તુમ આયે ઝિંદગી મેં તો બરસાત કી તરહ, ઔર ચલ દિયે તો ઐસે ખુલી રાત કી તરહ

Published: Jul 03, 2019, 09:52 IST | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક | મુંબઈ ડેસ્ક

શેખાદમ આબુવાલાને એમ હતું કે તેમની એક ગઝલ આલબમમાં લેવામાં આવી હશે, પણ તેમને માટે સરપ્રાઇઝનું મોટું પૅકેટ અમારી પાસે તૈયાર હતું

શેખાદમનો ખજાનોઃ ‘આહટ’માં ગુજરાતી શાયર શેખાદમ આબુવાલાની ચાર ઉર્દૂ ગઝલ છે એ આજે પણ બહુ ઓછા લોકો નોટિસ કરે છે.
શેખાદમનો ખજાનોઃ ‘આહટ’માં ગુજરાતી શાયર શેખાદમ આબુવાલાની ચાર ઉર્દૂ ગઝલ છે એ આજે પણ બહુ ઓછા લોકો નોટિસ કરે છે.

દિલ સે દિલ તક

(ગયા વીકમાં તમે વાંચ્યું, હું શેખાદમ આબુવાલાને પહેલી વાર મળ્યો અને પહેલી વારમાં જ મને તેમની પાસેથી સરસમજાની ઉર્દૂ ગઝલો સાંભળવા મળી. એ ગઝલમાંથી એક ગઝલ મને ખૂબ ગમી અને મેં નક્કી કર્યું કે હું આ ગઝલ કમ્પોઝ કરીશ. મેં એ ગઝલ પર કામ કર્યું, એના પર રિધમ બેસાડી અને પછી મેં એની જાણ અમદાવાદમાં રહેતા શેખાદમભાઈને કરી. હવે આગળ...)

કમ્પોઝિશન તૈયાર થઈ ગયાની જાણ કરી એટલે શેખાદમ પાછા મુંબઈ આવ્યા. અમે તેમને એ સંભળાવ્યું અને તેઓ ખુશ થઈ ગયા. તેમણે રાજી થઈને કહ્યું કે પંકજ, તું આ રેકૉર્ડ કર. ઈશ્વરની ઇચ્છા હશે તો લોકોને ખૂબ ગમશે.

એ સમયે મારો સંઘર્ષકાળ હતો અને હું મારા જીવનના પહેલા આલબમ ‘આહટ’ના રેકૉર્ડિંગની તૈયારી કરતો હતો. જોકે મેં એના વિશે કોઈને વાત કરી નહોતી. આ બધું મારા મનમાં ચાલતું હતું. એક વખત ગઝલો આવી જાય, એનું કમ્પોઝિશન તૈયાર થઈ જાય એટલે પછી એનું રેકૉર્ડિંગ શરૂ કરવાની મારી ધારણા હતી. રેકૉર્ડિંગ પછી હું સૌકોઈને એની જાણ કરવાનો હતો. શેખાદમ આબુવાલા ઘરે આવ્યા અને એ સમયે તેમની ગઝલ સાંભળી ત્યારે પણ તેમને ‘આહટ’ વિશે કશું કહ્યું નહોતું. ગઝલ સાંભળ્યા પછી મને પહેલો વિચાર એ જ આવ્યો હતો કે આ ગઝલ મારા પહેલા આલબમમાં હોવી જ જોઈએ.

ઘણી વખત એવું બનતું હોય છે કે તમને ગઝલ ખૂબ ગમે અને તમે એનું કમ્પોઝિશન તૈયાર કરો ત્યારે તમારી મજા મરી જાય. ધારો કે ગઝલ પણ ગમે અને કમ્પોઝિશન પણ સરસ તૈયાર થાય પણ એ પછી તમારી આજુબાજુના કે તમને જેના પર વિશ્વાસ હોય એ લોકોને મજા ન આવે અને એવા સમયે પણ તૈયાર કરેલી ગઝલ બાજુ પર રહી જાય. આવું વારંવાર બનતું હોય છે. શેખાદમની ગઝલ જ્યારે તેમના કંઠે સાંભળી ત્યારે મને ખૂબ ગમી હતી અને મનમાં જ મેં નક્કી કરી લીધું હતું કે હું આ ગઝલને ‘આહટ’માં સમાવીશ, પણ કમ્પોઝિશન સુધી હજી મનમાં આછીસરખી અવઢવ હતી, પણ એ શેખાદમભાઈએ સાંભળી અને તેમને ખૂબ મજા આવી એટલે મેં વિચાર્યું કે આ ગઝલને હું મારા પહેલા આલબમમાં જરૂર લઈશ અને એનું રેકૉર્ડિંગ કરીશ. એ દિવસે શેખાદમે મને કહ્યું કે પંકજ, તું ઉર્દૂ ગઝલ બહુ સારી રીતે ગાય છે. મારી એવી ઇચ્છા છે કે આપણે સાથે બેસીએ, સાથે બેસીને ઘણુંબધું કામ કરી શકીએ છીએ. જો તને ઇન્તેખાબ (એટલે કે ગઝલ પસંદ કરવાની પ્રક્રિયા) કરવું હોય કે મારે લાયક બીજું કોઈ પણ કામ હોય તો મને કહેજે, હું ખુશી-ખુશી તારી સાથે જોડાઈશ.

એ સમયે એમ જ સમજો કે હું ‘આહટ’નું કામ મનમાં ને મનમાં લગભગ ૯૯ ટકા કામ તૈયાર હતું એટલે સ્વાભાવિક રીતે એમાં શેખાદમભાઈની મદદની જરૂર નહોતી ઊભી થવાની, પણ મેં તેમને ત્યારે જ કહી દીધું કે આ મારા પહેલા આલબમમાં જો કોઈ બીજી તકલીફો ન આવે તો ૯૯.૯૯ ટકા આપણે તમારી ગઝલ લઈએ છીએ અને હવે રેકૉર્ડિંગ પર જઈશું. શેખાદમભાઈએ એમાં પણ રાજી થઈને સહમતી આપતાં કહ્યું કે તારે જ્યારે પણ ગઝલ રેકૉર્ડ કરવી હોય અને મારી એમાં આવશ્યકતા હોય તો મને કહેજે, હું અમદાવાદથી આવી જઈશ. જો તને એવું લાગે કે મારી જરૂર નથી તો પણ મને વાંધો નથી અને આવશ્યકતા લાગે તો પણ હું રાજી છું.

મેં આગળ કહ્યું એમ, શેખાદમ આબુવાલા અમદાવાદમાં રહેતા. તેમની ફૅમિલીમાં જો કોઈ સૌથી ક્લોઝ હોય તો એ તેમનાં બહેન-બનેવી. બહેનનું નામ બતુલબહેન અને તેમના બનેવી સિરાઝ રંગવાલા. ગઝલ રેકૉર્ડ કરતાં પહેલાં મેં તેમને જાણ કરી અને તેઓ આવ્યા. આ ગઝલ અમે વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોમાં રેકૉર્ડ કરી હતી. આ વેસ્ટર્ન આઉટડોરનો પોતાનો ઇતિહાસ છે અને આ સ્ટુડિયોએ મારી લાઇફમાં પણ બહુ મહત્ત્વનો રોલ અદા કર્યો છે. એક સમયના ખૂબ પૉપ્યુલર એવા આ સ્ટુડિયોમાં મેં મારા જીવનનાં બહુ યાદગાર એવાં આલબમ રેકૉર્ડ કર્યાં છે. એક ઇત્તેફાકની વાત કહું તમને. મારા જીવનની પહેલી ગઝલનું રેકૉર્ડિંગ મેં આ સ્ટુડિયોમાં કર્યું અને એ પણ શેખાદમ આબુવાલાની ગઝલ.

તુમ આયે ઝિંદગી મેં તો બરસાત કી તરહ,
ઔર ચલ દિયે તો ઐસે ખુલી રાત કી તરહ

આ એ ગઝલનું મુખડું હતું. શેખાદમ બહુ ખુશ થયા. તેમની ખુશીનો પાર નહોતો. ગઝલ રેકૉર્ડ થઈ, મિક્સિંગ સાથે ફાઇનલ પ્રોડક્ટ સાંભળીને તેઓ રાજીરાજી થઈ ગયા. જોકે તેમને માટે બીજી સરપ્રાઇઝ હવે આવતી હતી, જેનો તેમને અંદાજ પણ નહોતો.

પહેલી ગઝલના રેકૉર્ડિંગ પછી તેમણે જવાનું કહ્યું એટલે મેં તેમને રોક્યા અને એકાદ-બે દિવસ રહીને બીજી ગઝલોનું રેકૉર્ડિંગ સાંભળવાનું કહ્યું. શેખાદમ તરત જ તૈયાર થઈ ગયા. આમ પણ તેમણે તો કહ્યું જ હતું કે આ આખી પ્રિક્રયામાં તેમની ક્યાંય પણ જરૂર હોય તો એ મદદ કરવા રાજી જ છે. શેખાદમ રોકાઈ ગયા. તેમને એમ હશે કે મારે તેમને ફાઇનલ પ્રોડક્ટ સંભળાવવી છે, પણ એવું નહોતું. આવતા સમયમાં તેમને માટે મોટી સરપ્રાઇઝ હતી.

મેં બીજી ગઝલ રેકૉર્ડ કરી...

સૂરજ કી હર કિરન, તેરી સૂરત પે વાર દૂં,
દોઝખ કો ચાહતા હૂં, જન્નત પે વાર દૂં.
આદમ હસીન નિંદ મિલેગી કહાં,
ફિર ક્યું ના ઝિંદગાની કો તુર્બત પે વાર દૂં.

શેખાદમ આબુવાલાની જ બીજી ગઝલ. શેખાદમ માટે તો એ દિવસ જાણે કે સોનાનો સૂરજ લઈને આવ્યો હતો. એકદમ ખુશ, ભાવાવેશમાં, તેમની આંખોમાં આવેલી ચમક કહેતી હતી કે તેમને હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. કશું બોલી ન શકે, કંઈ કહી ન શકે. મેં તેમના ખભા પર હાથ મૂક્યો અને તેમને કહ્યું કે શેખાદમભાઈ, હજી તો ઘણી સરપ્રાઇઝ છે. રોકાઓ છોને બે-ચાર દિવસ?

હવે તેમને સરપ્રાઇઝનો અંદાજ આવી ગયો હતો. તેમણે મૂક સંમતિ આપી દીધી. આ સરપ્રાઇઝની અસર ઓસરે ત્યાં ત્રીજી ગઝલનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું. ‘તેરા ઉલ્ઝા હુઆ દામન...’ એ આ ત્રીજી ગઝલના શબ્દો અને એ ગઝલ પણ શેખાદમભાઈની અને એ પછી ચોથી ગઝલ આવી. એ ગઝલના શબ્દો હતા, ‘કહતા હૈ કૌન...’ આ ગઝલ પણ શેખાદમભાઈની. આ ગઝલની બીજી ખાસિયત એ હતી કે એ મારા મોટા ભાઈ મનહરભાઈએ એટલે કે મનહર ઉધાસે કમ્પોઝ કરી હતી. મનહરભાઈ કમ્પોઝિશન તૈયાર કરે એ પણ બહુ મોટી વાત હતી. આ બધા પછી તેઓ એકદમ મૂડમાં હતા. જાણે અત્યારે તેઓ સ્વર્ગમાં રાચતા હોય એવો તેમના ચહેરાનો ભાવ થઈ ગયો હતો. તેમને મજા આવી ગઈ હતી, આવી ખુશી તેમણે અગાઉ ક્યારેય માણી હોય એવું મારા ધ્યાનમાં નહોતું આવ્યું. મૂળ ગઝલનો જીવ, ઉર્દૂ ગઝલો પ્રત્યે તેમનો જે લગાવ હતો એ અવર્ણનીય હતો અને એવામાં તેમને ઉર્દૂ ગઝલ ક્ષેત્રે મોટી છલાંગ મળી હતી. સ્વાભાવિક છે કે બધા ખુશ જ હોય, રાજી જ હોય.

શેખાદમ આબુવાલાના વ્યક્તિત્વનાં કેટલાં બધાં પાસાં હતા. એવું નહોતું કે તેઓ માત્ર ગુજરાતી કે ઉર્દૂ શાયર જ હતા, તેઓ એક ખૂબ સારા જર્નલિસ્ટ પણ હતા. ગુજરાતના લીડિંગ ન્યુઝપેપરમાં તેઓ કૉલમ લખતા. એ કૉલમ એટલી પૉપ્યુલર હતી કે લોકો તેમની કૉલમ વાંચવા છાપું ખરીદતા. તેઓ એટલા ખુશ હતા કે મારી ગઝલ કોઈએ રેકૉર્ડ કરી અને આટલી સરસ રીતે રેકૉર્ડ કરી. આલબમ જ્યારે રિલીઝ થયું ત્યારે મને લાગે છે કે હું જેટલો ખુશ થયો હોઈશ એનાથી વધારે શેખાદમ વધારે ખુશ થયો હશે. એ જમાનામાં લૉન્ગપ્લે રેકૉર્ડ આવતી. ખબર નહીં, શેખાદમે ‘આહટ’ની કેટલી રેકૉર્ડ ખરીદી હશે અને કેટલા લોકોમાં એ રેકૉર્ડ ડિસ્ટ્રિબ્યુટ કરી હશે. પૂરી ખુશી અને ગર્વ સાથે કે ‘સુનો મેરી ઉર્દૂ ગઝલ. તમને નવાઈ લાગશે કે એ આલબમમાં રહેલી આઠ ગઝલમાં સૌથી વધારે પૉપ્યુલર પણ તેમની ગઝલો થઈ અને એમાં પણ એક ગઝલ તો અદ્ભુત રીતે લોકોમાં પૉપ્યુલર થઈ.

આ પણ વાંચો : કિસકે આંસુ ગિરે કફન પે મેરે, કૌન રોયા હૈ અજનબી કે લિએ

તુમ આયે ઝિંદગી મેં તો બરસાત કી તરહ,
ઔર ચલ દિયે તો ઐસે ખુલી રાત કી તરહ.

આજે પણ, આટલાં વર્ષે પણ લાઇવ કૉન્સર્ટમાં મને રિક્વેસ્ટ આવે છે કે તમે ‘આહટ’ની ગઝલો સંભળાવો. તમે માનશો નહીં, આ જે સફળતા હતી એનાથી શેખાદમ પણ ખૂબ આશ્ચર્યચકિત હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK