કૉલમ : સંવાદિતા જ છે સોલ્યુશન

Published: 23rd May, 2019 09:59 IST | અપરા મહેતા - ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

માબાપ સાથે મતભેદ હોય એ સમજી શકાય, પણ આ મતભેદને દૂર કરવાનો સૌથી અકસીર ઇલાજ જો કોઈ હોય તો એ છે ડાયલૉગ્સ. જો તમે વાતચીત બંધ કરી દેશો તો ક્યારેય સંબંધોમાં આવેલા આ મતભેદને દૂર નહીં કરી શકો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

૧૨ મે, ૨૦૧૯.

મધર્સ ડે. આ વાતને આમ જોઈએ તો અગિયાર દિવસ થઈ ગયા. આ અગિયાર દિવસમાં મા ફરી એક વાર વિસરાઈ ગઈ, પણ એ દિવસે કે પછી એ દિવસની આગલી રાતે કેવું વાતાવરણ હતું? મા વિશેના કેટલા બધા મેસેજિસ વૉટ્સઅૅપ પર આવવા લાગ્યા હતા, જાણે કે મોટો ધોધ છૂટ્યો લાગણીઓનો. હું કહીશ કે આ છેલ્લાં પંદર-વીસ વર્ષથી રૂટીન બની ગયું છે. વૅલેન્ટાઇન્સ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેન્ડ‌શિપ ડે અને કોણ જાણે બીજા કેવા-કેવા દિવસ પણ આપણે આ વેસ્ટર્ન કલ્ચરને જોરશોરથી ઊજવતા થઈ ગયા છીએ. આ ઉજવણી દરમ્યાન આપણે એ ભૂલી ગયા કે આપણા હિન્દુસ્તાનમાં, આપણી સંસ્કૃતિમાં તો દરેક દિવસને મધર્સ ડે અને ફાધર્સ ડે જ ગણવામાં આવ્યો છે. એક દિવસ માબાપના નામે ઊજવી લીધો એનો અર્થ એવો નથી કે તમે આખી જિંદગીનું, આખા વર્ષનું ઋણ ઉતારી લીધું. માબાપનો પ્રેમ એવો નથી કે એને તમે એક દિવસમાં એ બાંધીને ઊજવી શકો કે પછી દેખાડી શકો. આપણે હિન્દુસ્તાનીઓના ઘરમાં તો માબાપ જિંદગીભર આપણી સાથે જ હોય છે. આમ તો આ વાક્ય જ ખોટું કહેવાય. આપણે એમ કહેવું જોઈએ કે આપણે જિંદગીભર તેમની સાથે રહીએ છીએ એટલે આપણે ક્યાંય આવા દેખાડામાં પડવાની જરૂર હોય એવું મને લાગતું નથી. પશ્ચિમના દેશોની વાત જુદી છે. ત્યાં લોકો આ પ્રકારના દિવસોની ઉજવણી કરે છે, કારણ કે એ પેરન્ટ્સ તેમનાં બાળકોને ૧૮ વર્ષનાં થતાં જ પોતાની રીતે અલગ રહેવા મોકલી દેતા હોય છે. એ ન મોકલે તો બાળકો જુદાં થઈ જાય પણ સાથે તો નથી જ રહેતાં. અહીં પણ મારે એક નાનકડી સ્પષ્ટતા કરવી છે. આપણા દેશની સંસ્કૃતિ અને આપણા દેશના સંસ્કાર જ એવા છે કે ગમેતેવા સંજોગો ઊભા થાય તો પણ માબાપ અને સંતાનો સાથે જ રહેતાં હોય. હું કહીશ કે આપણે અૅટલી‌સ્ટ એવા મોડર્ન ન થઈએ કે

જેમાં આપણા આ સંસ્કાર અને આપણી આ સંસ્કૃતિ ભુલાય.

શંકર-પાર્વતી અને તેમના બન્ને પુત્રોની પ્રદક્ષિણાની વાર્તા તમે સાંભળી જ હશે અને એ પણ તમને ખબર હશે કે કહ્યાગરા કાર્તિકે તરત જ ઘરની બહાર નીકળીને પ્રદક્ષિણા ચાલુ કરી દીધી હતી, પણ ગણપતિએ પોતાનાં માતાપિતા ફરતે પ્રદક્ષિણા શરૂ કરીને પુરવાર કર્યું કે માબાપ જ વિશ્વ હોય છે. આ જ દેશમાં એ પણ સાંભળ્યું છે આપણે કે કાવડમાં માબાપને લઈને શ્રવણ રવાના થયો અને તેણે માબાપને જાત્રા કરાવી. આ જ દેશમાં આપણે શેઠ જગડુશાની વાર્તા પણ સાંભળી છે કે સાધુનું પેટ ભરવા તેમણે દીકરાનો જીવ લીધો અને દીકરાએ ઊંહકારો પણ કર્યો નહીં. હું કહીશ કે આપણે શોખ ખાતર મધર્સ ડે અને ફાધર્સ ડે મનાવીઅે તો ચાલો સમજી શકાય, પણ એ વાતની સાથોસાથ આપણને એ પણ સમજાવું જોઈએ કે પાછલી ઉંમરે માબાપને સાચવવાની જવાબદારી એ ચારધામની યાત્રા કરતાં પણ વધારે પુણ્ય આપનારું કામ છે.

માન્યું કે દરેક વ્યક્તિનો સ્વભાવ જુદો હોય અને એ સતત બદલતો રહેતો હોય છે. મોટા થાય પછી સ્વભાવ બદલાય અને ક્યારેક મતભેદ પણ ઊભા થાય. આ બન્ને વાતો એવી છે કે એમાં ખોટું, ખરાબ કે છુપાવવા જેવું કશું નથી. આ એક વાસ્તવિકતા છે, પણ એક વાસ્તવિકતા એ પણ છે કે આ મતભેદમાંથી જ રસ્તો કાઢીને જીવનને વધારે સરળ અને સહ્ય બનાવવું. ક્યારેક માબાપ અને સંતાનોને એકબીજા સાથે ન પણ ફાવે, પણ એમાં કોઈ મોટી વાત અને ‌ત્રીજા કે ચોથા વિશ્વયુદ્ધ જેવી ઘટના પણ નથી ઘટી જતી. એકબીજા સાથે બેસીને કન્વિન્સ અને કૉમ્પ્રોમાઇઝ કરવું જોઈએ. હું અહીં એક વાત કહીશ કે કંઈ પણ બની જાય, કમ્યુનિકેશન અકબંધ રાખવું. સંવાદિતા હંમેશાં સંબંધોને જીવંત રાખવાનું કામ કરે છે અને સંવાદિતા થકી જ સંબંધો જીવંત રહે છે. જ્યારે તેમના વિચારો સાથે તમને અનુકૂળતા ન આવે કે પછી તેમના વિચારો તમને જુનવાણી લાગે ત્યારે વિચારજો કે નાનપણમાં તમે ઘણાં રમકડાં જીદ કરીને, પગ પછાડીને, આંસુ પાડીને કે પછી રસ્તા પર આળોટીને મેળવ્યાં હશે અને એ દરેક વખતે તેમણે તમને મનાવવાનું, તમને સમજાવવાનું, ત્રેવડ ન હોય તો પણ એ રમકડું અપાવવાનું કામ કર્યું હશે. એ સમયે તેમણે તમને રસ્તા પર મૂકી નહોતા દીધા. એ સમયે તેમણે તમને એમ જ હાથ છોડીને તરછોડી નહોતા દીધા.

તમને ભાવતી, ગમતી દરેક વાત, વસ્તુ અને વ્યવહાર તેમણે સ્વીકારી લીધાં એ તેમની મજબૂરી નહોતી; તેમની ભલમનસાઈ હતી, તેમની સારપ હતી.

હું મારા પેરન્ટ્સની ઓન્લી ચાઇલ્ડ છું. મારા પપ્પાના અવસાન પછી છેલ્લાં ૨૩ વર્ષથી મારાં મમ્મી મારી સાથે જ રહે છે. હું, મારાં મમ્મી અને મારી દીકરી. આમ અમે ત્રણ સાથે રહીએ છીએ અને અમે ત્રણે જણ સ્ટ્રૉન્ગ ઓપિનિએટેડ વિમેન છીએ. એકબીજા સાથે ડિફરન્સ ઑફ ઓપિનિયન થયા વગર રહે જ નહીં. પણ અમે નક્કી રાખ્યું છે કે કોઈ પણ વાત આર્ગ્યુમેન્ટ સુધી પહોંચે કે તરત જ પોતપોતાની રૂમમાં ચાલ્યા જવું જેથી ઘર્ષણ ન થાય. પણ હવે મારે બીજી વાત પણ કરવી છે. આ જ મારાં મમ્મી મારી ભાવતી એકેએક વસ્તુ બનાવીને મને સતત સરપ્રાઇઝ આપતાં રહે છે. જેમ મારા પેરન્ટ્સે મને કોઈ વસ્તુની તકલીફ પડવા દીધી નથી એમ જ હું પણ મારાં મમ્મીને કોઈ વાતની તકલીફ ન પડે એનું સતત ધ્યાન રાખું છું. મારી લાઇફની એક મજાની વાત કહું તમને. મારાં મધર-ઇન-લો જ્યાં સુધી હયાત હતાં ત્યાં સુધી અમારા રિલેશન બેસ્ટ ફ્રેન્ડ જેવા જ હતા. સાચું કહું તો મારાં સાસુ કરતાં પણ મારાં મમ્મી વધારે સ્ટ્રિુક્ટ છે, અમારા વચ્ચે હંમેશાં મતભેદ રહ્યા કરે છે અને એમ છતાં ૨૩ વર્ષથી અમે એકબીજા સાથે રહીએ છીએ.

માબાપ અને બાળકનો એક જ સંબંધ છે જે અનકન્ડિશનલ લવનો છે. માબાપ કોઈ જાતની શરત વિના બાળકને સાચવે છે, મોટું કરે છે. જો માબાપ બાળકને મોટું કરવાની જવાબદારી ઉપાડી શકે તો એ જ માબાપ જ્યારે મોટી ઉંમરનાં થાય ત્યારે તમને એકલાં કેમ મૂકી દઈ શકાય?

હું કહીશ કે મધર્સ ડેની બાબતમાં જરા પણ ગંભીર નહીં રહો તો ચાલશે, ચાલશે જો તમે એ દિવસ ભૂલી ગયા હો તો. પણ માબાપની લાગણી, તેમનો પ્રેમ અને તેમણે તમારા માટે કરેલા એકેક કામને જીવનભર યાદ રાખજો. હું એવું કહેવા નથી માગતી કે માબાપનો સ્વભાવ ખરાબ નથી હોતો; પણ એ ખરાબ સ્વભાવ સામે ક્યાંય તમારી સારપ ભુલાવી ન જોઈએ, એ સારપ જે આ જ માબાપ પાસેથી આપણને મળી છે. મધર્સ ડે અને ફાધર્સ ડે કાયમી છે અને કાયમી જ રહેવા જોઈએ. જો એ કાયમી રહેશે તો જ ભવિષ્યમાં તમને તમારાં સંતાનો પણ એવું અને એટલું જ માન આપશે જેટલું તમે તમારાં માબાપને આપ્યું હશે. જો તમે તેમને હડધૂત કરશો તો ચોક્કસપણે તમારાં બાળકો પણ એ જ કામ કરશે અને જો તમે માબાપની એકેએક વાતને માનતાં હશો, સમજતાં હશો અને તેમની એકેએક વાતને પાળતાં હશો તો તમારે એ પણ સમજવું પડશે કે બાળકો પણ એ જ રસ્તે ચાલશે તમે જે રસ્તે ચાલ્યા હશો.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : નવી ટૅલન્ટ અને અનુભવીઓનો સંગ રંગ લાવશે

આજની આ વાત પૂરી કરતાં પહેલાં મને એક ગીતની પંક્તિમ યાદ આવે છે જે મારે તમને અત્યારે અહીં કહેવી છે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે એથી મીઠી તે મોરી માત રે...
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK