આપણી ગાડીઓ હજી ખાડાઓમાં જ ચાલે છે ત્યારે રેસિંગ કારો માટે વર્લ્ડ-ક્લાસ રસ્તો

Published: 10th October, 2011 20:33 IST

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)એ બનાવેલા મોટા ભાગના રોડ અને ફ્લાયઓવર પરના ખાડા હજી રિપેર નથી થયા અને સંસ્થાની નાણાકીય હાલત પણ નબળી થઈ ગઈ છે ત્યારે હવે એને પનવેલમાં F1 (ફૉમ્યુર્લા-વન) રેસ-ટ્રૅક અને પરવડી શકે એવાં ઘરો બનાવવાના પ્રોજેક્ટમાં હાથ અજમાવવાની ઇચ્છા થઈ છે.

 

 

બાંદરા-વરલી સી-લિન્ક પર યોજાયેલી કારરેસને મળેલા બહોળા પ્રતિસાદ બાદ એમએસઆરડીસીને આવ્યો છે આવો વિચાર

રણજિત જાધવ

મુંબઈ, તા. ૧૦

સપ્ટેમ્બર મહિનાના અંતમાં એણે રસ ધરાવતા બિડરો પાસે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં F1 રેસ-ટ્રૅક બનાવવા માટે ટેન્ડર મગાવ્યાં હતાં અને અને એ બનાવવા માટે જરૂરી જમીન ૩૦૦-૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં શોધવાની જવાબદારી પણ બિડરના માથે જ નાખવામાં આવી છે. એક વાર આ કામ માટે જમીન નક્કી થઈ જાય પછી એમએસઆરડીસી દાવેદાર સાથે મળીને બીઓટી (બિલ્ટ, ઑપરેટ, ટ્રાન્સફર)ના આધારે F1 રેસ-ટ્રૅકનું બાંધકામ શરૂ કરી દેશે. એક વાર બીઓટી ઑપરેટરની પસંદગી થઈ જાય પછી સમસ્યા ઊભી ન થાય એ માટે એના અને એમએસઆરડીસી વચ્ચે ખાસ કરાર પણ  કરવામાં આવશે. આ કામ માટે એમએસઆરડીસીએ મેસર્સ કૅપિટા સાયમન્ડ્સ લિમિટેડ (બ્રિટન અને ભારત), પૉપ્યુલસ લિમિટેડ (બ્રિટન) અને દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમૉડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ લિમિટેડની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક પણ કરી દીધી છે.

આ મુદ્દે વાત કરતાં એમએસઆરડીસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘બાંદરા-વરલી સી-લિન્ક ખાતે યોજાયેલી કાર-રેસને મળેલા બહોળા પ્રતિભાવ પછી અમને F1 રેસ-ટ્રૅક બનાવવાનો વિચાર આવ્યો હતો. એ કાર-રેસમાં ઘણા ઇન્ટરનૅશનલ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જો F1 રેસ-ટ્રૅક વિકસાવવામાં આવે તો નિયમિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી સ્પર્ધાઓનું આયોજન કરીને મુંબઈને વિદેશીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનાવી શકાય. આના કારણે મુંબઈની વૈશ્વિક ઇમેજમાં પણ સુધારો થશે.’

રાજ્યમાં રોડ અને હાઇવેના બાંધકામ માટે જવાબદાર એમએસઆરડીસીએ પરવડી શકે એવાં મકાનના કામમાં ઝુકાવવાનું પણ નક્કી કર્યું છે અને લોધીવલી ગામ, તાલુકા પનવેલ, જિલ્લા રાયગડ ખાતે ‘કૉમ્પ્રિહેન્સિવ માસ્ટર પ્લાનિંગ, ડેવલપિંગ, ડિઝાઇનિંગ ઍન્ડ કન્સ્ટ્રક્ટિંગ રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ અન્ડર પબ્લિક હાઉસિંગ સ્કીમ’ પ્રોજેક્ટને ન્યાય આપવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરી દીધી છે.

જોકે કેટલાક અધિકારીઓને લાગે છે કે એમએસઆરડીસીએ F1 રેસ-ટ્રૅક અને પરવડી શકે એવાં ઘરો બનાવવાના પ્રોજેક્ટમાં હાથ અજમાવવાને બદલે શહેરના રોડની હાલતને સરખી કરવા તરફ ધ્યાન આપવું જોઈએ અને સાથે-સાથે લાંબા સમયથી ચર્ચાતા વરલી-હાજી અલી સી-લિન્ક અને મુંબઈના પશ્ચિમ કિનારા પર જળપરિવહન જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK