દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

Published: Jul 10, 2019, 10:31 IST | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક | મુંબઈ ડેસ્ક

બહુ પૉપ્યુલર થયેલી આ ગઝલનું સિલેક્શન એ સમયે થયું ન હોત જો મને શેખાદમ આબુવાલાએ રોક્યો ન હોત

ફારુક કૈસરઃ ‘મુકર્રર’માં આમની ગઝલના સ્થાને શેખાદમની ગઝલ આવવાની હતી, પણ શેખાદમે મને એવું કરતાં રોક્યો અને કહ્યું હતું, ‘સારા કામને બિરદાવવાની ક્ષમતા રાખવી પડે, ઉપરવાલા સબ દેખતા હૈ.’
ફારુક કૈસરઃ ‘મુકર્રર’માં આમની ગઝલના સ્થાને શેખાદમની ગઝલ આવવાની હતી, પણ શેખાદમે મને એવું કરતાં રોક્યો અને કહ્યું હતું, ‘સારા કામને બિરદાવવાની ક્ષમતા રાખવી પડે, ઉપરવાલા સબ દેખતા હૈ.’

દિલ સે દિલ તક

(આપણે વાતો કરીએ છીએ શેખાદમ આબુવાલાની. બહુ ઓછા લોકોએ નોટિસ કર્યું હતું કે મારા પહેલા આલબમ ‘આહટ’માં ગુજરાતી શાયર શેખાદમ આબુવાલાની ચાર ઉર્દૂ ગઝલો વાપરવામાં આવી હતી. ‘આહટ’ની સક્સેસ અને એ ગઝલોની સફળતાની ચરમસીમા એ છે કે આજે પણ, આલબમ રિલીઝ થયાને ઑલમોસ્ટ ૩૭-૩૮ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે એ પછી આજે પણ કૉન્સર્ટમાં મને રિક્વેસ્ટ આવે છે કે તમે ‘આહટ’ની ગઝલો સંભળાવો, અમને સાંભળવી છે.)

આજની વાત શરૂ કરતાં પહેલાં મને એક વાત કહેવી છે. વર્ષોથી મારા મનમાં આ વાત ઘૂમરાઈ રહી છે અને એટલે એ હું અત્યારે, આ ક્ષણે કહેવા માગું છું. શેખાદમ આબુવાલાની જે ટૅલન્ટ હતી, તેમની જે ક્ષમતા હતી, તેમની પાસે જે કળા હતી એની કદર પ્રમાણમાં ઘણી ઓછી થઈ છે. ઘણી, ઘણી એટલે ઘણી ઓછી થઈ ગઈ છે. એ પણ એટલું જ સાચું કે શેખાદમ ખૂબ શરમાળ, સાલસ અને ક્યાંય પણ જશ લેવા માટે જનારા નહોતા. તેઓ પોતે પોતાની દુનિયામાં મસ્ત રહેતા, પણ એમ છતાં મારે કહેવું છે કે તેમને ઓળખનારા, તેમની ટૅલન્ટને પારખનારાઓ પણ કંઈ કરે એ પહેલાં જ શેખાદમે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી.

આપણે મૂળ વિષય પર આવીએ.

‘આહટ’ની સફળતા અને પૉપ્યુલરિટી માટે અનેક લોકો ખુશ થયા, અનેક લોકોએ મને ખૂબ અભિનંદન આપ્યાં. હું માનું છું અને દૃઢતા સાથે સ્વીકારું પણ છું કે એ બધામાં ઘણી હદ સુધી શેખાદમનો બહુ મોટો ફાળો હતો. જો એ ન હોત તો બને કે ‘આહટ’ સફળ થયું હતું પણ એની એ સમયની જે સફળતા હતી એ સફળતાના મુકામ પર તો એ ન જ પહોંચ્યું હોત. મારું કામ આગળ ચાલવા માંડ્યું અને હું મારા કામમાં, કૉન્સર્ટમાં અને એ બધામાં વ્યસ્ત રહેવા માંડ્યો. શેખાદમ પણ પોતાના લેખનની દુનિયામાં વ્યસ્ત થવા માંડ્યા.

શેખાદમનું મુંબઈ આવવાનું થતું રહેતું, અમારી વચ્ચે વાતો પણ થતી, પરંતુ એ સિવાય વધારે કશું હતું નહીં. નવાં સર્જન તેઓ મને સંભળાવે અને મને એ ગમે પણ ખરાં. આ જ પિરિયડમાં એટલે કે ૧૯૭૯માં મેં બાંદરા રહેવા આવવાનું શરૂ કરી દીધું. મારાં મૅરેજ હજી નહોતાં થયાં એટલે હું બાંદરામાં એકલો રહેતો હતો. શેખાદમ આવે ત્યારે મારી સાથે રહે, જો શક્ય હોય તો રાત પણ રોકાય. અમે પુષ્કતળ વાતો કરીએ. એક વખત તેમણે કહ્યું કે ‘પંકજ, મને તારી સાથી બેસીને ઉર્દૂના શાયરો વિશે, ઉર્દૂ લખવા માટે જે છટાની આવશ્યકતા હોય છે એના વિશે અને ઉર્દૂ જબાનનો જે લહેજો છે એના વિશે ચર્ચા કરવી છે. જો આપણે એ ચર્ચા કરીશું તો એનો ફાયદો તને તારી ગાયકીમાં થશે.’

અમારી વચ્ચે એ બધી વાતો થઈ અને દાખલા તથા ઉદાહરણો સાથે થઈ જેનો સીધો ફાયદો એ થયો કે મારી ઉર્દૂ ગઝલો પણ સરળતા સાથે અને સહજતા સાથે લોકોને સમજાવાની શરૂ થઈ અને લોકોને પંકજ ઉધાસ જાણે કે તેમની ભાષામાં, તેમની સંવેદનામાં વાત કરતા હોય એવું લાગવા માંડ્યું. મિત્રો, મારે એક વાત બીજી કહેવી છે. જો શેખાદમ વિશે મને મન મૂકીને વાત કરવાનું કહેવામાં આવે તો કદાચ હું આવડાં જ ત્રીસેક પેજ ભરીને વાત કરી શકું અને એ પછી પણ મને અફસોસ રહે કે મારાથી ઘણી વાતો કહેવાની રહી ગઈ. તેમની લાઇફ એટલી હૅપનિંગ હતી, તેમનું જીવન એવું ઇવેન્ટફુલ હતું કે આજે પણ મને એમ થાય છે કે શેખાદમ જો હોત તો તેઓ ખરેખર આજે પણ ટોચ પર હોત.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં જન્મેલા અને જમાલપુરથી છેક જર્મનીમાં બીબીસી રેડિયોની ઉર્દૂ-હિન્દી રેડિયો સર્વિસના અનાઉન્સર બનીને ત્યાં જ તેમણે ગુજરાતી અને ઉર્દૂ શાયરીની શરૂઆત કરી હતી. એ પછી તેઓ અમદાવાદ પાછા આવ્યા અને પાછા આવીને તેમણે જર્નલિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. જોકે પત્રકારત્વ પછી પણ તેમની અંદરનો શાયર અકબંધ રહ્યો હતો અને તેમણે શાયરીક્ષેત્રે પુષ્કળ ખેડાણ કર્યું. દિવસઆખો પત્રકારત્વ કરનારા શેખાદમ રાત પડે એટલે મુશાયરામાં પહોંચી જાય અને મુશાયરો ન હોય તો તેઓ કોઈના પણ ઘરે મુશાયરો ગોઠવીને યાર-દોસ્તો સાથે મહેફિલ જમાવી દે.

જીવનના અને જીવન વિશેના એટલાબધા અનુભવો તેમની પાસે હતા કે તમે તેમને જોયા કરો તો પણ તમને પુષ્કળ શીખવા મળ્યા કરે. તેમની સાથે રહો તો તો તમે પીએચડી સુધી પહોંચી જાઓ પણ માત્ર તેમને જોવાથી પણ નવું-નવું શીખવા મળે અને જો એ તમે અમલમાં મૂકી દો તો તમારો બેડો પાર થઈ જાય. શેખાદમની સૌથી મોટી ક્વૉલિટી એ હતી કે તેઓ બિલકુલ સેલ્ફલેસ હતા. કોઈ જાતનો સ્વાર્થ નહીં. તમને એમ જ લાગે કે તમે કોઈ ફરિસ્તા સાથે બેઠા છો.

બાંદરાના મારા ઘરે તેઓ સવારે આવે, બેસે અને પછી અમારી વાતો શરૂ થાય. વાતો પણ કેવી, અમને બન્નેને રસ પડે એવી. ઉર્દૂના કોઈ શાયરના દીવાનથી એ શરૂ થાય અને પછી એ વાતો પહોંચે એ શાયરની લખવાના લહેજા પર, તેમની શબ્દો શોધવાની સ્ટાઇલ વિશે અને પછી એમાં રહેલા ભાવો પર.

અમે શરૂઆત મિર્ઝા ગાલિબથી કરી હતી. એ પછી મીર તકી મીર, દાગ અને એ પછી તો કંઈકેટલાય શાયરોને સાથે બેસીને અમે વાંચ્યા, એની વાતો કરી અને એ ગાવાની સ્ટાઇલ વિશે પણ ચર્ચા કરી. એ સમયે મારા એક નવા આલબમની તૈયારી ચાલતી હતી. ‘મુકર્રર’ એનું ટાઇટલ હતું. તમે માનશો નહીં, આ આખા આલબમની પ્રોસેસમાં, તેમની ગઝલના સિલેક્શનમાં, કમ્પોઝિશનમાં બધી જ જગ્યાએ શેખાદમ સાથે હતા, પણ એમ છતાં તેઓ એક વાર મોઢામાંથી બોલ્યા નથી કે પંકજ તું આ આલબમમાં મારી ગઝલ લે. એક વાર પણ નહીં અને એવું પણ નહીં કે હું તેમની ગઝલો નથી લેવાનો એવો અંદાજ આવી ગયા પછી તેમણે ‘મુકર્રર’માં રસ લેવાનું છોડ્યું હોય. હું તો કહીશ કે એ પછી તેમનો ઉત્સાહ વધારે હકારાત્મક હતો. ‘મુકર્રર’ની આ તૈયારી દરમ્યાન અમે સાથે બેસીને વાતો કરતા અને ગઝલોનું ચયન પણ સાથે જ કરતા. જો હું અતિશયોક્તિ ન કરતો હોઉં તો શેખાદમ સાથે બેસીને અમે બન્નેએ અલગ-અલગ શાયરોની ઓછામાં ઓછી ૫૦૦૦ જેટલી ગઝલો વાંચી હશે. અમુક ગઝલ ગમે, ગમે એને અમે બાજુએ મૂકી દઈએ. પછી દિવસ દરમ્યાન પસંદ કરેલી ગઝલોની ચર્ચા રાતે પાછી શરૂ થાય. સાઇડ પર મૂકેલી એ ગઝલોમાંથી નવેસરથી સિલેક્શન થાય અને એ પછી એ ગઝલોને બાજુએ મૂકી રાખવામાં આવે. બીજા દિવસથી નવેસરથી કામ શરૂ થાય અને રાતે આગલા દિવસનું પુનરાવર્તન થાય. પસંદ કરેલી ગઝલોને બે-ત્રણ દિવસ પછી ફરી હાથ પર લેવામાં આવે અને ફાઇનલી ફરી એમાંથી સિલેક્શન-પ્રક્રિયા કરવામાં આવે.

મને યાદ છે મારી એક બહુ જ પ્રખ્યાત ગઝલની વાત, જે મારી આજે પણ ફેવરિટ ગઝલ છે. એ ગઝલ પસંદ કરવામાં અમે સાથે હતા.

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ,
હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ.

આ ગઝલના શાયર હતા ફારુક કૈઝર. આ ગઝલ કમ્પોઝ કરીને મેં સૌથી પહેલાં શેખાદમને સંભળાવી હતી. કમ્પોઝિશન સાંભળીને તેઓ આફરીન પોકારી ગયા હતા. શેખાદમે મને કહ્યું હતું કે પંકજ ગમે તે થાય, આ ગઝલ આલબમમાંથી નીકળવી ન જોઈએ. આ ગઝલ અમર થઈ જશે અને એ તારું નામ પણ દુનિયાભરમાં રોશન કરી દેશે. તમે માનશો, આ ગઝલની સામે મેં તેમની એક ગઝલ પસંદ કરીને રાખી હતી. મને મનમાં હતું કે કાં હું ફારુક કૈઝરની ગઝલ લઈશ અને કાં હું શેખાદમને સરપ્રાઇઝ આપીને તેમની ગઝલ લઈશ. ફારુક કૈઝરની ગઝલનાં તેમણે વખાણ કર્યાં એટલે મને થયું કે હવે હું નહીં બોલું તો જાત સાથે અન્યાય થશે. મારે શેખાદમને મારા મનની વાત કહેવી જોઈએ. મેં તેમને કહ્યું કે આ ગઝલની જગ્યાએ મારા મનમાં એવું છે કે હું તમારી ગઝલ લઉં, પણ શેખાદમ તરત બોલ્યા, ‘ગાંડો થયો છો તું, આ જ ગઝલ લેવી પડે અને આ જ લેવાની છે. અદ્ભુત કમ્પોઝિશન છે અને એના શબ્દો સીધા હૈયામાં ઊતરી જાય છે.’

હું કંઈ કહેવા ગયો તો તરત જ તેમણે અટકાવીને મને કહ્યું, ‘સારા કામને બિરદાવવાની ક્ષમતા રાખવી પડે પંકજ, ઉપરવાલા સબ દેખતા હૈ. આપણા આલબમમાં ગઝલ તો આ જ જશે.’

આ પણ વાંચો : તુમ આયે ઝિંદગી મેં તો બરસાત કી તરહ, ઔર ચલ દિયે તો ઐસે ખુલી રાત કી તરહ

‘આપણા...’ તેમના આ શબ્દો મને આજે પણ તેમની ઓલિયા જેવી મનોવૃત્તિ યાદ અપાવે છે ત્યારે મારી આંખોમાં પાણી આવી જાય છે. આજે જ્યારે તેમની હયાતી નથી ત્યારે ફારુક કૈઝરના જ શબ્દોનો આશરો લેવો પડે છે...

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ,
હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK