Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બી ઇન્ડિયન: ફર્સ્ટ ઍન્ડ ફૉરએવર

બી ઇન્ડિયન: ફર્સ્ટ ઍન્ડ ફૉરએવર

24 January, 2021 04:14 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

બી ઇન્ડિયન: ફર્સ્ટ ઍન્ડ ફૉરએવર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહેલાં ઉરી અને પુલવામાના ટેરરિસ્ટ અટૅક અને એ પછી આવેલું ઑલમોસ્ટ એક વર્ષ લાંબું એવું આપણું લૉકડાઉન. એક નવા ભારતની શરૂઆત થઈ ગઈ છે એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય. ન્યુ નૉર્મલની જે વાતો છે એ વાતોને અમે યુથ સમજીએ છીએ, પણ આપણા જે વડીલો છે કે પછી જે મિડલ એજના લોકો છે એ સૌએ પણ હજી સમજવાની જરૂર છે કે ન્યુ નૉર્મલનો અર્થ માત્ર રહેવાની રીતભાતનો જ નથી, આ ન્યુ નૉર્મલે અને સાથોસાથ થયેલા પેલા આતંકવાદી અટૅકે ન્યુ ઇન્ડિયાની પણ શરૂઆત કરી દીધી છે અને એટલે જ હવે આપણા વડીલોની જૂની વિચારધારાથી કામ નહીં ચાલે. જૂના વિચારો પણ નહીં ચાલે અને સાથોસાથ જૂની માનસિકતા પણ હવે નહીં ચાલે. ન્યુ ઇન્ડિયા માટે તેમણે પણ પોતાના વિચારો ચેન્જ કરવા પડશે અને નવી સદીના વિચારોનો અમલ કરતાં શીખવું પડશે.

તમને થાય કે આજે અચાનક જ આ વાત શું કામ ચાલુ કરી છે તો કહેવાનું કે આજે સન્ડે છે અને સન્ડેએ બધાને નવરાશ હોય, પણ આ નવરાશને સાવ જ ફાલતુમાં શું કામ વેડફી દેવી. ગઈ કાલે કોઈ ન્યુઝપેપરમાં વાંચ્યું કે ૪થી ૬ મહિનામાં દેશમાં 5G નેટવર્ક આવી જશે. આ જ ન્યુઝની નીચે એક ન્યુઝ હતા, મસૂદ અઝહરના. 5G સુધી પહોંચી ગયા પણ આપણે હજી આ અઝહરને લાવી નથી શક્યા. આ અફસોસની વાત છે અને અફસોસની આ વાતની સાથે અચાનક જ મનમાં વિચાર આવ્યો કે આપણી દેશભક્તિ એ સમયે જાગી જાય જે સમયે આપણા દેશ પર હુમલો થાય, સૈનિકોનો જીવ લેવામાં આવે કે પછી સરહદ પર કોઈ જાતનો અટકચાળો થાય. એવું બને કે તરત જ આપણી અંદરનો દેશભક્ત જાગી જાય પણ મારે પૂછવું છે કે શું એ થવું જરૂરી છે ખરું, શું એવું બનવું જોઈએ કે આપણા સૈનિકોનો ભોગ લેવાય અને પછી જ આપણી રાષ્ટ્રભક્તિ જાગે?



પહેલાં ઉરી અને એ પછી પુલવામાની ઘટના ઘટ્યા પછી દેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાં કોઈને કશું સૂઝતું નહોતું. હાથમાં તિરંગો હતો, આંખો લાલ હતી, સોશ્યલ મીડિયા પર પણ દેશભક્તિ દેખાવા લાગી હતી. એક જ વાત અને એક જ ભાવના. દેશભક્તિ, દેશદાઝ. એ જે ભાવના હતી એ ભાવના વચ્ચે આપણે બધા લોકો જ્ઞાતિઓ ભૂલી ગયા હતા અને આપણે આપણા ભારતીયપણા પર આવી ગયા હતા. હું અહીં તમને જૈન, બ્રાહ્મણ કે લોહાણાની જ વાત નથી કરતો, પ્રાંતવાદ પણ ભુલાઈ ગયો હતો અને મરાઠા, પંજાબી અને ગુજરાતીઓ પણ એક છત નીચે આવી ગયા હતા. બધા એ જ કહેતા હતા કે આપણે એક છીએ, આપણી સૌની એક જ માગણી છે કે આંતકવાદીઓને જવાબ આપો. આપી દીધો જવાબ, અભિનંદને પૂરી હિંમતથી પાકિસ્તાનનો સામનો કર્યો અને પાકિસ્તાને પણ આપણને તેને સુપરત કરવો પડ્યો, પણ પછી, પછી વાત પૂરી થઈ ગઈ.


જો તકલીફ પડે તો એક થઈને ઊભા રહી શકતા હોય તો શું કામ તકલીફ વિના પણ આપણે એક થઈને ઊભા ન રહીએ? શું એક કરવા માટે કાયમ આપણે એવી આશા રાખવાની કે તકલીફ ચાલુ જ રહે. જો તકલીફ સમયે એક થઈને ઊભા રહી શકતા હોય તો શું કામ તકલીફ વિના આપણે એક થઈને ઊભા ન રહીએ? શું એક કરવા માટે કાયમ આપણે એવી આશા રાખવાની કે તકલીફ ચાલુ જ રહે અને એ તકલીફના જોરે આપણે બધા એક થઈને રહીએ? શું આપણે એવી અપેક્ષા રાખ્યા જ કરવાની કે આતંકવાદીઓ હુમલો કરતા રહે અને આપણે બધા એકબીજાના હાથમાં હાથ નાખીએ એકતા દેખાડતા રહીએ?

ના, આવી અપેક્ષા અસ્થાને છે, કારણ કે એમાં ભોગ પણ મારા-તમારા સેનાના ભાઈઓનો જ લેવાઈ જવાનો છે. જો આતંકવાદીઓનો હુમલો સરહદ છોડીને આગળ વધશે તો શહેરમાં આવશે અને જો શહેરમાં આવશે તો આપણે કે પછી આપણાં સગાંવહાલાંઓએ ભોગ બનવું પડશે એટલે આતંકવાદ ન જ રહેવો જોઈએ, પણ જો એ જોઈતો ન હોય તો પણ આપણે એક થઈને રહેવું પડશે. યુથ એક છે એવું કહેવામાં મને જરાય ઓછું નથી લાગતું. ગુજરાતના યુથને પણ હું મળ્યો છું અને અહીં તો ઑબ્વિયશ્લી મળવાનું અમારે નિયમિત થતું હોય છે, પણ તમે માનશો નહીં, એક પણ યુથને ક્યારેય પોતાની કોઈ કાસ્ટ માટે પ્રશ્ન નથી થયો. ગુજરાતના યુથ પાસે એવો પ્રશ્ન નથી કે અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે કે મહારાષ્ટ્રના યંગસ્ટર્સ પણ એવી કોઈ ફરિયાદ નથી કરતા કે અમારી સાથે આમ ખોટું થયું છે. ના, કોઈની પાસે એવી વાત નથી અને કોઈની પાસે કાસ્ટના નામે પ્રશ્નો પણ નથી, મૂંઝવણો પણ નથી.


મૂકી દો આ ધર્મવાદ અને પ્રાંતવાદ અને જ્ઞાતિવાદ. નથી જોઈતો આવો કોઈ કોમવાદ જે આપણને જ અંદરોઅંદર લડાવી મારે અને આપણી એકતામાં ભંગ પડાવે. આપણો હેતુ એક જ હોવો જોઈએ કે મારો દેશ મારો છે અને બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે. વર્ષોથી, કહો કે આપણે આઝાદ થયા ત્યારથી આ વાત આપણને સમજાવવામાં આવે છે. સ્કૂલની બુક્સમાં પેલું પ્રતિજ્ઞાપત્ર આવતું, એમાં સૌથી પહેલા પાના પર જ આ વાત કહેવામાં આવતી, પણ પછી સમય જતાં આપણે સૌથી પહેલું એ જ ભૂલ્યા અને આપણા વર્તુળમાં આવીને આપણી બધી રમતો રમવા માંડ્યા.

હું જૈન છું, પણ એ જૈનિઝમ મારા ઘર અને મારી ફૅમિલી સુધી હોવું જોઈએ. એનાથી બહાર એને મારે લઈ જવાની જરૂર નથી. હું બહાર નીકળું ત્યારે સૌથી પહેલાં તો હું એક ભારતીય છું અને મારી આજુબાજુમાં રહેલી એકેએક વ્યક્તિ ભારતીય છે. જો હું અને મારી જેમ બધા આ માનસિકતા રાખશે તો જ આપણી એકતા અકબંધ રહેશે. ઉરી અને પુલવામા પછી સૌકોઈએ જોયું કે આપણે એક હોઈએ તો કેવું મોટું રિઝલ્ટ લાવી શકીએ છીએ. જ્યારે પણ આપણે આતંકવાદીઓને જવાબ આપ્યો છે ત્યારે એ સેનાની ઇચ્છા કે સરકારની મરજી નહોતી. એ આપણી ઇચ્છા હતી, આપણી માગ હતી અને એટલે જ સરકારે એ પગલાં લીધાં હતાં.

હું અમેરિકાની હિસ્ટરી વાંચતો હતો ત્યારે મેં અબ્રાહમ લિંકનની એક વાત વાંચી હતી. અબ્રાહમ લિંકન માનતા કે જે દેશની પ્રજા સ્ટ્રૉન્ગ હોય એ દેશની સરકારે પ્રજાની ઇચ્છા મુજબ કામ કરવું જ પડે છે. જો તેણે સરકાર ટકાવી રાખવી હોય તો પ્રજાનો વિશ્વાસ અકબંધ રાખવો પડે છે અને પ્રજાનો વિશ્વાસ અકબંધ રાખવો હોય તો તેણે પ્રજાની ઇચ્છાને માન આપવું પડે છે.

આતંકવાદી હુમલા સમયની આપણી એકતા જોઈને જ આપણી ગવર્નમેન્ટ સમજી ગઈ હતી કે એ હિંમત કરે એમાં કશું ખોટું નથી, દેશઆખો તેની સાથે છે. લૉકડાઉન સમયે આપણે એકતા દેખાડીને ઘરમાં રહ્યા ત્યારે પણ સરકારને સમજાઈ ગયું હતું કે તે લૉકડાઉન લંબાવવાની હિંમત કરે, દેશઆખો તેની સાથે છે. હવે જ્યારે વૅક્સિનને કારણે કોરોના-સેસ લાગુ કરવામાં આવે એમ છે ત્યારે પણ દેશ સરકારની સાથે રહે એ જરૂરી છે. એકતાનો આ સમય છે. આપણે એકતા દેખાડીશું તો જ દેશમાં અનેક એવાં સ્ટેપ લેવાશે જેની તાતી જરૂરિયાત છે. અનામત જેવા મુદ્દાઓ પર દેશઆખો નજર રાખીને બેઠો છે. એજ્યુકેશનમાં શું કામ અનામત હોય એ પ્રશ્ન દરેકના મનમાં છે, પણ આ કે પછી આના જેવા બીજા સળગતા પ્રશ્નો ત્યારે જ દૂર થશે જ્યારે તમારામાં એકતા હશે, આપણામાં એક થઈને રહેવાની ભાવના હશે. જો આપણે આપણા ધર્મ અને આપણી જ્ઞાતિને વચ્ચે લઈને બેસીશું તો એ દેશ આગળ વધતો અટકી જશે, દેશની હિંમત તૂટી જશે અને પછી પ્રાંતવાદ શરૂ થઈ જશે.

પ્રાંતવાદમાં માનનારો એક પણ દેશ ક્યારેય આગળ વધ્યો નથી. હું અનેક દેશો ફર્યો છું એટલે કહું છું કે જે દેશમાં નાગરિકતા પ્રાથમિક તબક્કામાં છે એ દેશને આગળ વધતાં પણ કોઈ રોકી શકતું નથી. આપણે અંગ્રેજોથી પણ આગળ જવું હશે તો પહેલાં એ ભૂલવું પડશે કે હું બ્રાહ્મણ છું ને હું લોહાણા છું. એ ઘરની અંદરનો મુદ્દો છે અને મારી પોતાની વાત છે. હું એ કોમ અને એ કોમ સાથે જોડાયેલા નીતિનિયમોનો વિરોધ કરવાનું નથી કહેતો, પણ એને પોતાના સુધી સીમિત રાખવાનું કહું છું. આપણે પ્રચારક બનવાનું છે તો એ ઇન્ડિયાનો, ઇન્ડિયન હોવાની વાતનો જ પ્રચાર કરવાનો છે અને આપણે ઇન્ડિયન હોઈશું તો જ આપણી તાકાત વધશે. જો આપણે ઇન્ડિયન હોઈશું તો જ પાડોશીઓ ડરશે. જો આપણે ઇન્ડિયન હોઈશું તો જ આપણી સરકાર પણ આપણી વાતને ગંભીરતાથી લેશે. બાકી એ પણ અંગ્રેજોની જેમ ‘ડિવાઇડ ઍન્ડ રૂલ’ની નીતિ રાખીને પોતાનું કામ કરી લેશે. આપણે એક થવાનું છે અને એક થઈને આપણે સૌથી પહેલાં તો હવે જંગ દેશમાં રહેલા આ જ્ઞાતિવાદને દૂર કરવા માટે ખેલવાનો છે. આપણે આ કામ કરીશું તો જ આપણી જે ડિમાન્ડ છે, જે જરૂરિયાત છે અને જેને માટે આપણી આગળની પેઢીઓ પણ રાહ જોતી બેસી રહી છે એ કામ કરવાની હિંમત સરકારમાં આવશે પણ એને માટે, એને માટે સૌથી પહેલી જરૂર છે, બી ઇન્ડિયન ફર્સ્ટ ઍન્ડ ફૉરએવર.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 04:14 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK