Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ફેરવાઈ હિંસક ઘર્ષણમાં

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ફેરવાઈ હિંસક ઘર્ષણમાં

27 January, 2021 08:15 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ફેરવાઈ હિંસક ઘર્ષણમાં

તસવીર સૌજન્ય: જાગરણ

તસવીર સૌજન્ય: જાગરણ


નવા કૃષિ કાયદાના વિરોધમાં ગણતંત્ર દિવસે ખેડૂતોએ દિલ્હીમાં પરંતુ આ પરેડથી દિલ્હીમાં હોબાળો મચી ગયો હતો. આ ટ્રેક્ટર પરેડ હિંસક ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી. દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડથી વાતાવરણ તંગ થઈ ગયું હતું.

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર આંદોલન દરમિયાન પોલીસની સાથેઆંદોલનકારીઓનું ઘર્ષણ થયું હતું. પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપદ્રવને લઇને પોલીસે છ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સાત ફરિયાદ દાખલ કરી છે. આઠ બસો, 17 ગાડીઓ તોડી, ખેડૂતની ટ્રેક્ટર પરેડ હિંસા બાદ સાત ફરિયાદ નોંધાઇ છે. તો બીજી તરફ હિંસામાં કુલ 86 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. તો લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજની જગ્યાએ નિહંગનો ધ્વજ ફરકાવ્યો હતો.



દિલ્હીના નૉર્થ ડિસ્ટ્રિક્ટના અંદાજિત 45 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. નૉર્થ ડિસ્ટ્રિક્ટના ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર માટે સિવિલ લાઇન હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 18 ઇજાગ્રસ્તપોલીસ કર્મચારીઓને સારવાર માટે લોકનાયક જયપ્રકાશ(LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓમાંથી કેટલાકની હાલત નાજૂક જણાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, LNJP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા 18 પોલીસ કર્મચારીઓમાંથી એકની હાલત ગંભીર છે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે આ મામલે ગુનેગારો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂત નેતાઓએ જે શરતો પર સહમતિ દર્શાવી હતી, તે તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.


કેટલીક જગ્યાઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આંદોલનકારીઓએ આ દરમિયાન પબ્લિક પ્રોપર્ટીને પણ નિશાન બનાવી હતી. પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓએ DTCની આઠ બસોને ખુબ નુકસાન પહોંચાડ્યું હતું. આ બસોમાં ટ્રેક્ટરથી ટક્કર મારવામાં આવી હતી. બસોના કાચ તોડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ પ્રદર્શન દરમિયાન 17 એવા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે સામાન્ય નાગરિકોના હતા. આ સિવાય ચાર કન્ટેનર પણ તોડી દેવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે રોડ પર લગાવવામાં આવેલા લોખંડના અંદાજિત 30 બેરિકેડ્સને પણ તોડી દેવામાં આવ્યા હતા.

દિલ્હીમાં હોબાળા અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે ઈસ્ટર્ન રેન્જ પોલીસ દ્વારા ચાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાંડવ નગર પોલીસ સ્ટેશનમાં એક, ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં બે અને એક ફરિયાદ ઉત્તમનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. સેન્ટ્રલ અને નોર્થ દિલ્હી જે એરિયામાં લાલ કિલ્લો છે, ત્યાં પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખેડૂતો બેરિકેડ્સ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે નિશાન સાહિબનો ઝંડો લહેરાવ્યો હતો. ખેડૂતોને લાલ કિલ્લામાંથી બહાર કાઢવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ત્યારપછી ખેડૂતોએ ઉપદ્રવ અને તોડફોડ શરૂ કરી દીધી હતી. તણાવ વધતા દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી વધારે અફવા ન ફેલાય.


ઉલ્લેખનીય છે કે, ખેડૂતો દ્વારા યોજવામાં આવેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન કેટલીક જગ્યાઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. દિલ્હી પોલીસે કેટલીક મહત્વની શરતો સાથે ખેડૂતોને ટ્રેક્ટર પરેડ યોજવાની મંજૂરી આપી હતી, પરંતુ મંગળવાર સવારે જ્યારે ખેડૂત ટ્રેક્ટર સાથે દિલ્હીની બોર્ડર પહોંચ્યા તો તમામ નિયમો તૂટતા નજરે આવ્યા હતા. બેરિકેડિંગ તોડતા પ્રદર્શનકારીઓએ ભારે ઉત્પાત મચાવ્યો હતો.

આ મામલે ગૃહ મંત્રાલયે સંજ્ઞાન લેતા દિલ્હીમાં જ્યાં હોબાળો થયો, ત્યાં વધુ સુરક્ષાબળોને તૈનાતીના આદેશ આપવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં કાયદો વ્યવસ્થા કાયમ રાખવી પ્રાથમિકતા છે. તેમજ સ્થિતિને જોતા દિલ્હી અને બોર્ડર એરિયા પર CRPFની 10 કંપનીઓએ તહેનાતી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2021 08:15 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK