Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેટલીક વાતોને પાળવાનો સમય આવે ત્યારે બહુ આકરું લાગે

કેટલીક વાતોને પાળવાનો સમય આવે ત્યારે બહુ આકરું લાગે

07 August, 2019 10:31 AM IST | મુંબઈ ડેસ્ક
પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

કેટલીક વાતોને પાળવાનો સમય આવે ત્યારે બહુ આકરું લાગે

પંકજ ઉધાસ

પંકજ ઉધાસ


દિલ સે દિલ તક

(૧૯૮૧ની ૧પમી ઑગસ્ટની સાંજ અને ‘ખઝાના’ ગઝલ ઉત્સવ કાર્યક્રમનો પહેલો દિવસ. પહેલા જ દિવસે મારે પર્ફોર્મન્સ આપવાનો હતો. સાંજે સાત વાગ્યે કાર્યક્રમ શરૂ થવાનો હતો, હું અને ફરીદા બપોરે અમારી પહેલી કાર ફિયાટમાં નીકળ્યાં અને પહેલાં મારા પિતાશ્રીને મળવા માટે હૉસ્પિટલ ગયાં, ત્યાં તેમની સાથે આંખોથી વાતો થઈ, તેમને ‘મુકર્રર’ની લૉન્ગ-પ્લે દેખાડી, આશીર્વાદ લીધા અને પછી પહોંચ્યો હોટેલ તાજના ક્રિસ્ટલ બોલરૂમમાં)



ગ્રીનરૂમમાં બધા કલાકારો ભેગા થયા હતા. જેમના સંગીતનો હું બહુ મોટો ચાહક છું અને જેમને ‘બડે ભૈયા’નું સંબોધન કરું છું એ ભૂપિન્દર સિંહ રૂમના દરવાજાની બરાબર સામે બેઠા હતા, હું જઈને તેમની પાસે બેઠો અને તેમની સાથે મેં ચર્ચા શરૂ કરી. મારે ચાર ગઝલ ગાવાની હતી. મારી રીતે મેં તૈયારી કરેલી છતાં તેમને મેં એ ગઝલ દેખાડી એટલે તેમણે પણ રસપૂર્વક એ બધી વાતો સાંભળી. એ પછી અમે મ્યુઝિશ્યનો સાથે તૈયારી કરી, કહો કે રિહર્સલ્સ કર્યાં, જરૂરી સૂચનાઓ આપી અને જરૂરી સૂચન મેળવ્યાં. પહેલા દિવસની એ સાંજે મારે અને મારા ઉપરાંત ભૂપિન્દર સિંહ, અનુરાધા પૌડવાલ અને અન્ય મળીને કુલ ૬ જણનો પર્ફોર્મન્સ હતો. બધા એસ્ટૅબ્લિસ્ટ આર્ટિસ્ટ અને એ બધાની સામે હું બિલકુલ નવો કહેવાઉં એવો. મને કહેવામાં આવ્યું કે સૌથી પહેલાં પર્ફોર્મન્સ મારે જ આપવાનો છે.


મારું નામ અનાઉન્સ કરવામાં આવ્યું અને હું સ્ટેજ પર જઈને બેઠો. મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ જાણીતા ગઝલગાયકોની ગઝલ ગાવી નહીં, એ જ ગાવું જે મારું પોતાનું હોય અને લક્કીલી મારાં બે આલબમ આવી ગયાં હતાં. એક તો ‘આહટ’ અને બીજું તો એ જ દિવસે આવેલું ‘મુકર્રર’. આ બન્ને આલબમોની મોટા ભાગની ગઝલો મને અંગત રીતે ખૂબ પસંદ હતી તો સાથોસાથ એ પણ ખૂબ સારું હતું કે ‘આહટ’ની બધી રચનાઓ પણ લોકોને ખૂબ ગમી હતી. કાર્યક્રમની શરૂઆત મેં, મારી જ ગાયેલી મુમતાઝ રાશિદની એક બહુ જાણીતી રચનાથી કરી...

પત્થર સુલગ રહે થે કોઈ નક્શ-એ-પા ન થા,
હમ ઉસ તરફ ચલે થે જીધર રાસ્તા ન થા


કમાલનું ઑડિયન્સ હતું, બધા ખુશ-ખુશ થઈ ગયા. ગઝલ, એના શબ્દો અને વચ્ચે-વચ્ચે હસન કમાલની ટિપ્પણીઓ, તેમણે ચૂંટી રાખેલા શેર આવે એટલે વાતાવરણમાં જબરદસ્ત ઉછાળો આવે. એ સમયે જે શેર આવી રહ્યા હતા, જે શાયરીઓ હતી એ કોઈએ અગાઉ સાંભળી નહોતી એટલે બધાને ખરેખર જલસો પડી ગયો હતો...

પરછાઈયોં કે શહર કી તનહાઈયાં ન પુછ,
અપના શરીક-એ-ગમ કોઈ અપને સિવા ન થા.

આ શબ્દો મુંબઈ શહેરનું બયાન છે. માણસ પોતાની જાતને કેટલો એકલો માને છે કે તે આ શહેરમાં એકલો પડી ગયો છે અને હવે એકલતા સિવાય તેની પાસે કશું બચ્યું નથી. એકલતા વચ્ચે પડછાયાને પોતાનો સાથી માનવાની નોબત આવી ગઈ છે.

આ ગઝલ પૂરી કરીને મેં સહેજ હળવાશ અનુભવી હતી. જોકે એ હળવાશ માત્ર આ કાર્યક્રમ પૂરતી સીમિત હતી, કારણ કે મારા મનમાં, મારી આંખો સામે બીજી એક જગ્યાનું દૃશ્ય સતત ચાલ્યા કરતું હતું.

મેં બીજી ગઝલની શરૂઆત કરી. મારી ખૂબ જ પૉપ્યુલર થયેલી એ ગઝલના શબ્દો હતા...

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ
હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

ગઝલના મુખડા સાથે જ ઑડિયન્સ ઝૂમી ઊઠ્યું, એને મજા આવી ગઈ. મુખડું પૂરું કરીને હું પહેલા અંતરા પર આવ્યો અને હજી તો પહેલો શેર ગયો હશે ત્યાં ‘ખઝાના’ના ઑર્ગેનાઇઝર એવા મ્યુઝિક ઇન્ડિયાના એક સ્ટાફ-મેમ્બર બૅકસ્ટેજ પરથી ફ્રન્ટમાં મારી પાસે આવ્યા અને હળવેકથી મારા કાનમાં કહ્યું, ‘તમારા પિતાજીની તબિયત બહુ જ ખરાબ છે, તમે તાત્કાલિક ભાટિયા હૉસ્પિટલ પહોંચો.’
હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે જીવનમાં કોઈ પણ કલાકારને આવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે, ક્યારેય નહીં. એ સમય ખૂબ વસમો હોય છે. એ સમયે તમારા મનમાં એકસાથે અઢળક વિચારો આવી જાય છે અને તમારે નક્કી કરવાનું આવે છે કે હવે આગળ શું કરવું. એ સમયે પણ મારે જ નક્કી કરવાનું હતું કે હવે શું કરવું.

ઊભો થઈને ચાલતો થાઉં કે પછી મારું જે કામ છે એ પૂરું કરીને હું જાઉં?
એક બહુ જૂની કહેવત છે, જેને રાજ કપૂરે ફિલ્મ ‘મેરા નામ જોકર’માં ખૂબ સરસ રીતે દેખાડી હતી અને એ પછી તો એ કહેવત ખૂબ જાણીતી પણ બની.
Whatever may happen, Show must go on.

તમારો શો, તમારો કાર્યક્રમ તમે અટકાવીને બંધ ન કરી શકો. ચૅલેન્જ આવે, તકલીફો આવે, મુશ્કેલીઓ પણ પડે, પરંતુ તમારો શો અટકવો ન જોઈએ. આર્ટિસ્ટના જીવનની આ બહુ મોટી ચૅલેન્જ કહેવાય, કશમકશ કહેવાય. કાનમાં પેલા ભાઈના શબ્દો ગુંજતા હતા અને મોઢામાં ગઝલ ચાલતી હતી. સામે ઑડિયન્સ હતું, જે સતત દાદ આપતું હતું. ક્ષણવારમાં જ નિર્ણય લેવાનો હોય છે આવી ઘડીઓમાં, મેં નક્કી કર્યું કે મારી ફરજ છે કે ‘ખઝાના’ના કાર્યક્રમના પહેલા દિવસના આ કાર્યક્રમ વચ્ચેથી ઊભા ન થવું જોઈએ, આ એક કલાકારને શોભા નહીં દે.

ગઝલ આગળ વધારી અને આગળ વધતી ગઝલ સાથે આંસુઓને પણ મનમાંથી ઉડાડવાનું કામ શરૂ કર્યું. મન રડતું હતું અને ચહેરા પર ઑડિયન્સ માટે આછું સ્માઇલ હતું. દિલમાં પીડા હતી અને જીભ પર શબ્દો પણ ભારોભાર પીડા ભરેલા જ હતા...

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ
હમ ભી પાગલ હો જાયેંગે ઐસા લગતા હૈ

હા, એ ક્ષણ એવી જ હતી. દિલ અને દિમાગ વચ્ચે કોઈ જાતનો તાલમેલ ન રહે અને શરીરનાં બધાં અંગ એકમેક સાથેનું સંગઠન છોડીને પોતપોતાની રીતે કામ કરવા માંડે એવો એ ઘાટ હતો. ગઝલ પૂરી કરી. મારી સામે પેલા મ્યુઝિક ઇન્ડિયાના સ્ટાફ-મેમ્બરે જોયું, એ સમયે તે ઑડિયન્સમાં પાછળના ભાગ પર આવીને ઊભો રહી ગયો હતો. તેનું ધ્યાન મારા પર જ હતું. જો હું ઇશારો કરું તો તે ટૅક્સી કે પછી મને જોઈતી હોય એવી બીજી વ્યવસ્થા માટે હેલ્પ કરી શકે એવી તેની ઇચ્છા હતી. તેણે મને આંખોથી જ પૂછ્યું કે તમે નીકળવાના છોને? મેં તેની સામેથી નજર હટાવી લીધી. મને ડર હતો કે હું તેની એ ઇશારતને માન આપીને જવા માટે ઊભો થઈ જઈશ.

મેં નવી ગઝલની તૈયારી શરૂ કરી અને એ પછી બીજી બે ગઝલ ગાઈ અને મારા હિસ્સાનો આખો કાર્યક્રમ પૂરો કર્યો. લોકોએ ખૂબ વખાણ કર્યાં અને અઢળક તાળીઓ પાડી. હું સ્ટેજ પરથી ઊભો થયો અને ક્રિસ્ટલ બૉલરૂમની બહાર આવ્યો, એ જમાનામાં મોબાઇલ હતા નહીં કે તમે તરત જ તમારાં સગાંવહાલાં સાથે વાત કરી શકો. હું બહાર નીકળીને પેલા ભાઈ, જે મને સમાચાર આપવા આવ્યા હતા તેમની પાસે પહોંચ્યો અને તેમને પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે પિતાશ્રીની તબિયત સારી નથી.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

મારો પ્રશ્ન જરા પણ ખોટો નહોતો. મોબાઇલ હોય તો માણસ તરત જ ફોન કરીને જાણ કરે, પણ આ તો ૮૦ના દસકાની વાત હતી. હજી પેજર પણ નહોતું આવ્યું અને કોર્ડલેસ ફોન પણ ભાગ્યે જ જોવા મળતા હતા. (એ વસમી ઘડીની આગળની વાતો જોઈશું આવતા બુધવારે)

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 10:31 AM IST | મુંબઈ ડેસ્ક | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK