ઘાટકોપરના લોકોને જોઈએ છે ઢોબળે જેવો પોલીસ-ઑફિસર

Published: 3rd November, 2012 21:42 IST

વલ્લભબાગ લેનમાં ઓડિયન પાસે સ્ટૉલ દૂર કરવાની માગણી સાથે એક દિવસના અનશન : રાત્રે નીકળ્યો થાળી-વાટકા મોરચો : આજે રાત્રે થશે કૅન્ડલ મોરચો : ફેરિયાઓ વિરુદ્ધની લડત  મહિનો ચાલશેઘાટકોપરની વલ્લભબાગ લેનમાં ઓડિયન અપાર્ટમેન્ટની સામે આવેલાં બે જૂસ સેન્ટર અને ગેરકાયદે બેસતા આશરે પચીસ જેટલા ફેરિયાઓને કારણે થતા ત્રાસના વિરોધમાં ઓડિયન અપાર્ટમેન્ટ અને મહાવીર જ્યોત બિલ્ડિંગના રહેવાસીઓએ કરેલા આંદોલનને પગલે ફેરિયાઓ ત્યાંથી હટી ગયા છે, પણ આ સ્ટૉલ ઉપરાંત ઘાટકોપરના તમામ સ્ટૉલને હટાવવાની માગણી સાથે સ્થાનિક રહેવાસીઓએ ગઈ કાલે એક દિવસના અનશન કર્યા હતા. દશેરાથી ફેરિયાઓ સામે શરૂ થયેલી આ લડતને એક મહિના સુધી ચલાવવામાં આવશે એવી જાહેરાત મહાવીર જ્યોત બિલ્ડિંગના કમિટી મેમ્બરોએ કરી છે. સવારે દસથી રાત્રે સાડાદસ વાગ્યા સુધી યોજાયેલા આ અનશનમાં મહાવીર જ્યોત બિલ્ડિંગના દિલીપ કેનિયા, મહેશ કેનિયા, ગુણવંત પારેખ અને ઓડિયન અપાર્ટમેન્ટનાં જયશ્રી શાહ સહિત અનેક કમિટી મેમ્બરો જોડાયાં હતાં. રાત્રે સાડાઆઠ વાગ્યે થાળી-વાટકા મોરચો કાઢવામાં આવ્યો હતો. આજે રાત્રે કૅન્ડલ માર્ચ કાઢવામાં આવશે.

ઓડિયન પાસે જૂસ-સ્ટૉલ સિવાય ફ્રૅન્કી, કલિંગડ જૂસ, સૅન્ડવિચ, પાણીપૂરી અને એના જેવા બીજા અનેક સ્ટૉલ લાગે છે. રાત્રે નૉન-વેજ પીરસતો એક સ્ટૉલ પણ લાગતો હોવાથી લોકોને વધુ ને વધુ હેરાનગતિ થાય છે. આના વિરોધમાં ઉપાડવામાં આવેલા આંદોલનને સારો પ્રતિસાદ મળ્યાં બાદ ફેરિયાઓ હટી ગયા છે, પણ હજી જૂસ સેન્ટરો છે અને ફેરિયાઓ સાથે એ પણ હટે એવી તેમની માગણી છે. મહાવીર જ્યોત બિલ્ડિંગના રહેવાસીઓએ હવે એક મહિના સુધી ચાલે એવું આંદોલન શરૂ કર્યું છે.

ગેરકાયદે ફેરિયાઓ સામે લડત ચલાવતા અને મહાવીર જ્યોત બિલ્ડિંગમાં રહેતા દિલીપ કેનિયાએ કહ્યું હતું કે ‘અમને હવે અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર વસંત ઢોબળે જેવા પોલીસ-ઑફિસરની જરૂર છે. એવા ઑફિસરો જો અમને મળે તો માત્ર અમારી ગલી જ નહીં, આખા ઘાટકોપરમાંથી ગેરકાયદે ફેરિયાઓ હટી જાય. અમારા આ આંદોલન બાદ હવે અમને પોલીસનો સપોર્ટ મળી રહ્યો છે અને અમે ઇચ્છીએ છીએ કે આ રસ્તા પર એક પણ ફેરિયો બેસે નહીં. છેલ્લા એક અઠવાડિયાથી અમારી ગલીમાં ટ્રાફિક જૅમ થતો નથી અને લોકો આસાનીથી રસ્તા પર ચાલી શકે છે. ઓડિયન અપાર્ટમેન્ટ, અશ્વિન, કૈલાસ કૅસલ અને કૈલાસ મહલ વગેરેના રહેવાસીઓએ પણ ફેરિયાઓના વિરોધમાં લડતને ટેકો આપ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે આખા ઘાટકોપરમાં આવી રીતે રસ્તા પરથી ફેરિયાઓ હટે. અમે અમારા બિલ્ડિંગની જગ્યા રોડ પહોળો કરવા માટે આપી હતી અને એના પર ફેરિયાઓ બેસાડી દેવામાં આવ્યા છે. આવા ફેરિયાઓ હટવા જ જોઈએ અને ફૂટપાથ પર લાગેલા સ્ટૉલ પણ હટવા જોઈએ એવી અમારી માગણી છે.’

સુધરાઈએ વલ્લભબાગ લેન પર આવેલા ૐ અગ્રવાલ જૂસ સેન્ટર અને પટેલ જૂસ સેન્ટરે કરેલા વધારાના બાંધકામને બુધવારે તોડી પાડ્યું હતું. વૉર્ડ-નંબર ૧૨૭ (ગારોડિયાનગર)નાં બીજેપીનાં નગરસેવિકા ફાલ્ગુની દવેએ સુધરાઈની ઑફિસમાં આ બે જૂસ સેન્ટરની વિગતો કઢાવી હતી અને જાણવા મળ્યું હતું કે આ સેન્ટરોએ વધારાનું બાંધકામ કર્યું હતું. આ સ્ટૉલ રાત્રે બે વાગ્યા સુધી ખુલ્લા રહેતા હોવાથી સ્થાનિક લોકો હેરાનપરેશાન થતા હતા. આથી ફાલ્ગુની દવેની આગેવાની હેઠળ લોકોએ આ લડત ચલાવી હતી.

જોકે આ લડતને સારો પ્રતિસાદ મળ્યાં બાદ બીજા રાજકીય નેતાઓ પણ ગઈ કાલે એમાં જોડાયા હતા. કૉન્ગ્રેસના નેતા રાજા મીરાણી અને અશોક ભાનુશાલી સાથે  કૉન્ગ્રેસના નગરસેવક પ્રવીણ છેડા અને એનસીપીનાં નગરસેવિકા રાખી જાધવ પણ ગઈ કાલે અનશનમાં જોડાયાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK