Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કલ સે મૈં પંદ્રહ દિન નહીં આઉંગી

કલ સે મૈં પંદ્રહ દિન નહીં આઉંગી

26 September, 2019 02:55 PM IST | મુંબઈ
ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

કલ સે મૈં પંદ્રહ દિન નહીં આઉંગી

કામવાળી

કામવાળી


આજે આપણે જે વાત કરવાના છીએ એ મારો એકનો પ્રશ્ન નથી, પણ એ દુનિયાની બધી મહિલાઓને પજવતો પ્રશ્ન છે અને જગતની બધી મહિલાઓ મારી વાત સાથે સહમત પણ થશે. પછી એ વર્કિંગ વુમન હોય તો સહમત થશે અને હોમ-મેકર હોય તો પણ. સહમત થવાની જ વાત નથી, પણ સહમત થવાની સાથોસાથ આ બધી મહિલાઓને પોતાને થયેલા અનુભવો પણ યાદ આવશે. હું એ વ્યક્તિની કરું છું જેના વગર આપણે ઑલમોસ્ટ ગાંડા થઈ જઈએ છીએ. કદાચ ફૅમિલી મેમ્બર કરતાં પણ વધારે અગત્યની વ્યક્તિ છે એ.

હા, વાત છે આપણી બાઈની જે આપણા ઘરનાં કામ માટે આવે છે અને પછી ધીમે-ધીમે આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે.



સવાર પડતાં તેનાં દર્શન થાય તો દિવસ આખો સારો જાય, પણ જે દિવસે તેનાં દર્શન ન થાય એ આખો દિવસ અસ્તવ્યસ્ત થઈ જાય. જેમ સવાર પડતાં છોકરાને સ્કૂલ કે કૉલેજનો ટાઇમ, પતિનો ઑફિસ કે કામે જવાનો ટાઇમ, દૂધવાળો, ધોબી, સફાઈવાળો અને એવા બીજા જે કોઈ છે તેનો આવવાનો ટાઇમ એવી જ રીતે બાઈનો આવવાનો ટાઇમ અને હું તો કહીશ કે બાઈનો આવવાનો ટાઇમ આ બધામાં સૌથી અગત્યનો છે.


ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ બાઈ જો તેના ટાઇમ પર ન આવી તો ઘરની લેડી મેમ્બરનો આખો દિવસ ઊથલપાથલ થઈ જાય. તેના એકના નહીં આવવાથી ઘરની લેડી મેમ્બરનો આખો મૂડ બદલાઈ જાય. જો કહીને ન આવવાની હોય, જો આગોતરી જાણ કરીને ન આવવાની હોય તો સમજાય કે પછી ફોન કરીને રજા લઈ લે તો પણ સમજાય, પણ જો કહ્યા વિના પણ ન આવી હોય તો માર્યા ઠાર. જાત જાતના વિચારો આપણા ઘરની લેડી મેમ્બરના શરૂ થઈ જાય.

‘કેમ નહીં આવી હોય’, ‘કીધા વિના કેમ રજા લઈ લે છે’, ‘આવે એટલે આ વખતે તો કહી જ દેવું છે’, ‘વધારે પગારમાં બીજું ઘર મળી ગયું હશે.’


આ અને આના જેવા કેટલાય વિચારો મનમાં ચાલુ થઈ જાય અને એના પછી એકલા-એકલા બબડાટ પણ ચાલુ થઈ જાય. આમ જોઈએ તો વાત ખોટી પણ નથી. આજના સમયમાં એક પણ બાઈ એવી નહીં હોય કે તેની પાસે મોબાઇલ ન હોય. આખો દિવસ મોબાઇલમાં તેની વાત ચાલુ જ હોય અને વાત પૂરી થાય એટલે એ આપણા જ ઘરના ચાર્જરનો પણ ઉપયોગ કરે, પણ જે દિવસે તે કામ પર ન આવે એ દિવસે આપણે ફોન કરીએ તો પણ ફોન લાગે નહીં. કાં તો મારી બેટી તે ફોન ઉપાડે નહીં અને કાં તો આખેઆખો મોબાઇલ કવરેજ ક્ષેત્રની બહાર હોય.

વર્કિંગ વુમન માટે સફાઈવાળી બાઈ, રસોઈવાળી બાઈ, ડ્રાઇવર આ બધા વર્કિંગ વુમન માટે સર્પોટ સિસ્ટમ સમાન છે. આમાંથી કોઈ એક પણ ન આવે તો જાણે જીવનમાં વાવાઝોડું આવી ગયું હોય એવું લાગે. અફસોસની વાત એ છે કે આ વાત આપણા જેવી વર્કિંગ વુમન બૉસને કરી પણ ન શકે કે બાઈ નહોતી આવી એટલે હું કામે મોડી આવી.

મુંબઈની વાત કરું તો આપણે બીજાં શહેરો કરતાં થોડા વધારે લકી છીએ. બધાને જ યાદ હશે એ સમય જ્યારે ઘરનોકરની પ્રથા હતી. પોતાનું કુટુંબ ગામમાં રહેતું હોય અને એક માણસ, મોસ્ટલી પુરુષ મુંબઈ આવી ઘરકામ કરતો હોય. આ સપોર્ટ સિસ્ટમની વાત કરતી વખતે સંકોચ વિના કહેવું પડે કે એકદમ લૉયલ અને જબરદસ્ત વફાદારી તેમનામાં જોવા મળતી રહી છે. છૂટાછવાયા કિસ્સાઓને છોડીને તો એ વફાદારી આજે પણ એવી જ દેખાય છે. લગભગ બધા જ ગુજરાતીઓના ઘરે કામ કરે અને આપણને આપણા ફૅમિલી મેમ્બરની જેમ ટ્રીટ કરે. આ વ્યક્તિની સાથોસાથ છૂટક બાઈ પણ હોય જ. એટલે બધાં જ કામ એકના માથે આવે નહીં. એ જમાનામાં બે વખત પેટ ભરીને જમવાનું મળી રહે અને વર્ષ આખાનાં કપડાં પણ મળે એટલે તે પોતાના આખો પગાર પોતાના ગામ મોકલી શકે. સમય જતાં તેના છોકરાઓ મુંબઈ આવે. થોડું ભણ્યા હોય તો નાનીમોટી નોકરી મળે કે પછી ડ્રાઇવર બને. આખી જિંદગી એક જ ઘરમાં કામ કર્યું હોય એવા જમાનાના કામ કરનારા હતા.

હવે આજની વાત કરીએ તો ઘરકામ કરનારા પ્રોફેશનલ થઈ ગયા છે. કામનો ટાઇમ ફિક્સ, કેટલું કામ કરશે એ ફિક્સ અને દરેક કામનો કેટલો પગાર લેશે એ પણ ફિક્સ. એનાથી વધારે એક પણ કામ કરવાનું નહીં. આ મારું કામ નથી એવું આસાનીથી કહી દે અને કહ્યા પછી તેને જરા પણ દુઃખ ન હોય. એરિયાવાઇઝ કામનો ભાવ ફિક્સ હોય. એરિયાની બહાર કામ કરવા જવાનું હોય તો જાય ખરા પણ એની માટેનું પ્રાઇસ લિસ્ટ પાછું ફરી જાય. કોઈ-કોઈ તો ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના પાસની ડિમાન્ડ પણ કરવા માંડ્યું છે હવે. હવે મોટા ભાગે બધા કુકને મહારાજ જ કહેતા થઈ ગયા છે. મહારાજ હોય તો તેની શરતો, તેના નિયમો જુદા. પોતે કેટલી રોટલી કરે એ પણ પહેલેથી ફિક્સ રાખે. હવે તમે જ કહો કે આપણે ગુજરાતીઓ કોઈ દિવસ રોટલી ગણીને કરતા પણ નથી અને ખાતા પણ નથી પણ આ કુક રોટલીની ગણતરી કરતાં શીખવી દે છે અને ખાવાનું પણ એ જ પ્રકારે શીખવી દે છે. પહેલાંના સમયમાં આ પ્રકારના માણસો વર્ષમાં એક વાર રજા લેતા પણ એ રજાની ખાસિયત એ હતી કે એમાં આપણી સગવડ પહેલાં જોવામાં આવતી, પણ હવે એવું રહ્યું નથી. હવેની બાઈ કે મહારાજ આપણને ખાલી જાણ કરે છે.

‘કલ સે મૈં પંદ્રહ દિન નહીં આઉંગી.’

આપણી પાસે હા પાડવા સિવાય બીજો કોઈ છૂટકો નથી હોતો. કહી દે ત્યાં સુધી આપણે રાજી રહેવાનું, પણ ઘણી વાર તો કહ્યા વિના જ ગુટલી મારી દે. આવા સમયે આપણી હાલત કફોડી કરી નાખે. કોઈને વઢાય નહીં ને જો એવી ભૂલ કરો તો તરત જ કામ છોડી દે અને મજાની વાત એ છે કે એ લોકોને બીજા જ કલાકે બીજે કામ મળી પણ જાય, પણ જો આપણે આ રીતે કામ છોડીએ તો આપણે સાવ રખડી પડીએ અને આપણે જો કામ છોડાવી દઈએ તો પણ આપણે રખડી પડીએ.

અત્યારના સમયમાં આપણે દરેક કામ કરનારાને ખૂબ જ રિસ્પેક્ટ આપીએ છીએ પણ બદલામાં આપણને લૉયલ્ટી મળશે એની કોઈ ખાતરી નથી હોતી. આપણે આપણાં બાળકોને કદાચ વઢી શકીએ પણ આપણે ઘરમાં કામ કરતી બાઈ, મહારાજ કે ડ્રાઇવરને એક શબ્દ પણ કહી શકીએ નહીં. આ બાઈ, મહારાજ, ડ્રાઇવર આપણા માટે વીઆઇપી જ હોય છે અને એની માટેનાં કારણો પણ છે.

આ પણ વાંચો : ઊલટી કરો સ્વાહાઃ સોશ્યલ મીડિયાનો અતિરેક અને ઓચ્છવ વિનાનું જીવન

આપણે આપણું કામ જાતે નથી કરી શકતા. બેચાર દિવસ સાચવી શકીએ, પણ મહિનાના ત્રીસેત્રીસ દિવસ અને વર્ષ આખું આ કામ કરવાનું આવે તો આપણે એ નથી કરી શકતા. મારા જ ઘરની વાત કરું તો કોઈ વખત મેઇડ કે કુક ઘરે મોડા આવે ત્યારે મારી મમ્મી મને એની કમ્પ્લેઇન્ટ કરે, કહે પણ ખરાં કે એવું હોય તો એકાદને ઓછા કરી નાખીએ. ઓછા કરી નાખવાની વાત પર હું તરત જ ભડકી જાઉં અને ના પાડી દઉં. નાટક, સિરિયલ અને ફિલ્મની એકધારી દોડધામ વચ્ચે દરરોજ અઢાર કલાક કામ કરવાનું અને એમાં પાછું ઘરનું કામ પણ ઉમેરવાનું? ના. જરાય નહીં. પણ આ ‘જરાય નહીં’માં જ મને એ પણ યાદ આવે કે બાઈ તો દરરોજ એકેક ઘરે ત્રણથી ચાર કલાક આપે છે અને એ પણ સાત-આઠ ઘરોને. જે સમયે આ યાદ આવે ત્યારે તેના માટે મનમાં દયાભાવ આવી જાય ખરો અને એવું પણ નક્કી કરી લેવાનું મન થઈ આવે કે હવેથી તેને બિચારીને કંઈ કહેવું નહીં, પણ આ વિચારને તોડી નાખવાનું કામ પણ આ બાઈ જ કરી નાખે અને એય બીજા જ દિવસે.

‘કલ સે મૈં પંદ્રહ દિન નહીં આઉંગી.’

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 02:55 PM IST | મુંબઈ | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK