Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > થે લોગ ભોલેભાલે લેકિન થે પ્યારવાલે દુનિયા સે કિતની જલદી હો ગએ રવાના

થે લોગ ભોલેભાલે લેકિન થે પ્યારવાલે દુનિયા સે કિતની જલદી હો ગએ રવાના

13 February, 2019 10:57 AM IST |
પંકજ ઉધાસ

થે લોગ ભોલેભાલે લેકિન થે પ્યારવાલે દુનિયા સે કિતની જલદી હો ગએ રવાના

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ સે દિલ તક

રાષ્ટ્રપતિ ભવનમાં મારી પહેલી કૉન્સર્ટ હતી એ. આ પ્રકારની કૉન્સર્ટ અગાઉ ક્યારેય રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હશે કે કેમ એ એક પ્રશ્ન હતો. ખાસ કરીને આ પ્રકારના કમર્શિયલ આર્ટિસ્ટનો તો પ્રોગ્રામ અગાઉ કદાચ નહીં જ થયો હોય એવું મારું માનવું છે. મારી કૉન્સર્ટ માટેનું કારણ પણ મેં તમને લાસ્ટ વીકે કહ્યું. અવંતિકા માકન. મારા ફ્રેન્ડ લલિત અને ગીતાંજલિની દીકરી અને રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માની દોહિત્રી. જે સમયે લલિત અને ગીતાંજલિનું અવસાન થયું એ સમયે અવંતિકા ખૂબ નાની હતી એમ છતાં તેને યાદ હતું કે તેનાં પપ્પા-મમ્મી મારી ગઝલો સાંભળતાં. નાનપણની એ યાદો વચ્ચે જ તેણે તેનાં નાના-નાનીને સજેશન આપ્યું હતું કે તેનાં મમ્મી-પપ્પા જેના બહુ મોટા ફૅન હતાં તેમની જ કૉન્સર્ટ આપણે રાખીએ અને આ રીતે આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ.



રાષ્ટ્રપતિ ભવનમાં જવાની મારી ખ્વાહિશ હતી. દરેક દેશવાસીનું સપનું હોય એવું જ મારું પણ સપનું હતું, પણ એ સપનું આ રીતે લાગણી સાથે જોડાઈ જશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી. અવંતિકા માકન અને શંકરદયાલ શર્માજીને મળીને અમે લોકો નીકળી ગયા અને પછી રાતની કૉન્સર્ટની તૈયારીમાં લાગી ગયા.


રાષ્ટ્રપતિ ભવનમાં એનું પોતાનું ઑડિટોરિયમ પણ છે. એ ઑડિટોરિયમ ખૂબ સુંદર છે. ચારસો લોકોની એમાં કૅપેસિટી છે અને દુનિયાના કોઈ પણ ઑડિટોરિયમ જેટલું જ અલ્ટ્રામૉડર્ન પણ એ છે. સાઉન્ડ અને લાઇટ્સની એવી અરેન્જમેન્ટ કરવામાં આવી છે જેવી બેસ્ટ ઑડિટોરિયમમાં હોય. આ ઑડિટોરિયમ ઉપરાંત પણ રાષ્ટ્રપતિ ભવનમાં અનેક બીજા હૉલ પણ છે જે હૉલમાં રાષ્ટ્રપતિજીના અલગ-અલગ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. ડિનર માટેનો પણ એક હૉલ છે અને પદ્મશ્રીથી માંડીને અન્ય અવૉર્ડ-વિતરણ થાય તો એના માટેનો પણ એક અલાયદો હૉલ છે. આ તમામ હૉલને નામ પણ આપવામાં આવ્યાં છે. અશોક હૉલ અને દરબાર હૉલનાં નામો મને હજી પણ યાદ છે.

રાત પડી અને કૉન્સર્ટનો સમય થયો. બધા ગોઠવાઈ ગયા અને કાર્યક્રમ શરૂ થયો. બે કલાક લગાતાર આ કાર્યક્રમ ચાલ્યો. એ બે કલાક દરમ્યાન લલિત માકન અને તેમનાં વાઇફ ગીતાંજલિ માકન સતત મારી આંખ સામે રહ્યાં છે. મને દાદ દેતાં, મને તાળીઓથી વધાવતાં, આફરિન થઈને સ્ટૅન્ડિંગ અવેશન આપતા લલિતની એકેક મુદ્રા મને યાદ આવતી હતી. મેં તેને ગમતી ગઝલો, ગીતો અને કવિતાઓ રજૂ કયાર઼્. વચ્ચે-વચ્ચે તે બન્નેનું નામ લીધા વિના તેમની વાતો પણ કરી. અગાઉ મેં તમને કહ્યું એમ આ ઑડિટોરિયમની લાઇટ્સ પ્રોફેશનલ ઑડિટોરિયમની સરખામણીમાં પણ કદાચ ચડિયાતી છે. શો ચાલતો હોય એ દરમ્યાન ઑડિયન્સ ઉપરની લાઇટ્સ એના સાઉન્ડ સાથે જ ડિમ થઈ જાય અને જેવો સાઉન્ડ ધીમો પડે કે તરત જ ઑડિયન્સની લાઇટ્સ પણ ફુલ થઈ જાય.


કૉન્સર્ટ દરમ્યાન તો ડિમ લાઇટના કારણે ખબર નહોતી કે ઑડિયન્સમાં કોણ-કોણ બેઠું છે, પણ કાર્યક્રમ પૂરો થયા પછી મારું સન્માન કરવામાં આવ્યું ત્યારે મેં જોયું કે મારી સામે અટલ બિહારી વાજપેયીજી બેઠા હતા. વાજપેયીજી એ સમયે વિરોધ પક્ષના નેતા હતા તો તેમની બાજુમાં નરસિંહ રાવ બેઠા હતા. આ ઉપરાંત એ સમયના પૉપ્યુલર કહેવાય એવા પૉલિટિકલ સ્ટાર્સ પણ ત્યાં હાજર હતા.

કૉન્સર્ટ દરમ્યાન મેં ઝફર ગોરખપુરીની એક નઝમ ગાયેલી. એ નઝમનું ટાઇટલ છે ઇક્કિસવી સદી. આ નઝમમાં આપણા દાદા, પપ્પા, આપણે અને આપણાં સંતાનો એમ ચાર પેઢીની વાત હતી. નઝમના શબ્દો હતા...

દુખ સુખ થા એક સબ કા, અપના હો યા બેગાના
એક યે ભી થા ઝમાના, એક યે ભી હૈ ઝમાના

અટલ બિહારી વાજપેયી પોતે ખૂબ જ ઉમદા કવિ અને હિન્દી પર તેમનું જબરદસ્ત પ્રભુત્વ. તેમણે મને કહ્યું કે આખી કૉન્સર્ટનો કોહિનૂર જો કોઈ હોય તો એ ઝફર ગોરખપુરીની નઝમ. અત્યારે આ ક્ષણે પણ આ વાત લાગુ પડે છે. અટલજી જ્યારે બોલ્યા ત્યારે તેમની નજર શંકરદયાલ શર્માજી પર હતી. હું તેમની વાત સમજી ગયો. નાના-નાની દોહિત્રીને મોટી કરતાં હતાં. અચાનક જ આ જવાબદારી આવી ગઈ હતી અને એ જવાબદારીને તે પ્રેમપૂર્વક સંભાળી રહ્યાં હતાં. વ્યક્તિ ગમેતેટલી મોટી હોય, મહાન હોય પણ અંતે તો તેનામાં દિલ છે જ. હું સમજી શકતો હતો કે એ સમયે શંકરદયાલજી માટે પોતાની આંખો કોરી રાખવાનું કામ કેટલું કઠિન હશે.

એ નઝમની કેટલીક પંક્તિ એ સમયે અટલ બિહારી વાજપેયીજી એમ જ બોલી ગયા એટલે મને સમજાયું કે તેમને માત્ર મારી ગાયકી નહીં, પણ તેમને એ રચના પણ ખૂબ જ પસંદ હતી અને તેમણે એ અગાઉ વાંચી પણ હતી.

સંતોષ થા દિલોં કો, માથે પે બલ નહીં થા
દિલ મેં કપટ નહીં થા, આંખો મેં છલ નહીં થા
થે લોગ ભોલેભાલે, લેકિન થે પ્યારવાલે
દુનિયા સે કિતની જલદી હો ગએ રવાના

વાત તો સાવ સાચી હતી.

લલિત અને ગીતાંજલિના હજી તો દિવસો શરૂ થઈ રહ્યા હતા. અવંતિકા માત્ર પાંચ જ વર્ષની હતી. એ પાંચ વર્ષની દીકરીને આંખ સામે રાખીને તેમણે કેવાં સપનાંઓ જોયાં હશે. મને આજે પણ એ વાતનું અચરજ છે કે બેમાંથી એક પણ મિત્રએ ક્યારેય પોતાના આ એટલે કે શંકરદયાલ શર્માવાળા સ્ટેટસનો ઉપયોગ તો શું ઓળખાણ પણ નહોતી આપી. શર્માજી વચ્ચે તો મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ બનીને આવ્યા હતા. એ સમયે પણ મારે લલિત સાથે વાતો થતી, પણ તેમણે એ વિશે પણ કશું કહ્યું નહોતું. મને યાદ છે કે તે હંમેશાં એવું કહેતા કે ગવર્નમેન્ટનું કંઈ પણ કામ હોય તો વિના સંકોચે કહેજો. પણ આપણને એવું કોઈ કામ પડે નહીં એટલે એવી વાતોમાં મેં પણ ક્યારેય રસ લીધો નહોતો. જીવવાનું હજી તો શરૂ કર્યું હતું. સત્તા મળવાની પણ તેમને હવે શરૂ થઈ હતી અને આ સત્તા સાથે તે હજી પણ ખૂબ આગળ નીકળે એવી પૂરતી સંભાવના હતી. હું કહીશ કે લલિત માકન જો અત્યારે હયાત હોત તો ચોક્કસ તે બહુ મોટા હોદ્દા પર હોત. પણ એમ છતાં પણ તેમણે ક્યારેય એ વાતનું ગુમાન દેખાડ્યું હોય એવું બન્યું નહોતું. તેમનાં વાઇફ ગીતાંજલિ પણ એટલાં જ સાલસ અને જમીન પરનાં વ્યક્તિ હતાં.

એ કૉન્સર્ટ પૂરી થયા પછી અટલજીએ જે રીતે પેલી બે પંક્તિઓ યાદ કરી એ રીત ખરેખર સૌકોઈની આંખોમાં પાણી લાવી દેનારી હતી. લલિત અને ગીતાંજલિને એ પંક્તિઓ અક્ષરશ: લાગુ પડતી હતી.

થે લોગ ભોલેભાલે, લેકિન થે પ્યારવાલે
દુનિયા સે કિતની જલદી હો ગએ રવાના

આ પણ વાંચો : આ અવંતિકા, તમારા ફ્રેન્ડ લલિત-ગીતાંજલિની દીકરી

બધા સાથે વાત કરતાં અમે સમય પસાર કર્યો અને પછી સૌકોઈ પોતપોતાના રસ્તે રવાના થયા, પણ અમારા બધા સાથે એ રાતે લલિત માકન પણ આવતા હતા. આ મારો રાષ્ટ્રપતિ ભવનનો પહેલો અનુભવ. પહેલો અનુભવ આ પ્રકારનો રહેશે એવી કોઈ કલ્પના પણ નહોતી. રાષ્ટ્રપતિ ભવનમાં ગયાનો આનંદ પણ હતો અને અંદરથી ખાલીપો પણ સતત કરડતો હતો. એકધારો પ્રેમ આપનારા ભાઈબંધની એ યાદો સાથે અમે મુંબઈ આવવા માટે રવાના થયા. એ સમયે ખબર નહોતી કે મને ફરી વખત રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ જુદા જ કારણસર જવાની તક મળશે. એ તક સમયે એક એવી વિભૂતિને પણ મળવા મળશે જેમને મળવું એ જીવનભરનો લહાવો ગણાશે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2019 10:57 AM IST | | પંકજ ઉધાસ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK