Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

20 February, 2019 12:07 PM IST |
પંકજ ઉધાસ

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

વિલાસરાવ દેશમુખ

વિલાસરાવ દેશમુખ


દિલ સે દિલ તક

ગયા વીકમાં મેં મારી પહેલી વારની રાષ્ટ્રપતિભવનની મુલાકાત વિશે વાત કરી, કહ્યું કે કેવી રીતે મને રાષ્ટ્રપતિભવનમાં જવા મળ્યું અને શંકરદયાલ શર્માજી સાથે મારી મુલાકાત થઈ. એ સમય હતો ૧૯૯૪નો. મિત્ર લલિત માકન અને તેમનાં વાઇફ ગીતાંજલિ માકનને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિભવનના જ ઑડિટોરિયમમાં મારી કૉન્સર્ટ રાખવામાં આવી હતી એમાં અનેક મહાનુભાવો હતા. એ મહાનુભાવોમાં એક હતા અટલ બિહારી વાજપેયીજી. અટલ બિહારી વાજપેયીજીને હું એ અગાઉ પણ મળ્યો હતો અને તે વડા પ્રધાન બન્યા એ પછી પણ મારું તેમને મળવાનું બન્યું હતું. એ વખતે તો તેમણે મને પોતાની પાસે બેસાડીને ડિનર પણ કરાવ્યું હતું, પણ એની વાતો પછી કરીશું, અત્યારે મારે વાત કરવી છે રાષ્ટ્રપતિભવનની. રાજકોટમાં ઊછરેલો એક છોકરો છેક રાષ્ટ્રપતિભવન પર કેવી રીતે પહોંચ્યો અને એ પહોંચવાની સફર કેવી રહી.



૧૯૯૪નું વર્ષ મારા માટે ખૂબ જ ઇવેન્ટફુલ રહ્યું હતું. એ જ વર્ષો મારું એક આલબમ પણ આવ્યું, જેનું ટાઇટલ હતું ‘અમન’. આ ટાઇટલ જ કહી દે છે કે એમાં વાત પ્રેમ અને શાંતિની કરવામાં આવી હતી. ‘અમન’ આલબમ આપણી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનાં સરસ્વતી એવાં લતા મંગેશકરે રિલીઝ કર્યું હતું. ‘અમન’નાં જે કોઈ ગીત-ગઝલો હતાં એ બધાના વીડિયો-સૉન્ગ પણ બનાવવામાં આવ્યાં હતાં. એ ગીત-ગઝલનું શૂટિંગ અમે સાઉથ આફ્રિકામાં કર્યું હતું. આ આલબમનો પ્રીમિયર ઝી ટીવી દ્વારા કરવામાં આવ્યો હતો. એ સમયે ઝી ગ્રુપ ધીમે-ધીમે મ્યુઝિકમાં દાખલ થવા માંડ્યું હતું, પણ પહેલી વખત એવું બની રહ્યું હતું કે ઝી દ્વારા ગઝલના આલબમનો પ્રીમિયર કર્યો હોય. એ પછી અમેરિકાની મારી સૌથી મોટી ટૂર થઈ, જે ખૂબ સકસેસફુલ રહી અને ત્યાર પછી પણ કાર્યક્રમો ચાલુ જ રહ્યા અને પ્રવૃત્તિઓ નૉનસ્ટૉપ થતી રહી.


૧૯૯૪થી ૧૯૯૬નો સમયગાળો એ ખૂબ જ હેક્ટિક રહ્યો એવું કહું તો પણ ચાલે. આ ત્રણ વર્ષ દરમ્યાન મારા અનેક નવાં આલબમો આવ્યાં અને એ આલબમોની સાથે કૉન્સર્ટ પણ ચાલુ હતી. જોકે એને હું હેક્ટિક ભલે ગણાવું પણ એ બધું આમ જોઈએ તો મારા માટે રૂટીન હતું. મોટી વાત કહેવાય એવી ઘટના બની ૧૯૯૮માં, એ વર્ષે મારું બહુ પૉપ્યુલર થયેલું આલબમ ‘સ્ટૉલન મોમેન્ટ્સ’ આવ્યું. આ આલબમનું એક ગીત આજે પણ ખૂબ જ વખણાય છે અને આજે પણ એ ગીતની ડિમાન્ડ સતત થતી રહે છે.

ઔર આહિસ્તા કીજિએ બાતેં,
ધડકનેં કોઈ સુન રહા હોગા
લફ્ઝ ગિરને ના પાએં હોઠોં સે,
વક્ત કે હાથ ઇનકો છૂ લેંગે
કાન રખતે હૈં યે દર-ઓ-દીવાર,
રાઝ કિ સારી બાત સુન લેંગે


ઝફર ગોરખપુરીની આ રચનામાં જરૂરી ફેરફારો કરીને ગીત તૈયાર કરવામાં આવ્યું હતું. આ ગીતનો અમે વિડિયો પણ બનાવ્યો હતો. એ વિડિયો આજે પણ બહુ પૉપ્યુલર છે અને યુટ્યુબ પર હજી પણ લોકો જુએ છે અને દરરોજ હજારો વ્યુઝ અને સેંકડો લાઇક્સ મળે છે. ઑલમોસ્ટ બે દશકાઓ પૂરા થઈ ગયા પછી પણ કોઈ નૉન-ફિલ્મી ગીત આટલું પૉપ્યુલર રહ્યું હોય એવું અગાઉ ક્યારેય બન્યું નહીં હોય એવું મારું માનવું છે.

નેવુંનો દશકો આખો આંખ ઝપકતાં જ કામમાં પસાર થઈ ગયો અને હું નવાં આલબમ બનાવવામાં વ્યસ્ત રહ્યો. એમ પણ કહી શકાય કે એ સમયમાં સમયનું પણ ધ્યાન નહોતું રહ્યું. એક ઍડ્વાઇઝ મને આપવી ગમશે. જ્યારે સમય તમને સાથ આપતો હોય ત્યારે મોજશોખ કે પછી ટાઇમપાસમાં સમય પસાર કરવાને બદલે મળેલા સમયનું મૂલ્ય સમજીને મહેનત કરવામાં શાણપણ છે. આ વાત મને મારા મોટા ભાઈ મનહર ઉધાસ પાસેથી શીખવા મળી છે.

કાર્માઇકલ રોડ પર હું જ્યાં રહું છું એની સામે રિઝર્વ બૅન્કના ગવર્નરનો બંગલો છે અને આ બંગલાની બાજુમાં મુંબઈના મ્યુનિસિપલ કમિશનરનો બંગલો છે. એ સમયે મ્યુનિસિપલ કમિશનર અરુણ શ્રીવાસ્તવ હતા. અરુણ શ્રીવાસ્તવ અને તેમનાં વાઇફને મ્યુઝિકનો ખૂબ શોખ હતો. ગાયકીના ક્ષેત્રમાં લાંબી મજલ કાપી લીધી હતી અને ઘરો પાસેપાસે હતાં એટલે તેમની સાથે અલપઝલપ મુલાકાતો થતી રહે. એક વખત અરુણ શ્રીવાસ્તવે મને કહ્યું કે આપણે એક કાર્યક્રમ મારા બંગલામાં રાખીએ. આ તેમની દિલીખ્વાહિશ હતી. મેં પણ કહ્યું કે ચોક્કસ આપણે રાખીશું. આફ્ટરઑલ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર અને પાડોશી પણ ખરા એટલે મેં કહ્યું કે ઇટ વિલ બી માય ઑનર.

સમય મળતાં જ અમે તારીખો નક્કી કરી લીધી અને નક્કી કરેલી તારીખે તેમના બંગલાના ગાર્ડન એરિયામાં બધી અરેન્જમેન્ટ કરી. બહુ સિલેક્ટેડ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેની મને ખબર હતી પણ ધારણા એવી હતી કે અરુણ શ્રીવાસ્તવે તેમના નજીકના લોકોને જ બોલાવ્યા હશે. એ મહેમાનો કોણ-કોણ હશે એની મને ખબર નહોતી, પણ જ્યારે મહેફિલ શરૂ કરવા માટે હું બેઠો ત્યારે એન્ટ્રી થઈ એ વખતના મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખની.

વિલાસરાવજીએ એ રાતે મારો આખો કાર્યક્રમ જોયો, માણ્યો અને વાહવાહની દાદ પણ અઢળક આપી. મિત્રો, માણસ મોટો થઈ જાય એ પછી પણ તેનાં મૂળ જમીન સાથે જોડાયેલાં રહેવાં જોઈએ. જો સફળતા મસ્તક પર ચડી જાય તો એનાથી બહુ મોટી તકલીફો ઊભી થતી હોય છે.

અમારો આ કાર્યક્રમ ચાલતો હતો એ દરમ્યાન એક નાનકડી ચબરખી આવી. આવી ચબરખી લોકો કૉન્સર્ટ દરમ્યાન પણ મોકલતા હોય છે, જેમાં તેમની ફરમાઇશ હોય છે. મેં એ ચબરખી વાંચી લીધી અને એકાદ ગઝલ પછી મેં એમાં જે કહેવામાં આવી, જેની ડિમાન્ડ કરવામાં આવી હતી એ ગઝલની શરૂઆત કરી.

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ,
હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ.

આ ગઝલ જેવી શરૂ થઈ કે તરત વિલાસરાવજી ઝૂમી ઊઠ્યા. આખી ગઝલ સાથે ગણગણે. એ જે ચિઠ્ઠી આવી હતી એ ચિઠ્ઠી તેમણે જ મોકલાવી હતી અને આ તેમની ફેવરિટ ગઝલ હતી. આખો કાર્યક્રમ પૂરો થયો અને એ પછી બધા સાથે નિરાંતે બેઠા પણ ખરા. રાતના ખાસ્સું મોડું થઈ ગયું હતું, પણ કોઈને જવાની ઉતાવળ નહોતી. કહો કે કોઈને એ માહોલ છોડીને જવું નહોતું. અમે રાતે બેઠા હતા ત્યારે તેમણે મને કહ્યું પણ ખરું કે હું ઇચ્છું કે આપણે જલદી ફરીથી મળીએ અને હું તમને સાંભળું. ખુશીની વાત હતી આ. મેં હા પણ પાડી અને તેમણે મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી બેચાર વખત ફોન કરીને ડેટ્સ જાણવાની કોશિશ પણ કરી, પણ અનાયાસ તે જે દિવસોમાં ફ્રી હતા એ દિવસોમાં મારી ફૉરેનની ટૂર લાઇનઅપ થયેલી હતી એટલે કૉન્સર્ટનું પ્લાનિંગ થઈ શક્યું નહીં. તેમની ઇચ્છા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને કાર્યક્રમ રાખવાની હતી, પણ એ અધૂરી જ રહી જતી હતી. પણ કહેવાય છેને, જેની તમે અદમ્ય ઇચ્છા કરો એ ઇચ્છા પૂરી થતી જ હોય છે.

બન્યું એવું કે એક નૅશનલાઇઝ બૅન્કને સો વર્ષ પૂરાં થતાં હતાં. બૅન્કે ખાસ આમંત્રિતો માટે કાર્યક્રમ રાખ્યો અને એ કાર્યક્રમમાં વિલાસરાવજી ચીફ ગેસ્ટ તરીકે આવ્યા. પંદર મિનિટ માટે આવવાના હતા અને પછી તેમને ખબર પડી કે તેમની સ્પીચ પછી મારો કાર્યક્રમ છે એટલે તેમણે પોતાના આગળના બધા કાર્યક્રમોમાંથી અમુક કૅન્સલ અને અમુક પોસ્ટપોન કરી દીધા અને બેસી ગયા શાંતિથી ગઝલ સાંભળવા. સવાબે કલાકનો એ કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ પણ તેમણે આખો માણ્યો. કાર્યક્રમ માણ્યો તો ખરો, પણ સાથોસાથ એક ચિઠ્ઠી પણ મોકલી, જે અક્ષરો જોઈને જ મને ખબર પડી ગઈ કે મારી પાસેથી કઈ ગઝલની ફરમાઇશ કરવામાં આવે છે.

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ,
હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ.

આ પણ વાંચો : થે લોગ ભોલેભાલે લેકિન થે પ્યારવાલે દુનિયા સે કિતની જલદી હો ગએ રવાના

કાર્યક્રમ પૂરો થયો એટલે તે મારી પાસે આવ્યા અને મને ફરીથી કમિટમેન્ટ કર્યું કે આપણે બહુ જલદી મળીએ છીએ. અમે પછી ફરી કેવી રીતે મળ્યા અને એ મળ્યા પછી મારી રાષ્ટ્રપતિભવનની બીજી વખતની યાત્રા કેવી રીતે શરૂ થઈ એની વાત કરીશું આવતા વીકમાં.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2019 12:07 PM IST | | પંકજ ઉધાસ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK