Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇમર્જન્સી બ્રેક લાગી ને લોખંડનો પાઇપ મમ્મીની છાતીમાં વાગ્યો

ઇમર્જન્સી બ્રેક લાગી ને લોખંડનો પાઇપ મમ્મીની છાતીમાં વાગ્યો

18 October, 2020 08:15 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઇમર્જન્સી બ્રેક લાગી ને લોખંડનો પાઇપ મમ્મીની છાતીમાં વાગ્યો

સાયન હૉસ્પિટલમાં સ્ટ્રેચર પર સૂતેલાં માયા મડાયા

સાયન હૉસ્પિટલમાં સ્ટ્રેચર પર સૂતેલાં માયા મડાયા


રોહિત પરીખ
મુંબઈ : વિક્રોલી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે સવારે થયેલા બેસ્ટની બસના અકસ્માતમાં ભાંડુપથી દાદર હાઉસકીપિંગ માટે જઈ રહેલાં બાવન વર્ષનાં મંજુબહેન પડાયા ગંભીર ઈજા પામ્યાં છે. તેમના અકસ્માતથી તેમના પરિવારના બે પુત્રો, પુત્રવધૂ અને પૌત્રો ટેન્શનમાં આવી ગયાં છે. આ પરિવારના બધા જ સભ્યો હાઉસકીપિંગના કામમાં જોડાયા છે.
આ બાબતે માહિતી આપતાં તેમના ૨૯ વર્ષના મોટા પુત્ર અનિલ પડાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે રોજની જેમ ગઈ કાલે પણ મમ્મી ૨૭ નંબરની બસ પકડીને ભાંડુપથી દાદર તેમના કામ પર જઈ રહ્યા હતા. વિક્રોલી પાસે બસને અકસ્માત નડતાં મમ્મીને માથામાં, છાતી પર અને પગના ઢીંચણમાં ખૂબ માર વાગ્યો છે. તેમના મોઢામાંથી લોહી પણ વહેતું હતું. અમને મમ્મીના અકસ્માતના સમાચાર પોલીસે સવારે પોણાઅગિયાર વાગ્યે આપ્યા હતા. અમને આ સમાચાર મળતાં અમે એક પળ બગાડ્યા વગર વિક્રોલીના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં અમને જણાવ્યું કે મમ્મીને વિક્રોલીની એક હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છે. ત્યાંથી મમ્મીને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
હાઉસકીપિંગનું જ કામ કરતા અનિલ મડાયાએ વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે ‘સવારે મમ્મીને સાયન હૉસ્પિટલમાં લઈ ગયા પછી ઇમર્જન્સી વૉર્ડમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડ્રાઇવરે ઇમર્જન્સી બ્રેક મારવાથી સીટનો લોખંડનો પાઇપ મમ્મીને છાતી પર જોરદાર વાગ્યો છે એથી મમ્મીનો સીટી સ્કૅન કઢાવવાનો હતો. આ પહેલાં જ અમે બેસ્ટના ત્યાં હાજર રહેલા કર્મચારીઓને મમ્મીને અમે પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જઈએ છીએ એમ કહ્યું, પરંતુ આ કર્મચારીઓએ અમને સલાહ આપતાં કહ્યું કે મમ્મીની સારવાર સાયન હૉસ્પિટલમાં કરશો તો સારવારનો સંપૂર્ણ ખર્ચ બેસ્ટ પ્રશાસન અથવા તો બેસ્ટનો કૅન્ટ્રૅક્ટર ચૂકવશે એથી તમે તેમને સાયન હૉસ્પિટલમાં જ રાખો.’
અમારી આ વાતો ચાલતી હતી ત્યાં જ મારી પાસે હૉસ્પિટલમાંથી એક વ્યક્તિ સીટી સ્કૅનના પૈસા લેવા આવ્યો હતો એમ જણાવતાં અનિલ મડાયાએ કહ્યું કે ‘મેં એ સમયે મારા મિત્ર પાસેથી ૧૨૦૦ રૂપિયા મગાવીને ચૂકવ્યા હતા. અમને આ પૈસા ચૂકવતી વખતે નવાઈ પણ લાગી હતી કે બેસ્ટ પ્રશાસન સારવારની રકમ આપવાનું છે તો સીટી સ્કૅનના પૈસા અમારી પાસે કેમ માગ્યા? પણ ત્યારે અમારે માટે ચર્ચાનો સમય નહોતો.’
અનિલ મડાયાએ રાતે સવાનવ વાગ્યે ફરીથી ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું કે અત્યાર સુધી મમ્મીને સાયન હૉસ્પિટલમાં હજી સ્ટ્રેચર પર જ સુવડાવી રાખી છે. અમને એમ કહેવામાં આવ્યું છે કે મમ્મીની હજી મેડિકલ ટેસ્ટ બાકી છે એથી એ ટેસ્ટ પૂરી થયા પછી તેને વૉર્ડમાં બેડ પર સુવડાવવામાં આવશે.’

બેસ્ટના પ્રવક્તા શું કહે છે?
બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય પ્રોસીજર પ્રમાણે કોઈ પણ અકસ્માતમાં પૅસેન્જરને ઈજા થાય તો એની સારવારની જવાબદારી બેસ્ટ પ્રશાસનની હોય છે. આ અકસ્માતમાં આ જવાબદારી બેસ્ટના કૉન્ટ્રૅક્ટરની છે. માયાના પરિવારે જેકોઈ સારવાર માટે ખર્ચ કર્યા હશે એ કૉન્ટ્રૅક્ટર તેને ચૂકવી દેશે.’



હૉસ્પિટલમાં અમારી પાસે સીટી સ્કૅનના પૈસા માગવામાં આ‍વ્યા હતા અને મેં એ સમયે મારા મિત્ર પાસેથી ૧૨૦૦ રૂપિયા મગાવીને ચૂકવ્યા હતા.
- અનિલ પડાયા, ઇન્જર્ડ મંજુબહેનનો દીકરો


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 08:15 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK