Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સગાવાદ ગમતો નથી, પણ એ ક્યાં નથી?

સગાવાદ ગમતો નથી, પણ એ ક્યાં નથી?

05 January, 2020 05:44 PM IST | Mumbai Desk

સગાવાદ ગમતો નથી, પણ એ ક્યાં નથી?

સગાવાદ ગમતો નથી, પણ એ ક્યાં નથી?


દેશને આઝાદી મળી ત્યારે ૬૦ ટકા હિસ્સો બ્રિટિશ ઇન્ડિયા તરીકે અંગ્રેજી શાસન હેઠળ હતો અને ૪૦ ટકા હિસ્સો દેશી રજવાડાંઓ તરીકે રાજાઓની હકૂમત હેઠળ હતો. પેલો ૬૦ ટકા હિસ્સો દિલ્હીના અંગ્રેજ હાકેમ અને આ હાકેમનાય હાકેમ એવા બ્રિટિશ તાજ હેઠળ લીલાલહેર કરતો હતો. રજવાડાંઓનું શાસન, રાજાનો પાટવીકુંવર રાજા અને દિલ્હીના હાકેમની નિમણૂક તો લંડનથી થતી એ ધોરણે છેલ્લાં સોએક વર્ષથી ગોઠવાયેલું હતું. આમ દેશી રજવાડાંઓના ૪૦ ટકા વિસ્તાર પર વંશપરંપરાગત શાસન હતું (આ નિયમને બ્રિટિશ સરકારના થોડા અપવાદો હતા ખરા). કુલ ૫૬૨ જેટલા રાજાઓ તેમના પિતાના વારસદાર તરીકે ૪૦ ટકા હિસ્સામાં શાસકો બનતા. 

રાજાનો પાટવીકુંવર રાજા બને અને બીજા કુંવરો ફટાયા કે ભાયાત તરીકે અમુક ગામોની મહેસૂલ ઉઘરાણી રાજ્ય પાસે મેળવીને આખી જિંદગી ખાઈપીને જલસા કરે. રાજાને પણ રાજ્ય તો ભાગ્યે જ કરવાનું હોય. એ બધું તો દીવાન, પ્રધાન, કારભારી કે અન્ય વહીવટી અધિકારીઓ કરતા હોય. બહુ બહુ તો અંગ્રેજી હાકેમોને રાજી રાખવાના.
આમ વારસાઈના ખાસ કોઈ પ્રશ્નો નહોતા. રાજા થવા માટે રાજાના ઘરે પાટવીકુંવર તરીકે જન્મ લેવો એ જ પૂરતું હતું, પણ ૧૯૪૭ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ૬૦ ટકાના બ્રિટિશ ઇન્ડિયા વિસ્તારમાંથી બ્રિટિશરોએ વિદાય લીધી અને ૪૦ ટકા દેશી રજવાડાંઓમાંથી વારસાઈ ધોરણ નષ્ટ થયું. કાયદેસર રીતે રાજાનો દીકરો રાજા એ ધોરણ નષ્ટ થયું એમ કહેવાય ખરું, પણ આ વારસાઈ ધોરણ લોકશાહી પદ્ધતિએ વધુ મજબૂત બન્યું.
૧૯૫૨માં ભારતનું નવું બંધારણ અમલી બન્યું અને આ બંધારણ હેઠળ અલિખિત એવાં નવાં વારસાઈ ધોરણો ગાંધીવાદી કહેવાતા શાસકોએ હાથવગાં કરી લીધાં. થોડાં વર્ષો પહેલાં એક અંગ્રેજી અખબારે કરેલા અભ્યાસ મુજબ એ સમયે દેશના ૫૫૦ પરિવારો તેમનાં સગાંસંબંધીઓ દ્વારા સુધરાઈઓ, ધારાસભાઓ, લોકસભા તથા રાજસભામાં લોકશાહી પદ્ધતિએ ચૂંટાઈને શાસન સંભાળતા હતા. દેશની ધારાસભાઓના કુલ ૪૧૨૦ ધારાસભ્યો અને સંસદના કુલ ૭૫૦ જેટલા સંસદસભ્યોમાંથી મોટા ભાગના પરસ્પર જોડે કોઈ ને કોઈ સગપણથી સંકળાયેલા હતા. જેમ કે મુલાયમ સિંહ યાદવના પુત્ર, પુત્રી, પુત્રવધૂ, વેવાઈ (લાલુપ્રસાદ યાદવ, મુલાયમ સિંહ યાદવના વેવાઈ થાય) વગેરે મળીને ૧૦ જેટલા કુટુંબીજનો ધારાસભા, લોકસભા કે અન્યત્ર ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલા છે. આ ગોઠવાયેલા એટલે એનો અર્થ એવો નથી થતો કે તેઓ કોઈક સરકારી યંત્રણા દ્વારા નિયુક્ત થયા છે. હકીકતમાં આ રીતે ગોઠવાયેલા પણ લોકશાહી પદ્ધતિ અનુસાર ચૂંટણીઓ દ્વારા મતદારોની બહુમતીથી ચૂંટાયેલા હોય છે. એ જ રીતે લાલુપ્રસાદ યાદવનાં પત્ની, પુત્રો, પુત્રવધૂઓ ઇત્યાદિ સગાંઓ પણ ‘જનાદેશ’ મેળવીને ચૂંટાયેલાં જ છે. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે (પિતા-પુત્ર) બન્ને મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો છે. શેખ અબદુલ્લા પરિવાર તથા મુફ્તી મેહબૂબા આ રીતે જ ગોઠવાયેલાં છે. નેહરુ પરિવાર તો આમાં ટોચ પર છે, પણ આ સૌ લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલાં છે અને ચૂંટણીપદ્ધતિ અનુસાર જ આ વ્યવસ્થામાં ગોઠવાયેલાં છે.
ડૉક્ટરનાં સંતાનો મેડિકલ કૉલેજમાં જ પ્રવેશ મેળવે છે અને પિતાનાં દવાખાનાં, નર્સિંગ હોમ કે હૉસ્પિટલમાં કારકિર્દી શરૂ કરે છે એ જ રીતે ઉદ્યોગપતિનાં સંતાનો પિતાના ઉદ્યોગધંધામાં જ પોતાનો વ્યવસાય શરૂ કરે છે. અરે, કર્મકાંડી બ્રાહ્મણનો પુત્ર પણ પિતાના કર્મકાંડી વ્યવસાયમાં જોડાઈ જાય છે. આમાં કોઈને કશું ખોટું નથી લાગતું, તો પછી રાજકારણમાં પણ સંતાનો પિતાના વ્યવસાયમાં આવે એમાં આપણે સૌ સગાવાદ સામે નાકનું ટીચકું કેમ ચડાવીએ છીએ? મુઠ્ઠી જેવડા ટ્રસ્ટમાં પણ જ્યારે નવા ટ્રસ્ટીની જગ્યા ખાલી પડે ત્યારે આપણે સૌ આવા સગાવાદના પુરસ્કર્તા નથી થઈ જતા?
સરકારી કચેરીમાં પટાવાળા તરીકે ભરતી કરવાની હોય ત્યારે ચોક્કસ શૈક્ષણિક કે વયની મર્યાદા અંકિત કરવામાં આવે છે. બારમું ધોરણ પાસ કર્યું ન હોય કે અમુક-તમુક ઉંમરથી વધારે હોય તો ઉમેદવાર પટાવાળો પણ બની શકતો નથી. અન્ય સરકારી નોકરીઓ માટે લેખિત પરીક્ષાઓ તથા ઇન્ટરવ્યુ પણ લેવાય છે. ડૉક્ટરના દીકરાએ ડૉક્ટર તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં પોતાની લાયકાત સિદ્ધ કરવા માટે વર્ષો સુધી પરીક્ષા આપવી પડે છે.
રાજકારણમાં આવું નથી. ૮૫ કે ૯૦ વર્ષની ઉંમરે પણ ધારાસભ્ય કે સંસદસભ્ય બની શકાય છે. વધારે સફળ ઉમેદવાર રાજ્યસભા કે વિધાનપરિષદમાં ઓળખીતા-પાળખીતાની મદદથી ચૂંટાઈ શકે છે. ક્યારેક રાજ્યસભામાં નિયુક્ત સભ્ય તરીકે પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ચાર ચોપડી સુધ્ધાં ભણ્યા ન હોય એવા સંસદસભ્યો આજે આપણું ભાવિ નિર્માણ કરે છે. એટલું જ નહીં, એક ગણતરી મુજબ આ ચૂંટાયેલા સંસદસભ્યોમાંથી ૩૦ ટકા જેટલા ગુનેગાર તરીકે અદાલતોમાં કેસનો સામનો કરી રહ્યા છે. હત્યા તથા બળાત્કાર જેવા કિસ્સાઓમાં પણ આ ૩૦ ટકા સંડોવાયેલા છે.
જે લોકો રાજકારણમાં સક્રિય છે કે ધારાસભ્ય, સંસદસભ્ય કે પ્રધાન તરીકે લાંબો સમય સુધી કાર્યભાર સંભાળે છે તેમનાં સંતાનો કે સગાંસંબંધીઓ આ વડીલના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશી ન શકે એવું તો ન જ કહેવાય, પણ આ પ્રવેશ પહેલાં આ સગપણ સિવાય કશીક ક્ષમતા ચકાસવી જોઈએ. એક રીતે જોઈએ તો આ ક્ષમતા ચૂંટણી છે. રાજકારણમાં અંગૂઠાની પણ જાણકારી મેળવ્યા વિના આવા લોકો મતદારોની પરીક્ષામાંથી પસાર થઈ શકતા હોય તો આપણે તેમનો સ્વીકાર કરવો જ રહ્યો. ઉમેદવારની આવી કોઈ લાયકાત જોયા વિના તેમને ચૂંટી કાઢનાર મતદારો આ માટે વિશેષ જવાબદાર છે. એક અંગ્રેજી ઉક્તિ અહીં યાદ રાખવા જેવી છેઃ ‘People gets the government for which they deserve.’
રાજકારણ એ વ્યવસાય નથી. એને વ્યવસાય બનાવી શકાય નહીં. વાસ્તવમાં રાજકારણ એક પ્રજાલક્ષી પ્રવૃત્તિનું ક્ષેત્ર છે. જેઓ આ ક્ષેત્રમાં પોતાનો સમય અને શ્રમ બન્ને આપતા હોય તેને વળતર મળવું જોઈએ. એક ધારાસભ્ય કે સંસદસભ્ય પોતાનું વળતર પોતે જ મેળવી લે એવું દલા તરવાડીની વાડીનાં રીંગણાં જેવું પોપાંબાઈનું રાજ ચલાવી ન લેવાય. આજે રાજકારણ બાહુબળ અને નાણાંના બળથી થતી પ્રવૃત્તિ બની ગયું છે. સરકારી નોકરીમાં ૩૦ કે ૪૦ વર્ષની નોકરી પછી પેન્શન મળે છે. રાજકારણમાં પાંચ વર્ષ ધારાસભ્ય કે સંસદસભ્ય તરીકે મૂગાં-મૂગાં બેસી રહેવા છતાં જિંદગીનાં શેષ વર્ષો પેન્શન તથા અન્ય લાભ મળતા રહે છે. ગુજરાત જેવાં કેટલાંક રાજ્યોમાં એક વાર ચૂંટાઈને ધારાસભાનો ઉંબરો વળોટી ગયેલા સૌકોઈને ગાંધીનગરમાં જમીનનો પ્લૉટ ફાળવવામાં આવે છે. આ પ્લૉટ પર તેમણે પોતાના રહેઠાણ માટે ઘર બનાવવાનું હોય છે, પણ આવું ઘર બનતું નથી અને બને છે તો આવું ઘર આમતેમ થઈ જાય છે.
સગાવાદ સહજ છે. માનવપ્રકૃતિ આવા સગાવાદથી મુક્ત નથી હોતી. કોઈ પણ માણસ ક્યાંય પણ લાભ મેળવતો હોય અથવા તો કોઈક પ્રકારની જવાબદારીનું વહન કરતો હોય ત્યારે પોતાની સુરક્ષા માટે પ્રયત્ન કરે એ સહજ છે. આવી સુરક્ષા તેને સ્વજનો વચ્ચે જ લાગે. આવા સ્વજનો એટલે માત્ર લોહીની સગાઈ જ હોય એ જરૂરી નથી. મહારાષ્ટ્રની નવી સરકારમાં શરદ પવારના ભત્રીજા અજિત પવારે જે ભવાઈ ભજવી અને એ ભવાઈમાં કાકાશ્રી શરદ પવાર અને બીજેપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જે ભૂમિકા ભજવી એ જોઈને આપણને કમકમા આવે એવું છે. સગાવાદનો સૈદ્ધાંતિક વિરોધ જરૂર કરી શકાય, પણ વ્યવહારમાં આપણે સૌ એકસરખા જ જવાબદાર છીએ.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 05:44 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK