પ્લીઝ ડોન્ટ મૅરી... આઇ લવ યુ અ લૉટ... આઇ કાન્ટ લિવ વિધાઉટ યુ

Published: 7th August, 2012 05:12 IST

દહિસરમાં રહેતા ગુજરાતી યુવાને પ્રેમિકાનાં અન્ય યુવક સાથે લગ્ન નક્કી થવાથી તેને આવો મેસેજ મોકલીને પછી કરી આત્મહત્યા

દહિસર (ઈસ્ટ)ના આનંદનગરમાં આવેલા સીએસ કૉમ્પ્લેક્સમાં રહેતા ૨૮ વર્ષના ગુજરાતી યુવાન ચિંતન મુકેશ પટેલે તેની ગર્લફ્રેન્ડનાં લગ્ન કોઈ અન્ય યુવક સાથે નક્કી થયાં હોવાને કારણે ગઈ કાલે બપોરે અઢી વાગ્યે બેડરૂમમાં જઈ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલાં તેણે તેની ગર્લફ્રેન્ડ રાની (નામ બદલ્યું છે)ને મેસેજ કર્યો હતો. એમાં લખ્યું હતું કે ‘પ્લીઝ ડોન્ટ મૅરી... આઇ લવ યુ અ લૉટ... આઇ કાન્ટ લિવ વિધાઉટ યુ...’ આ મેસેજ રાનીને મોકલ્યા બાદ તેણે આત્મહત્યા કરી હતી. દહિસર-પોલીસ ચિંતનનો મોબાઇલ જપ્ત કરી ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે.

દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અન્સાર પીરજાદેએ સુસાઇડના આ બનાવ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચિંતન પવઈમાં એક સૉફ્ટવેર કંપનીમાં કમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતો હતો. ગઈ કાલે તેણે ઑફિસમાંથી રજા લીધી હતી. બપોરે બે વાગ્યે તેણે ભાઈ-ભાભી અને તેમના ચાર વર્ષના પુત્ર સાથે જમીને તેમની સાથે વાતો પણ કરી હતી. જોકે બપોરે અઢી વાગ્યે તેણે પોતાના બેડરૂમમાં જઈ દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ઘરના સભ્યોએ સાંજે દરવાજો ઠોકતાં ચિંતને અંદરથી કોઈ જવાબ નહોતો આપ્યો એટલે દરવાજો તોડતાં ચિંતન મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેના મોબાઇલના સેન્ટ બૉક્સમાંથી તેણે તેની ગર્લફ્રેન્ડને મોકલેલો છેલ્લો મેસેજ મળી આવ્યો હતો.’

ચિંતનની ભાભીએ પોલીસને કહ્યું હતું કે ‘ચિંતન છેલ્લા એક મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હતો. ઘણી વાર તો તે ઑફિસ પણ જતો નહોતો. હાલમાં તેની તબિયત પણ બગડી હતી. કદાચ તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું લીધું હોઈ શકે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK