હાઈ-વૉલ્ટેજ ઇલેક્ટ્રિક બૉક્સનું સ્થળાંતર કરવા જવાબદારોને મજબૂર કર્યા

Published: Sep 28, 2019, 16:09 IST | ધીરજ રાંભિયા - ફાઇટ ફૉર યોર રાઇટ | મુંબઈ

સતત ભીડના સ્થળે ક્યારે પણ ગંભીર જીવલેણ અકસ્માત સર્જવાની શક્યતા ધરાવનાર હાઈ-વૉલ્ટેજ ઇલેક્ટ્રિક બૉક્સનું RTI ઍક્ટિવિસ્ટે સ્થળાંતર કરવા જવાબદારોને મજબૂર કર્યા

RTI
RTI

ફાઇટ ફૉર યોર રાઇટ

ઇન્ડિયન રેલવેના ૨૦૧૫ના સરવે મુજબ રોજ છ લાખથી વધુ મુસાફર થાણે રેલવે સ્ટેશનનો ઉપયોગ કરતા જણાયા હતા. સ્ટેશન તરફ જવાની અનેક પગદંડીઓમાંની એક દાદા પાટીલ વાડી રોડને જોડતી હતી. આ રોડ પર સ્કૂટર /મોટર સાઇકલનાં અનેક પાર્કિંગ સ્ટૅન્ડ હોવાના કારણે પ્રવાસીઓ ત્યાં પાર્કિગ કરી, રેલ બાઝાર વટાવી ટિકિટબારી તરફ પ્રયાણ કરી રેલવે સ્ટેશનનો ઉપયોગ કરે છે. અંદાજે રોજ એકાદ લાખ મુસાફરો આ પગદંડી/કેડીનો ઉપયોગ કરે છે, જેની વચ્ચોવચ હાઈ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક સપ્લાય માટે ડી.પી. બોક્સ હોવાથી અત્યંત નડતરરૂપ હતું. પહેલાં ટ્રાફિક ચોકી હતી અને એની પાછળ ડી.પી. બોક્સ હોવાથી એ સ્વયં અંતરાયરૂપ નહોતું. સપ્ટેમ્બર, ૨૦૧૮માં ટ્રાફિક ચોકી હટાવી લેવામાં આવી પરંતુ ડી.પી. બોક્સ ત્યાં જ રહેવાથી, રાહદારીઓના સંપર્કમાં આવવાની શકયતા વધવા માંડી, જેનાથી ક્યારે પણ જીવલેણ અકસ્માત સર્જવાની શક્યતા સ્પષ્ટ દેખાવા લાગી, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારીઓને પણ આ દેખાતું હોવા છતાં તેના પ્રત્યે અણદેખી કરતા રહ્યા. જવાબદારી ધરાવનારા બેજવાબદાર બન્યા. તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાનના થાણે કેન્દ્રના જ્યેષ્ઠ સેવાભાવી રાહુલ વધાણના ધ્યાનમાં આવતાં, ઇલેક્ટ્રિક ડી.પી. બોક્સનું સ્થળાંતર કરાવવાની મનોમન ગાંઠ વાળી, એમણે આદંરેલી લડત તથા તેના કારણે મળેલી સફળતાની આ પ્રેરણાદાયક કથા છે.
વસ્તુસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં આવતાં રાહુલભાઈએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશના ડિઝાસ્ટર સેલના ટૉલ-ફ્રી નંબર પર ફોન કરી વસ્તુસ્થિતિની ગંભીરતાની વિગતે જાણ કરી, ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવ્યાના બીજા જ દિવસે ફોન આવ્યો કે સંબંધિત વિભાગે સ્થળાંતર કરવાની પરવાનગી નકારી હોવાથી, ડી.પી. બોક્સનું સ્થળાંતર શક્ય નથી. કામ ન કરવાની, કામમાં વિલંબ કરવાની અને કામ ન કરવા માટે બહાનાબાજી દર્શાવવામાં સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સંસ્થાઓના બાબુઓ અજોડ છે.
વાતનો છેડો ન મૂકનારા કર્તવ્યનિષ્ઠ રાહુલભાઈએ તુરંત ૨૦૧૮ની ૧૬ નવેમ્બરએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના ડેપ્યૂટી સિટી એન્જિનિયરને વિગતવાર ફરિયાદ પત્ર લખી, યથાયોગ્ય કરવા વિનંતી કરી...
જાહેર હિતનું કાર્ય, જે કરવાની જવાબદારી જેમની હતી, તેઓએ કાર્ય કરવાની વાત તો દૂર રહી, પણ આવેલી લેખિત ફરિયાદનો જવાબ આપવાની તસ્દી પણ ન લીધી અને જાહેર જનતાના પત્ર પર જવાબ ન આપવાની પરંપરા જાળવી. પંદરેક દિવસનો સમય વ્યતિત થઈ ગયો, યથાયોગ્ય કાર્યવાહી નહીં થવાથી, રાહુલભાઈએ ૨૦૧૮ની ૦૪ ડિસેમ્બરે RTI કાયદા હેઠળની પ્રથમ અરજી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના SPIO (સ્ટેટ પબ્લિક ઇન્ફોર્મેશન ઑફિસર)ને કરી, નીચેની વિગતો પર માહિતી માંગી :
૧) ૨૦૧૮ની ૧૬ નવેમ્બરે મારી ફરિયાદ પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી આપશો તથા મારા પત્રની સાંપ્રત સ્થિતિની જાણ કરશો.
૨) જો મારા પત્ર પર કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી થઈ હોય, તો તે માટે નોંધાયેલા કારણોની વિગતવાર માહિતી આપશો.
૩) આપના વિભાગની નિયમાવલી મુજબ, આ પ્રકારની કાર્યવાહી માટે નિશ્ર્ચિત કરેલી સમયમર્યાદા જણાવશો.
૪) મારા પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનારા અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના કાર્યાલયની લેન્ડલાઇનના ડાયરેક્ટ નંબર તથા સરકારશ્રી દ્વારા અપાયેલો મોબાઇલ નંબર જણાવશો.
૫) નિશ્ચિત કરેલ સમયમર્યાદામાં કાર્યવાહી કરવામાં બેજવાબદાર અધિકારી પર શિસ્તભંગના લેવામાં આવેલાં પગલાં તથા કાર્યવાહીની સંપૂર્ણ માહિતી આપશો.
૬) જો શિસ્તભંગનાં પગલાં ભરવામાં ન આવ્યાં હોય, તો તે માટે નોંધાયેલાં કારણોની માહિતી આપશો.
૭) કસૂરવાર અધિકારી પર શિસ્તભંગનાં પગલાં લેવાની જવાબદારી ધરાવનારા વરીષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના કાર્યાલયની લેન્ડલાઇનના ડાયરેક્ટ નંબર તથા સરકારશ્રી દ્વારા અપાયેલો મોબાઇલ નંબર જણાવશો.
૮) વરીષ્ઠ અધિકારીએ શિસ્તભંગનાં પગલાં લેવામાં બેદરકારી દાખવી હોય તો વિભાગની નિયમાવલી મુજબ તેમના પર કરવા યોગ્ય કાર્યવાહીની વિગતવાર માહિતી આપશો.
૯) ઉપરોક્ત કાર્યવાહી ન કરવાના કારણે જો અકસ્માત થાય, આગ લાગે કે જાનહાનિ થાય તો તે માટે જવાબદાર અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના કાર્યાલયના ડાયરેક્ટ નંબર તથા સરકારશ્રીએ આપેલો મોબાઇલ નંબર જણાવશો.
૧૦) ઉપરોક્ત સ્થિતિના કારણે થનારા ડેટા તથા ટ્રાન્સમીશન લોસ તથા ગુંચવાડો કરીને પડેલા વાયરો-કૅબલોમાં છેડછાડ થવાના કારણે વીજળીની ચોરી થાય કે કોઈ મોટી હોનારત થાય, તો તે માટે જવાબદાર અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્ક નંબરો જણાવશો.
૧૧) આપનો જવાબ અસંતોષકારક કે અધૂરો લાગે તો તેની સામે અપીલ કરી શકાય, એ માટે સંબંધિત FAA (ફર્સ્ટ એપેલેટ ઑથોરીટી)નું નામ, સરનામું તથા હોદ્દાની વિગતો આપશો.
૧૨) ઉપરોક્ત અરજીને અનુરૂપ અન્ય જે કોઈ માહિતી હોય તે અચૂક આપશો.
RTI અરજીનો જવાબ ૩૦ દિવસમાં આપનો કાયદાકીય જોગવાઈનો સમય પસાર થઈ ગયો. નાગરિકોના ફરિયાદ પત્રોની અવહેલના કરનારા બાબુઓ દિન-પ્રતિદિન વધુ ને વધુ જાડી ચામડીના બનતા જાય છે, જે RTI કાયદા હેઠળ સૂચિત થયેલી જોગવાઈને પણ ધોળીને પી ગયા. RTI કાયદા હેઠળ રાહુલભાઈએ બનાવેલી ધારદાર અરજીનો જવાબ ન આપવાની ગુસ્તાખી ચિંતાપ્રેરક છે તથા સરકારી કામકાજમાં વધતી જતી લાપરવાહીની ઘોતક છે.
RTI કાયદા હેઠળ જવાબ આપવાની તથા મેળવવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલી હોવાથી, રાહુલભાઈ, RTI કાયદાએ આપેલા વિકલ્પ નામે પ્રથમ અપીલ કરવાની માનસિક તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક વિચાર ઝબૂક્યો કે એક વખત SPIOને ફોન પર વાત કરવાથી તેની માનસિકતા સમજાશે અને એ મુજબ અપીલની બાંધણી કરવાની કાર્ય સરળતાથી થઈ શકશે.
SPIOને ફોન કરતાં વાતચીત પરથી સમજાયું કે તે બેદરકાર નહોતા. ડી.પી. બોક્સના સ્થળાંતર માટે એકથી વધુ વિભાગો સંકળાયેલા હતા અને તેમની વચ્ચેની તૂ-તૂ, મૈ-મૈના કારણે વિલંબ થયો હતો. ઇલેક્ટ્રિક ડી.પી. બોક્સના સ્થળાંતરની આંતર વિભાગીય કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હતી અને દ્વિધા માત્ર કયા સ્થળે શિફ્ટ કરવું, એની જ હતી. SPIOએ વિનમ્રતાથી જણાવ્યું કે આપને વાંધો ન હોય અને સમય ફાળવી શકાતા હો, તો અમને યોગ્ય લાગેલી ત્રણ જગ્યા આપને બતાવીએ, જે જોઈને આપ અભિપ્રાય આપો, જેના પર આપણે વિચારણા કરી યથાયોગ્ય નિર્ણય લઈએ.
બીજા જ દિવસે SPIO રાહુલભાઈને સ્થળોની મુલાકાતે લઈ ગયા. કાયદાકીય લડાઈ, મિત્રતામાં પરિણમી. SPIO રાહુલભાઈના બહુજન હિતાયની ભાવનાથી અભિભૂત થયા અને રાહુલભાઈ SPIOની TMC (થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વિવિધ વિભાગો વચ્ચે તાલમેલ ગોઠવવાની ગૂંચવણભરી કામગીરીથી પરિચિત થયા. બંને વચ્ચે સમજણનો સેતુ રચાયો, જેના કારણે મુલાકાતના ત્રીજા જ દિવસે નિશ્ચિત કરેલા સ્થળે ઇલક્ટ્રિક ડી.પી. બોક્સના સ્થળાંતરની પ્રક્રિયા એ જ દિવસે સાંજે ૬.૩૦ વાગે પૂર્ણ થઈ.
રાહુલભાઈની જાગરૂકતા તથા કર્તવ્યનિષ્ઠા અને RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી જાહેર જનહિતનું કાર્ય ૪૦ દિવસમાં સંપન્ન થયું, જેના કારણે ફાઇટ ફોર યોર રાઇટની વિભાવનાનો જય જયકાર થયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK