જાય છે. રાજા તેની પાસે કુરતાનું બટન સીવડાવવા આવ્યા એ જોઈ દરજી ખુશ થાય છે અને મનમાં વિચારે કે આટલા મોટા રાજા છે તો મને કંઈ આપીને જશે. આમ તો ગામના લોકોનાં કપડાં સીવું તો મને બે આના માંડ મળે છે, આ તો રાજા છે એટલે મને બે-ત્રણ કે પાંચ રૂપિયા આપીને તો જશે જ. રાજાનું બટન સંધાઈ જાય એટલે રાજા ખુશ થાય છે અને દરજીને પૂછે છે, બોલ તને શું જોઈએ છે? દરજી કહે, તમે તો રાજા છો. મારાથી તમારી પાસેથી કંઈ ન લેવાય. પણ મનમાં તો દરજીને રાજા કંઈ આપે એવી આશા હોય જ છે. દરજીની વાત સાંભળી રાજા વિચારે છે કે હું રાજા છું અને જો કંઈ આપ્યા વગર જાઉં તો બહાર ચર્ચા થાય કે આટલો મોટો રાજા થઈ દરજી પાસે કામ કરાવી કંઈ પણ આપ્યા વગર જતો રહ્યો. પ્રજા મને કંજૂસ ગણશે કે દરજીની મહેનતના પૈસા પણ ન આપ્યા. જો હું થોડું સોનું આપું તો? તોય લોકો કહેશે કે આટલું જ સોનું આપ્યું. રાજા બાજુમાં ઊભેલા પોતાના મંત્રી તરફ જુએ છે. મંત્રી સમજી જાય છે અને રાજા સાથે એકલામાં વાત કરવા દરજીને બહાર મોકલે છે. રાજા કહે, મંત્રીજી, મને તો કંઈ સમજાતું નથી કે આ દરજીને શું આપું. તમારા મતે મારે શું આપવું જોઈએ? અને મંત્રી કહે છે કે આ દરજી મહેનતુ છે. ઈમાનદાર છે, લાલચી પણ નથી દેખાતો. પોતાની મહેનતના પૈસા પણ નથી માગતો. આવા ઈમાનદારને તો તમારે બે ગામ આપી દેવાં જોઈએ. રાજા ફરી વિચાર કરે છે. મંત્રીની વાત રાજાના ગળે ઊતરી જાય છે. રાજા દરજીને બોલાવે છે અને બે ગામ આપવાની જાહેરાત કરે છે. આ સાંભળી દરજીના આનંદનો પાર નથી. દરજી મનમાં બોલે કે રાજા મને બે-ત્રણ કે પાંચ રૂપિયા આપશે એવું હું વિચારતો હતો. રાજાએ તો મને બે ગામ આપી દીધાં. સારું થયું મેં સામેથી કંઈ માગ્યું નહીં. આ વાર્તાનું મૉરલ એ છે કે આ સૃષ્ટિનો રાજા એટલે કે ભગવાનને શું આપવું હોય એની આપણને ખબર હોતી નથી. દરજીએ પાંચ રૂપિયા માગ્યા હોત તો પાંચ જ મળત. દરજી ચૂપ રહ્યો અને રાજાએ તેની કાબેલિયત પ્રમાણે તેને બે ગામ આપી દીધાં.
આપણા જીવનમાં ઘણી વાર એવું બનતું હોય છે જ્યાં આપણા હાથમાંથી કોઈ પ્રોજેક્ટ છીનવાઈ જાય કે આપણને માગેલું નથી મળતું. કોઈ ગમતું પાત્ર આપણા જીવનમાંથી જતું રહે. નોકરી છૂટી જાય કે પછી આપણે ધારેલી જગ્યાએ નોકરી ન મળે અને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. એવા સમયે આપણને ખબર નથી હોતી કે ભગવાન આપણા માટે કંઈ બેટર પ્લાન કરી રહ્યા હોય છે.
આપણે હંમેશાં એક વાત સાંભળી છે કે આપણું ધાર્યું થાય તો સારું અને જો ન થાય તો વધારે સારું, કારણ કે ભગવાનનું ધાર્યું થઈ રહ્યું છે. આ વાક્ય પર કેટલી શ્રદ્ધા રાખવી એ વ્યક્તિગત નિર્ણય છે.
જેને ખરેખર આ સૃષ્ટિની રચનાર કરનાર ઈશ્વર પર શ્રદ્ધા અને ભરોસો છે તે નિશ્ચિંત બનીને જીવે છે. જીવનમાંથી કંઈક બાદ થાય એ પાછળ ભગવાનનો માસ્ટર પ્લાન હોય છે. એ સમયે આપણને સમજાતું નથી, પણ જ્યારે એનાથી પણ વધારે સારું મળે છે ત્યારે આપણને હાશકારો થાય છે અને સમજાય છે કે ઈશ્વર તો મને વધું સારું આપવા માગતા હતા. વધુ સારી અને સુરક્ષિત જગ્યાએ મૂકવા માગતા હતા.
એવું ઘણી વખત બને છે કે ઈશ્વર આપણા ધાર્યા પ્રમાણે નહીં પણ તેના ધાર્યા પ્રમાણે આપણને આપે છે. અને જ્યારે આપણું ધાર્યું નથી થતું ત્યારે આપણને એવું લાગે છે કે ઈશ્વર આપણી સાથે નથી.
ઈશ્વરની હયાતીમાં માનવું એ શ્રદ્ધાનો વિષય છે. કોઈને એવું લાગે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી, કારણ કે આપણે ઈશ્વરને જોયા જ નથી. તે ક્યારેય આપણી સામે આવતો જ નથી. કોઈ એમ માને છે કે આખી સૃષ્ટિ ઈશ્વર જ ચલાવે છે એટલે ઈશ્વરનું અસ્તિત્વ કણેકણમાં છે. જો ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોત તો આ ધરતી પર હવા-પાણી જ ન હોત. મનુષ્ય તથા બીજા જીવજંતુનું અસ્તિત્વ પણ ન હોત.
ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર મનુષ્યને જીવવાનું બળ આપે છે. ઈશ્વર સામે ડર કે લાલચથી નહીં, પણ શ્રદ્ધાથી માથું નમવું જોઈએ.
આપણે ઘણી વાર બે વ્યક્તિને વાદવિવાદ કરતા સાંભળી છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહેતી હોય કે જા તારાથી થાય એ કરી લે. આ વાક્યમાં પોતાની જાત પર એટલો વિશ્વાસ છે કે સામેવાળી વ્યક્તિ કંઈ પણ કરશે તો હું ફોડી લઈશ, હાર નહીં માનું. માણસની ભીતર જ્યારે હાર નહીં માનવાનો વિશ્વાસ પેદા થાય છે ત્યારે તે દરેક પડકાર ઝીલવા તૈયાર થઈ જાય છે અને ભગવાનને ચૅલેન્જ કરતો હોય કે તારાથી થાય એ કરી લે. તેં આપેલી તકલીફ કે સંઘર્ષ સામે હું નહીં નમું. મારા પ્રયત્નો નહીં છોડું.
જે મનુષ્ય હાર નથી માનતો ઈશ્વર તેની પડખે ચોક્કસ ઊભો રહે છે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર એટલે આપણા માણસ હોવાનો અહેસાસ.
જીવનમાં વ્યક્તિ હોય કે વસ્તુ, એ છૂટે કે આપણાથી છીનવાઈ જાય કે દૂર થઈ જાય એ પાછળ ઈશ્વરની મોટી વ્યૂહરચના હોય છે એનો ખ્યાલ આપણને એ સમયે તો નથી જ આવતો. આપણામાંથી ઘણાને એવા અનુભવ પણ થયા હશે અને સમય આવ્યે હાશકારો પણ થયો હશે કે જે થયું સારું થયું.
ઈશ્વરના માસ્ટર પ્લાનમાં અનેક રહસ્યો ધરબાયેલાં હોય છે. સમય આવ્યે એક પછી એક રહસ્ય પરથી પડદો હટે છે. બસ, આપણે એક વાત સમજવાની છે, ઈશ્વર જે કરશે બેસ્ટ કરશે. તે જે આપશે ઉત્તમ આપશે. આ નિશ્ચય આપણા હૃદયમાંથી ક્યારેય બદલાય નહીં.
ઈશ્વરની હયાતીમાં માનવું એ શ્રદ્ધાનો વિષય છે. કોઈને એવું લાગે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી, કારણ કે આપણે ઈશ્વરને જોયા જ નથી. તે ક્યારેય આપણી સામે આવતો જ નથી. કોઈ એમ માને છે કે આખી સૃષ્ટિ ઈશ્વર જ ચલાવે છે એટલે ઈશ્વરનું અસ્તિત્વ કણેકણમાં છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK