Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજથી રામભક્તો તમારા ઘરે મંદિર માટે પૈસા માગવા આવે તો નવાઈ ન પામતા

આજથી રામભક્તો તમારા ઘરે મંદિર માટે પૈસા માગવા આવે તો નવાઈ ન પામતા

15 January, 2021 12:08 PM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આજથી રામભક્તો તમારા ઘરે મંદિર માટે પૈસા માગવા આવે તો નવાઈ ન પામતા

આજથી રામભક્તો તમારા ઘરે મંદિર માટે પૈસા માગવા આવે તો નવાઈ ન પામતા

આજથી રામભક્તો તમારા ઘરે મંદિર માટે પૈસા માગવા આવે તો નવાઈ ન પામતા


આ શ્રીરામ મંદિર નહીં, રાષ્ટ્ર મંદિર છે એવા ઉદ્દેશ સાથે આજથી મુંબઈ સહિત દેશભરમાં શ્રીરામ મંદિર નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થશે. આ અભિયાનની રૂપરેખા શ્રી રામ જન્મભૂમિ મૂવમેન્ટનાં અગ્રણી સાધ્વી ઋતંભરાજી સાંજે ૪.૩૦ વાગ્યે મુંબઈના મરાઠી પત્રકાર સંઘમાં પત્રકારો સમક્ષ રજૂ કરશે. મુંબઈમાં આ અભિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે.
આ પહેલાં ૨૦૧૩માં ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં નિર્માણ પામેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે દેશભરનાં પાંચ લાખ ગામડાંઓના ખેડૂતોને આયર્નનો એક નાનકડો ટુકડો આપવાનું આહ્‍વાન કર્યું હતું. હવે શ્રીરામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અંતર્ગત રામમંદિરના નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામ મંદિર નિધિ સમર્પણ અભિયાન આજથી શરૂ કરવામાં આવી રહ્યું છે.
અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રીરામ મંદિર કૉમ્પ્લેક્સમાં રામમંદિર સહિતનો કુલ ખર્ચ ૧૧૦૦ કરોડ રૂપિયા છે. અંદાજે ૨.૭ એકર જમીન પર નિર્માણ પામવા જઈ રહેલા મુખ્ય રામમંદિરનો બાંધકામ-ખર્ચ એક અંદાજ પ્રમાણે ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયા થશે.
શ્રીરામ મંદિર નિધિ સમર્પણ અભિયાનની માહિતી આપતાં મુંબઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહક સંજય નાગરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા માટે આ અભિયાનમાં નિધિ કરતાં પણ અતિ મહત્ત્વનો વિષય છે મુંબઈમાં રહેતા દરેક ભારતીય ફક્ત હિન્દુ જ નહીં; દરેક સંપ્રદાય અને સમુદાયના લોકો સુધી રામમંદિરની વિશેષતા, જેની અમે પૂજા કરીએ છીએ એ ભગવાન રામનો ઇતિહાસ, મર્યાદાપુરુષોત્તમ રામના ગુણો, તેમની મર્યાદા, એક પુત્ર તરીકે રામ, એક ભાઈ તરીકે રામ, એક પતિ તરીકે રામ, એક પિતા તરીકે રામની શું વિશેષતા હતી, જે તેમના જીવનમાંથી આપણને જાણવા મળે છે. ઘર-ઘર સુધી પત્રિકાના માધ્યમથી આ માહિતી પહોંચાડવાનું આ એક અભિયાન છે. આ એક જાગરણનો વિષય છે. આ અભિયાનના માધ્યમથી અમારા હજ્જારો વૉલન્ટિયર્સ આજથી ફક્ત મુંબઈમાં જ નહીં, દેશભરમાં રામલીલા લોકોના ઘર-ઘર સુધી પહોંચાડશે. સૌથી મહત્ત્વનું તો એ છે કે આ મંદિરના નિર્માણ માટે સરકારની કોઈ મદદ વગર કરોડો લોકોના સહયોગથી જ આ મંદિરનું નિર્માણ પાર પડશે એ જ અમારો ભાવ છે.’
વિશ્વ હિન્દુ પરિષદના અન્ય કાર્યવાહક વિજય પુરાણિકે અભિયાનની જાણકારી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અભિયાન અંતર્ગત અમે ૧૦,૦૦૦ની વસ્તીમાં એક વસ્તી-પ્રમુખની નિમણૂક કરી છે. આ પ્રમુખની સાથે ચારથી પાંચ કાર્યકરોની ટીમ ૧૦ રૂપિયા, ૧૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની કૂપન લઈને ઘરે-ઘરે જશે. સમર્પણ નિધિમાંથી રામમંદિરની સાથોસાથ મંદિર પરિસરમાં આંતરરાષ્ટીય સ્તરની લાઇબ્રેરી, ઑડિટોરિયમ, રામલીલા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આઉટડોર સ્ટેડિયમ, ધર્મશાળા, ભંડારા માટેનું સ્થળ, રામજન્મભૂમિના ખોદકામ વખતે મળેલા પુરાણિક અવશેષોના પ્રદર્શન માટે સંગ્રહાલય, રામમંદિર માટે સંઘર્ષ કરનારાઓનાં સ્મારકો પણ નિર્માણ પામશે.’
વસ્તી-પ્રમુખની ટીમની કાર્યરચના બાબતે વિજય પુરાણિકે કહ્યું કે ‘ચાર-પાંચ કાર્યકરોની ટીમ પહેલાં દરેક ઘરમાં જઈને રામમંદિર અને રામ વિશેની પત્રિકાના માધ્યમથી માહિતી આપશે. આ મંદિર સાથે સમગ્ર રાષ્ટ્રની ભાવના કેવી રીતે જોડાયેલી છે એની સમજણ આપશે. ત્યાર પછી તેમને સ્વૈચ્છિક રીતે ફન્ડ આપવાનું આહ્‍વાન કરવામાં આવશે. જે લોકો મોટી રકમ આપવા ઇચ્છતા હશે તેમને રિસીટ આપવામાં આવશે. એક લાખથી એક કરોડ રૂપિયા સુધી ફન્ડ આપવા ઇચ્છુકો પાસે અમારા રાજ્યસ્તરના સિનિયર કાર્યકરો જશે. જ્યારે એક કરોડ રૂપિયાથી વધુનું ફન્ડ આપનારા શ્રદ્ધાળુઆ પાસે અમારા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ફન્ડ જમા કરવા જશે એવી અમારી અત્યારની યોજના છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 12:08 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK