જેવો રાજા એવી પ્રજા : ચાલો ત્યારે સુધરી જઈએ

Published: May 30, 2019, 10:19 IST | અપરા મહેતા - ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

નવો દેશ, નવનિર્મિત ભારતની દિશામાં આગળ વધવાની તૈયારીઓ બીજું કોઈ કરે કે નહીં આપણે એ તૈયારી કરવાની છે અને આગળ વધવાનું પણ છે.

જીતનું જશ્ન
જીતનું જશ્ન

ઇમોશન્સનું ઇકોનોમિક્સ

હું કોઈ રાઇટર નથી એટલે મારી પાસે મારો આર્ટિકલ લખવા માટે વૈવિધ્યસભર વિષયો ન હોય એવું અનેક વખત બને છે, પણ શું લખવું એના કરતાં પણ મેં મારી જાતને એ બાબત માટે ટ્રેઇન કરીને રાખી છે કે શું ન લખવું. શું કામ ન લખવું એના જવાબો પણ મારી પાસે સ્પષ્ટેતા સાથેના હોય છે. જે બે વિષય પર હું લખવાનું હંમેશાં ટાળું છું એ બે વિષય છે ધર્મ અને રાજનીતિ. આ બે વિષય એવા છે જેમાં કોઈ કોઈના વિચારો ક્યારેય બદલી નથી શકતું અને એમાં કશું ખોટું પણ નથી. દરેક વ્યક્તિને પોતાના વિચારો પકડી રાખવાનો, એને પકડીને આગળ ચાલવાનો પૂરતો હક છે. આ વાતને સમજીને જ મેં હંમેશાં ધર્મ અને રાજનીતિને સહજ રીતે છોડી દીધાં છે. સ્વીકારી લીધું છે કે આ વિષયો પર લખવું જ નહીં. જોકે આટલી સ્પષ્ટોતા પછી પણ આ વખતના ઇલેક્શન, વોટિંગ અને રિઝલ્ટ પછી મને રાજનીતિ વિશે વાત કરવાનું મન થાય છે. અઢાર વર્ષની ઉંમર પછી મેં બધા જ ઇલેક્શનમાં, તમામ પ્રકારના ઇલેક્શનમાં વોટિંગ કર્યું છે અને એ તમામ ઇલેક્શન, એનો ટ્રેન્ડ, રિઝલ્ટને બધાંને ફૉલો પણ કર્યાં છે. જોકે એ પછી પણ આ વખતનું એટલે ૨૦૧૯નું ઇલેક્શન અગાઉ ક્યારેય નથી જોયું. સાચે જ. આ ઇલેક્શનના કૅમ્પેન દરમ્યાન વપરાયેલી ભાષા-આક્ષેપો અને જાતિવાદ અને પછી ભૂંડી કહેવાય એવી ગાળોનો પણ પ્રયોગ થયો. આવું તો ક્યારેય જોયું કે સાંભળ્યું નહોતું. કેટલી નફરત, કેવી નફરત.

કોઈ જાતની આમન્યા કે મર્યાદા નહીં. નાનાં કે મોટાં પદની પ્રતિષ્ઠાને માન આપીને રાખવામાં આવતી આમન્યા પણ નહીં. સત્તાનો આવો અને આટલો મોહ કેવી રીતે હોઈ શકે? સૌથી ખરાબ પરિસ્થિતિ વેસ્ટ બૅન્ગાલમાં થઈ. મમતા બૅનરજીએ માનસિક સંતુલન ગુમાવી દીધું હોય એવું લાગ્યું. નેતાઓનું દેશ પ્રત્યે દાયિત્વ હોય છે, દેશને રિપ્રેઝન્ટ કરી સાચી દિશામાં લોકોને લીડ કરવાનું કામ આ નેતાઓનું હોય છે. એ લોકો જનતાના, પ્રજાના અને કાર્યકર્તાઓના રોલ-મૉડલ્સ હોય છે. દર પાંચ વર્ષે એક નવા યંગ અને ફર્સ્ટ-ટાઇમ વોટરને સાચી જવાબદારી અને યોગ્ય દિશા આપવાનું કામ પણ આ નેતા કરતા હોય છે, પણ એ બધું પડતું મૂકીને આ વખતે તો દરેક જાતની માઝા મુકાઈ ગઈ. હું કહીશ કે ભારતની પ્રજા પણ હવે ખૂબ જાગૃત થઈ ગઈ છે. ધર્મના કે જાતિવાદના આધારે હવે કોઈ વોટ આપવા જતું નથી, પણ પૉલિટિશ્યન આ ભેદભાવ ભૂલવા દેવા માગતા નથી અને સૉરી ટુ સે બટ ન્યુઝ-ચૅનલો પણ આ વાત ભૂલવા દેવા માગતી હોય એવું લાગતું નથી.

આ વખતનું ઇલેક્શન નરેન્દ્ર મોદી વર્સસ ઑલનું હતું. બહુબધી ગાળો નરેન્દ્ર મોદીને આપવામાં આવી. દર વખતે કરવામાં આવે છે એ પર્સનલ અટૅક આ વખતે પણ થયા, પણ વધારે ખરાબ રીતે તીવ્રતા સાથે થયા. હું તો કહીશ કે આ આક્ષેપબાજીમાં આ વખતે વડા પ્રધાનપદની ગરિમા પણ જાળવવામાં નથી આવી. આર્મી પણ અડફેટે ચડી અને એને પણ એકલદોકલ રાજકીય પક્ષો સાથે જોડી દેવામાં આવી. આર્મીને ક્યારેય કોઈએ પ્રશ્નો પૂછ્યા હોય એવું મેં અગાઉ નથી જોયું. આપણે ત્યાં જ નહીં, વિદેશમાં પણ આર્મીને આ બાબતમાં બાકાત રાખવામાં આવે છે. પણ ના, આપણે એ મર્યાદા પણ છોડી દીધી અને આર્મીને શંકાના કઠેરામાં ઊભી રાખી એને પણ પ્રશ્નો પૂછવાનું અને પુરાવા આપવાનું કહેવામાં આવ્યું. આવી ઘટના બને ત્યારે એવું લાગે કે જાણે પાકિસ્તાન સાચું અને આપણે ખોટા, આપણો ઇતિહાસ જુઓ તો ખબર પડે કે આપણે ક્યારેય કોઈ દેશ પર સામેથી ચડાઈ નથી કરી. આઝાદીનાં ૭૨ વર્ષોમાં આટલાં યુદ્ધ થયાં, પણ આપણે ક્યારેય એ યુદ્ધની પહેલ નથી કરી. પણ એનો અર્થ એવો પણ નથી થતો કે આપણે આપણા સ્વબચાવ માટે પણ કંઈ ન કરીએ. વિશ્વનો કોઈ દેશ આ પ્રશ્ન પૂછતો નથી, દુનિયાનો કોઈ દેશ આ બાબતમાં શંકા કરતો નથી. પણ આપણા દેશના વિપક્ષોના જ મનમાં લઘુ શંકા જન્મે છે. હું તો કહીશ કે પહેલી ઍર-સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના હુમલા પછી જ ૨૦૦૮માં થવી જોઈતી હતી. એ વખતે સ્વબચાવ માટે કંઈ ન કરવાથી આપણે માયકાંગલા પ્રસ્થાપિત થયા હતા; પણ આ સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર-સ્ટ્રાઇક પછી હિન્દુસ્તાન સામે તો શું, હિન્દુસ્તાનના નકશા પર જોવાનું કામ હવે એ દુશ્મનોથી થઈ શકે એમ નથી.

છેલ્લા ત્રણેક દશકથી આપણા દેશના યુવાનોમાં રાષ્ટ્રભાવના જોવા નહોતી મળતી. ક્યાંથી જોવા મળે, શાસક જ તમારો રાષ્ટ્રભાવનાના અભાવથી ભરેલો હતો. રાષ્ટ્રભાવના તેનામાં જ આવે જેના શાસકમાં રાષ્ટ્રપ્રેમ હોય. આ ત્રણ દશકમાં આપણા દેશમાં એટલાં સ્કેમ્સ અને ગોટાળાઓ થયા કે દેશની પ્રજાને એમ લાગવા માંડ્યું કે આખો દેશ કરપ્ટ અને ચીટર છે. અરે, એવો સમય આવી ગયો હતો કે આખો દેશ એવું માનવા માંડ્યો હતો કે કરપ્શન તો આપણા સૌનો જન્મસિદ્ધ અધિકાર છે. ખોટાં કામની મોટી રકમ અને સાચાં કામને આગળ વધારવાનું મહેનતાણું, આ જ સિદ્ધાંત બની ગયો હતો. બસો-પાંચસોથી લઈને કરોડોનાં વહીવટ ટેબલ નીચે થતાં. યાદ રાખજો, જેમ માબાપ બાળક પર ધ્યાન ન આપે તો બાળક બગડી જાય એમ જ જો ગવર્નમેન્ટ ખોટાં કામ કરે તો દેશ આખો સડી જાય. આપણા દેશ સાથે એ જ થવા માંડ્યું હતું. માબાપ બાળકોનાં રોલ-મૉડલ્સ હોય છે એવી રીતે ઇલેક્ટ થયેલી ગવર્નમેન્ટ દેશની રોલ-મૉડલ છે. જેવા રાજા તેવી પ્રજા, બધા જ લેવલની ચોખ્ખાઈ કે સ્વચ્છતા જો ગવર્નમેન્ટ રાખે તો દેશની પ્રજા પણ રાખે અને જો ગવર્નમેન્ટને કંઈ પડી ન હોય તો સ્વાભાવિક છે કે એની પ્રજાને પણ દરકાર ન હોય.

હું કહીશ કે આટલા વૈવિધ્યથી ભરેલા અને આટલું વિશાળ પૉપ્યુલેશન ધરાવતાં દેશને સાચવવો એ કંઈ ખાવાનો ખેલ નથી જ નથી. આ મહાન દેશની ગાદી પર બેસવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. કોઈ પણ ગવર્મેન્ટ આટલા મોટા પૉપ્યુલેશનને સંતોષ ન જ આપી શકે. શક્ય જ નથી કે એક સરકારથી કરોડો લોકો ખુશ રહે પણ એની માટેના પ્રયાસો થવા જોઈએ એ જરા પણ ખોટું નથી. જે ડેમોક્રેસીએ આપણને વોટ કરવાની આઝાદી આપી છે એ જ ડેમોક્રેસીમાં વોટની સાથે આવતી જવાબદારી નિભાવવાની સભાનતા પણ આપી છે, જે સૌકોઈએ જાળવવાની હોય છે. ગવર્નમેન્ટ જો દેશમાં ડિસિપ્લિન લાવવાની કોશિશ કરે તો એમાં પૂરેપૂરો સાથે આપવો એ આપણી જ ફરજ છે, જવાબદારીનો એક ભાગ છે. ડિસિપ્લિન્ડ થવામાં કદાચ થોડી તકલીફ પડે પણ એ તકલીફ સારા માટે છે એમ સમજીને એને આધીન થવું જોઈએ. યાદ રાખજો, આ દેશ આપણે આપણી આવનારી પેઢીને આપવાનો છે. નવો દેશ, નવનિર્મિત ભારતની દિશામાં આગળ વધવાની તૈયારીઓ બીજું કોઈ કરે કે નહીં આપણે એ તૈયારી કરવાની છે અને આગળ વધવાનું પણ છે. એક ગીત છેને,

તું એકલો જાને રે...

આ પણ વાંચો : કૉલમ : સંવાદિતા જ છે સોલ્યુશન

આ ગીતના શબ્દો મને અત્યારે યાદ નથી આવતા, પણ જ્યારે પણ દેશની વાત આવે ત્યારે મારા મનમાં પહેલાં આ જ શબ્દો આવે છે. તમે એક તો જાગૃત થઈ જાઓ, તમારી જાગૃતિ જોઈને બીજામાં પણ સુધારાઓ આવશે અને બીજો પછી ત્રીજો પણ તમારી સાથે જોડાશે. આજે મુંબઈનો યંગસ્ટર જાગી ગયો છે. એ રસ્તા પર કચરો કરવા દેતો નથી. મમ્મી પણ જો ભૂલથી આઇસક્રીમની કૅન્ડીની સ્ટિક ફેંકે તો એ મમ્મી સાથે પણ ઝઘડી લે છે. આ જે ઝઘડો છે એ ઝઘડામાં રાષ્ટ્રી યતા ઝળકે છે અને આ જ રાષ્ટ્રી યતાને આપણે બધા જ સ્તર પર અકબંધ રાખવાની છે.

આજે બસ આટલું જ, વધુ આવતા ગુરુવારે.

જય હિન્દ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK